સૂરસાધના

ગુજરાતી લેખિનીમાં સ્વૈરવિહાર

પ્રકરણ – 11 : નવી સંપદા

વીતેલી વાર્તા વાંચવા ઉપર આપેલા ટેબમાંથી
બીજી લાઈનના ‘નવલકથા’  ટેબ ઉપર ‘ક્લીક’ કરો.

——————————————- 

      અને બધા ભડવીરો નદીને પેલે પાર આસાનીથી પહોંચી ગયા. સાથે અણીદાર પથ્થર અને વેલાઓનાં દોરડાં એવી બધી સામગ્રી તેમણે પીઠ ઉપર બાંધી દીધી હતી. કરાળ કાળ જેવી નદી તેમને માટે હવે માતાની હુંફાળી ગોદ જેવી હતી. કાળભૈરવનો ભય તેમને માટે ભુતકાળની સ્મૃતી માત્ર જ હતો.

    કાંઠો ઓળંગી, ઘાસનું બીડ પસાર કરી ચારેએ વીશાળ મેદાનમાં પગ મુક્યો. અસંખ્ય ઘેટાં અને બકરાં કોઈ આશંકા કે ભય વગર ચરી રહ્યાં હતાં. તેમણે એક પછી એક કરીને ચાર જાનવરને બહુ જ સરળતાથી ઘેરી લીધા. તેમને ઝબ્બે કરી, ગણતરીના સમયમાં તેમણે પોતાનું કામ પતાવી દીધું.

     પણ ખરી સમસ્યા હવે ખડી થઈને ઉભી રહી. આ મારણને ઘર ભેગું શી રીતે કરવું? ચારે જણે એકબીજાની પીઠ ઉપર આ બકરીઓને બાંધી દીધી. વજન ઘટાડવા પથરા અને વધારાના વેલા નદીકાંઠે જ મુકી દીધા. અને બધા નદીમાં ખાબક્યા. પણ હવે નવા બોજ સાથે તરવાનું કામ આસાન ન હતું. ગોવો માંડ પોતાની જાતને તરતી રાખી શકતો હતો. પાંચો તો આ ભારથી ડુબવા માંડ્યો. તેણે જીવલેણ ચીસ પાડી અને પાણીમાં ઉભો રહી ગયો. બધા પાછા વળ્યા.

     હવે કરવું શું? ગોવો કહે,” આપણે આ બકરું અહીં જ છોડી જઈએ.” પણ કાળુ કોનું નામ? એ બધામાં સહુથી વધુ જોરાવર હતો. તેણે કહ્યું,” પાંચો અહીં જ રહે. હું મારી બકરી પેલે પાર મુકી આવીને પાછો આવીશ. પછી પાંચાનો ભાર લઈ જઈશ. આવો કીમતી માલ કાંઈ જતો ન કરાય.”

    ત્રણે જણ બકરીઓનો ભાર પીઠે વહોરીને ફરી નદીના પાણીમાં ખાબક્યા. બેળે બેળે. માંડ માંડ બધા સામા કાંઠે થયા. કાળુ સીવાય કોઈના હોશકોશ ન હતા. પણ કાળુ જેનું નામ? એ તો તરત પાછો વળ્યો. વળતી ફેરીમાં બકરી બાંધેલો કાળુ અને ખાલી પીઠે પાંચો પાછા વળ્યા. હા! આ વખતે પાંચારામ પેલે પાર પહેલાં પુગી ગયા હતા!

    ઘડીક હાહ ખાઈ ચારે જણા કોતરોમાં પાછા આવ્યા. બધાંએ તેમનું અભીવાદન કર્યું અને આણેલી સંપદાને રાજી થઈને આવકારી. ચારે જણે સામે પારની સમૃધ્ધીનો નજરે દેખ્યો અહેવાલ બધાને જણાવ્યો. બધાંની આંખો ચાર બની ગઈ. નવી શક્યતાઓ હવે વાસ્તવીકતા બની ચુકી હતી. જોગમાયાની અનહદ કૃપા માટે બધાં ભાવવીભોર બની રહ્યા. સામે પારથી આણેલું મારણ આખી વસ્તીને પુરતું થઈ રહ્યું, પાળેલા કુતરાં અને બીલાડાં પણ ધરાઈ ગયાં. અને છતાં વધ્યું. આ ચામડાં પણ નવી કરીશ્માવાળાં હતાં. એનો ઉપયોગ કોણ પહેલું કરે તે માટે સ્ત્રીઓમાં ચડસાચડસી પણ શરુ થઈ ગઈ! એક નવી જ ફેશને પણ આકાર લઈ લીધો હતો!

   જ્યાફત પતી ગયા બાદ સૌ હવે પછી શું કરવું તેના વીચારમાં પડ્યાં. રોજ તો આમ શી રીતે નદી તરાય? કાં તો મારણને આ પાર લાવવા માટે કોઈ નવું સાધન બનાવવું પડે, અથવા પેલે પાર જ રહેવાનું રાખવું પડે. પણ ગુફાઓ અને કોતરોમાં રહેવા ટેવાયેલી આ વસ્તીને ખુલ્લા મેદાનોમાં રહેવામાં મોટો ભય લાગતો હતો. વરસાદ આવે ત્યારે ક્યાં આશરો લેવો? વાઘ, સીંહ, દીપડા આવી જાય તો? અને જોગમાયાની ધરતી છોડે તો તેમની કૃપા પણ તેમને છોડીને જતી રહે તો? ગોવા સીવાય સૌના મનમાં આ આશંકાઓ નો ઓથાર ભરેલો હતો.

   ત્યાંજ કાળુ અને લાખો બોલી ઉઠ્યા, “ પર્વતના રસ્તે અમે એક ઝાડ કાપીને રાખ્યું છે. એ કોઈ રીતે કામ આવે?”

    બધા એ ઠેકાણે પહોંચી ગયા. એ ઝાડની બધી નાની ડાળીઓ કાપી નાંખી અને જોર કરી કરીને એને ઢોળાવ પર સરકાવવા માંડ્યા. આટલા બધા બળીયા કામે લાગ્યા હતા, છતાં ઝાડ ચસકવાનું નામ લેતું ન હતું.

    પાંચો દુર ઉભીને આ પ્રયત્નો નીહાળી રહ્યો હતો. એના ચકોર દીમાગમાં એક વાત તરત આવી કે, નાની ડાળીઓ ખસેડવામાં કોઈ તકલીફ ન હતી. એમને ઉંચકી કે રગડી શકાતી હતી. તેણે વાત મુકી કે, એના નાના નાના ટુકડા કરી ઝાડના થડની નીચે મુક્યા હોય તો? તરત કાળુ, લાખો અને બીજા મચી પડ્યા. ચાર મજબુત, નાના ગોળવા કાપવામાં આવ્યા; અને થડની નીચે ચાર જગ્યાએ તેમને સરકાવીને મુકી દીધા. અને બધા બળીયાઓએ થડને દમ ભરીને ધક્કો માર્યો.

     અને સરરર કરતું એ મહાકાય થડ તો સરક્યું. ઢોળાવ પર એ તો દોડવા માંડ્યું. પહેલો ગોળવો અડધેથી વધારે આવી જતાં ભફામ્ દઈને થડની આ ગતી રોકાણી. આ નવી શોધને બધાંએ તાળીઓના ગડગડાટથી વધાવી લીધી. બધાંએ પાંચાને આ આવીષ્કાર માટે નવાજ્યો.

   પહેલું પૈડું જન્મ લઈ ચુક્યું હતું. ભાવીના ગર્ભમાં એક નાનકડું બીજ રોપાઈ ચુક્યું હતું. આ નાનકડી ઉપલબ્ધી માનવજાતને ક્યાંથી ક્યાં દોડતો કરી મુકવાની હતી.

   પછી તો આ કળા ધીમે ધીમે તેમને હસ્તગત થઈ ગઈ. ક્યારે આગળ વધેલા થડને આધાર આપતો બીજો ગોળવો ઉમેરવો તે તેમને તરત આવડી ગયું. નદીની રેતી આવી જતાં આ કામ થોડું મુશ્કેલ બન્યું. પણ હવે ગોળવા વાપરવાની કળા સૌને સાધ્ય બની ગઈ હતી. આ મહાન કામ પાર પાડવાના ઉત્સાહમાં સૌના દેહ જોગમાયાની ગુફામાં આનંદોત્સવ ટાણે કર્યું હતું તેવું નૃત્ય કરી રહ્યા.

    હવે દરરોજ, સામે પારથી, નવી સંપદા હાથવગી થવાની હતી. શીકાર માટે વનવન ભટકવું હવે ભુતકાળની આપદા બની જવાની હતી.

    બીજે દીવસે થડને નદીના પટમાં વહેતું મુકવાનો સંકલ્પ કરી સૌ કોતર ભેગા થયા.

5 responses to “પ્રકરણ – 11 : નવી સંપદા

 1. gandabhaivallabh ઓગસ્ટ 2, 2008 પર 3:34 એ એમ (am)

  આ પ્રાગૈતહાસિક વાર્તા હું વાંચું છું, અને એમાં ઉમેરાતા વિવિધ રંગો મને ગમે છે.
  હાર્દિક આભાર સુરેશભાઈ.

  -ગાંડાભાઈ વલ્લભ

 2. Chirag Patel ઓગસ્ટ 2, 2008 પર 10:28 એ એમ (am)

  હવે પૈડાંની સાથે વાર્તા પણ ગતી પકડશે.

  દાદા, પથ્થર અને વેલાં સાથે વજન ઘટાડવાની વાત સમજ ના પડી.

 3. pragnaju ઓગસ્ટ 2, 2008 પર 11:19 એ એમ (am)

  નદી, બાગ-બગીચો,વૃક્ષો જેમ જેમ દેતા જાય છે
  તેમ તેમ તેમની સંપદા વધુ વૃદ્ધિ પામે છે.
  બાકી એક ગાડું ક્યારનું પૈડાં વગર,
  બે બળદ ખેંચ્યા કરે સમજ્યા વગર.
  હવે પૈડાંથી …?

 4. સુરેશ જાની ઓગસ્ટ 2, 2008 પર 2:27 પી એમ(pm)

  એ ,લોકો પથ્થરો અને વેલા સાથે લઈ ગયા હતા, જેની જંગલોમાં કોઈ જરુર ન હતી, વળી સામે કાંઠે બીજા દીવસે પણ કામ લાગી જાય.
  ——
  પણ આ હું સુધારી લઈશ, જેથી વાંચનારને તરત ખ્યાલ આવી જાય.
  —–
  આ વાર્તામાં કથાવસ્તુ અને ફલક તો નીમીત્ત માત્ર જ છે. જે ઉજાગર થાય છે તે, માનવ સ્વભાવ, વૃત્તીઓ, વીચાર અને વીકાસ શક્તી છે – જે સનાતન છે. સ્થળ અને સમયથી પર.

 5. nirlep ઓગસ્ટ 6, 2008 પર 2:59 પી એમ(pm)

  yes, sureshbhai, ideas are nobody’s monopoly.

તમારા વિચારો જણાવશો?

Please log in using one of these methods to post your comment:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google photo

You are commenting using your Google account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s

%d bloggers like this: