સૂરસાધના

ગુજરાતી લેખિનીમાં સ્વૈરવિહાર

પ્રકરણ – 19 : ભુલાનું ભીષણ સ્વપ્ન

વીતેલી વાર્તા વાંચવા ઉપર આપેલા ટેબમાંથી
બીજી લાઈનના ‘નવલકથા’  ટેબ ઉપર ‘ક્લીક’ કરો.

——————————————-     

     જેમ જેમ રાત ઢળતી ગઈ, તેમ તેમ અંધકાર વધારે ને વધારે ગાઢ થતો ગયો. પવનના સુસવાટા ઝાંખરાંઓમાથી પસાર થઈને તીણી ચીસો પાડતા હતા. ભુલાના અજાગૃત ચીત્તમાં વ્યાપેલ હતાશાનો અંધકાર અને અમાસની એ ઘોર અંધારી રાતની જુગલબંધી કોઈ ખોફનાક રાસડે હીંચ લઈ રહી હતી.

    અને ત્યાં જ દુરથી કોઈ તીવ્ર અટ્ટહાસ્યનો ભયાનક અવાજ જાગી ઉઠ્યો. ભયનું એક લખલખું ભુલાના રોમે રોમને કંપાવી ગયું. અનેક આકૃતીઓના અટ્ટહાસ્યનો એ અવાજ જેમ જેમ નજીક આવતો ગયો, તેમ તેમ ભુલાનું સમગ્ર અસ્તીત્વ થરથરી ઉઠ્યું.

     ટોળે ટોળાં વળીને, ભયાનક નાચ નાચતાં હાડપીંજરો ભુલાને ઘેરી વળ્યા. તેમની આંખોના ખાલી બાકોરામાંથી લીલા ભુરા રંગનો, ઝેરીલો રંગ ચમકી રહ્યો હતો. એમના બોખાં જડબામાંથી લાલ અને કેસરી રંગની જ્વાળાઓ ઓકાઈ રહી હતી. બન્ને હાથ વડે તાબોટા પાડવાથી થતી સુકાં હાડકાંની થપાટો ભયાનક નાદ જગાવી  રહી હતી. કોઈ અજાણ્યા ખુણેથી ડાકલાં અને ડમરુના  કાનના પડદા ફોડી નાંખે તેવા અવાજો આવી રહ્યા હતા. આ મોતના તાંડવનો રાસડો જેમ નજીક આવતો ગયો તેમ તેની ભયાનકતા બળવત્તર બનતી ગઈ. છેવટે  એ બધી ભુતાવળ ભુલાને ઘેરીને સ્થીર ખડી થઈ  ગઈ. 

    ભુલાને જાણે કે, એનો પ્રાણ બહાર આવી રહ્યો હોય એવી ભયાનક સંવેદના ઘેરી વળી. એક હાડપીંજરે તેની તરફ હાથ લંબાવ્યો; અને તેના હોવાપણાને બળપુર્વક બહાર ખેંચી કાઢ્યું. અને ભુલાનું ખોળીયું જેમનું તેમ પડી રહ્યું, પણ ભુલો તેની બહાર આવી ગયો. તેણે જોયું કે તે પણ હવે એક નરકંકાલ બની ગયો હતો. માત્ર તેના તાજાં હાડકાં ઉપર ચોંટેલાં માંસ અને ટપકતાં લોહીનાં ટીપાં, તેની આકૃતીને વધુ જુગુપ્સાપ્રેરક બનાવતાં હતાં. આ હાડપીંજરી ભુતાવળના નાચમાં તે પણ ભળી ગયો. હવે તેને નારીદેહને ભોગવવાની કોઈ વાસના રહી ન હતી. ગોવા કે કોઈ પણ પ્રતીસ્પર્ધી ઉપર આધીપત્ય જમાવવાની મહત્વાકાંક્ષા પણ શેષ રહી ન હતી. હવે તે આ ભયાનક ભુતાવળનો એક ભાગ બની ગયો હતો. આ ભયાનક રાસડા લેતાં લેતાં આગ અને ઝેર ઓકવાની રંગત અનેરી હતી. ક્યાંય સુધી આ રાસ ચાલતો રહ્યો. ભુલાને તેની હવે કોઈ બીક કે જુગુપ્સા ન રહી.

    છેવટે ઉષાનાં આછાં કીરણોના ઉજાસમાં ભુલાની આંખો ખુલી. તેના નીર્ગત બનેલા દેહમાં ફરી પ્રાણનો સંચાર થયો. શબવત્ બનેલા શરીરની તેને ફરી અનુભુતી થઈ. તેણે પગની આંગળીઓ હલાવી જોઈ. તે હાડપીંજરનો ભાગ ન લાગી પણ પુર્વવત્ હાડમાંસની બનેલી તે અનુભવી રહ્યો. જેમ જેમ ભરભાંખળું થતું ગયું, તેમ તેમ તેની ચેતના જાગૃત થવા માંડી. તેની જુની જાત, તેનું એ પુરાણું હોવાપણું નષ્ટ થઈ ગયું હતું. એક નવા ભુલાએ એ ખોળીયામાં જન્મ ધારણ કર્યો હતો – એક જ જીવન લક્ષ્ય સાથે –

    પ્રતીશોધ… પ્રતીશોધ… પ્રતીશોધ…

   ભુલો ઉઠ્યો. તેની બધી અશક્તી અને હતાશા ગાયબ થઈ ગયાં હતાં. તે સપાટાભેર ચાલવા માંડ્યો. તેના ખોળીયામાં કોઈ રાક્ષસી તત્વે નીવાસ કર્યો હતો. કોઈ અજાયબ તાકાત તેને નવા ભવીતવ્ય તરફ દોરી, ખેંચી રહી હતી. આગળ એક નાના તળાવમાં તેણે હાથ મોં ધોયાં. તળાવના પાણીમાં પોતાનું પ્રતીબીંબ તે નીહાળી રહ્યો.

     એ કોઈ બીજું જ જણ હતું.

    એક પાટલાઘો બાજુમાંથી ધીમે રહીને સરકી. લપાક દઈને તેણે પુંછડી પકડી તેને ઝાલી લીધી. આવો શીકાર પહેલી જ વાર તેને હાથ ચડ્યો હતો. આ દલદલમાં બીજું તો શું હાથ આવે? જે મળ્યું તે સહી. હવે આનાથી તો તેણે જીવતર ટકાવવાનું હતું ને? ભુખ સંતોષી, પાણી પી તે આગળ વધ્યો.

    નવી મળેલી આંતરીક તાકાત અને આ ખોરાક – પાણીના બળે તે આગળ ને આગળ ચાલતો જ રહ્યો – વધારે ને વધારે ઉત્તર તરફ. કોઈ નવો સાથ મળી જાય તેની આકાંક્ષામાં.

5 responses to “પ્રકરણ – 19 : ભુલાનું ભીષણ સ્વપ્ન

 1. Chirag Patel ઓક્ટોબર 18, 2008 પર 8:20 એ એમ (am)

  હ્મ્મ્મ. દાદા, તમે એક બહુ જ સરસ વસ્તુ સમજાવી દીધી. અસુર કે દેવ માણસના મગજની જ નીષ્પત્તી છે અને એ જેવું વાતાવરણ મળે એ રીતે પ્રગટે છે. પુરાણો મુજબ બન્ને એક જ પીતાના સંતાનો…

 2. pragnaju ઓક્ટોબર 18, 2008 પર 2:51 પી એમ(pm)

  સરસ રીતે પ્રવાહ ચાલે છે
  જીવતર એ રાગમાં,
  એ પરિસર વિશેષમાં
  આપણને લાગે છે કે
  જીવતર તો ત્યાં જીવવા મળ્યું!

 3. Pingback: પ્રકરણ – 28 લશ્કર « ગદ્યસુર

 4. સુરેશ જાની મે 6, 2010 પર 8:30 એ એમ (am)

  વલીભાઈ મુસા તરફથી મને બહુ જ ગમતા આ પ્રકરણનું વિવેચન –
  —————————
  ‘બીભત્સ’ પણ સાહિત્યના નવ રસ પૈકીનો એક હોઈ સાહિત્યકાર તેની અવગણના ન કરી શકે. હા, એટલું જરૂર કે શૃંગારાદિની જેમ સંયમ ઉલ્લંઘાય તો તે અશ્લીલતામાં ખપે એવું જ અન્ય રસોમાં પણ બની શકે! કેટલાક મીમાંસકોએ ‘શાંત’ને દસમા રસ તરીકે ઉમેર્યો છે, જેમાં કોઈ જોખમ નહિ. મારે વિદ્વાન પ્રોફેસરો સાથે ચર્ચા થઈ હતી. ‘શાંત’ કોઈ રસ નથી એમ મારું માનવું હતું. મેં સમજાવેલું કે જ્યાં નવ પૈકીનો એકેય રસ ન પ્રયોજાયો હોય, ત્યાં સ્વયં ‘શાંત’ રસ બની જ જાય. તેને કોઈ નામ આપવાની જરૂર નથી. આ તો દિવસના ચિત્ર માટે સફેદ કોરો કાગળ અને રાત્રિ માટે કાળી સપાટીવાળી સ્લેટ બતાવવા જેવું થાય!

  હવે થોડોક ‘બીભત્સ’ રસ ઉપર ફરીવાર આવું તો મારા મત મુજબ અન્ય કેટલાક રસોમાંથી અતિરેક થતાં ‘બીભત્સ’ રસ જન્મે ખરો, પણ ‘શૃંગાર’માંથી તો ખાસ નિષ્પન્ન થાય. મેં એક ચલચિત્ર ‘નિશાંત’ જોએલું, જો કે સારું હતું કે એ પુખ્ત વયનાઓ માટેનું હતું. તેના દિગ્દર્શક માટે એ જે પશ્ચાદભૂમિકા પોતે બતાવવા માગે છે તે માટે તેમને જરૂરી હતું. હવે તકલીફની વાત ત્યાં આવે છે કે ચોખલિયા લોકો કલાકારો પાસે એવી અપેક્ષા રાખતા હોય છે કે ‘લ્યો, તમારા હાથપગ બાંધી દઈએ છીએ અને હવે તરી બતાવો!’

  સામાન્ય રીતે જે ચલચિત્રો ટિકિટબારી ઉપર નિષ્ફળ જાય, તે જ મને વધુ ગમે એવું મારે બનતું આવ્યું છે. ‘નિશાંત’નું પણ એવું જ છે. આપણા બંનેના જીવનના ઘણા દૃષ્યિકોણ મળતા આવે છે. ક્યાંકથી મેળવીને પણ ‘નિશાંત’ પુરુષ મિત્રો સાથે (જ) અવશ્ય જોશો. શબાના આઝમીનું અભિનય માટેનું જબરદસ્ત Daring છે. એક્ટર સાવ નવો છે, પણ તેનું કામ સારું છે. તમારા પ્રકરણમાં સ્ત્રીચારિત્ર્ય હનનની જે ચર્ચા થઈ છે, તેની એક જ વ્યક્તિગત કિસ્સામાંની અહીં પરાકાષ્ઠા જોવા મળશે.

 5. pravinshastri માર્ચ 13, 2016 પર 10:30 એ એમ (am)

  સેક્સ ના ઉન્માદનું કઈ રીતે નિરૂપણ થાય તેના પર તેનું વર્ગીકરણ થાય. વાત તો બે દેહના મિલન, સ્ખલન અને પરાકાષ્ટાનુ વર્ણન ક્યાં તો શૃંગાર ગણાય ક્યાં તો બિભત્સ. હું જે સમજ્યો તે બિભત્સ નથી….શૃંગારિક છે.

તમારા વિચારો જણાવશો?

Please log in using one of these methods to post your comment:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google photo

You are commenting using your Google account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s

%d bloggers like this: