વીતેલી વાર્તા વાંચવા ઉપર આપેલા ટેબમાંથી
બીજી લાઈનના ‘નવલકથા’ ટેબ ઉપર ‘ક્લીક’ કરો.
——————————————-
ભુલાને આ અવનવા સમાજની ઘણી બધી વાતો સમજમાં આવતી ન હતી. આ સમાજના રીતરીવાજ, ઈશ્વર માટેની કલ્પના, સાવ બીન્ધાસ્ત જાતીય વહેવાર એ બધું એને અજીબોગરીબ લાગતું હતું. બાળકોના ઉછેરની જવાબદારી કોઈ લેતું ન હતું. સાવ બાળપણથી એ જંગલનાં ઝાડની જેમ ઉછરતાં. બસ! ચાલતાં થાય ત્યાં સુધી જ માની સાથે એ રહેતાં. એ જેવાં છુટાં થાય ત્યારે માવડીઓ છુટકારાનો દમ ખેંચતી. પુરુષો તો આ બાબતમાં સાવ બેધ્યાન રહેતા. માત્ર જુવાનીના ઉંબરે આવી પુગેલા છોકરાઓને શીકારની કેળવણી આપવામાં જ તેમની જવાબદારી પતી જતી.
ભુલાને લાગ્યું કે, નદી કીનારે કોતરોમાં વસેલો તેનો સમાજ આમના કરતાં વધારે વ્યવસ્થીત હતો. આ પ્રદેશનું હવામાન પણ ઘણું વધારે વીષમ હતું. પણ એક વાત તેને સમજાઈ ગઈ કે. આ બધાં કારણોને લીધે આ પ્રજા વધારે જોરાવર હતી. તાકાતના મુકાબલામાં આ પ્રજા એના જુના સાથીઓને ક્યાંય પાછા પાડી દે તેની તેને ખાતરી થઈ ગઈ.
આવા બધા વીચાર કરતો ભુલો આળસ મરડીને તેના તંબુની બહાર આવ્યો. બીજાં બધાં પણ બહુ જ મોડાં ઉઠ્યાં હતાં. જગ્ગો એના તંબુની બહાર કાંઈક ગડપથલ કરતો જણાયો. ભુલો તેની નજીક જઈ પહોંચ્યો. જોયું તો, તે એક તંબુમાંથી ચામડાં બહાર કાઢ્તો હતો; અને થપ્પીઓ કરી,રસ્સાથી બાંધતો હતો.
ભુલો ,” તમે આટલાં બધાં ચામડાં ભેગાં કર્યાં છે; તેનો ઉપયોગ શો?”
જગ્ગો, “ કાલે સવારે હું ખાનને મળવા જવાનો છું. આ બધાં એને આપવાનાં છે. તું મારી સાથે આવીશ?”
ભુલો, “ખાન કોણ?”
જગ્ગો ,” ખાન અમારા જેવી ઘણી બધી વસ્તીનો હાકેમ છે. બધાંએ એને ખંડણી ચુકવવી પડે. દર વરસે એક વાર અમારે એને ગામ જવાનું. ત્યાં જલસો થાય, એ માણવાનો અને એમાં આ બધી સામગ્રી એને ધરવાની. એ અમને ઈનામમાં ચમકતા પથ્થરો આપે, તે અમે અમારી બાયડીઓને આપીએ. ત્રણ ચાર દીવસ ત્યાં રહી અમે બધા પાછા.”
હવે ભુલાને આ અવનવા પ્રદેશની સ્ત્રીઓના અંગ પરનાં ચકમકતા પથ્થરોનું રહસ્ય સમજાયું.
ભુલો ,” હાકેમ એટલે શું? અને ખંડણી એટલે?”
જગ્ગો. “ લે કર વાત. તને હાકેમ અને ખંડણી શું, એ ખબર જ નથી? તારા દેશમાં કોઈ હાકેમ ન હોય? એને દર વર્ષે ખંડણી ન ચુકવવી પડે? એનું કહ્યું બધાંએ માનવું ન પડે?”
ભુલો ,” ના રે ના. અમારા કબીલાના જે સૌથી ઘરડા વડીલ હોય તે અમારા પુજ્ય. અમે તો એમનું કહેવું પ્રેમથી સાંભળીએ. એ તો અમારે માટે બાપથી પણ વીશેષ ગણાય. એ તો અમને પ્રેમથી દોરવણી આપે. અમારે એમને કશું આપવાનું ન હોય. “
જગ્ગો ,” પણ આવા કબીલા કેટલા?”
ભુલો ,” દસેક તો ખરાજ.”
જગ્ગો ,” એ બધાંનો ઉપરી કોણ?”
ભુલો ,” અમારે એવો કોઈ ઉપરી ન હોય. અમને તો એવી કોઈ જરુર કદી લાગી નથી; અને એવો વીચાર પણ અમને કદી આવ્યો નથી. શા માટે તમારે ખાનનું કહ્યું માનવું જોઈએ? મને ઘણા વખતથી થતું હતું કે, તમે જરુર હોય તેના કરતાં ઘણો વધારે શીકાર કરો છો. એ શું ખાનને માટે કરો છો?
જગ્ગો,” હા જ તો વળી. ખાનને ચામડાં આપીએ તો જ તે અમને મોતી અને ચળકતા પથ્થર આપે. ”
ભુલો ,” આ પથ્થર ભલે સારા દેખાય છે, પણ એ શા કામના?”
જગ્ગો,” એ પથ્થર ઉપર તો અમારી બાયડીઓ ગાંડીતુર હોય છે. એ પહેરાવીએ તો જ એ અમારા પર રીઝે. નહીં તો એ બધીયું અમને હાથ પણ લગાડવા ન દે.”
ભુલો , “ ધારોકે, તમે એકસંપથી આ બધું બંધ કરી દો તો? શીકારની અને ચામડાં તૈયાર કરવાની કેટલી બધી મહેનત ઓછી થઈ જાય? ”
જગ્ગો, “ તારી આંખે જ ખાનનો રુઆબ અને તાકાત જોજે ને. બધી સમજ આપોઆપ પડી જશે.”
ભુલાને થયું,’ આ ઉંચો કદાવર બાંધાનો અને ધનુષબાણ વાપરતો જગ્ગો જેનાથી ડરતો હોય, તે ખાન કેવો જોરાવર હશે?’
આખી સવાર ચામડાંની થપ્પીઓ બાંધવાનું કામ ચાલ્યું. બધાએ પોતાનાથી ઉચકાય એટલાં ચામડાંની થપ્પીઓ બનાવી દીધી. સ્ત્રીઓએ પ્રાણીઓનાં શીંગડાંઓની ભારીઓ બનાવી હતી. જમણ પતાવીને બપોરે બે ત્રણ સીવાયના બધા જુવાનો ખભે આ બધો સરંજામ બાંધીને નીકળ્યા. બે ત્રણ જણા શીકાર અને રક્ષણ માટે પાછળ રહી ગયા હતા. એક થપ્પી ભુલાએ પણ પોતાના ખભે બાંધી.
બધું હાઉસન જાઉસન હવે ઉત્તર અને પુર્વ દીશા તરફ જવા નીકળ્યું.
– ક્રમશઃ
Like this:
Like Loading...
Related
‘ખાન’ની એંટ્રીનો ઈંતેઝાર રહેશે.