સૂરસાધના

ગુજરાતી લેખિનીમાં સ્વૈરવિહાર

હેલન કેલરની ભાષા

     આ સાઈન લેન્ગ્વેજ (સંજ્ઞા ચીહ્નોની ભાષા ) કે બ્રેઈલ લીપીની વાત નથી. એ માટે કશું કહેવાની મારી શક્તી કે ઉમેદ પણ નથી. 

    આ વાત છે. જુન, 27 – 1880માં અમેરીકાના અલબામા રાજ્યના, માંડ બે હજારની વસ્તી ધરાવતા, નાનકડા ગામ – ટસ્કમ્બીયામાં જન્મેલ હેલન કેલરની ભાષાની- તેની છ વરસ પહેલાંની ઉમ્મર વખતની ભાષાની.

      [ હેલન કેલર વીશે વીશેશ જાણવા અહીં ‘ક્લીક ‘ કરો :  
             –   1   –   :  –   2    – :  –   3   –   ]

    ફેબ્રુઆરી-1882માં તેને અકળ બીમારી લાગુ પડી તે પહેલાં બીજા કોઈ પણ બાળક જેવી, કાલી કાલી ભાષા બોલતી, ગોરી, રુપાળી, પોચા ગાભલા જેવી, સોનેરી વાળવાળી અને દુશ્મનને પણ પરાણે વહાલી લાગે તેવી, હેલન 600 એકરની તેના માબાપની એસ્ટેટને પોતાના બાલસુલભ કીલ્લોલથી ગજવતી હતી.

     પણ એ અકળ બીમારીએ બધું બદલી નાંખ્યું. એ બીમારીનો એ જમાનામાં કોઈ ઈલાજ ન હ્તો. અરે! કોઈને એને શું દર્દ હતું તેની પણ માહીતી ન   હતી. ઘરગથ્થુ અને સ્થાનીક, ગામડીયા ડોકટરોને આવડે તેવા ઈલાજો બાદ તે સાજી થઈ ત્યારે; તેણે સાંભળવાની શક્તી સમ્પુર્ણ રીતે ગુમાવી દીધી હતી.થોડાક જ દીવસો બાદ તેની આંખે ઝાંખ આવવા માંડી અને તે સાવ આંધળી પણ બની ગઈ. તેનાં માબાપ માટે તો આ આભ તુટી પડવા જેવી ઘટના હતી. જ્યાં ખબર પડે ત્યાં એ ઈલાજ માટે દોડી જતા. પણ કશીય મહેનત કામીયાબ ન નીવડી. 

     પણ હેલનની અબુધ ઉમ્મર માટે આ દારુણ ઘટનાની કોઈ અસર ન હતી. તેને તો કદાચ એમજ લાગતું હતું કે તે, સાવ શાંત અને અંધારા જગતમાં આવી ગઈ છે. કશીય અશક્તી કે હીનતાનો ભાવ તેના નાનકડા મગજમાં પ્રવેશી શકે તેમ જ ન હતું. પણ એ નાનકડું મગજ અત્યંત શક્તીશાળી હતું.હેલને કેવળ સ્પર્શ અને ગંધના સહારે, પોતાની આંતર સુઝથી, અને વાસ્તવીકતાની અનુભુતીથી  પોતાની આગવી ભાષા વીકસાવી.

     તેના હાથ જાતજાતની ચીજોને અડતા અને તે પરથી તે શીખતી જતી. દરેક વસ્તુની ગંધ તેને આત્મસાત્ થતી ગઈ. આંખ ને કાનનો સહારો ન હોવા છતાં, તેની જ્ઞાન મેળવવાની અદમ્ય ભુખ તે સંતોષી લેતી.

      અને અભીવ્યક્તી માટે તેણે પોતાની ઘરેલુ ભાષા પણ વીકસાવી હતી. તેને બ્રેડ ખાવી હોય તો બ્રેડ કાપવાની અને માખણ ચોપડવાની સંજ્ઞાથી તેનું કામ ચાલી જતું. આઈસક્રીમ જોઈતો હોય તો તે બનાવવાના સંચાનું હેન્ડલ ફેરવવાની ક્રીયાની તેના નાનકડા હાથ નકલ કરતા. એની માને બોલાવવા માટે તે ગાલે હાથ ફેરવતી. એના બાપને માટે પોતાની આંગળીઓ વડે આંખો પર ચશ્મા પહેર્યા હોય તેવો અભીનય એની સંજ્ઞા હતી.

     એના બાપ ખુરશીમાં બેસી છાપું વાંચતા શું કરે છે, તેની એને સમજ ન પડતી. એટલે એ પણ છાપું હાથમાં ઝાલી, એમ કરવાની નકલ કરતી. પાંચેક વરસ તો આમ એનું ગાડું ઠીક ઠીક ગબડ્યું. એ ગાળામાં શીખતા જ રહેવાની એની જન્મજાત વૃતી પુર્ણ રીતે વીકસીત થઈ ચુકી હતી. પણ હવે વધતા જતા વીચારોની અભીવ્યક્તી માટે તેને મુશ્કેલીઓ પડવા લાગી. બીજા લોકો હોઠ ફફડાવીને કાંઈક કરે છે, એમ તેને ખબર પડતાં તે પણ તેમ કરવા વ્યર્થ પ્રયત્ન કરતી. પણ સામાન્ય બાળક કાનની મદદથી જીભને ટ્રેનીંગ આપતું હોય છે, તે એની નીયતીમાં ન હતું.

     એને ખબર પડવા લાગી કે, તે બીજા બધાં કરતાં કાંઈક જુદી છે. એ અકળામણ તેના ગુસ્સામાં પરીણમતો. તેની વર્તણુંક વધારે ને વધારે આક્રમક, તોફાની અને વીનાશાત્મક બનતી ગઈ. સૌએ એના માબાપને સલાહ આપી કે, તેને 100 માઈલ દુર આવેલી, આવાં બાળકો માટેની, સંસ્થામાં ભરતી કરાવી દે. માત્ર તેની માનું મન માનતું ન હતું. તેની ફોઈને પણ તેની માનસીક ક્ષમતા માટે પુરો વીશ્વાસ હતો.

     અને એક સુભગ સંજોગે કેલર દંપતીને બોસ્ટનમાં આવેલી, અંધજનોને શીક્ષણ આપતી, પર્કીન્સ ઈન્સ્ટીટ્યુટ વીશે માહીતી મળી. એના બાપે એની મુલાકાત લીધી અને ત્યાં શીક્ષણ પામેલી એની સુલીવાનને એમણે પોતાના ઘેર જ, હેલનને શીખવવા રોકી લીધી. 

     ત્યાર પછી હેલને જે વીકાસ સાધ્યો એ એક જગવીખ્યાત ઘટના છે.

     પણ.. અહીં, આજે જે વાત કરવાની છે તે છે …

     એ છ વરસમાં હેલને પોતે વીકસાવેલી અભીવ્યક્તી માટેના જુસ્સાની.

    —————

    આજના આ સુભગ દીવસે મારી પોતાની અભીવ્યક્તીની તલાશમાં શરુ કરેલ બ્લોગ ગુજરાતી સારસ્વત પરીચય’  1 લાખ મુલાકાતોને આંબી ચુક્યો છે. આપણી ગરવી ગુજરાતી ભાષાની અભીવ્યક્તીનાં 330 રત્નોની ઉપરછલ્લી ઓળખ આપવા મેં પ્રયત્ન કર્યો છે. થોડાએક કાળ માટે, મારા અન્ય સહધર્મીઓએ પણ આ યજ્ઞકાર્યમાં મદદ કરી હતી. એ સૌનો આ પુણ્યકાર્યમાં યોગદાન દેવા માટે હું ઋણી છું.

     પણ અભીવ્યક્તીની આ યાત્રા નીજાનંદથી એક ડગલું આગળ છે. હું કોઈ સીધ્ધહસ્ત લેખક કે ભાષાશાસ્ત્રી નથી. પણ જ્યારથી આ પ્રવૃત્તી શરુ કરી ત્યારથી મારી એક મુંઝવણ મને કનડતી હતી. અને તે હતી – ભાષાની શુધ્ધીની. મારે માટે તે સાવ અશક્ય કામ હતું.

      જ્યારે મારા પરમ મીત્ર શ્રી, જુગલકીશોર વ્યાસનો નેટ ઉપર સમ્પર્ક થયો ત્યારે, મને ઉંઝા જોડણી વીશે માહીતી મળી. પ્રયોગશીલ હોવાના સબબે, પ્રાયોગીક ધોરણે, મારા બીજા બ્લોગ ‘ કાવ્યસુર’ ઉપર એનો અખતરો કર્યો. શરુઆતમાં તો ચોંસઠ વરસની આદતના જોરે ‘સાચી’ જોડણીમાં શબ્દો લખાઈ જતા, અને પ્રયત્ન કરીને એ ‘ સુધારવા’ પડતા (!). શરુઆતમાં તો વાંચવાનું પણ ન ગમતું. લખાણ પુર્ણ રીતે સમજાતું પણ ખોળીયામાં ધરબાઈને પડેલા સંસ્કાર બહુ જ સુગ પેદા કરતા.

    પણ જેમ જેમ વપરાશ વધતો ગયો, તેમ તેમ લખવાની ટેવ પડતી ગઈ; અને પ્રારંભની એ સુગે પણ વીદાય લઈ લીધી. અને બાપુ! આપણને તો આ સુધારો માફક આવી ગયો હોં ! સાવ બીન્ધાસ્ત રીતે લખવાની આ રીત મને તો બરાબરની જચી ગઈ. મને જણાયું કે, માત્ર ‘ઇ,ઈ,ઉ,ઊ’ પુરતી જ ભુલો થતી ન હતી, પણ ‘શ’ અને ‘ષ’ માં પણ ગોટા વળતા હતા. મેં ‘ષ’ ને પણ તીલાંજલી આપી દીધી.

     અને સાચું કહું?  એ 16 માસની હેલન કેલર જેવો આનંદ મારા સમગ્ર હોવાપણામાં વ્યાપી ગયો. હવે હું આ મર્યાદાથી મુક્ત બન્યો હતો. મારી અભીવ્યક્તી વધુ ને વધુ સર્જન તરફ વળી. કન્ટ્રોલ પેનલ અને સ્વીચગીયરની આગળ પાછળ કામ કરતો આ જણ અવનવા લેખ લખતો થઈ ગયો.

     આ કારણે મને ઘણો અપયશ મળ્યો છે; અને ઉપેક્ષા પણ થઈ છે. બ્લોગરોની નાતની બહાર પણ મુકાયો છું. અરે! ઉંઝા સમર્થકોને પણ ‘ષ’ને મેં આપેલી ફારગતી મંજુર નથી. જો કે એમના દીલમાં તો આવા અનેક સુધારા કરવાના અભરખા હશે; પણ એમની સતત ઉપેક્ષા અને અપમાન કરીને એમને ડરાવી દેવામાં આવ્યા છે. નરસીંહ મહેતા અને નર્મદની સમાજ દ્વારા કરાયેલી દુર્દશાની પ્રણાલીકાની તવારીખનું પુનરાવર્તન આપણા સમાજે અકબંધ જાળવી રાખ્યું છે. 400 શબ્દના, છાપેલા એક પાનાના, લખાણમાં પણ અસંખ્ય ભુલો કરતા લોકો, ભાષાના આ વીદ્વાનો અને સાચા સેવકોને   ભાષાના શત્રુ અને ભાષાનું વસ્ત્રહરણ કરનારા કહી વગોવે; ત્યારે તેમની બાલીશ ચેષ્ટા માટે દયા ઉપજે છે.

   છતાં ’ ‘માંહી પડ્યા તે મહાસુખ માણે’ તે ન્યાયે પ્રાપ્ત થયેલી આ સ્વતંત્રતા છોડવા મન નથી કરતું. પ્રશસ્તી અને પ્રસીધ્ધી ન થાય અને અપમાન અને ગાળો સહન કરવાં પડે તેમ છતાં, આ આઝાદી મહામુલી લાગે છે.

     આ દોઢ વરસના ઉંઝા પ્રયોગ પરથી મને એમ હમ્મેશ આશ્ચર્ય થયા કરે છે કે, શા માટે લેખકો, પત્રકારો અને બ્લોગરો માટે ખાસ સુચવાયેલો આ સુધારો પ્રચલીત થતો નથી? સામાન્ય વાચકને તો આ ફેરફાર ધ્યાનમાં પણ આવતો નથી. એના વીરોધમાં જે મુદ્દા મારા ધ્યાનમાં આવ્યા છે તે છે…

 • માન્ય અને સંસ્કૃતમાંથી ઉતરી આવેલી પ્રણાલીકાનો આ સુધારો હ્રાસ કરે છે.
 • આ સુધારો ભલે શ્રેય હોય પણ પ્રેય નથી. 
 • ગુજરાત વીધાપીઠ અને ગુજરાતી સાહીત્ય પરીષદ માન્ય જોડણીકોશથી અલગ રીતે લખવું; તે અક્ષમ્ય ગુનો છે – પહેલે જ પાને પુજ્ય ગાંધીજીએ એ અંગે નોટીસ આપેલી છે! 
 • અંગ્રેજી કે હીન્દીમાં પ્રણાલીકા જાળવવામાં આવતી હોય; તો આપણે શા માટે પહેલ કરવી જોઈએ?
 • દરેક જણ પોતાને ફાવે તેમ લખે તો અરાજકતા ફેલાય.
 • હવે તો ગુજરાતી સ્પેલ ચેકર પણ વીકસાવવામાં આવી રહ્યું છે , એટલે કોઈ  ગમે તેટલી ભુલો કરે તો પણ તે સ્વયંસંચાલીત રીતે  સુધારી  શકાશે !  

    મારે આ બાબતો વીશે અહીં કોઈ જ ખુલાસો કરવો નથી. ઘણું બધું આ બાબત ચર્ચાઈ ચુક્યું છે. લેખકો, પત્રકારો અને સાહીત્ય રસીક જનતાની બહુમતી આ સુધારાની વીરુધ્ધમાં છે, તે અવગણી ન શકાય તેવી વાસ્તવીકતા છે જ.

     પણ એટલું જરુર કહીશ કે બધી જાતના સુધારાઓને માથે ઝીંકવામાં આવતો, આ સર્વકાલીન અને પ્રત્યાઘાતી પ્રતીસાદ માત્ર જ છે. એમાંના એક પણ મુદ્દામાં તાર્કીકતા નથી. કેવળ સ્થીરતાને વળગી રહેવાનું, પરીવર્તનનો પ્રતીકાર કરવાનું, જમાના જુનું ઝનુન માત્ર જ છે. એ જનહીતાય તો નથી નથી ને નથી જ.

     આ દોઢ વરસના અનુભવનું ભાથું વહેંચું; તો એ વાત નીર્વીવાદ છે કે, છ કરોડની, આખા વીશ્વમાં પથરાયેલી જનતામાંના મોટાભાગનાંને આ સુધારા તરફ  કોઈ સુગ નથી. એ બધા મારા જેવા, સાવ સામાન્ય માણસો છે. મારી એ સાવ સામાન્યતા માટે મને ગર્વ અને સ્વમાન છે. ભાષાના બહુ જાણકાર લોકો મારાં લખાણ ન વાંચે અથવા પ્રતીભાવ ન આપે – એના થકી પેદા થતા નીર્વેદ, નીરાશા, વીરોધ, ઉપેક્ષા, અવજ્ઞા વી. ના સીમીત બંધનોથી હું પર થઈ ચુક્યો છું. મુક્ત ગગનમાં ઉડતા પંખી જેવી અને એ બાળ હેલન કેલરે પોતે વીકસાવેલી ભાષા થકી મળતા,  અભીવ્યક્તીના આનંદ જેવો, આ મહામુલો સ્વાનુભવ, એ મારી મહામુલી મુડી છે.

    દુખ માત્ર એ જ વાતનું છે કે, જે આદરણીય લોકોને અડધી રાતે પણ ઉઠાડીને કાંઈક લાંબું લખાણ લખવાનું કહેવામાં આવે; તો પણ, માન્ય જોડણીકોશ પ્રમાણે એમની એક પણ ભુલ ન પડે – એવા ભાષાના જાણકારોએ ( 200થી વધારે) આ સુધારો સુચવેલો છે. તેમની સામે ભાષાશાસ્ત્ર વીશે સાવ અજ્ઞાન લોકો દ્વારા કાદવ ઉછાળાય છે; તેમની હલકી હાંસી કરવામાં આવે છે. અને માન્ય સાહીત્યકારો આ તમાશો હળવાશથી અને રસપુર્વક નીહાળી રહ્યા છે. આ આપણા સંસ્કારને ખચીત શોભતું નથી.

     પરમ પુજ્ય ગાંધીજી સાથે બાળપણથી માંડીને દસકાઓના ગાઢ સહવાસ વચ્ચે, ગળથુથીમાં એમણે આપેલું શીક્ષણ અને જીવન પધ્ધતી જેમણે આત્મસાત્ કર્યાં છે; તેવા આદરણીય શ્રી, નારાયણ દેસાઈએ બન્ને પક્ષોને વીચાર-વીમર્શ કરવા બોલાવ્યા; ત્યારે ચર્ચાને આગળ જ ન વધવા દઈ ગળે ટુંપો દેનારા પંડીતોને મારે એટલું જ કહેવાનું છે કે, તમે એ હેલન કેલર જેવી અબુધ અને ભોળી પ્રજાના ગળે ટુંપો દઈ રહ્યા છો. સાવ સામાન્ય સમજને બાજુએ મુકી – મારા જેવા અદના માણસને માટે આશીર્વાદરુપ, આ જનહીતકારી સુધારાની ભૃણહત્યા કરવાની ચેષ્ઠા, કદાચ બહુમતી માન્યતા ધરાવતી હશે – પણ મને સ્વીકાર્ય નથી જ. એ સુશીક્ષીત અને વીનય વીવેકથી સભર, સાહીત્યકારોની, સાચા પંડીતોની રીત નથી.

    330 સાહીત્યકારોની જીવન ઝાંખી વીશ્વગુર્જરીને ભેટ ધરનાર આ અદના આદમીની અરજ છે કે, ખુલ્લા દીલની અભીવ્યક્તીને આમ તરછોડો નહીં. હું પત્રકારોને અરજ કરું છું કે આ સુધારાને જનતાની સમક્ષ, મુક્ત મનથી રજુ કરે. છ કરોડની જનતાને એ જાણવા દો કે ‘ શું શ્રેય છે અને શું પ્રેય છે? ‘.

    બાળ હેલન કેલરના અભીવ્યક્તીના એ આનંદને જનસમુદાય સુધી  વીસ્તરવા દો.  

    મારા જેવા સામાન્ય જણની આ અરજ – આ ‘ અંતરની વાણી’ આપ સૌ સાંભળશો ને?

18 responses to “હેલન કેલરની ભાષા

 1. Harsukh Thanki ઓક્ટોબર 16, 2008 પર 5:12 એ એમ (am)

  હેલન કેલરની અભિવ્યક્તિની લગોલગ તમારા ખુલ્લા દિલની અભિવ્યક્તિનો સમન્વય ખૂબ સુંદર.

 2. માવજીભાઈ ઓક્ટોબર 16, 2008 પર 6:05 એ એમ (am)

  માનનીય શ્રી સુરેશભાઈ,

  ગુજરાતી સારસ્વત પરિચયનો બ્લોગ ૧ લાખ વાચકોની સીમા પાર કરી ગયો એ પ્રસંગે આપને, શ્રી જુગલકીશોરભાઈને અને એ યજ્ઞકાર્યમાં સીધો/આડકતરો ફાળો આપનારા સર્વેને અમારા જેવા અગણિત ચાહકોના ખૂબ ખૂબ અભિનંદન. આમાં નવાઈ પામવા તેવું કશું જ નથી કેમકે આવા સુંદર, સરસ, માહિતીપ્રદ બ્લોગ પહેલી નજરે જ હ્રદયમાં વસી જાય અને વારંવાર તેની મૂલાકાત લેવાનું મન થયા કરે. મારું માનવું તો એવું છે કે જેમ ન્યુયોર્કના ટાઈમ્સ સ્ક્વેરમાં અમેરિકાનું રાષ્ટ્રીય દેવું વધીને કેટલું થયું તે પ્રદર્શિત કરતા કાઉન્ટર પરના આંકડા ખૂટી પડ્યા તેમ આ ‘સારસ્વત પરિચય’ના વિઝિટરની સંખ્યા ગણતા તમારા સોફ્ટવેરના કાઉન્ટરના આંકડા ઓછા પડે તેવા દિવસો આવશે !

  ભાષા જોડણી એ વિવાદનો વિષય બનાવવાની જરૂર નથી કેમકે અમેરિકામાં બધા લોકો અંગ્રેજી ભાષાની અમેરિકન સ્ટાઈલની જોડણી સેંકડો વર્ષથી કરે છે તો સિંગાપુરની પ્રજાએ છેલ્લા ૩૦ વર્ષમાં અંગ્રેજીમાં ચાઈનીઝ શબ્દો, જોડણી અને ઉચ્ચારોનો ઉમેરો કરી નવી Singlish ભાષાનું સર્જન કરી નાખ્યું છે !

  જ્યારે કોઈ ભાષાનું મહત્વ વધે છે ત્યારે જ તેના જૂના નિયમોમાં ફેરફાર કરવાનું લોકોને મન થાચ છે.

  -માવજીભાઈ મુંબઈવાળા
  (http://www.mavjibhai.com)

 3. Rajendra M.Trivedi,M.D. ઓક્ટોબર 16, 2008 પર 8:24 એ એમ (am)

  Dear Bhai Suresh,

  As you know Our family member Padmashree Jagdishbhai Kashibhai Patel has the similar story of his life.
  He is the visionary of Blind Men Association(BMA), started by him and three other blind men in1954, Raipur, Amadavad, Gujarat.
  Now BMA is the largest in Asia, serving people with all Disabilities.

  http://www.bpaindia.org

 4. pragnaju ઓક્ટોબર 16, 2008 પર 9:16 એ એમ (am)

  અમે બાલ્ટીમોરના રહેવાસી તેથી જ્યારે આ વાત આવી કે-” મારા પિતાએ બાલ્ટીમોરના એક પ્રખ્યાત આંખના દાકતર વિશે સાંભળ્યું. નિરાશ થવા જેવા કેસોની અંદર પણ આ દાક્તર ફાવ્યા હતા. આ પરથી મારી આંખોનું કાંઇ થઇ શકે કે કેમ એ તપાસવા મારાં માતાપિતાએ તરત એમની પાસે મને લઇ જવાનો નિર્ણય કર્યો. બાલ્ટીમોરની મુસાફરી મને બરાબર યાદ છે.”

  ત્યારે કેટલીય વખત વાંચેલી, ભજવાયલી,એ વાર્તા પરના નાટકો-સીનેમા જોયલામાં એક અનુભૂતી વધારે ઉમેરાઈ!
  અને
  પ્રજ્ઞાચક્ષુ ખોલનાર ગુરુને આનાથી સારી ગુરુદક્ષિણા -”મારામાં એકે એવી શક્તિ કે આકાંક્ષા કે આનંદ નથી, જે એમના પ્રેમસ્પર્શથી જાગ્રત ન થયા હોય. ”
  કઈ હોઈ શકે?
  આવા સુંદર લેખ અને અભિવ્યક્તી બદલ ધન્યવાદ

 5. bharat shukla ઓક્ટોબર 16, 2008 પર 9:31 એ એમ (am)

  when i was 12yrs old my school teacher told the storry of hellen keller. we had heard the story with deep interest and it had long impact duringthe study period. today i remembered the student life and remembered hellen keller and went back to the past of student life, and life of hellen kellery. I thank you very much for taking the subject of very interesting personalities like hellenkeller. jug jug jio jani family for bringing the gujaratis with highest spirit. god bless you in all respect.

 6. doshi hemant ઓક્ટોબર 16, 2008 પર 9:58 એ એમ (am)

  it very good and send this type of story to reader they will very happy.and thank you .
  from-hemant doshi at houston in u.s.a.

 7. Rekha Sindhal ઓક્ટોબર 16, 2008 પર 10:39 એ એમ (am)

  સુરેશ્ભાઈ,

  ભાષા એ અભિવ્યકતિનું માધ્યમ બનવાને બદલે રૂકાવટ બને ત્યારે કલાનું ગળુ ઘુંટાવા લાગે. એ રૂકાવટ દૂર કરવાનો તમારો પ્રયાસ પ્રશંશનીય છે. આપની સર્જન શક્તિ પણ દાદ માંગી લે તેવી છે. સરસ્વતી દેવીના કૃપાપાત્ર થવા માટે આપને ખૂબ ખૂબ ધન્યવાદ. પણ જોડણી સાથે જોડાયેલા અર્થનું શું? જોડણીની ભૂલો સુધારવી એટલે ભાષાનું જ્ઞાન મેળવવું. અને ભાષા માધ્યમ હોવાથી એ વાંચક અને લેખક વચ્ચે સેતુ બને છે એ સેતુની મજબૂતાઈ માટે સમાન અર્થ હોવો શું જરૂરી નથી? અને અર્થ અને જોડણી વચ્ચે સીધો સંબંધ ખરો કે નહી? વળી સામાના મગજમાં આપણી વાત આપણા અર્થમાં પહોંચે એ માટે આપણે સંજ્ઞા કે શબ્દો વાપરતાં હોઈએ છીએ. હેલન કેલરની લિપિમાં જે સંજ્ઞાની જોડાણીઓ છે તેમાં ફેરફાર કરવામાં આવે તો એ પણ સમાન ધોરણે સ્વીકારાય અને જોડણીના અર્થ સાથે ભાષામાં કેટલાંક સર્વસ્વીકાર્ય ફેરફાર થાય તો જ એ મજબૂત સેતુ બની શકે બાકી જો ભાષા જ અર્થના અનર્થો સર્જવા લાગે તો પછી એ જ્ઞાનનું માધ્યમ કેમ રહી શકે? આવા થોડા પ્રશ્નો જે મારા મનમાં ઉઠયા છે તે કદાચ ચર્ચાઈ ચૂક્યા હશે. પણ કેટલાંક વર્ષોથી હું મારા અંગત કારણોસર ગુજરાતી વાંચન – લેખનથી અળગી થઈ ગઈ હતી. આથી ગુજરાતી સાહિત્ય જગતમાં શું ચાલે છે તેની મને બહુ જાણ જો કે હજુ ય નથી પણ મારો ફરી પ્રવેશ થઈ શક્યો છે. એને હું ઈશ્વરની કૃપા ગણુ છું એ કૃપાએ જ નિલમ દોશી અને હું પાંત્રીસ વર્ષે ફરી મળ્યા એ પહેલાંની મારી મુશ્કેલી ગુજરાતી અને અંગ્રેજી ભાષાનો મારા મનનો ઝગડો હતો. કારણ એટલું જ કે મારે મારી જે વાત લખવી છે જેની મેં હજું શરૂઆત પણ નથી કરી તે ગુજરાતી વાંચકો માટે નહી પરંતુ અહીં ઉછરતા આપણા બાળકો ભવિષ્યમાં વાંચે એવી ઈચ્છા છે. જે ગુજરાતી વાંચતાં શીખશે તો પણ એમની એમાં રૂચિ નહી કેળવાય એ આપણે જાણીએ છીએ. મારી અમેરીકન મિત્ર જે પોતે પણ મારા જેવી સાધારણ કક્ષાની લેખિકા છે તેણે સૂચવ્યુ કે તું એડીટરની હેટ હમણાં ઉતારીને લખવા માંડ ભલે મિશ્ર ભાષામાં લખાય. ભૂલો અને ભાષા પાછળથી એડીટ કરી શકાશે.(મને આ કેમ ન સૂઝ્યું તેની મને નવાઈ લાગે છે) અને પછી નિલમે મને સાથ આપ્યો. મારા પોતાના આશ્ચર્ય વચ્ચે કુદરતી રીતે જ હું ગુજરાતીમાં ભૂલોભરેલી જોડણીમાં જ લખુ છું અને તમારા બ્લોગ પર તો બીન ધાસ્ત લખું છું. જુઓને અત્યારે જ કેટલું લખી નાખ્યું. પણ છતાંય મને ફક્ત મારૂં ગુજરાતી જ નહી પણ અંગ્રેજી સુધારવાની પણ ઘણી જરૂર જણાય છે. મારી વાત મારા અર્થમાં બીજા વાંચે અને સમજે તેવી મારી ઈચ્છા હોય તો ભાષાનું જ્ઞાન જરૂરી છે. પણ મારી વાત સમજવા માટે મારી ભાષા કોઈ સમજે એવું હું ઈચ્છતી હોઉ તો મૌન જેવી ઉતમ ભાષા બીજી કઈ હોઈ શકે? આપ જેવા જ્ઞાની કદાચ મારા આ પ્રશ્નોના જવાબ આપી શકો એ હેતુથી આટલું બધું લખ્યુ છે. મને ખાત્રી છે કે તમને જવાબ આપવો ગમશે.

 8. chetu ઓક્ટોબર 16, 2008 પર 1:12 પી એમ(pm)

  ખૂબ ખૂબ હાર્દિક અભિનંદન દાદા..!

 9. Chirag Patel ઓક્ટોબર 16, 2008 પર 7:41 પી એમ(pm)

  દાદા, બહુ જ સરસ ઉદાહરણ સાથે અંતરની વાણીને તમે વાચા આપી.

 10. nirlep ઓક્ટોબર 18, 2008 પર 2:29 પી એમ(pm)

  કેવળ સ્થીરતાને વળગી રહેવાનું, પરીવર્તનનો પ્રતીકાર કરવાનું, જમાના જુનું ઝનુન માત્ર જ છે. …….very true…this is what real trend-setter feels.

 11. neetakotecha ઓક્ટોબર 18, 2008 પર 3:44 પી એમ(pm)

  dadaji koi shu swikare che ena par aaapde aapdi jindgi nathi jivati..loko ne to aapde swas laiye e pan n game to e to bandh nahi karay ne….
  hu hamesha kaheti aavi chu ke mari ma sari to bijani kharab n hoy…
  tamtamare lakho ame chiye vachva vada….

 12. Ramesh Patel ઓક્ટોબર 27, 2008 પર 10:55 પી એમ(pm)

  ભાષા નો વિકાસ અને બંધારણ ને સમજ્વાની અશક્તી ને ચલાવી લેવાની તમન્ના સામે ભાષા વિશારદના પ્રત્યાઘાત સ્વાભાવિક છે.પરંતુ ગુજરાતી ઘરોબામાં

  ઉછરેલ મોટા ભાગના જૉડણી માટે ખોટુ લખાઈ જવા માટે ક્ષોભ અનુભવે છે.આ વિષય બાબત ચર્ચા વિચારણા થાય એ તાતી જરુરીઆત છે સૌને ગુજરાતી

  સાહિત્યમાં ભાગીદાર થવાનો મોકો મળે,તો સુરેશભાઈ જેવા સમર્પિત મળતા રહે.થોડું વૈકલ્પિક પરિવર્તન મોટી હરણફાળ ભરી શકે.

  રમેશ પટેલ(આકાશદીપ)

 13. manvantpatel નવેમ્બર 22, 2008 પર 6:16 પી એમ(pm)

  AAPNA SARV PRAYATNO SAFAL THAO !
  HARDIK SHUBHECHCHHAAO !!!!!!!!!!!!!!!!

 14. Kusum Rawal મે 24, 2009 પર 9:14 એ એમ (am)

  Namaskar,
  Bhasha na sanskar ne yathavat rakhi ne, ta me tamaririte jivone.Bija tamari vat manetoj yogya kahevay?Pu. Gandhijini suchana yogayaj chhe.
  Biju pachhi
  Kusum……..

 15. nare mistry જૂન 4, 2009 પર 2:00 એ એમ (am)

  Language is important for the common person to put his thoughts in words and its purity is important for the writers who can express in more deep and better way than common man…so as per me this fight for purity and simplicity is emmaterial against the slow death of language which we all should look at now. And what we can say of reporters of today’s gujarati daily!! GOD save us from them.

 16. Uttam and Madhu Gajjar જૂન 4, 2009 પર 8:45 એ એમ (am)

  વહાલા સુરેશભાઈ,

  ‘ઉંઝાજોડણી’ અંગે વારંવાર પુછાતા પ્રશ્નો(FAQ)ના ઉત્તરો આપણા એક સમર્થ ભાષાવીજ્ઞાનીએ આપેલા જ છે.. વાચકોને એ લાભદાયી જણાય તો અહીં રાખજો.. આવું તો ઘણું સાહીત્ય અમારી પાસે તૈયાર છે જે વેબસાઈટ http://unzajodni.googlepages.com/ પરથીયે જોવા મળશે અથવા અમને લખશે તો અમે મોકલીશું..
  ..ઉત્તમ અને મધુ ગજ્જર..સુરત..
  uttamgajjar@hotmail.com

  જોડણી સમસ્યા
  –ડૉ. યોગેન્દ્ર વ્યાસ
  ♦ ભાષાપ્રેમીઓએ વારંવાર પુછેલા કેટલાક સવાલોના આધારે
  વાચકોની સમાસ્યાઓનું નીરાકરણ ♦

  સવાલ-1 : ભાષા તો આપણી મા કહેવાય. માને સુધારનારા આપણે કોણ ?
  જવાબ : ભાષાને સુધારી શકાય જ નહીં, ભાષાને કાગળ ઉપર રજુ કરતાં સાધનને ( લખાણને )જરુર સુધારી શકાય જેથી માનાં દર્શન વધુ સારાં થઈ શકે. દુનીયાભરની બધી જ ભાષાઓને કાગળ ઉપર રજુ કરતાં સાધનોમાં ( લીપી અને જોડણી ) સુધારા થતા જ રહ્યા છે.ગુજરાતી પણ એમાં અપવાદ નથી.

  સવાલ-2 : જોડણી સરળ કરવાથી આપણી ગુજરાતીનું ભાષા-સૌંદર્ય અને સમૃદ્ધી ખતમ નહીં જાય ?
  જવાબ : સરળતા એ કાંઈ ભાષાસૌંદર્ય અને સમૃદ્ધીની દુશ્મન નથી. એ જ રીતે સંકુલ અને ગુંચવાડાભર્યું એટલે વધુ સુંદર અને અસરકારક એવું પણ નથી. ભાષાની સમૃદ્ધી અને સૌંદર્ય મુળાક્ષરો કરતાં અર્થો પર વધુ નીર્ભર રહે છે. ( કોઈ ઉર્દુ ગઝલ ગુજરાતીમાં લખવામાં આવે તેથી ગઝલનું સૌંદર્ય ઘટતું નથી.)

  સવાલ-3 : સરળ જોડણીથી બાળકોનું કલ્યાણ થશે, એવી વાતો કરો છો, તો પછી જોડણીના રુઢ સીદ્ધાંતો શીક્ષકો બરાબર ભણાવે એવું કેમ નથી કરતા ?
  જવાબ : ખામી જોડણીના સીદ્ધાંતોમાં છે, એની અનીયમીતતામાં છે ( નીયમો કરતાં અપવાદો વધારે છે તેથી જ કોઈ એને પુર્ણ રીતે શીખી કે શીખવી શક્યું નથી). સંસ્કૃતમાંથી ઉતરી આવેલી જોડણી એમાં થયેલા પરીવર્તન સાથે તાલ મેળવી શકી નથી. તેથી આ પ્રયાસ અનીયમીતતાને દુર કરવાનો, જોડણીને ગુજરાતી કરવાનો છે, જેથી ગુજરાતી શીખતાં બાળકોને તકલીફ ઓછી પડે.

  સવાલ-4 : એક ઈ ( દીર્ઘ ઈ) ઉ ( ગ્રસ્વ ઉ) સ્વીકારવાથી શાળાના વીદ્યાર્થીઓને શીક્ષકો ‘દિન’ અને ‘દીન’ કેવી રીતે શીખવાડશે ?
  જવાબ : જેવી રીતે ‘હરણ’ (મૃગ) અને ‘હરણ’ ( બળજબરીથી લઈ જવું) અથવા ‘ગજ’ (માપવાનું સાધન) અને ‘ગજ’ (હાથી) શીખવાડ્યું હતું તે જ રીતે !!
  સવાલ-5 : હ્રસ્વ ‘ઇ’ અને દીર્ઘ ‘ઊ’ કાઢી નાખવાથી, વ્યાકરણમાં સ્વરનું જ્ઞાન કેવી રીતે શીખવીશું ?
  જવાબ : જે સ્વરો ગુજરાતીની ઉચ્ચારણવ્યવસ્થામાં નથી, તે શીખવવાની જરુર હોતી નથી. છેલ્લાં વીસેક વરસથી શાળા/મહાશાળાઓનાં વ્યાકરણમાં શીક્ષકો એવું જ શીખવે છે કે ગુજરાતીમાં માત્ર આઠ જ સ્વરો છે ! અ,આ,ઈ,ઉ,એ,ઍ,ઓ અને ઑ.

  સવાલ-6 : આજે એક ઈ અને ઉ કરવાની વાત છે, કાલે બીજું બધુંય સુધારવાની વાત થશે તો પછી ગુજરાતી જોડણીમાં અરાજકતા નહીં ફેલાય ?
  જવાબ : લખાણમાં એક જ ‘ઈ’ અને ‘ઉ’ રાખવાની વાતા આજની નથી. દોઢસો વરસ પહેલાં અમદાવાદનાં હઠીસીંગનાં દહેરાંમાં લખાયેલા સંસ્કૃત (દેવનાગરી)શીલાલેખમાં હ્રસ્વ/દીર્ઘ બંને ‘ઈ’ વપરાયાં છે. જ્યારે ગુજરાતીમાં માત્ર દીર્ઘ ‘ઈ’ જ વપરાઈ છે. સાહીત્ય પરીષદના પ્રથમ પ્રમુખ ગોવર્ધનરામે પણ એક જ ઈ અને એક જ ઉ કરવાની વાત કરી હતી અને તેમની મહાનવલ ‘સરસ્વતીચંદ્ર’ની શરુઆતની આવૃત્તીઓ તે જ રીતે છપાયેલી છે. ‘સાર્થ ગુજરાતી જોડણીકોશ’ રચનાર પંડીતોએ સંસ્કૃત સાથેનો આપણો સંપર્ક તુટી જશે એવી ખોટી બીકથી હ્રસ્વ અને દીર્ઘ ઈ/ઉ ના અનેક અપવાદોથી ભરપુર નીયમો ઘડી કાઢીને જોડણીકોશ રચ્યો એટલે લખાણમાં અરાજકતા વધી છે. અનુભવે જે વધુ સંકુલ અને તેથી ગુંચવાડાથી ભરપુર લાગતું હોય એમાં સુધારો કરવો એ શાણપણ છે.

  સવાલ-7 : હવે જો એક ઈ-ઉ પ્રમાણે જ બધું છપાશે તો ભવીષ્યમાં ” આજનું સાહીત્ય” કોણ વાંચશે? 15-20 વર્ષો પછી આ બધું પસ્તીમાં ફેંકી દેવાનું ?
  જવાબ : આ કોઈ એવા ફેરફારો નથી કે જેથી સાહીત્ય વાંચતાં જ ન આવડે. જેમ કે ‘ચોક્ખું’,’શુધ્ધ’ જેવી જોડણી લખાતી હતી, અને આજે તેતે બદલે ‘ચોખ્ખું’ અને ‘શુદ્ધ’ લખાય છે. પરંતુ તેથી વાંચવામાં કે સમજવામાં કોઈ તકલીફ થતી નથી.વળી સાક્ષરયુગમાં કહેવાતી ‘અરાજકતા’વાળી જોડણી જ હતી ને! છતાં આજે વંચાય જ છે ને ! કયું સાહીત્ય પસ્તીમાં ફેંકાશે અને કયું પુન: પુન: મુદ્રીત થઈને વંચાયાં કરશે એનો આધાર એની સાહીત્યીક ગુણવત્તા ઉપર છે.

  સવાલ-8 : એક ઈ-ઉ કરવાથી છંદોબદ્ધ કવીતાનું શું થશે ? નવી પેઢીને છંદ કેવી રીતે શીખવીશું ?
  જવાબ : એક ઈ-ઉ કરવાથી છંદોબદ્ધ કવીતાને કશો વાંધો આવે એમ નથી. ‘સાર્થ જોડણીકોશ’નો નીયમ નં.32 આ વાત કરે છે. વળી ‘બૃહદ્ પીંગળ’ પુસ્તકમાં સ્વ. રામનારાયણ પાઠક પ્રસ્તાવનામાં નોંધે છે કે, ‘ગુજરાતી કાવ્યમાં પ્રચલીત જોડણીમાં છંદને અનુકુળ લઘુનો ગુરુ અને ગુરુનો કરવાની છુટ છે.(પા.11, 1992 આવૃત્તી બીજી) એટલે નવી પેઢીને છંદ શીખવાડવામાં તકલીફ જરાય નહીં પડે. વળી છંદ પાટીયા પર શીખવવા કરતાં ગાઈને શીખવવાની પરંપરા પુન:જીવીત કરવામાં આવે તો સરળતા એકદમ વધે.

  સવાલ-9 : તત્સમ શબ્દોમાં જોડણી સુધારવાથી સંસ્કૃત ભાષાને નુકસાન નહીં થાય ?
  જવાબ : (સંસ્કૃતની) દેવનાગરી લીપી જ છોડી દીધી છે તેથી કોઈ તકલીફ થઈ છે? અને કહેવાતી સાચી જોડણી લખવાથી કેટલા લોકોને સંસ્કૃત ભાષા આવડી ગઈ ?

  સવાલ-10: પ્રાથમીક શાળાઓમાં ધોરણ પાંચથી હીન્દી શીખવવામાં આવે છે. જો ગુજરાતીમાં એક ઈ-ઉનો સુધારો કરીશું તો હીન્દી કેવી રીતે શીખવીશું ?
  જવાબ : હીન્દી અને સંસ્કૃતની તો લીપી જ (આપણા કરતાં) જુદી છે. એ બંને ભાષા દેવનાગરી લીપીમાં લખાય છે. આખી લીપી જ જુદી શીખવાની હોય, એક આખી વ્યવસ્થા નવેસરથી શીખવાની હોય(તો તેના કરતાં)બે સ્વરોની જોડણી જ શીખવાની આવે તે સહેલું નહીં ?

  સવાલ-11: મહાત્મા ગાંધીએ કહ્યું છે,”હવે પછી કોઈને સ્વેચ્છાએ જોડણી કરવાનો અધીકાર નથી.” તો પછી જોડણી-સુધારણા કેટલી વાજબી ?
  જવાબ : મહાત્મા ગાંધીએ આવું કહ્યું હોવા છતાં ગુજરાતનાં ઘણાં ખરાં છાપાંઓએ, દુરદર્શને,સરકારી પેરીપત્રોએ સ્વેચ્છાએ જોડણી કરવાનો અધીકાર રાખ્યો છે. આ અરાજકતામાંથી બહાર આવવા માટે જરુરી છે કે સ્વેચ્છાએ સુધારો ન થાય પણ લોકોની ઈચ્છાથી તે થાય.

  સવાલ-12: ગુજરાત વીદ્યાપીઠ ‘ગૂજરાત’ લખવામાં દીર્ઘ ઊ વાપરે છે અને ગુજરાત સરકાર ‘ગુજરાત’લખવામાં હ્રસ્વ ઉ વાપરે છે. આવો વીરોધાભાસ કેમ ?
  જવાબ : ‘સાર્થ જોડણીકોશ’ની રચના થઈ એ પહેલાં ગુજરાત વીદ્યાપીઠની સ્થાપના થયેલી અને ત્યારે ગુજરાત વીદ્યાપીઠના પ્રતીક વગેરેમાં ‘ગૂજરાત’લખાઈ ગયેલું એટલે ‘ગૂજરાત’ને અપવાદ ગણી કોશકારે બીજા ચાર અક્ષરના શબ્દોમાં પહેલો અક્ષર હ્રસ્વ કરવો એવો નીયમ કર્યો. આથી ‘ગુજરાત સરકાર, ગુજરાત યુનીવર્સીટી, ગુજરાત રાજ્ય’વગેરેમાં ‘ગુજરાત’ મળે છે.અને’ગૂજરાત’લખવાથી ‘ગૂજરાત વિદ્યાપીઠ’ બધાથી અલગ છે તેવું પણ સૌને સમજાય છે.

  સવાલ :13 ગુજરાતી ભાષાની જોડણીમાં અપવાદની ટકાવારી કેટલી ? એવું કેમ છે ?
  જવાબ : ‘સાર્થ જોડણીકોશ’માં આપેલા નીયમો જોતાં ત્રીસ ટકા જેટલા અપવાદો નીકળે છે. આનું મુખ્ય કારણ એ છે કે પહેલાં જોડણીના નીયમો ઘડવામાં આવ્યા હતા અને તે પછી જ શબ્દોની જોડણી નક્કી થઈ હતી. કોશની નવી આવૃત્તીમાં અંગ્રેજી શબ્દોની ગુજરાતી જોડણીની બાબતમાં પણ એ જ રીત અપનાવાતી લાગે છે. તમે ‘જોડણી-3’માં છેલ્લા પાને આપેલાં ધોરણો જુઓ. ત્યાં “ઉચ્ચાર હળવા ‘ઈ’ જેવો થતો હોય” અથવા “ઉચ્ચાર ભારવાળા ‘ઈ’ જેવો થતો હોય” એમ લખ્યું છે ! આવો ઉચ્ચાર ‘હળવા-ભારે વાળો’ એટલે કેવો તેની સમજણ કોઈ ઉચ્ચારશાસ્ત્રી આપી શકે તેમ નથી.આવી અધકચરી જાણકારી અવ્યવસ્થા અને અરાજકતા ઉભી કરે છે.

  સવાલ :14 જોડણી આ હોય કે પેલી, એથી સામાન્ય માણસને શો ફેર પડે ?
  જવાબ : અત્યાર સુધી સામાન્ય માનવી ફાવે તેમ જોડણી લખતો હતો.તેથી લખતાં લખતાં ક્યારેક અવઢવ કે મુંઝવણ અનુભવતો અને પોતે ક્યાંક ખોટું લખી રહ્યો છે તેવી બીક તથા અપરાધભાવ તેના મનમાં રહેતો. આ કારણે તેના લખાણના સળંગ પ્રવાહમાં અડચણો આવતી. સુધારા પછી તે સરળતાથી સાચી જોડણી લખી શકશે અને એકજાતની નીરાંત અનુભવશે.

  સવાલ :15 ગુજરાતી ભાષાવીકાસનાં બીજાં ઘણાં કામો છે, ‘જોડણી’ જ શા માટે ?
  જવાબ : ગુજરાતીભાષાનાં વીકાસનાં બીજાં કાર્યો પણ ચાલુ જ છે. છેલ્લાં ત્રીસ-ચાલીસ વરસ દરમ્યાન ગુજરાતી ભાષાનાં પ્રમાનભુત કહી શકાય તેવાં પાંચેક વ્યાકરણો રચાયાં; ભાષા વીશેની સમજને સ્પષ્ટ કરતાં પ્રમાણભુત દશેક પુસ્તકો લખાયાં; ભાષાશીક્ષણ વીશે પાંચેક ઉત્તમ પુસ્તકો પ્રગટ થયાં અને મુખ્યત્વે એને આધારે શાળા- મહાશાળાઓના ગુજરાતી ભાષાના જ નહીં, અન્ય ભાષાઓના અભ્યાસક્રમો પણ ભાષાલક્ષી બન્યા. વ્યુત્પત્તી કોશ, પર્યાય કોશ અને બૃહદ કોશ જેવા કોશો પણ પ્રગટ થયા. એટલે ગુજરાતી ભાષાના વીકાસની કામગીરી તો એક બાજુ ચાલુ જ છે, પણ સ્વ. ડૉ. પ્રબોધ પંડીતે કહ્યું હતું તેમ ‘ભાષાના વપરાશકારો વધે તો ભાષાનો સાચો વીકાસ થાય.’ એમ જોતાં જોડણીનું આ કામ થાય તો જરુર અક્ષરજ્ઞાનનો વ્યાપ વધે. લઘુમતી કોમ, આદીવાસીઓને અને પછાત કોમો લખાણની મુંઝવણો અને ગુંચવાડા દુર થતાં વધુ ઉત્સાહથી ભણીને શીક્ષીત બને

  સવાલ :16 જોડણી સુધારણા કરવાનો હક્ક કોનો ? પ્રજાનો, ભાષા-સાહીત્ય સંસ્થાનો કે સરકારનો ?
  જવાબ : અત્યાર સુધી ગુજરાત વીદ્યાપીઠ હક્ક લઈને બેઠી છે. ખરેખર હક્ક પ્રજાનો છે. ભાષાના સરળ લખાણની લોકોને તાતી જરુર છે, કારણ કે આજે તો ભાષાનું લખાણ જ શીક્ષણનું, વ્યવહારનું અને તેથી વીકાસનું મુખ્ય સાધન છે. એમાં ભાષાવીદો અને કેળવણીકારો માર્ગદર્શન જરુર આપી શકે. છેલ્લે સરકાર સ્વીકૃતી આપે.

  ======================================================

  સવાલકર્તા : મનીષી જાની, અમીત દવે, કીરણ ત્રીવેદી, પ્રવીણ પંડ્યા, લલીત લાડ.

  જવાબ દાતા : ડૉ. યોગેન્દ્ર વ્યાસ.,
  સંપર્કઃ ૩૪૭– સરસ્વતીનગર, અમદાવાદ–૩૮૦ ૦૧૫ ફોનઃ ૦૭૯–૨૬૭૫ ૨૬૭૫

  પરામર્શકો : ડૉ. યોગેન્દ્ર વ્યાસ, રામજીભાઈ પટેલ, ઈન્દુકુમાર જાની

  સૌજન્ય : (માનવ મીડીયા) કીરણ ત્રીવેદી ,

  સંપાદક :’જોડણી વીચાર’ ( ગુજરાતી ભાષાપરીષદનું પ્રકાશન.)

  માર્ચ ૨૦૦૪

  અક્ષરાંકન – જુગલકીશોર વ્યાસ – jjugalkishor@gmail.com

  તા. ૧૫ ઓગસ્ટ ૨૦૦૮

 17. ગાંડાભાઈ વલ્લભ જૂન 4, 2009 પર 9:57 પી એમ(pm)

  ખુબ સરસ. હાર્દીક ધન્યવાદ સુરેશભાઈ.

  શરુઆતમાં જ્યારે “સનડે ઈ મહેફીલ” ભાઈ શ્રી ઉત્તમભાઈ દ્વારા ઈમેઈલથી મળેલું ત્યારે એક જ ઈ-ઉ વાળું લખાણ વાંચવું ગમતું ન હતું. તે સમયે આ નવી જોડણી વીષે કશી માહીતી મને ન હતી. હવે મને આ જોડણી ગમે છે, પણ દરેક જણ મનસ્વી રીતે જોડણી કરે તે ગમતું નથી. ઉંઝા ઠરાવ મુજબ જે નક્કી કર્યું હોય તેનો અમલ કરવો જોઈએ.
  આપનો પ્રયત્ન અને મહેનત ખુબ દાદ માગી લે છે. આપના આ લેખથી અને એની ઉપર આવેલી કૉમેન્ટ્સથી મને ઘણું બધું જાણવાનું મળ્યું.

  ફરીથી હાર્દીક આભાર.

 18. સુનિલ શાહ જૂન 5, 2009 પર 1:14 એ એમ (am)

  ‘ગુજરાતી સારસ્વત પરીચય’ એ ગુજરાતી નેટ જગત માટેનું અમૂલ્ય આભુષણ છે…અભિનંદન

તમારા વિચારો જણાવશો?

Please log in using one of these methods to post your comment:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s

%d bloggers like this: