વીતેલી વાર્તા વાંચવા ઉપર આપેલા ટેબમાંથી
બીજી લાઈનના ‘નવલકથા’ ટેબ ઉપર ‘ક્લીક’ કરો.
——————————————-
કેટલા દીવસ ભુલો ઓતરાદા ચાલતો રહ્યો હશે; તેનું તેને કોઈ ભાન ન હતું. પણ જેમ જેમ એ આગળ ધપતો ગયો; તેમ તેમ વધુ ને વધુ વેરાન પ્રદેશ આવતો ગયો. પાણીના રણદ્વીપ વધુ ને વધુ ઘટતા ગયા. તેણે ઘોના ચામડામાંથી સાચવીને મશક બનાવી લીધી હતી; જેમાં તે પાણી ભરી શકતો હતો. એકલતા તેને હવે સદી ગઈ હતી. પણ વધતી જતી ઠંડી ખાળવા તેણે પહેરેલું ચામડું હવે પુરતું ન હતું. કોઈ મોટું પ્રાણી આ પ્રદેશમાં મળવું પણ શક્ય ન હતું.
અને એક મળસકે તે ઠંડીમાં ઠુંઠવાતો હતો; ત્યારે તેને કોઈ નવીજ જાતના વરસાદની અનુભુતી થઈ. ચાંદની રાતમાં તેણે સફેદ ફુલો વરસતાં અનુભવ્યાં – સાવ ગાભલા જેવાં, પણ ઠંડાગાર ફુલો. ઉઘડતા ઉજાસમાં તેણે એક અદભુત દ્રશ્ય નીહાળ્યું. સમસ્ત પ્રદેશ ધોળી બખ ચાદરથી ઢંકાઈ ગયો હતો. હવે તો પાછું ફરી શકાય તેમ પણ ક્યાં હતું? આ ઠંડી કબરમાં ઠુંઠવાતા ઠુંઠવાતા જ તેણે મોતને ભેટવાનું છે; એમ તે વીચારવા લાગ્યો. અને એવામાં દુરથી કોઈના નજીક આવવાનો સંચાર થતો લાગ્યો. બરફથી ઢંકાયેલા એક ઝાંખરાની ઓથે તેણે છુપાવા વ્યર્થ પ્રયાસ કર્યો.
પણ થોડીજ વારમાં ચાર વીશાળકાય, રાની કુતરાઓ ભસતા ભસતા તેની તરફ દોડી આવ્યા અને તેને ઘેરી વળ્યા. આજુબાજુમાં હતાં એ થોડાઘણા પથ્થરોથી તેણે એમના આક્રમણને ખાળવા પ્રયાસ કર્યો. આ કુતરાઓની તરત પાછળ બે પહાડ જેવી ઉંચી, લાલચોળ મોંઢાવાળી અને માથાથી પગ સુધી જાડા ચામડાના લીબાશમાં ઢંકાયેલી બે માનવ આકૃતીઓ દ્રષ્ટીગોચર થઈ.
‘કુતરાઓએ ફાડી ખાધો હોત તો વધારે સારું થાત.’ – એવા વીચારે ભયનું એક લખલખું તેને કંપાવી ગયું. કોઈ અજાણી ભાષામાં પેલી આકૃતીઓએ કુતરાઓને પાછા બોલાવ્યા. ભુલાને કશુંક પુછ્યું, જેમાંનો એક શબ્દ પણ ભુલો સમજી શક્યો નહીં. એણે કેવળ ઈશારાથી સમજાવ્યું કે, તે દક્ષીણ દીશામાંથી આવ્યો છે. દુર ક્ષીતીજમાં સાવ નાનકડી દેખાતી પર્વતની કોર તરફ તે ઈશારો કરે છે, એ પેલા સમજી શક્યા હોય તેમ ભુલાને લાગ્યું.
પેલા બે જણાઓએ પોતાની સાથે લાવેલા, ચામડાની વાધરીઓમાંથી બનાવેલા, દોરડા વડે તેને મુશ્કેટાટ બાંધ્યો અને બે બાજુએ તેને બાવડેથી પકડી આગળ ચાલવાનો ઈશારો કર્યો. ઠંડી અને ભયથી ભુલો ધ્રુજી રહ્યો હતો. એક જણાનું ધ્યાન તે તરફ ગયું. તેણે પોતાના શરીર ઉપરથી ઉતારીને એક જાડું ચામડું ભુલાને ઓઢાડ્યું. તેણે આવા બે ચામડાથી પોતાનો દેહ ઢાંક્યો હશે તેમ ભુલાને ખબર પડી. આભારની લાગણી ભુલાના મુખ ઉપર ઉભરી આવી. પેલાએ ભુલાનો આ ભાવ સમજ્યો હોય તેવું સ્મીત કર્યું.
આમ ચાલતાં ચાલતાં બપોર પડી ગઈ. રસ્તામાં એક કદાવર રીંછ સાથે આ ટુકડીની મુઠભેડ થઈ. બે કુતરા અને આ બે કદાવર શીકારીઓએ મળીને રીંછનો ખાતમો બોલાવી દીધો. હાથમાં રાખેલા એક મજબુત લાકડા સાથે તેમણે શીકારને બાંધી દીધો. એનો એક છેડો એમણે ભુલાના ખભા સાથે બાંધી દીધો અને બીજો છેડો એક જણે પોતાના ખભે લઈ લીધો. બીજો જણ એ બન્નેની આગળ આ હાઉસન જાઉસનને દોરતો ચાલ્યો. ઓલ્યા મહાકાય, જંગલી કુતરા તો આગળ ને આગળ દોડ્યે જતા હતા.
સાંજ પડતાંકને એક રણદ્વીપ આગળ આ લશ્કર આવી પહોંચ્યું. ભુલાએ જોયું કે, ત્યાં લાકડાંની વળીઓની આસપાસ વીંટાળેલા ચામડાં વાળા, વીસેક તંબુઓ ખોડેલા હતા. થોડીએક કદાવર બાંધાની સ્ત્રીઓ બહાર આવી અને આ ટોળીનું અભીવાદન કર્યું. સાથે પકડી લાવેલા, એક નવતર ઠીંગુજીને બધીઓ ટીકી ટીકીને જોઈ રહી. થોડી વારે જુદી જુદી દીશાઓમાંથી બીજી ટુકડીઓ પણ આવી પહોંચી. દરેક ટુકડીએ શીકાર કરીને લાવેલી મતા એ સ્ત્રીઓને હવાલે કરી. સ્ત્રીઓ હવે એ દીવસના શીકારને પકવવાના કામમાં પરોવાઈ. પથ્થરની એક શીલા ઉપર એક પ્રભાવશાળી પુરુષ બેઠો. તેણે ભુલાને પકડનાર એ બે જણાને ભુલાને છોડવા હુકમ આપ્યો; અને ભુલાને પોતાની પાસે આવવા જણાવ્યું. ઈશારાથી ભુલાએ લળી લળીને તે સરદારનું અભીવાદન કર્યું. જમીન ઉપર નીચા પડી તેની શરણાગતી સ્વીકારવાનો ભાવ વ્યક્ત કર્યો.
ભુલાનો આ વીવેક સરદાર સમજ્યો હોય તેમ લાગ્યું. ભુલાએ પોતાની છાતી ઉપર હાથ મુકી, ‘ભુલો’ એમ બોલી પોતાની ઓળખ આપી. સરદારે ‘જગ્ગો’ એમ બોલીને પોતાની ઓળખ આપી. ભુલાને હૈયાધારણ બેસી કે, હવે તેનું જોખમ ઓછું થયું છે.
ધીમે ધીમે ઈશારાઓથી ભુલાએ સમજાવ્યું કે, તે ક્ષીતીજમાં બહુ દુર દેખાતા પર્વતોની બીજી તરફથી આ પ્રદેશમાં ઉતરી આવ્યો છે. જગ્ગા સરદાર અને તેના સાથીઓની આંખો આશ્ચર્યમાં ચમકી ઉઠી. તેમને માટે દક્ષીણની પર્વતમાળા અભેદ્ય હતી. ત્યાં દુનીયાનો છેડો આવતો હતો! ભુલાએ કોઈ અજાયબ રીતે અકસ્માત જ આ અભેદ્ય પર્વતમાળામાંથી પસાર થતો એક માત્ર ઘાટ શોધી કાઢ્યો હતો. આ રતુમડી અને કદાવર બાંધાની પ્રજા એ પર્વતની કોર સુધી ઘુમી વળેલી હતી; પણ એ ઘાટ એમની નજરે પડ્યો ન હતો.
થોડી વારે તાપણાની ચારે બાજુ આ નાનકડી જમાત ભેગી મળી અને જમણ પતાવ્યું. એક તંબુ તાબડતોબ ઉભો કરી દેવામાં આવ્યો અને ભુલાને એમાં આશ્રય અપાયો.
રાતના અંધકારમાં ભુલો એની નીયતીએ એને કેવા પ્રદેશમાં અને કેવા અજાણ્યા લોકોના પનારે લાવી દીશો છે; તેના વીચાર કરતો રહ્યો. તેની દ્રઢ બનેલી સંકલ્પ શક્તી આ નવી શક્યતાથી બળવત્તર બનવા માંડી. તેણે મનોમન નક્કી કર્યું કે; ‘તે એમને માટે કામનો માણસ છે.‘ – તેની પ્રતીતી, જગ્ગા અને તેના સાથીઓને કોઈ પણ રીતે કરાવવી; અને તેમની સાથે મૈત્રી વધારવી.
ભવીષ્યની યોજનાઓ ઘડતાં ઘડતાં ભુલાની આંખો મીંચાઈ ગઈ.
– ક્ર્મશઃ
Like this:
Like Loading...
Related
આર્યો-દ્રવીડોનું મીલન?