સૂરસાધના

ગુજરાતી લેખિનીમાં સ્વૈરવિહાર

પ્રકરણ – 12 : તરાપા પ્રયોગ – 2

વીતેલી વાર્તા વાંચવા ઉપર આપેલા ટેબમાંથી
જમણી બાજુથી બીજા ‘નવલકથા’  ટેબ ઉપર ‘ક્લીક’ કરો.

————————————————————-    

      બીજા દીવસે સવારે, જોગમાયાનું સ્મરણ કરીને, મજબુત વેલાથી બાંધેલું થડ નદીમાં વહેતું થયું. સૌથી પહેલાં, પ્રયોગવીર પાંચો એની ઉપર સવાર થયો. તેણે હવે આ થડ નદીના પ્રવાહમાં વધુ પડતું વહી ન જાય, અને સામે કાંઠે પહોંચે; એ માટેની યુક્તી શોધી કાઢવાની હતી. તેણે હાથમાં એક લાંબી અને મજબુત લાઠી રાખી હતી, જેથી તેને નદીના પટમાં નીચે નાંખી, થડને હડસેલો મારી શકાય.

      પહેલો જ હડસેલો, અને થડ તો ગોળ ફરી ગયું; અને પાંચારામ નદીના પાણીમાં. તે તરતા શીખ્યો હતો અને શીખવાડ્યું હતું; પણ ડુબકી મારતાં નહીં! તે કીનારાની બહુ જ નજીક હતો એટલે બીજા મીત્રો તરત નદીમાં ખાબક્યા અને પાંચાને ઉગારી લીધો. ઉંધો કરીને પી ગયો હતો, તે પાણી કાઢ્યું.

      બધા નીરાશ બનીને, માથે હાથ દઈ બેઠા. આ સંઘ કાશીએ પહોંચે તેમ લાગતું ન હતું. સસ્તો શીકાર લાવવા માટે, રોજ તરીને, ડુબી જવાના ભયના ઓથારમાં ફડફડતા રહેવા કરતાં જંગલોના ધોડા શા ખોટા હતા? ત્યાં તો ભયોના મુકાબલા માટે અણીદાર પથ્થરો હતા. ત્યાં શ્વાસ ગુંગળાવી નાંખે તેવું પાણી ન હતું. બાપદાદાઓએ અનેક સદીઓના અનુભવ પરથી સ્થાપીત કરેલી પરંપરા ખોટી ન હતી. એના વગર કોઈ ઉગાર ન હતો.

     હવે શું કરવું? પાંચાને થોડી કળ વળતાં, તેનું મન વીચારે ચઢ્યું. થડને ગોળ ફરતું રોકવું હોય તો, તેને પકડી રાખવું પડે. નદીમાં તરતાં તરતાં આ કામ તો શેં થાય? નીરાશાથી તેનું મન ઘેરાઈ ગયું. આ વાત તેને અશક્ય લાગવા માંડી. પોતે તરવું એક વાત હતી, અને આટલા મોટા થડને તરતું રાખવું એ બીજી.

     પણ તેની વીચારશક્તી અનેક દીશામાં કામ કરતી હતી. ગોવો પહેલી વખત નદી પાર થયો હતો; તે ઘટના ઉપર તેનું મન તરત કેન્દ્રીત થયું. એ વખતે તો નદીમાં પુર આવેલું હતું; અને તેનો પ્રવાહ ધસમસતો હતો. અને છતાં શા માટે ગોવો ડુબી ગયો ન હતો? આ થડમાં અને જે ઝાડ ઉપર ગોવો ચઢી ગયો હતો, તેમાં શું ફરક હતો? તરત તેને ખબર પડી ગઈ કે, ઝાડ કોઈ માણસે કાપેલું ન હતું. એ તો વાવાઝોડામાં જમીનદોસ્ત થયેલું હતું. એની ઘણી બધી ડાળીઓ મોજુદ હતી. ઝાડ ગોળ ફરી શકે તેમ જ ન હતું.

    પાંચો તરત બરાડ્યો,” આને હવે ડાળીઓ લગાવવી પડશે.”

    બધાને થયું કે, ‘પાંચાને વીચારવાયુ થયો લાગે છે.’ ગોવાએ એને પુછ્યું પણ ખરું,” તારી સુધબુધ તો ઠેકાણે છે ને? પાણી પીધું છે, તે મગજ ચસકી ગયું તો નથી ને? ”

    પાંચાએ પોતાનું અવલોકન સમજાવ્યું. બધા તેની તર્કશક્તી પર વારી ગયા. લાખારામ કહે: “હેંડો લ્યા! બીજું ઝાડ કાપી લાવીએ. હવે ડાળીઓ નહીં કાપીએ.”

    પાંચાએ કહ્યું,”ના, ના. આની ઉપર ડાળીઓ ઉગાડી દઈશું.” બધા વીસ્મયથી તેની સામે જોઈ રહ્યા. પાંચો નદીના કીનારા પર પડેલો ડાળીનો એક ગોળવો ઉપાડી લાવ્યો; જેનો ઉપયોગ થડને રગડાવવા કર્યો હતો. તેણે વેલા લઈ આ ગોળવાને થડની સાથે કસીને બાંધી દીધો. સલામતી ખાતર થડની બીજી બાજુ બીજો એક ગોળવો પણ બાંધી દીધો. પછી તેણે ગોવાને અખતરો કરવા કહ્યું. તે પોતે ડુબવાના કારણે ડરી ગયેલો હતો.

    ગોવો માનવજાતના આ પહેલા તરાપા ઉપર આરુઢ થયો. લાઠી વડે એણે હડસેલો માર્યો અને થડ તો હાલ્યું. બીજા ત્રણ પણ તરીને આ પહેલા તરાપા ઉપર ચઢી ગયા. દરેકના હાથમાં લાઠીઓ હતી. બધાએ સાગમટે લાઠીઓથી હડસેલા મારવાનું શરુ કર્યું. હવે તરાપો ઠીક ઠીક આગળ નીકળી ગયો હતો.

    પણ આગળ જતાં નવી મુશ્કેલી ઉભી થઈ. હવે લાઠીઓ ટુંકી પડતી હતી. તરાપો તો નદીના વહેણમાં, કોતરોથી દુર તણાવા લાગ્યો. લાઠીઓ વડે આકસ્મીક જ બધા પાણી કાપવા લાગ્યા. અને સૌના આશ્ચર્ય વચ્ચે તરાપો થોડો સામા કીનારા તરફ ખસ્યો. હવે બધા હડસેલવામાંથી હલેસવામાં પ્રવૃત્ત થયા અને દમ દઈને મચી પડ્યા.

     તરાપાની શોધ પછી, હલેસાંની આ નવી શોધ આકસ્મીક જ થઈ ગઈ હતી.

     સામે કાંઠે પહોંચી, શીકાર પતાવી, બધી મતા થડ સાથે બાંધી દેવામાં આવી. આવ્યા હતા તેમ બધા પાછા કોતરો ભેગા થયા. આ વખતે તો તેમણે વીસેક બકરાં માર્યાં હતાં. બધી બાનુઓ માટે નવી ફેશનનાં, ધોળાં બખ્ખ જેવાં, ચામડાં હાજર હતાં!

      દસેક દીવસ આ પ્રવૃત્તી એકધારી ચાલી. દરેક વખતે નવા આવીષ્કારો થતા રહ્યા. પાંચાએ બીજી વીસેક ડાળીઓ આ થડ સાથે બાંધી દીધી હતી.થડ હવે આ ડાળીઓની નીચે રાખવામાં આવ્યું હતું. હવે થડ ઉપર વળગીને બેસવાનું ન હતું. આરામથી પલાંઠી વાળીને, તરાપા ઉપર બેસવાની, સરસ સગવડ થઈ ગઈ હતી. અનુભવે, પહોળાં ફણાવાળાં હલેસાં પણ બનાવી દીધાં હતાં. આનાથી હવે તરાપો તીવ્ર વેગે સામે પાર જઈ શકતો હતો.

     રુપલી અને બીજી સ્ત્રીઓએ સરસ મજાનાં, લીલા ચટ્ટક, વેલા અને ફુલોથી વસ્તીના આ પહેલા વાહનને શણગાર્યું. હવે તો આ નવા તરાપાની સહેલ બીજા બધાંએ પણ માણી. યુવતીઓ અને ઘરડેરાં પણ નદીની સહેલ લઈ આવ્યાં. તરાપા વીદ્યામાં બરાબર ફાવટ આવી જતાં બાળકોની વાનરસેના અને કુતરાં પણ આ લહાવો લઈ ચુક્યાં હતાં. હવે કામ પણ બહુ ઓછું થઈ ગયું હતું. મોજમજાના કરવાના દીવસો આવ્યા હતા. નદીના પ્રવાહને કાળા માથાના માનવીએ નાથ્યો હતો. હવે તે નાવીક બન્યો હતો.

      તેની જીવનનાવ હવે અનેક અણજાણ્યા પ્રદેશોમાં સ્વૈરવીહાર કરવાની હતી. નહીં કલ્પેલાં, નવાં સ્વપ્નો આકાર લેવાનાં હતાં. નવી સમ્પત્તી અને નવા ભયો. નવી સગવડો અને નવી વ્યથાઓ. નવાં સુખ અને નવાં દુખ. એક પ્રચંડ ભવીતવ્યનાં કમાડ આ ગોળવા, આ તરાપા, આ હલેસાંએ ખોલી દીધાં હતાં. બધી જુની વ્યવસ્થા કડડભુસ્સ થઈને તુટી પડવાની હતી. એક નવો જ સમાજ બહુ જ નજીકના ક્ષીતીજમાં ઉગી રહેવા તલપાપડ બનીને તૈયાર ઉભો હતો.

    આ પ્રક્રીયા અપરીવર્તનશીલ હતી. મોજમજાની જ નહીં પણ મુશકદોડની પણ આ પ્રથમ શરુઆત હતી. હવે અટકવાનું ન હતું. અને હવે છટકવાનું પણ ન હતું. નદીનું ધસમસતું પુર તો એક જ દીવસમાં ઓસરી ગયું હતું; પણ આ પ્રવાહ તો બીન-બ-દીન બળવત્તર થવાનો હતો.

     એ પ્રવાહ માનવીને ક્યાંથી ક્યાં લઈ જવાનો હતો; તેની તો માત્ર જોગમાયાને જ ખબર હતી. કે તેને પણ નહીં?!

– વધુ આવતા શનીવારે

One response to “પ્રકરણ – 12 : તરાપા પ્રયોગ – 2

  1. Chirag Patel ઓગસ્ટ 9, 2008 પર 4:11 પી એમ(pm)

    વાર્તા સરસ પ્રવાહીત થઈ રહી છે.

તમારા વિચારો જણાવશો?

Please log in using one of these methods to post your comment:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google photo

You are commenting using your Google account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s

%d bloggers like this: