સૂરસાધના

ગુજરાતી લેખિનીમાં સ્વૈરવિહાર

પ્રકરણ – 21 : અવનવો સમાજ

વીતેલી વાર્તા વાંચવા ઉપર આપેલા ટેબમાંથી
બીજી લાઈનના ‘નવલકથા’  ટેબ ઉપર ‘ક્લીક’ કરો.

——————————————-

     નવા પ્રદેશમાં આવ્યે ભુલાને એક મહીનો થઈ ગયો. તે હવે આ નવા લોકો સાથે ઠીક ઠીક ભળી ગયો હતો. તેમની ભાષા પણ તે સમજતો અને બોલતો થઈ ગયો હતો.

     તેણે તળેટીમાં ઉતર્યા બાદ, જે દલદલ પસાર કર્યું હતું; તેનો જગ્ગાના થાનકથી અંત આવતો હતો. આગળનો પ્રદેશ સપાટ ઘાસના મેદાનોનો હતો. અહીં વરસાદ બહુ જ ઓછો પડતો; પણ સ્નો અને બરફની વર્ષા થકી ઘાસને ઉગવા જરુરી પાણી મળી જતું હતું. વસંત અને ઉનાળાની મોસમમાં, માથોડાં ઉંચું, અડાબીડ ઘાસ ઉગી નીકળતું. ભાગ્યેજ ક્યાંક ઉંચા ઝાડ જોવા મળતાં.

    એ ઘાસના આધારે પાંગરતી જીવસૃષ્ટી પર્વતની પેલે પાર આવેલી સૃષ્ટી કરતાં સાવ નીરાળી હતી. અહીં બે માથોડા ઉંચા બાઈસનોનાં ટોળે ટોળાં હતાં. તેમનાં ચામડાં આકરી ઠંડી ખાળી શકે તેવાં ખદ્દડ હતાં. એ બાઈસનના શીકાર પર નભતાં રીંછો પણ અહીં પાર વગરનાં હતાં. એ બાઈસનોએ ચરતાં છોડેલા ઘાસના નીચલા હીસ્સા પર સસલાં, કાળીયાર, ખીસકોલી વી. નાનાં પ્રાણીઓ નભતાં. વળી એમના પર નભતાં શીયાળ, રાની બીલાડા, જરખ, વરુ જેવાં પ્રાણીઓ પણ ઘણી સંખ્યામાં જોવા મળતા.

    અહીંના માણસો પણ રુક્ષ અને ભરાવદાર વાન વાળા હતા. બાઈસનનો શીકાર એ લોકો આસાનીથી કરતા. માંસાહારી જંગલી પ્રાણીઓનો શીકાર પણ એ કરતા. આ કામમાં વરુ જેવા, ઉંચા, ભરાવદાર પાળેલા કુતરા તેમની સહાય કરતા. ભુલાએ જોયું કે નવા પ્રદેશમાં બહુ જુજ પથ્થરો હતા. આથી શીકાર માટે આ લોકો સાવ નીરાળી જ રસમ અપનાવતા. મજબુત કડીયાળી ડાંગ સાથે ચામડાની મજબુત વાધરી બાંધેલું ધનુષ્ય આ લોકો વાપરતા. એનાથી છોડેલા તીર બહુ દુર સુધી તાકી શકાતા – અને તે પણ અચુક સ્થાન ઉપર. એ તીરોની અણીદાર ટોચ ઉપર કોઈ નવી જ જંગલી વનસ્પતીનો રસ ચોપડવામાં આવતો હતો. તીર સહેજ જ વાગતાં, પ્રાણી બેભાન બની જતું. આથી અહીં શીકાર બહુ સરળતાથી થતો. આ નવી રસમ જોઈ ભુલાને લાગ્યું કે, કેવળ પથ્થરો પર આધારીત કોતરવાસીઓની શીકાર અને રક્ષણની પધ્ધતી સાવ પછાત હતી.

    એક દીવસ આમ જ શીકારની પાછળ પડેલી એક નાનકડી ટોળી સાથે ભુલો જઈ રહ્યો હતો. તેણે જગ્ગાને પુછ્યુ,” જગ્ગા, મને એક વાતની સમજ નથી પડતી. તમારે ત્યાં આટલી બધી સ્ત્રીઓ છે તો પણ તે કેમ તમારી સાથે શીકારમાં આવતી નથી?”

     જગ્ગો, “ એમનું આમાં કામ નહીં. એમનું કામ છોકરાં જણવાનું, અને મોટાં કરવાનું. કેમ તમારી બૈરીઓ શીકાર કરે? ”

     ભુલાએ કહ્યું,” અમારે ત્યાં તો સ્ત્રીઓને અમે બહુ માન આપીએ. એમના કહ્યા પ્રમાણે જ બધો વહેવાર ચાલે.”

     જગ્ગો હસી પડ્યો. “ એટલે જ તું આવો નીર્માલ્ય છે. મરદ એટલે મરદ. અને બૈરાં એટલે બૈરાં. તમારા ભગવાન પણ બૈરી જ હશે. ”

    ભુલો, “ હા જ તો. અમે તો જોગમાયાની કૃપા માંગ્યા વગર એક ડગલું પણ ન ચાલીએ.”

    જગ્ગો ખડખડાટ હસી પડ્યો,” આજે પુનમ છે. ચાલ આજે સાંજે તને અમારા ભગવાનની આરતનો નાચ અને જાહેર જલસો માણવા મળશે. ધરાઈને રંગત માણજે.”

     સાંજે અંધારું થતાં બધાં ભેગાં થયાં. આકાશમાં આખા ચન્દ્રની ચાંદની જામી હતી. વચ્ચે મોટું તાપણું કરવામાં આવ્યું. ચામડે મઢેલા એક મોટા ઢોલ ઉપર બે સ્ત્રીઓ નાની ડાંગથી પીટતી હતી. એક જણ બાઈસનની ખોપરી માથે ચડાવી, મોટું ચામડું પહેરી; ધુણવા માંડ્યો. જગ્ગાએ હાથમાં ડાંગ લીધી અને પેલાને હળવેકથી ફટકારવા માંડ્યો. બીજા પણ ધુણતા ધુણતા આ નકલી શીકારમાં જોડાયા. આ તાલ બરાબર જામતો ગયો. હીંચ વધતી ગઈ. પેલો બાઈસન વેશધારી હવે લથડવા લાગ્યો. અને છેવટે નીચે ગબડી પડ્યો. બધાંએ તાળીઓના ગડગડાટથી આ બનાવટી શીકારની સફળતાને વધાવી લીધી.

    ભુલો ,” પણ તમારા ભગવાન ક્યાં?”’

    જગ્ગો ,” આ બાઈસન જ અમારા ભગવાન. એ લથડીને પડે; ત્યારે એમની કૃપા અમારા ઉપર ઉતરી ગણાય.”

    ભુલો તો ભગવાનના આ સ્વરુપને જોઈને અચંબો જ પામી ગયો. અહીં ભગવાન પુજ્ય નહીં પણ વધ્ય હતા!

    ખાવાનું પત્યું અને પછી ભોગવીલાસ શરુ થયો. તાપણાના તાપે બધી ઠંડી ગાયબ થઈ હતી. બધાં નીર્વસ્ત્ર બની ગયાં. કોઈ વનસ્પતીમાંથી બનેલો આસવ પી બધા છાકટા બની ગયા.  જેના હાથમાં જે વીજાતીય વ્યક્તી આવી; તેની સાથે જાહેરમાં જાતીય સમાગમ શરુ થયો. એક સ્ત્રી ભુલાને પણ વળગી! ભુલાએ તેન બળપુર્વક દુર કરવી પડી. મોડી રાતે તાપણું ઓલવાતાં, આ બધો વીલાસ ખતમ થયો અને સૌ પોતપોતાના તંબુ ભેળા થયા.

    ભુલાને હવે આ જાતીની મનોવૃત્તી સમજાઈ. અહીં ભગવાન વીશેની માન્યતા સાવ નીરાળી હતી. સ્ત્રીઓનો કોઈ આદર નહોતો. એ તો કેવળ ભોગનું સાધન ગણાતી હતી. સ્ત્રીઓ પણ આ જ માહોલમાં ઘડાયેલી હતી. આચાર વીચારનો કોઈ છોછ અહીં નહોતો. આ અવનવા સમાજના આચાર વીચાર જોઈ ભુલો હેબતાઈ જ ગયો.

    ભુલાને પોતાના સંસ્કાર માટે ઘડીભર ગૌરવ થયું. પણ તેને થયેલા અન્યાય, અપમાન અને અવજ્ઞાની ઘટના ઘણા વખત બાદ તાદૃષ્ય થઈ ગઈ. તેનો સુષુપ્ત રોષ પુનઃ જાગૃત થઈ ગયો.

– ક્રમશઃ 

3 responses to “પ્રકરણ – 21 : અવનવો સમાજ

 1. Chirag Patel નવેમ્બર 3, 2008 પર 2:37 પી એમ(pm)

  ભુલો તો ભગવાનના આ સ્વરુપને જોઈને અચંબો જ પામી ગયો. અહીં ભગવાન પુજ્ય નહીં પણ વધ્ય હતા!

  Excellent and revolutionary thought!

 2. સુરેશ જાની નવેમ્બર 3, 2008 પર 3:01 પી એમ(pm)

  મારા માનવા પ્રમાણે ‘ ઈશ્વર ‘ નો વીચાર અને કલ્પના માણસના સંજોગો, ભયો અને જરુરીયાતોમાંથી ઉદભવ્યાં છે. આ વર્ણનનો આધાર અમેરીકાના પ્રેરી મેદાનોમાં રહેતી જાતીઓના ધાર્મીક રીવાજો પર છે. એમને માટે બાઈસન જીવનનો આધાર હતો. એટલે એ એમને માટે પુજ્ય અને વધ્ય!
  એમના બાઈસન- શીકાર- નૃત્ય અને એમની પ્રાર્થનામાં બાઈસનના પરમ તત્વને સમર્પણ કરવા વીનવતા હતા! અને છતાં આ અબુધ અને ક્રુર શીકાર કરતી જાતીઓ, ધોળા પણ દીલના કાળા અમેરીકનો કરતાં કુદરતની અને માનવતાની વધુ નજીક હતી.

  મીરાંનો સ્વ-સમર્પણનો ભાવ અને આ સમર્પણની યાચના કરતો ભાવ… એકમેકેથી સાવ વીપરીત ..
  પણ બન્ને પરમ તત્વ માટેના માનવ ભાવો જ ને? કયાને સાચો કહીશું અને કયાને ખોટો?

 3. સુરેશ જાની નવેમ્બર 4, 2008 પર 8:21 એ એમ (am)

  From Chirag –

  મને એવું લાગે છે કે, પુર્ણત્વને પામવાના આ જુદા જુદા રસ્તા છે.

  સોહમ – હું તે છું. અહીં જે ‘તે’ છે એમાં ‘હું’ સમાઈ ગયો, ‘હું’ નાશ પામ્યો અને માત્ર ‘તે’ રહી ગયો. આ મીરાબાઈનો ભાવ કહી શકાય.
  નેતી – ‘તે’ આ નથી. આમ, ‘તે’નો છેદ ઉડાડતાં માત્ર ‘હું’ રહી ગયો અને આ ‘હું’ એ જ ‘તે’. આ બાઈસનનો શીકાર કરતી જાતીનો ભાવ કહી શકાય.

તમારા વિચારો જણાવશો?

Please log in using one of these methods to post your comment:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google photo

You are commenting using your Google account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s

%d bloggers like this: