વીતેલી વાર્તા વાંચવા ઉપર આપેલા ટેબમાંથી
ડાબી બાજુના ‘નવલકથા’ ટેબ ઉપર ‘ક્લીક’ કરો.
———————————————-
એક વરસ પછી…
રુપલી:” “હાલ્ય ગોવા! બાબલાને જોગમાયાને પગે લગાડી આવીએ. હવે ત્રણ મહીનાનો તો થઈ ગયો.”
ગોવો: “ “હા! મનેય મનમાં ક્યારનું એમ થતું હતું. આ અહીંના કામમાંથી તો ક્યારેય નવરાશ નહીં મળે.””
અને બન્નેએ ચાંદો મોટો થાય, એ દી સાંજે જવાનું નક્કી કર્યું. હજુ કાલે જ એને કાળભૈરવ ગળી ગયો હતો, એની ચુંગાલમાંથી ફરી એક વાર ઉગરતાં ચાંદાને બે અઠવાડીયાં લાગવાનાં હતાં.
હવે તો આખો કબીલો મેદાનોના પ્રદેશમાં વસવા આવી ગયો હતો. જો કે, કોતરો અને ગુફાઓ જેવી રહેવાની મજા તંબુમાં ક્યાં હતી? ત્રણ વળીઓને બાંધી, જમીનમાં ગાડી, ચારે બાજુ મોટાં ચામડાં બાંધી, નાનકડી જગ્યામાં બે જણ સુખે દુખે પડ્યાં રહેતાં. નીચે ઘાસની પથારી. પણ એમાં ગમે ત્યારે ઘુસીને કીડા વીતાડતા. પણ એ સીવાય કોઈ છુટકારો ન હતો. દરરોજ નદી ઓળંગીને પેલે પાર જવાનું વધારે કષ્ટદાયક હતું.
દસ કબીલામાંથી સાત આ પાર વસવા આવી ગયા હતા. દરેકની પાસે પેલે પાર જવા પોતપોતાનો તરાપો હતો. ત્રણ કબીલાવાળાને જીવવાની આ રીત પસંદ આવી ન હતી. એ લોકોને પર્વત અને જંગલ ઉપર શીકાર કરવાની પરંપરા છોડવામાં શાણપણ લાગ્યું ન હતું. મેદાનોમાં ન મળતા સુકા મેવાની સાટે એ લોકો અહીંનું વધારાનું મારણ અને ચામડાં મેળવી લેતાં. આ આદાન પ્રદાનની નવી પ્રક્રીયા પણ આ નવા પ્રસ્થાન થકી ઉદ્ ભવી હતી. આ બન્ને પક્ષે ફાયદાકારક પણ હતું.
મેદાનમાં વસ્તી પણ કુદકે ને ભુસકે વધતી જતી હતી. કામનું ભારણ ઓછું થયું હતું. ડુંગરાળ પ્રદેશ કરતાં રોગચાળો અને મરણ પણ ઘટ્યાં હતાં. પણ શીકારીઓ વધતાં શીકાર દુર ભાગવા માંડ્યો હતો. આથી હવે તેઓ સવારના નીકળી પડતા અને દુરથી શીકાર મેળવી સાંજે પાછા આવતા.
અમુક કબીલાવાળાઓએ નવી રસમ અપનાવી હતી. એમણે એમના તંબુ નદીથી દુર ગાડ્યા હતા. જેમ જેમ શીકાર દુર થતો જતો, તેમ તેમ એ લોકો તંબુઓ પણ આગળ લઈ જતા. એ લોકો ભટકતા થઈ ગયા હતા. નીત નવી જગ્યાએ નવી ઉત્તેજના એમને વધારે પસંદ આવતી. નવી નવી જાતનાં પ્રાણીઓ સાથે મુકાબલો પણ થતો. અને જાતજાતનાં ચામડાં પણ મળવા માંડ્યા હતા.
નદીથી ઘણે દુર એક મોટું સરોવર હતું. એક કબીલાએ તો છેક એ સરોવરને કાંઠે વસવાટ શરુ કર્યો હતો. ત્યાં નવી જાતનાં ફળોનાં અનેક ઝાડ પણ હતાં. કેળાં, કેરી, જામફળ, દ્રાક્ષ હવે વપરાતાં હતાં. સરોવરમાં મોટી માછલીઓ પણ હતી. પાતળા રેસાના છેડે અણીદાર હાડકાંનો હુક અને કીડા બાંધી માછલીઓ પકડવાની કળા આ કબીલાવાળાઓએ સાધ્ય કરી હતી. શીકારની પાછળ દોડવા કરતાં આ બહુ જ સરળ કામ હતું. નાના છોકરાંઓ પણ આ કરી શકતા હતા. આથી તેમણે સરોવરના કાંઠા પર પોતાનો વસવાટ બનાવ્યો હતો.
આમ નદી કીનારે ટેકરાઓમાં, થોડીક જ જગામાં, અને સદીઓથી એક જ ઢાળે રહેનારી, આ પ્રજા ઘણા મોટા પ્રદેશમાં વીસ્તરી ગઈ હતી. હવે જીવનપધ્ધતી પણ જાત જાતની અને ભાતભાતની બનવા માંડી હતી. દરેક જગ્યાની પોતાની એક અલગ રસમ વીકસવા માંડી હતી. પરીવર્તનનો વાયરો જોરદાર ઝડપે ફુંકાવા માંડ્યો હતો.
પણ આપણા આ ચાર ભેરુઓએ તો કદી જુદા ન પડવાનો સંકલ્પ કર્યો હતો. ગોવા અને રુપલી વચ્ચે ઉપરોક્ત સંવાદ ચાલી રહ્યો હતો; એટલામાં, તેમના તંબુ પાસે બીજા ત્રણેય ભેરુ આવી પુગ્યા.
પાંચો: “ કેમ ગોવા! આમ શુન મુન બેઠો છે? “
ગોવો : “ અમે પુનમ પર જોગમાયાની ગુફામાં જવાનો વીચાર કરીએ છીએ. આ બાબલાને પગે લગાડવા.”
ત્રણે ભાઈબંધો બોલ્યા, “ હેંડ લ્યા, અમેય હારે આવશું. આ કાળુનો બાબલો ય એવડો જ થ્યો છે ને? ”
આમ બે અઠવાડીયા પછીનો કાર્યક્રમ નક્કી થઈ ગયો. ત્યાં લાખાની નજર ગોવાના તંબુની બાજુમાં બાંધેલ એક બકરી અને તેના એક નાના બચ્ચાં ઉપર પડી.
લાખો: “ કેમ આને કાલ માટે બાંધી રાખ્યાં છે?”
રુપલી:” ના લાખાભાઈ. ચાર દી’ પહેલાં મને આ બચાડાં બચ્ચાં અને એની મા પર હેત આયું, તે ગોવાને કહ્યું કે, આને મારીશ નહીં. બકરીનાં આંઉ બવ ભરેલાં હતાં; એમાંથી દુધ દોહીને મારા બાબલાને પાયું. મારું બહુ ઓછું આવે છે; તે આજે બચાડો બરાબર ધરાઈને સુતો છે.”
ત્રણે દોસ્ત બોલી ઉઠ્યા,” લે કર વાત. આ નવી વાત લાવ્યાં, તમે તો.”
રુપલી,” ઈમને ય હવે અમારી હારે ફાવી ગયું છે. ઈમનેય જંગલી જનાવરનો ભો ઓછો થયો છે ને! “
ગોવાએ હસીને કહ્યું, :” જ્યારનો આ બાબલો આયો છે, ત્યારની આ રુપલી બદલાઈ જ ગઈ છે. એનું હેત હવે ચારે કોર્ય ઉભરાય છે!”
બધાને જાનવર પાળવાની આ રીત સાવ અજબ લાગી. રક્ષણ માટે કુતરા અને ઉંદરનો ત્રાસ ઓછો કરવા બીલાડીઓ તો બધા પાળતા; પણ ભક્ષ્યને પાળવાની આ રીત તેમને નવી જ લાગી. પાંચાનું ફળદ્રુપ ભેજું તરત વીચારે ચઢી ગયું. એને વીચારે ચઢી ગયેલો જોઈ, ગોવાએ કહ્યું,” કેમ લ્યા, પાંચા, શો વીચાર કરે છે? ”
પાંચો ,” આવા ઘણા બધાં બકરાં પાળ્યાં હોય તો? શીકાર માટે દોડવાનું જ નહીં. બાંધેલા એકને વધેરી દેવાનું. અને રોજ દુધ મળે એ નફામાં. ખાલી એમને માટે પાણી અને ઘાસ લાવવા પડે એ જ ને? “
બધા પાંચા પંડીતની બુધ્ધી ઉપર વારી ગયા. પણ કાળુ તરત બોલ્યો. “ એ તો વરુ અને શીયાળ પેંધા પડ્યા નથી ત્યાં લગણ. રાતેય એમનાથી આ બકરાંને બચાવવા જાગતા રહેશો? આ તો મોટી પળોજણ ઉભી કરી. “
પણ પાંચો જેનું નામ, હાર માને તો પાંચો શાનો? એ કહે , “ તંબુની ચારે પાસ ઝાડ વાવી દેવાનાં. વરુ કે શીયાળ થોડા કુદીને આવવાના છે?”
બધાને થયું કે ફરી આને વીચારવાયુ થયો લાગે છે. અધા એની મશ્કરી કરવા લાગ્યા. રુપલી પણ ખી ખી કરતી એમાં જોડાઈ. “પાંચાભાઈ! કેટલાં ઝાડ વાવશો? અને ત્યાં લગણ તો આ બકરીને અમે નહીં તો વરુ ક્યારનીય ચાંઉ કરી જશે.”
પાચો,” કાલે વાત. બધાને કાલે ભેગા કરી; લાઠીઓ રોપી દેશું.”
હવે બધાંને પાંચાનો પ્લાન સમજાયો. હમ્મેશની જેમ પાંચો વધુ મગજવાળો પુરવાર થયો હતો.
બીજા દીવસે આજુબાજુમાં રહેતા બધા જુવાનીયાઓની ટોળી થોડે દુર આવેલા ઝાડીવાળા વીસ્તારમાં પહોંચી ગઈ. દસ બાર ઝાડ જમીન દોસ્ત થઈ ગયાં. એમની સીધી સીધી લાકડીઓ ભેગી કરી, અને ગોવાના તંબુની બહાર ઠાલવી. એ પછીના દીવસે પાંચાની દોરવણી હેઠળ, ગોવાના તંબુની ચારેબાજુ લાઠીઓની વાડ ઠોકાઈ ગઈ. એ લાઠીઓની વચ્ચે કાંટા અને ઝાંખરાં પણ લગાવાઈ ગયાં. બકરીબાઈ અને એના બચ્ચાને માટે સરસ મજાની વાડ બની ગઈ હતી. એક નહીં પણ દસ બકરી રાખી શકાય એટલી જગ્યા થઈ ગઈ હતી. એક બાજુ ખાડો કરી, નદીનું પાણી પણ ઠાલવી દીધું. રુપલી અને બીજી સ્ત્રીઓ બીજી ચાર બકરીઓને બચ્ચાં સાથે પકડી લાવી; અને વાડમાં આશરો આપ્યો. હવે તો આ બધીઓને બાંધવાની જરુર પણ ન હતી. ભયથી થોડી શાંત પડી એટલે એ બધીય આ નવા આશરામાં મહાલવા લગી.
ગોવો અને રુપલી હવે વાડીવાળાં બન્યાં હતાં.
અને અનુકરણને કેટલી વાર? એક અઠવાડીયામાં તો આજુબાજુના બધા તંબુઓ વાડોથી ઘેરાઈ ગયા. અને બધે બકરીઓ અને ઘેટાં પુરાઈ ગયાં.
પુનમ આવતાં પહેલાં એક માના પ્રાણી-પ્રેમમાંથી, પહેલો નેસડો આકાર લઈ ચુક્યો હતો.
– આવતા અંકે વાંચો – ‘પુનમનો મેળો’
Like this:
Like Loading...
Related
સુરેશભાઈ, તમારી આ નવા પ્રકારની નવલ હું વાંચું છું.મને એ ગમે છે.
આભાર અને ધન્યવાદ.
–ગાંડાભાઈ