આ પ્રકરણથી આ ધારાવાહીક નવલકથા એક નવો વળાંક લઈ, એક જુદો જ પરીવેશ ધારણ કરે છે. કથાના આ નવા વીભાગનું શીર્ષક છે –
પ્રતીશોધ
———————————–
વીતેલી વાર્તા વાંચવા ઉપર આપેલા ટેબમાંથી
બીજી લાઈનના ‘નવલકથા’ ટેબ ઉપર ‘ક્લીક’ કરો.
——————————————-
ભુલો પર્વત ઉપર ચઢતો જ ગયો. ચઢતો જ ગયો. છેક સમી સાંજરે તે પર્વતની ટોચ ઉપર પહોંચ્યો. રસ્તામાં માંડ એકાદ સસલાનો શીકાર તે કરી શક્યો હતો. બેળે બેળે આગ પેટાવી તેણે ક્ષુધા સંતોષી હતી. એક નાના ઝરામાંથી પાણી પણ મળી ગયું હતું. ભુખની આગ તો સંતોષાઈ હતી; પણ અંતરમાં બળબળતી હુતાશણીને ક્યાં કોઈ કરાર હતો?
સુસવાટા ભર્યા પવનના ઝપાટા તેના દેહને આવરી લેતા ચામડાના આવરણને થપથપાવી રહ્યા હતા. કડાકા અને ફડાકા જેવા અવાજો તેમાંથી નીકળતા હતા. તેના મગજમાં ચાલી રહેલા તુમુલ યુધ્ધને આ અવાજો વાચા આપી રહ્યા હતા. તેના જીવતરમાં હવે કેવળ કડવાશ જ ભરેલી હતી – નકરી કડવાશ. કોઈ સાથી નહીં; કોઈ સહારો નહીં; કોઈ આશરો નહીં. તે સાવ એકલો અને અટુલો પડી ગયો હતો.
જુવાનીની હરકતોનાં સાપોલીયાં સંતોષી શકે તેવી કોઈ નમણી કાયા તેના નસીબમાં ન હતી. અપ્સરા જેવી રુપલી તો શું, કોઈ ગંદો, ગોબરો, કદરુપો, નારીદેહ પણ તેની વાસના સંતોષવા મળે તેમ ન હતું. એની મનમાનીતી, જન્નતની હુર જેવી નારીના હાથે હાર ખાઈ તેને નાસી જવું પડ્યું હતું. એ વખતે અડધાં ઢંકાયેલાં અંગોમાંથી નીતરતા રુપલીના જોબનનું ચીત્ર હજી પણ તેની વાસનાને નીરર્થક ભડકાવી રહ્યું હતું. એક છોકરીએ તેને ભગાવ્યો હતો. તેની મર્દાનગીની આનાથી વધુ ક્રુર હાંસી બીજી શું હોઈ શકે?
‘આના કરતાં તો ગોવા સાથે હાથોહાથની મારામારીમાં તે મરણ શરણ થયો હોત તો સારું.’ : એવા વીચારે તેનું મન ખાટું અને કડવું થઈ ગયું હતું. જીવનમાં હવે કોઈ રસકસ ન હતો. કોઈ આશા ન હતી. જીવતર ઝેર જેવું બની ગયું હતું.
તેને પર્વતની એક કોર ઉપરથી પડતું મેલવાનો વીચાર પણ આવી ગયો. એ બાજુ નજર નાંખતાં જ ચક્કર આવે તેવી, સીધા ઉતરાણ વાળી, ઉંડી ખીણ હતી. તેણે એ દીશામાં એક ડગલું ભર્યું, પણ એ ઉંડા ગહ્વરને જોઈ એક લખલખું આવી ગયું. તેણે પગ પાછો વાળી લીધો.
‘તે જાતે મરી પણ ન શકે તેવો કાયર હતો.’ સાવ નીર્ગત બની તે પોતાની જાતને કોસતો રહ્યો.
પર્વતની પાછલી કોર, નીચે દખણાદી દીશામાં, એની જાણીતી નદી, વતનનાં એ વહાલાં કોતરો અને સામેના કીનારાનાં હરીયાળાં મેદાનો દેખાતાં હતાં. છેક ક્ષીતીજમાં એક બહુ જ મોટી નદી હોય તેમ પણ લાગતું હતું. આ બે નદીઓની વચ્ચે એક મોટું સરોવર પણ દ્રષ્ટીગોચર થતું હતું.
બાળપણની નીર્દોષ રમતો અને સાથીઓ સાથેના નીર્વ્યાજ ખેલ તેને યાદ આવી ગયાં. ભુલાના પીડીત હૃદયને આ આહ્લાદક દ્રશ્ય અને ભુતકાળની આનંદ ઉલ્લાસની પળોની યાદ થતાં, થોડીક આશાયેશ વળી. જગત તેને બહુ જ વીશાળ ભાસ્યું. તેનો આક્રોશ અને કડવાશ થોડાં હળવાં થયાં.
‘કેટલા ખોબા જેવા પ્રદેશમાં એ અને બીજા કબીલાઓ રહેતા હતા? કેટલી નાનકડી એ દુનીયા હતી? અને ઓતરાદી દીશાનો પ્રદેશ તો સાવ અજાણ્યો છે. દુર દુર સુધી કેવળ સુકો ભંઠ પ્રદેશ જ.. સાવ વેરાન રણ. ત્યાં જોઈ વસ્તી હશે ખરી? જોગમાયા જાણે.’
એક ઝાટકા સાથે તેણે જોગમાયાની યાદ ભુલાવી દીધી. હવે એ તેની આરાધ્ય મા ન હતી. તેને પોતાની જાત ઉપર આવ્યો હતો; તેના કરતાં વધારે તીરસ્કાર જોગમાયા ઉપર આવી ગયો.
ભુલાના મનમાં આવા વીચારો ચાલી રહ્યા હતા. ગોવા અને રુપલી સાથેની અથડામણ બાદ તે પોતાના ઘેર ગયો હતો, પણ પોતાના જ ઘરવાળાંઓએ તેને હાંકી કાઢ્યો હતો. બીજા કબીલાઓમાં પણ એ મુઠભેડની અને ભુલાની બદકાર નીતીની જાણ લઈ,વાયરો કરી વળ્યો હતો. ત્યાં એણે ધા નાંખી જોવા અને આશરો લેવા વીચાર કર્યો હતો; પણ ગોવાની વધતી જતી લોકપ્રીયતા તેનાથી સાંખી શકાય તેમ ન હતી. નદીકીનારાના કોતરોના કોઈ કબીલા તેને હવે સંઘરે તેમ રહ્યું ન હતું. ભુલાની હાલત ત્રીશંકુ જેવી બની ગઈ હતી.કોણ જાણે કેટલાય દહાડા તે ગાંડાની કની જંગલમાં ભટક્યો હતો. પણ ત્યાં ક્યાં એકલા રહેવાય એવું હતું? જોગમાયાની ગુફામાં પણ તેણે કેટકેટલી આરતો કરી હતી, પણ જોગમાયા તે સાંભળતી ન હતી. તેનો જોગમાયા પરનો વીશ્વાસ અને શ્રધ્ધા નષ્ટ થયાં હતાં.
પોતાની દુર્ગતી ઉપર એક ઉંડો નીસાસો નાંખી, ભુલો પર્વતની ઓતરાદી કોર તરફ ઉતરવા માંડ્યો. ચઢવા કરતાં ઉતરવાનું બહુ સરળ હોય છે તેની પ્રતીતી તો તેને ક્યારની થઈ ગઈ હતી!
તેણે ઝડપભેર ખીણમાં પ્રયાણ આદર્યું. અંધારું થતામાં તો તે પર્વતની બીજી કોર ઉતરી ગયો હતો. અહીં પ્રદેશ સાવ જુદો ભાસતો હતો. સાવ આછાં પાતળાં જ ઝાડ હતાં. કાળભૈરવની ખીણ પણ આનાથી વધારે લીલોતરીવાળી હતી. આગળ તો સાવ નાનાં ઝાંખરાં જ હતાં.
થાકીને અને હતાશામાં ગરકાવ થઈને ભુલો એક ઝાડ નીચે લથડીયું ખાઈને પડ્યો. એની આંખ મીંચાવામાં હતી, ત્યાં જ કાંઈક ઠંડો સ્પર્શ થયો. અને ફુફકારાનો અવાજ. અંધારામાં એને કાંઈ દેખાતું ન હતું; પણ હાથ ફેરવતાં કોઈ જાડો સાપ પસાર થઈ રહ્યો હોય તેમ તેને લાગ્યું. તે ભયભીત બનીને, અડબડીયાં ખાતો દોડ્યો. ખુલ્લા મેદાનમાં જ સલામતી વધારે રહેશે એ ખયાલથી તે ડગમગતા પગે આગળ ચાલ્યો.
‘આગળ જવા કરતાં સાપે તેને દંશ દઈ કાલભૈરવની કને પહોંચાડી દીધો હોત તો સારું.’ એવો કુવીચાર પણ તેને આવી ગયો. પણ જીજીવીષા ક્યાં તેને છોડે તેમ હતી? હવે તો એક ડગલું પણ તેનાથી આગળ ચાલી શકાય તેમ ન હતું.
તે બેભાન બનીને એ અજાણી ભોમકામાં ઉંડી નીંદરમાં ફસડાઈ પડ્યો.
– આવતા અંકે – ભુલાનું ભીષણ સ્વપ્ન
Like this:
Like Loading...
Related
અત્યાર સુધીની શ્રેષ્ઠ પ્રકરણ