સૂરસાધના

ગુજરાતી લેખિનીમાં સ્વૈરવિહાર

પ્રકરણ – 14 : પુનમનો મેળો

વીતેલી વાર્તા વાંચવા ઉપર આપેલા ટેબમાંથી
ડાબી બાજુના ‘નવલકથા’  ટેબ ઉપર ‘ક્લીક’ કરો.
  

———————————————- 

     નદી પાર કરી નવાં પ્રસ્થાન શરુ કરનાર ગોવો, બધા કબીલાઓનો માનીતો નેતા બની ચુક્યો હતો. તેને ખબર ન પડે એ રીતે, પુનમના દીવસે જોગમાયાના દર્શનનો કાર્યક્રમ બધે જાહેર થઈ ચુક્યો હતો. બધી વસ્તીએ ત્યાં ભેગા થવું એવો સંદેશો બધાને મોકલવામાં આવ્યો હતો.

   અને એ શુભ દીવસ આવી પહોંચ્યો. બધા કબીલાઓ પોતપોતાની મતાનું પ્રદર્શન કરવા આતુર હતા. માંડ જ હવે એકેબીજાને મળાતું હતું, એથી એ આકાંક્ષા પણ પુરી થવાનો હરખ હતો. જુવાનીયાંઓને નવા કે નવી સાથીદારોને જોવાની, જાણવાની અને પ્રણય વીકસાવવાની પણ આતુરતા હતી.

   આમ જાતજાતની અભીલાષાઓની વચ્ચે નદીના એ જુના કાંઠે બધા બેગા મળ્યા. સૌનો હરખ તો માતો ન હતો. બધાંએ હેતથી રુપલીના બાબલાનાં ઓવારણાં લીધાં. સસલાંની પાંસળીના મણકાથી બનાવેલી માળાઓ તેને પહેરાવી. કોઈ તેને માટે નદીની રેતમાંથી ભેગી કરેલાં નાનકડા શંખોની માળા લાવ્યું હતું. તે તેને પહેરાવી. એ બચાડો નાનકડો જીવ તો આ બધા ધસારાથી ગભરાઈને ભેંકડા તાણવા લાગ્યો.

   ગોવાની વસ્તી પાળેલી બકરીઓ સાથે લાવી હતી. ચામડાની કોથળીઓમાં રાખેલું, બકરીઓનું દુધ નાનાં બાળકોને હોંશથી પીવડાવવામાં આવ્યું. બકરીઓને પુરવાની વાડ અને નેસડો બનાવ્યાની વાતો બધાને આશ્ચર્યમાં ગરકાવ કરી દેતી હતી. પાછા વળતાં બધાં આ નવતર પ્રયોગને નજરે નીહાળવા આતુર હતા.

     રઝળતા ડફેરો શીકાર કરેલા પ્રાણીઓનાં અવનવા ચામડાં અને શીંગડાં લઈને આવ્યા હતા. એમાંયે સાંઢનાં મોટાં અને વજનદાર શીંગડાં બધાના કુતુહલનો વીષય બન્યાં હતાં. એ વળી એવી ખબર પણ લાવ્યા હતા કે, બહુ દુરનાં ઘાસના મેદાનોના બીજા છેડે એક બીજી વધારે મોટી નદી હતી અને તેમાં પહાડ જેવા મોટા, મોટી સુંઢવાળા અને લાંબા દાંતવાળા, કોઈક અજાયબ જાનવરો મોટા ટોળામાં વસતા હતા. નદીમાં ભયાનક દેખાવના, પથ્થર જેવા,મોટાં જડબાં, અણીદાર દાંત અને લાંબા તાકાતવાળા પુંછડા ધરાવતા હીંસક જળચર પણ રહેતાં હતાં. આ બધી ખબરો સાંભળી સમગ્ર વસ્તી એ વીસ્તારની મુલાકાત લેવા તત્પર બની હતી.

    સરોવરના કીનારે રહેતો કબીલો જાતજાતનાં ફળો અને માછલીઓ સાથે લાવ્યો હતો. આ તો સાવ નવીજ ખાદ્ય સામગ્રી હતી. કેળાં, કેરી અને જામફળ જેવાં રસાળ ફળો તો બધાંને બહુ જ ભાવ્યાં. માછલી પકડવાની કળા પણ એક જણ બધાને બતાવતો હતો.

    મુળ કોતરના વાસીઓ હેરતભરી આંખે આ બધી નવી સંપદા નીહાળી રહ્યાં. એમને પોતાની મુળ રસમ નીભાવવાના નીર્ણય ઉપર શંકા-કુશંકા પણ થવા માંડી.

    એમાંનો એક જુવાનીયો તો બોલ્યો પણ ખરો, ”હેંડો લ્યા! આપણેય એ સરોવરને કાંઠે રહેવા જઈએ.”

   પણ એમના વડીલો મક્કમ હતા. એક વૃધ્ધ વડીલ તરત કરડાકીથી બોલી ઉઠ્યા, “આપણા બાપદાદાઓએ સ્થાપેલી પરંપરા કદી ન તોડી શકાય. જોગમાયાનો કોપ વહોરવો હોય, તો આ બધા ચાળા કરો. ખબરદાર કોઈ આ સુધારાવાળાઓ સાથે જોડાયા તો.” વાતાવરણમાં ગરમી આવી ગઈ. વડીલોની આજ્ઞા ઉથાપવી એ આ પ્રજાના સ્વભાવમાં ન્હોતું, પણ વીદ્રોહની આગ જવાનીયાંઓના હૈયામાં જલવા લાગી.

    આનંદોત્સવ વખતે માતાજીએ પ્રેરેલી શુભવાણી ઉચ્ચારનાર, પેલા સૌથી વૃધ્ધ વડીલે આ વડીલને ખાળ્યા. નહીં તો આ વીવાદ મારામારી ઉપર આવી જાત.

     વસ્તી એટલી તો બધી હતી કે, નદીકીનારાની જગા હકડેઠઠ ભરાઈ ગઈ હતી. કોઈએ રુપલીને પુછ્યું,”અલી એ! આ બાબલાનું નામ શું રાખ્યું છે?”

     રુપલી કહે,” એ જોગમાયાના દર્શન કરે પછી, માતાજી જે સુઝાડે તે.”

    જોગમાયાની ગુફામાં હવે એક કબીલાનો સમાવેશ પણ મુશ્કેલથી થાય તેમ હતું. બધા વારાફરતી ઉપર જઈ માતાજીને ભોગ ધરાવી આવ્યા. કોતરોમાં રહેતા એક વડીલ ગુફામાંની વ્યવસ્થા સંભાળવા રોકાયા હતા. અને માતાજીને ધરાવાતા બધા ભોગની પ્રસાદી વગર મહેનતે આત્મસાત્ કરતા હતા! ગોવો અને રુપલી પણ ત્રણ ગોઠીયાઓ અને તેમની પત્નીઓ સાથે જોગમાયાને પગે લાગી આવ્યા. સાથે ગોવા અને રુપલીનાં માવતર પણ હતાં.

    ગોવાની માએ કહ્યું,” આનું નામ ક્હાનો રાખીએ તો?” બધાએ આ નવતર નામને વધાવી લીધું.

    આમ ને આમ સુરજ ઢળવાની વેળા થઈ ગઈ. સુરજનો લાલચોળ ગોળો પશ્ચીમાકાશમાં ડુબું ડુબું થઈ રહ્યો હતો. પુર્વમાં કથરોટ જેવડો મોટો ચાંદો ઉગી રહ્યો હતો. વીહાની નજર હમ્મેશની જેમ આકાશ તરફ જ હતી. તે બોલી ઉઠ્યો,” ગોવો પાછો આવ્યો અને આપણે માતાજીની ગુફામાં ઓચ્છવ મનાવ્યો હતો એવો જ દીવસ આજે છે. જુઓ હરણીયું ચાંદો ઉગતાંની સાથે જ માથા ઉપર આવી ગયું છે.”

    વીહો સરોવર કાંઠે રહેતી વસ્તીનો, આધેડ વયનો, પુરુષ હતો. રાત્રે તેની નજર આકાશ સામે જ તાકેલી રહેતી. સુતા પહેલાં ક્યાંય સુધી, તે તારાઓ અને ચન્દ્રને નીહાળ્યા કરતો.

   વીહાની વાત સાંભળી પાંચાએ કહ્યું,” દર વર્ષે આપણી બધી વસ્તી આ રીતે અહીં મળે એવું નક્કી કરીએ તો?”

   બધાંએ આ સુચનને ઉમળકાથી વધાવી લીધું. જોગમાયાની છત્રછ્યામાં પુનમનો આ મેળો હવે કાયમી બની રહેવાનો હતો.

    પણ બધાં ભેગાં થયાનો આનંદ અને ઉલ્લાસ આમ થોડોજ વાતોના વડાંથી સંતોષી શકાય? કાનાને ઓવારણાં લેતી, અને વારંવાર તેડીને વ્હાલ કરતી, બધી સ્ત્રીઓ ઉભરાઈ રહેલા પોતાના હરખને વાચા આપવા આતુર હતી. એવામાં કાળુએ ડફલી હાથમાં લીધી અને જુના અને જાણીતા લયમાં વગાડવા માંડી. બધાં ભેગાં થઈ ગયાં. એમના પગ નર્તન કરવા માંડ્યા. લાખા ને બીજા જુવાનીયાઓએ પણ પોતાના ઢોલ સાબદા કર્યા. અને આનંદોત્સવ જેવા ઉન્માદથી મેળો છલકાઈ ઉઠ્યો. ઢોલના ધબુકે, નવી જીવનપધ્ધતીને વાચા આપતાં નર્તનના નવલા પ્રકારો ઉપસવા માંડ્યા. એ ઉલ્લાસ-ગીતોમાં હવે માછલીઓ, કેરીઓ, સાંઢ અને હાથી પણ ડોકીયાં કરવા માંડ્યા. ડફેરોના નાચની હીંચ તો એકદમ અદભુત હતી. શીકારની પાછળ ભાગતા રહેવાનો એમનો  ઉન્માદ નાચમાં પ્રતીબીમ્બીત થતો હતો.

     ક્યાંય સુધી આ હરખના ઓઘ ઉઘલતા રહ્યા. ચન્દ્રની શીતળ ચાંદની નદીકીનારે ભેગા થયેલી આ બીરાદરીને હળુ હળુ પ્રકાશમા6 ન્હવડાવવા માંડી. શ્રમથી ઉપજેલા પ્રસ્વેદને સુકવતી, પવનની લહેરખીઓ  દીલો દીમાગને ઠંડક આપતી હતી.

    અને ત્યાજ ‘અરેરે!’ કરતી, એક સ્ત્રીની ભયાનક ચીસ ઉઠી.

    સૌથી વૃધ્ધ વડીલ જ્યાં બેઠા હતા, ત્યાં જ ઢળી ગયા હતા. એમની બાજુમાં બેઠેલી એમની જીવનસાથી ડોસીએ આ ચીસ પાડી હતી. બધો તાલ બંધ પડી ગયો. રંગમાં ભંગ પડી ગયો હતો. વડીલો તરત ત્યાં પહોંચી ગયા. ક્ષણેકમાં જ જાહેરાત થઈ કે, બધા કબીલાઓના આદરપાત્ર એ વડીલનું પ્રાણપંખેરુ ઉડી ગયું હતું. શોકની કાલીમાએ નર્તનની લાલીમાને ગ્રસી લીધી. કાળભૈરવથી સૌનાં આ સુખ, આ શાંતી, આ ઉન્માદ, આ સમૃધ્ધી જીરવાયાં ન હતાં. એના પ્રકોપે જાતીના સૌથી વધુ આદરપાત્ર વડીલનો ભોગ લીધો હતો.

   ઉંઘ ન આવી ત્યાં લગણ સ્ત્રીઓએ મરશીયા ગાયા કર્યા. પુરુષો દરેક ધ્રુવપંક્તીએ શોકની મરણચીસ પુરાવતા રહ્યા. બાળકો કાંઈક અઘટીત બન્યું છે, એ જાણી શીયાંવીયાં બની એકમેકને ચોંટીને ગલવાઈ રહ્યાં; અને ડુસકાં ખાતાં ખાતાં નીંદરને શરણે ગયાં.  બીજા દીવસની સવાર સુધી નદીકીનારે જ રોકાઈ, મોંસુઝણું થતામાં એમની અંતીમક્રીયાનો સંકલ્પ કરી; રુદીયામાં ભારેલો અગ્ની સમાવી, સાવ શુન્યમન્સક બની, ઘેરાતી અને કકળતી આંખોએ. અડધા ઉંઘરાટાં, સૌ માંડ માંડ નીદ્રાદેવીને શરણે ગયાં.

આવતા અંકે … ઉત્ત્રરક્રીયા

5 responses to “પ્રકરણ – 14 : પુનમનો મેળો

 1. gandabhaivallabh ઓગસ્ટ 23, 2008 પર 3:51 એ એમ (am)

  સરસ છે સુરેશભાઈ.
  જો તમે આ નવલકથાને પુસ્તકાકારે પાછળથી પ્રસીદ્ધ કરવા નું વીચારતા હો તો નીચેની બાબતો પ્રત્યે જરા વીચારી જોજો.

  “નદીની રેતમાંથી ભેગી કરેલાં નાનકડા શંખોની માળા લાવ્યું હતું.” શંખ નામ છે, એની જાતી નરજાતી. ભેગી કરેલાં શબ્દો શંખને લાગુ પડે છે, આથી એ “ભેગા કરેલા” એમ હોવું જોઈએ. કદાચ ઉતાવળમાં લખતી વખતે ો ની જગ્યાએ ી પર હાથ પડી ગયો હશે. જો કે નર જાતી હોવાને કારણે અનુસ્વાર પણ ન જોઈએ.
  “શુભવાણી” મને લાગે છે કે શુભ વાણી લખવું જોઈએ, કેમ કે વાણી વીશેષ્યનું શુભ એ વીશેષણ છે. સમાસ હોય તે એક શબ્દ તરીકે લખાય, વીશેષણ અને વીશેષ્ય અલગ અલગ લખાવા જોઈએ.ગુજરાતીમાં આ રીતે લખવાનું ક્યારથી શરુ થયું હશે તે મને ખબર નથી, પણ મારી દૃષ્ટીએ એ બરાબર નથી.
  “ઉત્ત્રરક્રીયા” આ માત્ર લખવાની જ મુશ્કેલીને લીધે હશે. “ઉત્તરક્રીયા” અમારા ચી.તરલે કરેલા પ્રોગ્રામમાં આ મુશ્કેલી નીવારી શકાય છે.
  “છત્રછ્યામાં” છત્રછાયા હોવું જોઈએ.

  ભવીષ્યમાં તમારી સુંદર કલ્પનાના રંગો જોવા મળશે. ધન્યવાદ.
  -ગાંડાભાઈ

 2. gandabhaivallabh ઓગસ્ટ 23, 2008 પર 3:57 એ એમ (am)

  આ ખાનામાં લખતી વખતે જગ્યા છુટી છે કે કેમ તે બરાબર ખ્યાલ આવતો નથી. આથી મારા ઉપરના લખાણમાં પણ જગ્યા છોડવા બાબતની ભુલો રહી છે. કેટલીક વાર પુરી કાળજી ન હોવાને લીધે પણ જગ્યા (space)અંગેની ભુલો રહી જવા પામે છે.

  -ગાંડાભાઈ

 3. Chirag Patel ઓગસ્ટ 23, 2008 પર 11:02 એ એમ (am)

  સુ.દાદા, વર્ણન બહુ સરસ રીતે તમે કરો છો. પણ એક સુચન કરું? પ્રસંગાનુરુપ નાયક – નાયીકાના સમ્વાદો કે પ્રસંગો વધુ મુકશો કે જેથી નવકથાનું કલેવર મઝાનું બને.

તમારા વિચારો જણાવશો?

Please log in using one of these methods to post your comment:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google photo

You are commenting using your Google account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s

%d bloggers like this: