સૂરસાધના

ગુજરાતી લેખિનીમાં સ્વૈરવિહાર

આનંદમયી

આનંદમયી, ચૈતન્યમયી, સત્યમયી પરમે . . .

    ગુજરાતી સાહીત્યની ગઇ પેઢીના મુર્ધન્ય કવી શ્રી સુંદરમની, પોંડિચેરી આશ્રમના માતાજીને માટે લખાયેલી આ સ્તૂતી શ્રી. અરવિંદના ગુજરાતી સાધકોને બહુ જ જાણીતી છે. વેદો અને ઉપનીષદોમાં ‘ૐ સત્ ચીત્ આનંદ’ એમ લખાય છે. આ ક્રમ કેમ તેમણે કેમ બદલી નાંખ્યો?

    મારા સદગત પીતાજી અમને ઘરમાં આ સ્તૂતી અચુક ગવડાવતા. ત્યારે મને હમ્મેશ આ પ્રશ્ન ઉઠતો. એક વખત મને આ બાબતમાં સ્ફુરણા થઇ, અને આ વીચારો અંદરથી ઉઠ્યા. આજે આ વીચારોને અક્ષરદેહ મળે છે.

     એક મહાશક્તી જેને માણસજાતે ઇશ્વર, અલ્લાહ, યહોવાહ વીગેરે નામો આપ્યાં છે; તેના લક્ષણોની ૐ સત ચીત આનંદ ના સુત્રમાં સુંદર રીતે અભીવ્યક્તી થઈ છે.

  • ૐ – પરમ, સૌ ભૌતીકતાથી અલગ પણ કણ-કણનું આધારભુત તત્વ.- સૌ અસ્તીત્વનો પાયો.
  • સત – નક્કર વાસ્તવીકતા, કપોલ-કલ્પીત નહીં કે માન્યતા પર આધારીત નહીં, પણ ઠોસ
  • ચીત્ – સજીવતાનું પાયાનું લક્ષણ – જડતા થી કૈક વીશેષ –  એ તત્વ જે માપી કે ઇલેક્ટ્રોન માઇક્રોસ્કોપથી પણ જોઇ ન શકાય.
  • આનંદ – સૌ જીવીતનું એક માત્ર મુળ લક્ષ્ય

      આ ચાર લક્ષણો નો સમાવેશ જેમાં છે તેનાથી સૃષ્ટી રચાઇ છે –  તે સર્જક છે, તે ઇશ્વર છે.

      પણ આપણે તેની અનુભુતી કરવી કઇ રીતે? આપણી ચેતના તો જડતામાં, અંધકારમાં અટવાયેલી છે. તે આ પરમ તત્વની સાથે શી રીતે એકરુપ થઇ શકે? શી રીતે તે તત્વનો જીવનમાં આવીર્ભાવ થાય?

     માટે પ્રથમ પગલું આનંદ જ હોય. જીવનનું જે એક માત્ર પાયાનું ધ્યેય છે ત્યાંથીજ આગળ જવાનું છે. માટે પહેલાં તો આનંદ પ્રાપ્ત કરવાનો છે. કદી વીલાય નહીં તેવો આનંદ. પરમ તત્વની સાથે એકરુપ થવાનો માર્ગ શુષ્ક કદી ન હોઇ શકે. હરક્ષણ,  હરસ્થળ માત્ર આનંદ, આનંદ અને આનંદ જ હોય, ધસમસતો આનંદ જ હોય ત્યાર પછી જ આગળ વધવાનું છે.

      આનંદમાંથી પ્રગટશે. સાચી સજીવતા, ચૈતન્ય. એવું ચૈતન્ય જે આપણા અણુ અણુ માં વ્યાપ્ત છે. જેના થકી આપણું ધસમસતું શોણીત કોષે કોષને છલકાવી દે છે; અને તેમનામાં પ્રાણ પુરે છે. એ છલ છલ ચૈતન્યની અનુભુતી તે બીજું પગથીયું.

     આ સ્થીતીએ જ્યારે આપણું હોવાપણું પહોંચે; ત્યારે જ નક્કર વાસ્તવીકતાની, સત્યની અનુભુતી થાય. ત્યારે જ જેને ઋત કહેવાય છે તે ઠોસ વાસ્તવિકતા – તે સત્ય ઓળખાય.

     અને ઠોસ સત્ય ખબર પડે ત્યારે જ ૐ શું છે તે ખબર પડે. પરમ તતવ દુર નથી; પણ આપણા સમગ્ર અસ્તીત્વમાં તે દીવ્યતા ઓતપ્રોત થયેલી છે તે અનુભવાય.  આને સાક્ષાત્કાર કહો કે ગમે તે કહો..તે તો શબ્દથી, ઇન્દ્રીયથી મળતા જ્ઞાનથી સાવ નીરાળું છે. અને છતાં તે જ સર્વસ્વ છે.

     માટે જ આ રસ્તો દીવાનાઓનો કહેવાય છે. અને દીવાનાઓનો આનંદ તો દીવાના જ જાણે ને? ૐ સત ચીત્  આનંદ ને જીવનમાં ઊતારવું હોય તો આનંદ, ચૈતન્ય અને સત્ય એ ક્રમમાં અનુભુતી કરવી પડે.

      આમ આનંદથી અંતરયાત્રા શરુ થાય છે.

     પણ આપણા જીવનમાં આનંદ કઇ રીતે લાવવો? આપણા જીવનમાં આનંદની ક્ષણો બહુ ઓછી હોય છે. ‘દુઃખ પ્રધાન, સુખ અલ્પ થકી ભરેલું’ આ જીવન છે. અને તે સુખ પણ કેવાં? આપણને પોતાને શું સુખ આપશે તે તો આપણને ખબર જ નથી. પડોશીની પાસે આ છે ને તે છે; અને મારી પાસે નથી. તે મળી જાય તો આનંદ આનંદ થઇ જાય. મારો ભાઇબંધ મારાથી આગળ નીકળી ગયો. હું તેને પાર કરી જાઉં તો મઝા આવી જાય. બધું સુખ બહારથી કલ્પેલું. અંતરનો આનંદ તો ક્યાંય નહીં. અને જેવું પેલું ઊછીનું સુખ મળ્યું કે બીજી જ ક્ષણે નવી અપેક્ષાઓ અને નવી વ્યથાઓ, અને નવા સંઘર્ષો શરુ…

     માટે પહેલું પગલું સુખની શોધ બંધ કરી આનંદની ખોજ કરીએ. સુખ વસ્તુથી મળે છે. આનંદ અંતરની ચીજ છે. સમાજમાં દુઃખી ગણાતા, આર્થીક રીતે નીચલા થરના, માણસો વધારે આનંદી હોય છે. કારણકે, તેઓ વર્તમાનમાં જીવતા હોય છે.

    આ આનંદ ત્યારે લાંબો નીવડે છે; જ્યારે તે આપણી પોતાની મનગમતી પ્રવૃત્તીમાંથી નીપજતો હોય. જે લાગણીઓ  કોઇ સુંદર દૃષ્ય કે મધુર સંગીતની સુરાવલી. કે મનગમતી કવીતા. કે બાળકનું હાસ્ય ઊભી કરે છે; તે કોઇ વસ્તુ મળે તેનાથી મળતા આનંદ કરતાં ચઢીયાતી અને સહજ હોય છે.

     આથી સંઘર્ષમય દીવસનો એક નાનો સરખો ભાગ આવા નીર્વ્યાજ આનંદની પ્રાપ્તી માટે, આપણને મનગમતી પ્રવૃત્તીમાં ગાળતા થઈએ. આવા આનંદની એક ઘડી, બાકીના ભાગમાં અનેકગણી તાકાત આપણા માનસને આપવા માંડશે. જેમ જેમ આ વાતની પ્રતીતી આપણને થવા માંડશે તેમ આપોઆપ આવી પ્રવૃત્તી માટે આપણે વધુ ને વધુ સમય આપતા થવા માંડીશું.

    બસ. તમે હવે ખરેખર ચાલવા માંડ્યા.

     અને આપોઆપ તમે વધારે અને વધારે સમય આવી પ્રવૃત્તિ માટે આપતા થશો. આ પ્રવૃત્તી કોઇ ભજન કે ધ્યાન કે જપ હોય તે જરૂરી નથી. તે તમને અંતઃકરણથી ગમતી હોવી જોઇએ. કોઇએ કહ્યું છે તે નહીં; પણ તમારા મને પોતે જ નક્કી કરેલી. તમને ચીત્ર દોરવાનું ગમતું હોય, અથવા કવીતા વાંચવી ગમતી હોય; કે બસ ખાલી આકાશ સામે તાકી રહેવાનું ગમતું હોય ; તો તેમ કરો. શરત માત્ર એટલી જ કે તે તમારી પોતાની હોવી જોઇએ. ક્યાંયથી ઉછીની લીધેલી, કે પડોશીને ગમે છે તે નહીં !

     બસ આ જ આનંદના માર્ગની શરુઆત. ધસમસતો આનંદ, બાળકનો આનંદ. દીવાનાનો આનંદ. ‘મરીઝ’ અને ‘ઘાયલ’નો આનંદ. ‘શૂન્ય’ અને ‘બેફામ’નો આનંદ. નાચવાનું મન થઇ જાય તેવો આનંદ.

      મન થાય તો કવીતા વાંચીએ. મન થાય તો  સંગીત સાંભળીએ. મન થાય તો કાગળ લઇ ઓરીગામી નું મોડલ બનાવવા બેસી જઈએ. બસ! આનંદ જ આનંદ. એક પણ ક્ષણ નવરા ન બેસી રહેવાનો આનંદ. મોત આવે તો તેને પણ કહી બેસીએ કે

‘મોત જરા રોકાઇ જતે , બે ચાર મને પણ કામ હતાં.’

    જીવન જીવવાનો આનંદ.

    અને કદાચ આમાંથી જ આગળના પગથીયાં ઉપર ચાલવા માંડીએ. ચૈતન્ય પ્રગટ થાય. અણુએ અણુમાં જાગરુકતા અનુભવાય. અને ત્યારે આ ક્ષણ અને આ સ્થળમાં શું સત્ય છે, તે અનુભવાય. બસ આ જ મસ્તી કાયમ રહે.

    શ્રી. જવાહર બક્ષી કહે છે તેમ

“મસ્તી વધી ગઈ તો વિરક્તિ થઈ ગઈ,
ઘેરો થયો ગુલાલ તો ભગવો બની ગયો.”

6 responses to “આનંદમયી

  1. pragnaju ઓગસ્ટ 20, 2008 પર 3:08 પી એમ(pm)

    ું મારા પ્રિય ગરબામાં પણ એજ ભાવ છે
    મારી માતાને ગરબે આજ ઘૂમવા આવોને !
    માના ખોળાનો લેવાને લ્હાવ લાલ-બાલ આવોને !
    માતાનો ગરબો કે રાસ રાધિકા તણો ,
    ચામુંડા ચં ડિકા કે જગદંબા માતનો ,
    માના લેવાને ઉરના આ શિષ વ્હેલેરાં આવોને !
    મારી માતાને ગરબે આજ …
    ઘેર-ઘેર, દેહ-દેહ, વિશ્વ આ વિરાટમાં
    જલથલને આંબતા આ અવનિ આકાશમાં
    સૌ એ મુજ માના પમરાટ , માણવા આવોને !
    મારી માતાને ગરબે આજ …
    ભૈરવી , ભવતારિણી , મા ચિન્મયી ચિદંબરા ,
    આદ્યશ ક્તિ શાંભવીના ભુક્તિ-મુક્તિ લ્હાણનાં
    રણકંતા ઝાંઝર-ઝણકાર ઝીલતા આવોને !
    મારી માતાને ગરબે આજ …
    માનું મંદિર મારી દેહલડી દીપતી ,
    સપ્ત પ્રાણદીવડીથી ચિતી-માર્ગ ચીંધતી ,
    દ્વાર જેને ઓપતા શ્રી ગરવા ગણેશજી ,
    એવી માના ખોળાનો લેવા લ્હાવ , ઝૂમતા આવોને !
    મારી માતાને ગરબે આજ ઘૂમવા આવોન

  2. La' Kant " કંઈક " એપ્રિલ 27, 2016 પર 8:53 એ એમ (am)

    સુ.જા. તમે કહ્યું:-
    “આમ આનંદથી અંતરયાત્રા શરુ થાય છે.” +”જીવન જીવવાનો આનંદ.”…..
    અને કદાચ આમાંથી જ આગળના પગથીયાં ઉપર ચાલવા માંડીએ.ચૈતન્ય પ્રગટ થાય. અણુએ અણુમાં જાગરુકતા અનુભવાય. અને ત્યારે આ ક્ષણ અને આ સ્થળમાં શું સત્ય છે, તે અનુભવાય. બસ આ જ મસ્તી કાયમ રહે.”
    ” પણ આપણા જીવનમાં આનંદ કઇ રીતે લાવવો? આપણા જીવનમાં આનંદની ક્ષણો બહુ ઓછી હોય છે. ‘દુઃખ પ્રધાન, સુખ અલ્પ થકી ભરેલું’ આ જીવન છે. અને તે સુખ પણ કેવાં? આપણને પોતાને શું સુખ આપશે તે તો આપણને ખબર જ નથી. પડોશીની પાસે આ છે ને તે છે; અને મારી પાસે નથી. તે મળી જાય તો આનંદ આનંદ થઇ જાય. મારો ભાઇબંધ મારાથી આગળ નીકળી ગયો. હું તેને પાર કરી જાઉં તો મઝા આવી જાય. બધું સુખ બહારથી કલ્પેલું. અંતરનો આનંદ તો ક્યાંય નહિં

    “‘મોર ઓર લેસ ‘ બસ, આવાજ પ્રકારની અનુભૂતિઓ વર્ષોથી ઘૂંટાયા કરે છે ” એક અનુભવ” સ્વયં અંતર-પ્રેરિત બેઠકોમાં સઘન બન્યા કર છે … અને આનંદ એક ભાવ દશા- ‘કંઈક’ સાચુકલો એહસાસ બની રહે છે .

    હજી ગઈકાલે …આવું ‘કંઈક’ દૃઢ થયેલું …લખાયું ! ” તમારા શબ્દ ” …બ્લોગડો” પરથી પ્રેરાઈને …..

    ‘..કંઈક’નું કૈંક મનોગત :
    આપણે એકલા પડીએ ત્યારે, સહજ જ જીવનના એક મુકામે આપણે શું મેળવ્યું? શું પામ્યા ? તેનાં જવાબો સંતોષકારક તરાહથી નથી મળતા હોતા! હજી બધું નથી મલ્યું, અને અન્યોની સમૃદ્ધિ-સિધ્ધિઓ સામે આપણને જીવનની ‘નિરર્થકતા‘ નઝરે પડે, સમજાય.ઘણી બધી મહેનત કર્યા છતાં ,પરિણામ ‘ઝીરો’ એવું લાગે ,’પરેશાની જેવું મહેસૂસ થાય, પૈસા,પદ,સતા, પ્રતિષ્ઠા, પ્રશંશા-રેકાગ્નીશનની અપેક્ષાએ ઓછું જ પ્રાપ્ત થયું.એ વિચાર સતાવે એવું મહદ અંશે બને . આપણા મનમાં , ભૂતકાળમાં બનેલા ઘટના-પ્રસંગો-અકસ્માતો અને અમુક–તમુક અનુભવોના આધારે ઘડાયેલી અંગત વ્યક્તિગત માન્યતાઓને આધીન આપણે આપણા–મત-અભિપ્રાયો બાંધી લેતા હોઈએ છીએ .અને લગભગ ‘એક ગાંઠ-ગ્રંથિ-પૂર્વગ્રહોની હદ સુધી આપણે તેને વળગી રહેતા હોઈએ છીએ , એમાં ફેરફાર–બદલાવ એ આપના માટે અઘરું કાર્ય બની જાય છે .આપણા માટે સર્વ-ગ્રાહી ,અન્યોના સૂચનો-સલાહ-શિખામણ ભાગ્યેજ મહત્વ રાખે છે .આપણે એવી વાતો પ્રત્યે ઉદાસીનશા,ધ્યાનમાં લેતા નથી, કોઈ બીજાની વાતોને અનુસરી શકતા નથી . અન્ય પણ તેમના બહોળા અનુભવો , શિક્ષણ ,કલ્ચર તટસ્થ બની વિશાળ-પહોળા ફલક-ક્ષિતિજો સહ વધુ સારું વિચારી શકે . ક્યારેક એવું બને, કે, આપણા ક્ષેત્ર ની વાત ન હોય , તો કોઈ અન્યના વિશેષ જ્ઞાનનો લાભ ચોક્કસ લઇ શકાય , એમાં નાનામ શાની ? આપણે એમાં મહદ અંશે આપણા અહંનો વિષય બનાવી મૂકતા હોઈએ છીએ .
    આત્મ-નિરીક્ષણ ની ટેવ પાડી હોય,સારા સાહિત્ય,લોકો,સંસ્કૃત સમાજના નવા અભિગમોનો સ્વીકાર કરવાનું ખૂલ્લું મન ધરાવતા હોઈએ તો આપણે વધુ સારા નિર્ણયો લેવા માટે સમર્થ બનીએ .એકંદર એમાં આપણું શ્રેય જ રહેલું છે,એવું પ્રતીત થયા વિના નહીં રહે.

    જ્યારે આપણે ‘પર’ચિંતન( અન્યોની પંચાત ) છોડી, “સ્વ”પરના ધ્યાનમાં, સ્થિર થઇએ,મહાવરો કેળવીએ, ત્યારે, આપણે શું-કોણ છીએ?,કેવા વિચારો આવે છે અને આપણું મન કેવું ને કેટલું ‘શાતિર’( બુદ્ધિની દખલગીરીને આધીન છે),અને કેવા કેવા ખેલ રચે-રચાવે છે ! એનો અંદાઝ આવે છે . આપણે કેવા અને કેટલા સ્વાર્થી , સંકુચિત વલણ-વર્તન અપનાવીએ છીએ ,તેનો પાકો-પૂરો ખ્યાલ આવે . આપણી અંદરનું ‘સત્ય’ અદ્દલ પ્રતિબિંબ તાદૃશ કરી આપે છે. એ ‘સાચનો કાચ‘ આપણી ભીતરનાં શુદ્ધ સાચા સ્વરૂપ‘ ઉજાગર કરે તેનો સામનો કરવા જીગર જોઈએ, હીંમતવાન કલેજું ખપે .નિખાલસતા એ આપણી ખાસ સ્વભાવ-ખૂબી હોવી ઘટે .સાચુકલાપણું એ આપણી આગવી મિરાત હોય તો જ આમ શક્ય બને .

    આપણી અંદરના દુનિયા-વિશ્વ નો ખરો પરિચય મેળવવો એ આપણા સર્વપ્રથમ કર્તવ્ય–ફરજ-ઉદ્દેશ્ય છે . ખરી મઝા તો આપણા જીવનની સફર-યાત્રામાંથી પસાર થવામાં અને એમ કરતા રહીને , આપનાથી શક્ય તે પરમાર્થ-સેવા કાર્ય કરવામાં, એકત્વનો ભાવ આત્મસાત કરવામાં છે .

    ‘કર્મનાં બંધન એ જ આપના જીવનની ઘટમાળ-‘પ્રસંગો-બનાવો ને પરીણમાવે છે . હકીકતમાં , “ આ તો બધું થાય છે ! “ અને આપણી ભીતરનો ખરો લાગણી ભાવ જ અનુભવ-અનુભૂતિ કરાવે તે આપણું જણ-જણ નું અને ક્ષણ-ક્ષણનું સત્ય !
    અસ્સલ-શુદ્ધ ઈશાંશ,આત્મ-દ્રવ્ય તત્વ સાથે અનુસંધાન અને તે ભાવ-દશામાં સ્થૈર્ય આપણને શાંતિની-‘પરમ આનંદ’ ની અનુભૂતિ કરાવે , એ શક્ય છે ,બધા માટે .શાશ્વતતાને ઉપલબ્ધ થાવાના પ્રયાસમાં ચાલો એક ડગલું આગળ વધીએ .શુભસ્ય શીઘ્રમ .”શિવ-સંકલ્પમ અસ્તુ”. બધી દિશાઓમાંથી સારા-શુભ વિચારો આવે .એજ અંત:કરણ પૂર્વક ની પ્રાર્થના . – લક્ષ્મીકાંત ઠક્કર ,’કંઈક’
    સાથે લગભગ ,તમને મોકલાયેલી એક ‘કૃતિ’ પણ મુકું અહીં?

    આયનામાં …

    સરવાળા ,બાદબાકી સરવૈયાં ફેરવાય શૂન્યમાં,આયનામાં,
    ઉધામા-ચાલાકીઓ-કરવૈયા બદલાય સઘળાં આયનામાં .
    કલ્પિત કુન્ડાળાની ભરમાર જાણે સતત ફરતી આયનામાં,
    હરપલ અવનવા અર્થ ઉઘડે અને કનડે સતત આયનામાં.
    વિચારોના નિર્વસ્ત્ર અંગ ઉઘાડાં વિલાસી રહે આયનામાં ,
    અને ચિત્રો રંગ-બિરંગી સરવાળે શૂન્યો પોલાં આયનામાં.
    અસ્તિત્વના મરમ- ભરમ ઉકલે,ઉપજે-સતત આયનામાં,
    કીડીઓની હાર-વણજાર ક્ષણોની આવ-જાવ આયનામાં .
    ક્ષણ-ક્ષણ,પલ-પલ નિરર્થકતા એમ થાય નિ:શેષ આયનામાં,
    પારદર્શક સ્વચ્છ એક પોત નિજનું ભીતર દેખાય આયનામાં
    હળવું હળવું લાગે ભીતર,ગેબનો આલમ વર્તે આયનામાં,
    પારદર્શક સ્વચ્છ પોત ભીતરનું નિખરે સ્થિર આયનામાં.
    જાણે ઈશ-કૃપાના સતત શીતલભીના ફોરાં વરસે આયનામાં ,
    અનુવાદ “પરમ-આનંદ”નો એહસાસ હકીકત બને આયનામાં.

  3. સુરેશ એપ્રિલ 29, 2016 પર 1:57 પી એમ(pm)

    ‘કંઈક’ ચિંતનની શરૂઆતમાં જ…
    આપણે એકલા પડીએ ત્યારે, સહજ જ જીવનના એક મુકામે આપણે શું મેળવ્યું? શું પામ્યા ? તેનાં જવાબો સંતોષકારક તરાહથી નથી મળતા હોતા!
    ——–
    આમાં જ બધી સમસ્યાઓનું મૂળ લાગે છે.

    આપણે શું મેળવ્યું?

    શું આજ એક માત્ર અગત્યની વાત છે? જીવન જીવવાની મજા તો માણી જ નહીં અને અંતે આ હાયકારો?
    જાગૃતિનું એક અને અત્યંત મહત્વનું પાસું – કોઈ ફળની આશા જ નહીં. કશે જવાનું નથી, કશું મેળવવાનું નથી. આ અબજો રૂપિયાથી વધારે કિમતી હીરો મળ્યો છે – એને ‘કાંઈક’ મેળવવા શેં વાપરવો? એના ધખારા શેં?

    જીવનમાં જે પણ આવે અને જે રીતે આવે
    તેને
    પૂર્ણ રીતે, પ્રેમપૂર્વક સ્વીકારવાની કળા
    હાંસલ કરવા જેટલો વિકાસ
    તમે કરી શકો -તે
    તમને તમે પોતે આપેલી સૌથી મોટી ભેટ છે.
    -ઓશો

  4. Pingback: આનંદમયી, ચૈતન્યમયી, સત્યમયી, પરમે – સુંદરમ | સૂરસાધના

  5. Pingback: આનંદમયી, ચૈતન્યમયી, સત્યમયી પરમે | સૂરસાધના

તમારા વિચારો જણાવશો?

Please log in using one of these methods to post your comment:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s

%d bloggers like this: