સૂરસાધના

ગુજરાતી લેખિનીમાં સ્વૈરવિહાર

પ્રકરણ – 15 ઉત્તરક્રીયા

વીતેલી વાર્તા વાંચવા ઉપર આપેલા ટેબમાંથી
ડાબી બાજુના ‘નવલકથા’  ટેબ ઉપર ‘ક્લીક’ કરો.
  

———————————————- 

      બીજા દીવસની વહેલી સવારે અમુક જુવાનીયાઓ અને સશકત વડીલો સદગતની અંતીમ ક્રીયા માટે નીકળ્યા. જોગમાયાની ગુફા જે પર્વત ઉપર હતી તેનાથી આગળ, પર્વતની પેલે પાર, એક ઉંડી ખીણ હતી. ત્યાં મરણ પ્રસંગ વીના કોઈ કદી જતું નહીં – શીકાર માટે પણ નહીં. એ કાળભૈરવની ખીણ કહેવાતી હતી. એ રસ્તે નીચે જતાં એક બીજી ગુફા હતી. એમાં બહુ અંદરના ભાગમાં, ચારે બાજુ કાળમીંઢ પથ્થરોની વચ્ચે ગુફા બહુ જ ઉંડે સુધી વીસ્તરેલી હતી. ત્યાં હમ્મેશ, ધોળે દહાડે પણ, કાળું ઘોર અંધારું રહેતું હતું.

      મશાલો લઈને બધા એમાં નીચે ઉતર્યા. ઝાડની એક મજબુત ડાળી સાથે, વેલાઓ વડે, ગુજરી ગયેલા વડીલનો દેહ કસીને બાંધ્યો હતો. બે જણ એને ખભે ટેકવીને ચાલતા હતા. એ થાકે ત્યારે બીજા બે જણ આ ભાર પોતાના ખભે લઈ, આગળ વધતા હતા. બે જણા મશાલથી અજવાળું પાથરી, આગળનો રસ્તો બતાવતા હતા. એ મશાલના અજવાળાથી ગુફાની દીવાલો ઉપર લાંબા અને કાળા પડછાયા પડતા હતા અને ભયાનક દૃશ્ય ખડું કરતા હતા. જાણે ગુફાની દીવાલો આ પડછાયાઓથી જીવંત બની ગઈ હતી. ઠેક ઠકાણે ગુફાની ઉપરની છતમાંથી ખાર વાળુંપાણી  ઝમી ઝમીને ચીત્રવીચીત્ર, રંગબેરંગી ઝુમ્મરો અને  થાંભલાઓ   લટકી  રહ્યા  હતા. એના પડછાયા  પણ આ ભયંકરતામાં ઓર વધારો  કરતા હતા.  

      હવે સમથળ જગ્યા આવી હતી. આગળ વળાંક લઈ, ગુફા પેલી કાળઝાળ ખીણમાં ખુલતી હતી, એમાંથી ચળાઈને થોડો પ્રકાશ આવતો હતો. ગુફાના એ બીજા નાનકડા પ્રવેશ દ્વારમાંથી સુસવાટા મારતો પવન, કાળજું કંપાવી નાંખે તેવી તીણી સીસોટીઓ સાથે પ્રવેશતો હતો. કાચાપોચા તો થથરી જાય એવા એ અવાજો કાળભૈરવની વાણી છે;  એમ મનાતું. આથી માત્ર મરણ પછીની અંતીમ ક્રીયા માટે જ લોકો અહીં આવતા. સ્ત્રીઓ અને બાળકોને તો અહીં આવવાનો નીશેધ જ હતો.

     ડાહુઓએ હવે ગુફાના તળીયે શબને ઉતાર્યું. ગુફાના ઢોળાવના કારણે વરસાદનું પાણી અહીં માટી ઘસડી લાવતું હતું. કોઈક અકળ ફાટમાંથી ભરાયેલું વરસાદનું પાણી પર્વતની અંદર ઉતરી જતું હતું. બહુ થોડું પાણી જ ગુફાના આ સૌથી નીચલા ભાગમાં ભેગું થતું હતું. એ સુકાતાં જુના શબો ઉપર માટી પથરાઈ જતી હતી. વરસાદ બંધ થતાં, બે ત્રણ દીવસે આ પાણી સુકાઈ જતું હતું. વળી અહીં ગુફાની બાજુઓ પર ખડક નહીં પણ, માટીના થરના થર જામેલા હતા. આ જગ્યા કાળભૈરવની ગુફાની સૌથી ઠંડી અને ભેજવાળી જગા હતી. આથી જ અંતીમક્રીયા માટે આ જગા પેઢીઓથી વપરાતી હતી. મરણ બાદ મૃતાત્માને અહીં શાંતી અને ઠંડક મળે છે, એમ મનાતું.

       બે જુવાનીયાઓએ લાંબા અણીદાર પથ્થરો વડે એક લાબો ખાડો બનાવ્યો; અને શબને એમાં સુવાડ્યું. સાથે લાવેલા હરણના શબને પણ આ ખાડામાં સાથે મુક્યું. મૃતાત્મા માટે આ ભોગ ધરાવવાનો ચાલ હતો. દરેક ડાઘુ પોતાની સાથે  હાડકાંઓની માળાઓ અને ફુલો લાવ્યો હતો. તે પણ દરેકે શબની ઉપર ચઢાવી. હવે બધા શાંત બની ઉભા રહ્યા.

       બીજા એક વયોવૃધ્ધ વડીલે કરુણ સ્વરોમાં સદગતને અંજલી આપતાં કહ્યું,

     ” ઓ! કાળભૈરવ, અમારા આ પુજ્ય વડીલ એમના જીવનના અંતે, તમારી પનાહમાં આવ્યા છે, એમના આત્માને શાશ્વત શાંતી આપજો.”

        અને બધા શાંત બની ઉભા રહ્યા. સુસવાટા મારતા પવનની સતત સીસોટીઓ દ્વારા કાળભૈરવે નવાગંતુક મૃતામાનો સ્વીકાર કર્યો.

      હવે બધા બાજુના માટીવાળા થરો પરથી માટી ખોદવામાં પ્રવૃત્ત થયા. થોડીક જ વારમાં મરનાર વડીલ અને હરણનાં શબો માટી નીચે દબાઈ ગયા. મરનારનો પુત્ર હવે ગુફાના સાંકડા થતા થોડેક ઉંચે આવેલા ભાગમાં આગળ વધ્યો. એક જ જણ ડોકું બહાર કાઢી શકે એટલું બાકોરું એ છેડે હતું. એણે એમાંથી નીચે નજર કરી. આંખ ન પહોંચી શકે એટલા અગાધ ઉંડાણ સુધી અને જોતાંજ ચક્કર આવી જાય એવી, ખીણ તેને દેખાઈ. પર્વતની ખડકાળ દીવાલ અહીંથી સીધી નીચે સુધી ધસી જતી હતી. આ જ તો કાળભૈરવનું નીવાસસ્થાન હતું. તેણે છેલ્લી મરણપોક પાડી. ખીણની સામેની બાજુના પર્વત પરથી આ મરણપોકના ભયાનક પડઘા પડતા રહ્યા. કાળભૈરવે અટ્ટહાસ્ય વડે મૃતાત્માને પોતાની પનાહમાં હવે લીધો હતો.

       હવે સૌ આવ્યા હતા, તે રસ્તે કોઈ પણ અવાજ કર્યા વીના પાછા વળ્યા. બપોર થતાંમાં તો સૌ નીચે નદીકીનારે આવી ગયાં. મરનારના શોકમાં આજે સૌએ કાંઈ જ ખાવાનું ન હતું. માત્ર બાળકોને ભોજન આપી સૌએ નત મસ્તકે મૃતાત્માને અંજલી આપી. ધીરે ધીરે મરનારના ગુણગાન ગાતી વાતો શરુ થઈ. મરનારની વયોવૃધ્ધ પત્નીને અને પુત્રને બધાંએ દીલાસો આપ્યો.

      હવે સૌ પોતપોતાને થાનકે જવા પ્રવૃત્ત થયા. તરાપાઓ ભરાવા લાગ્યા. હજુ જુના કોતરોમાં રહેતા કબીલા નદીકીનારે પોતાને સ્વસ્તાને જવા પ્રવૃત્ત થયા. આ છેલ્લી ટુકડીના વડીલથી બધાના ગયા બાદ બોલ્યા વીના ન રહેવાયું.“ જોયું ને, નદી ઓળંગી એનું પરીણામ? આ એકલો નહીં, નદીની ઓલી પાર જનારાં બધા કાળભૈરવના ખપ્પરમાં હોમાઈ જવાના છે.”

     જુવાનીયાઓ મુંગે મોંએ આ અવળવાણી સાંભળી રહ્યા. વડીલોની આમન્યાને કારણે એમનાથી કાંઈ બોલાય તેમ ન હતું. પણ નદી ઓળંગનારની સમૃધ્ધી જોઈ એમની આંખો પણ ઈર્ષ્યામાં સળગી જતી હતી. સૌના અંતરની આ કડવાશને આ શબ્દો વાચા આપી રહ્યા હતા.

      પુનમના મેળાના બીજા દીવસે, અંધારીયાની શરુઆતની સાથે, થયેલ મરણના કાળઝાળ ઓથારમાં અને ઈર્ષ્યાના દાનવના દાવપેચમાં વીખવાદના વીષવૃક્ષનાં બીજ રોપાઈ ચુક્યાં હતાં.

   આવતા અંકે – હાથીનો શીકાર

2 responses to “પ્રકરણ – 15 ઉત્તરક્રીયા

 1. pragnaju સપ્ટેમ્બર 13, 2008 પર 8:46 એ એમ (am)

  ગમે તેવું -કટકે કટકે વાંચવાનું સારું પડે છે!

 2. Viren Shah સપ્ટેમ્બર 25, 2008 પર 3:55 પી એમ(pm)

  Hello Suresh kaka

  If you have not seen the following movies, please do watch. They will interest you like anything:

  1. 10000 B.C.
  2. Apocalypto (2006): Mel Gibson is actor.

  They are really based on how humans have progressed…

તમારા વિચારો જણાવશો?

Please log in using one of these methods to post your comment:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google photo

You are commenting using your Google account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s

%d bloggers like this: