સૂરસાધના

ગુજરાતી લેખિનીમાં સ્વૈરવિહાર

જ. ઉ.

      જયેશ!  તમે આઠ વરસના બાળક છો. પણ બધા બાળકો કરતાં તમે થોડા જુદા છો. તોફાન, મસ્તી, મારામારી, ભાંગફોડ એ તમારો ચાનો પ્યાલો નથી! તમે થોડા ધીર ગંભીર પ્રકૃતીના છો. તમે થોડા ફીલસુફ, થોડા અંતર્મુખી છો ; અને છતાં સાવ બાળક પણ છો જ. એ જ તો તમારા જીવનનું પ્રધાન તત્વ રહ્યું છે ને? તમને હમ્મેશ ચોપડીઓ સાથે સારો નાતો રહ્યો છે – સીવાયકે, ચોપડાં ફાડવાનો!

     અને તે દીવસે મુંબાઈના તમારા એક રુમ અને રસોડાના મહેલમાં, તમારા ભાઈ ( પપ્પા કે ડેડી જ તો! ) હીસાબ બરાબર રાખવાના અતી ઉત્સાહમાં, લાલ રંગના ચોપડા લઈ આવે છે. આઠ વરસની તમારી કાયા અને તમારું મન, બહુ જ કુતુહલથી આ નવી સામગ્રી તરફ આકર્ષાય છે. તમે એ મહાન ગ્રંથો ધ્યાનપુર્વક નીહાળી રહો છો. બાળસુલભ લાલ રંગનું આકર્ષણ અને તેની જાડાઈ તમને એમની તરફ ખેંચી રાખે છે. પણ ભાઈની આમન્યા અને ડર તમને એને અડવામાંથી પણ ખાળે છે. તમે રમતમાં જીવ પરોવો છો, પણ ધ્યાન તો એ મહામુલી, નવી સંપદામાં જ છે. કુટુમ્બની મહામુલી સંપદાનો હીસાબ રાખવાનું ભાઈનું એ પહેલું પગથીયું છે, એનો તો તમને ક્યાંથી ખ્યાલ જ હોય? પણ એ લાલચોળ, પાકા પુંઠાના ચોપડાની કોઈ છુપા ખજાનાનો કેવોક નકશો આપેલો છે; એ જાણવા તમે આતુર છો.

     અને તમે જેની બહુ આતુરતાપુર્વક રાહ જોઈ રહ્યા હતા, એ ક્ષણ આવી પહોંચે છે. ભાઈ તો આખા દીવસના થાક્યા પાક્યા એમના એકના એક બેડરુમમાં સુઈ ગયા છે. બા તો બીચારી એના ઘરકામના ઢસરડામાંથી ક્યાં તમારું ધ્યાન રાખવા નવરી છે. અને આમેય એને ચોપડા સાથે બારમો ચન્દ્રમા! તમારી પોતાની નીરાંતની આ ક્ષણોમાં તમે એ ચોપડાના લાલ ચોળ પુંઠા પર મમતાથી હાથ ફેરવો છો.

     હવે તો બા પણ સુવા જતી રહે છે; અને એ મુલ્યવાન ચોપડો તમારા પુરા ભોગવટામાં આવી જાય છે. નવા બાઈન્ડીન્ગ, અને નવા નક્કોર કાગળની મનલોભક સુવાસ તમારી કલ્પનાના ઘોડાઓને બહેલાવે છે. કોલમ્બસને કેરીયીબન ટાપુની ધરતી દેખાઈ અને તેની ઉપર પહેલી વાર તેણે પગ મુક્યો હશે; ત્યારે જે આનંદ એને થયો હશે; એવો જ કોઈ અપ્રતીમ આનંદ તમને એ ચોપડાનું પહેલું પાનું ખોલતાં થાય છે.

      અને એક સંશોધકની આગવી અદામાં તમે આગળ વધો છો. અજાણ્યા ભયો અથવા આશ્ચર્યોથી સતેજ રહેવા, એકે એક ડગલું ગણી ગણીને ભરતા સાહસીકની જેમ તમે એક પછી એક પાનાં ફેરવો છો. પણ સાવ રેતાળ, રેગીસ્તાન જેવા અને નકરી માહીતીથી ભરેલા એ પાનાંઓમાં તમારો માનીતો કોઈ અડુકીયો, દડુકીયો કે મીયાં ફુસકી નજરે ચઢતો નથી! નવી ઉપજેલ એ નીર્ભ્રાન્તીની ક્ષણોમાં, સાવ કોરી સ્લેટ જેવા નવા પ્રદેશ – અરે! ભુલ્યો – નવા પાનામાં, તમે પદાર્પણ – અરે! અંગુલી પ્રસ્થાન – કરો છો! 

     અને લો! આ મહાન શોધ તમને હાથવગી બની જાય છે. નવા નવા સાંપડેલા અક્ષરજ્ઞાનના પ્રતાપે તમારું ધ્યાન બે અત્યંત લોભામણા અને ચીત્તાકર્ષક અક્ષરો ઉપર કેન્દ્રીત બને છે.

જ અને ઉ

    તમારા કોરી સ્લેટ જેવા બાળમાનસને હીસાબના કે જીવનના જમા ઉધાર શું એની કશી જ ગતાગમ નથી. પણ તમને આ અક્ષરોનો એક જ અર્થ ખબર છે –

    જયેશ અને ઉમાકાન્ત …  તમે અને તમારા ભાઈ !

   અને આ મહાન શોધ તમારા સમગ્ર હોવાપણાને ઉત્તેજીત કરી દે છે. તમારું સમગ્ર અસ્તીત્વ આ બે મહામુલા અક્ષરો દ્વારા ઘોષ પ્રતીઘોષ કરતું રહે છે. અને એ મહાનાદથી અભીભુત થયેલા તમે પાને પાને, બાજુમાં પડેલી પેનના સહારે, તમારા ગરબડીયા હસ્તાક્ષરોમાં એ અમર અક્ષરોનો વીસ્તાર કરી પહેલું કોરું પાનું ચીતરી નાંખો છો.

જમણા પાને –  જયેશ ઉમાકાન્ત
અને ડાબા પાને –   જયેશ ઉપાધ્યાય.

     સંશોધકને પણ શરમાવે એવી તમન્ના, ખંત અને ધીરજથી; અને એક વીજેતાની અદાથી, સુવર્ણાક્ષરે નહીં તો વાદળી અક્ષરો વડે, તમે પહેલેથી શરુ કરીને છેલ્લા પાના સુધીના એ વણખેડાયેલા દરેકે દરેક પ્રદેશને તમારા આ મહાન નામો વડે સર કરી લો છો. ભાઈની આ બધુ કરવાની જવાબદારીમાં તમે તમારા શ્રમનો ફાળો આપ્યો છે તેવો છુપો અને કાલ્પનીક આનંદ પણ ઉપજી ચુક્યો છે. મોડી રાતે આ પરીશ્રમથી સાંપડેલ પરીતોષના ભાવમાં પરીઓ અને રાજકુમારના દેશમાં છેવટે તમે સરી પડો છો.

     અને દુઃસ્વપ્નની જેમ, સવારમાં તમારી જે ધોલાઈ થાય છે તે તો તમે ક્યાંથી વીસરી શકો તેમ જ છો? એ વણખેડાયેલા પ્રદેશો, એ પરીઓ, એ રાજકુમારો, એ અવનવા સાહસો, સઘળાં ધુમ્મસની જેમ વીખેરાઈ જાય છે. તમે ઠોસ ધરતી પર આવીને અડબડીયાં ખાતાં ‘તીસરી કસમ’ ખાઓ છો કે, લાલ ચોપડાના એ પ્રદેશોમાં કદી ફરી પગ ન મુકવો – તમારા મહાન નામને કદી એ છેતરામણા પ્રદેશોમાં મહાલીને અભડાવવું નહીં.

      અને ત્યારથી તમારા હોવાપણામાં હીસાબ માટેની અપ્રતીમ અસુયા અને પોતીકો અને પનોતો પુર્વગ્રહ જન્મ લઈ લે છે.

જયેશભાઈનો બ્લોગ 

6 responses to “જ. ઉ.

 1. pragnaju સપ્ટેમ્બર 26, 2008 પર 8:01 એ એમ (am)

  જયેશભાઈની બાળપણની વાતથી એક
  નવી ઓળખાણ થઈ
  અમારા પણ જુના સંસ્મરણોની યાદ આવી

 2. Heena Parekh સપ્ટેમ્બર 27, 2008 પર 5:23 એ એમ (am)

  આવા પરાક્રમો બાળપણમાં બધાએ જ કર્યા હશે. બધાને જૂના દિવસોની યાદ તાજી થશે.

 3. hemant doshi સપ્ટેમ્બર 27, 2008 પર 9:32 પી એમ(pm)

  very good . keep it up.
  form hemant doshi at houston u.s.a.

 4. hanif malek સપ્ટેમ્બર 27, 2008 પર 10:31 પી એમ(pm)

  બહુ જ રોચક વર્ણન છે.
  હનીફ મલેક

તમારા વિચારો જણાવશો?

Please log in using one of these methods to post your comment:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s

%d bloggers like this: