સૂરસાધના

ગુજરાતી લેખિનીમાં સ્વૈરવિહાર

પ્રકરણ – 23 ખાનના ગામમાં

વીતેલી વાર્તા વાંચવા ઉપર આપેલા ટેબમાંથી
બીજી લાઈનના ‘નવલકથા’  ટેબ ઉપર ‘ક્લીક’ કરો.

——————————————-

     આખો કાફલો વીસેક દીવસ ચાલતો રહ્યો. સાથે વજન હોવાને કારણે એમની ઝડપ ઘણી ધીમી હતી. બે કીશોર વયના છોકરાઓ માત્ર શીકાર કરી જમવાની વ્યવસ્થા કરતા હતા. ધનુષ બાણસાથે હોવાને કારણે આ કામ પ્રમાણમાં ઘણું સહેલું હતું. એમનો ઉત્સાહ અનેરો હતો. એ બે છોકરાઓ તો ખાનની સેવામાં રહી જવાના ઉત્સાહમાં દોડતા અને કુદતા હતા. વતન છોડવાની આ તાલાવેલી ભુલાને ન સમજાઈ. એની પોતાની તો વાત જ અલગ હતી. એ તો વખાનો માર્યો આ અવનવા દેશમાં આવી ગયો હતો. એક નીસાસો ફરીથી ભુલાના મોંમાંથી અનાયાસે નીકળી ગયો.

    ભુલાએ જગ્ગાને પુછ્યું,” આ બે છોકરા ખાનને ત્યાં રહી જવા કેમ આટલા બધા તલપાપડ છે?”

    જગ્ગો , “ તું જોજેને? ખાનની સેવામાં રહેવું એ શું વાત છે? હું ખાનના બાપની સેનામાં પાંચ વરસ રહ્યો હતો. ખાનની સેનામાં કામ કરે એને બધો અનુભવ મળી જાય. એ કશેથી પાછો ન પડે. એટલે જ તો અમારી વસ્તીનો મને સુબો બનાવ્યો છે.”

   સેના શું ને સુબો શું? ભુલાને આ બધી વાતોમાં કાંઈ સમજ ન પડી. બધી ઉટપટાંગ વાતો.

    એ લોકો જેમ જેમ આગળ વધતા હતા, તેમ તેમ જાતજાતનો પ્રદેશ આવતો જતો હતો. ઝાડ પણ સાવ જુદી જ જાતનાં હતાં, સાવ અણીયાળાં અને પાતળી સળી જેવાં પાન હતાં, નીચેથી પહોળાં અને ટોચ ઉપર સાવ સાંકડાં એ શંકુ આકારનાં ઝાડ ભુલાએ પહેલી જ વાર જોયાં. પ્રાણીઓ અને પક્ષીઓ પણ જાતજાતનાં અને કદી ન જોયાં હોય તેવાં હતાં.

    છેવટે બધા ખાનના ગામની નજીક પહોંચી ગયા. ભુલાએ જોયું કે, તેમની જેમ બીજી દીશાઓમાંથી આવી બીજી ટોળીઓ પણ આવી રહી હતી. બધાની પાસે ખાનને ભેટ આપવા માટેનો જાતજાતનો સામાન હતો.

    ખાનના ગામમાં તો હૈયે હૈયું ભીંસાય એટલી ભીડ હતી. જોગમાયાના મેળામાં કદી આટલી તો શું, આનાથી દસમા ભાગની ભીડ પણ થતી ન હતી. ખાન તરફથી બધાના પડાવ માટે વ્ય્વસ્થા કરાઈ હતી. સાથે લાવેલા સામાનનો મોટા ભાગનો સામાન ખાનના માણસોને આપી, જમણ પતાવી, બધા આરામ કરવા સુતા. બીજા દીવસે ખાનના દરબારમાં જલસો થવાનો હતો અને બધા તેની આતુરતાપુર્વક રાહ જોઈ રહ્યા હતા.

    બીજા દીવસની સવારે ભુલાએ જોયું કે, જાતજાતના માણસો વીવીધ જાતની વસ્તુઓ લઈને હાટડીઓ માંડીને બેઠા હતા. જાતજાતના પથ્થર, મોતી, શંખ, કોડીઓ, છીપલાં, ઝબકારા મારતાં ઝવેરાત, વીવીધ પ્રાણીઓનાં ચામડાં, જાતજાતની વનસ્પતીઓ અને ઓસડો, કોઈક સફેદ દુધ જેવો ભુકો, અને બીજી ઘણી બધી વસ્તુઓ – જેના ઉપયોગ વીશે ભુલાને કાંઈ ખબર ન હતી. ઘણાં ઉંટો પર સામાન બાંધીને લાવ્યા હતા. બધા પોતે લાવેલી વસ્તુઓના વીનીમયથી આવી વસ્તુઓની આપલે કરતા હતા. આવો નજારો ભુલાએ બાપ જન્મારે જોયો ન હતો.

   જગ્ગાએ કહ્યું”આમાંના ઘણા લોકો તો બહુ દુરથી આવે છે. મોતી, શંખ, છીપલાં એ બધું તો છેક દરીયા કીનારેથી આવે છે. કેટકેટલા સોદાગરોની પાસે હાથ્બદલી થઈને આ સામાન અહીં સુધી પહોંચ્યો છે.”

   ભુલો ,” દરીયો એટલે શું?”’

    જગ્ગો,” એ તો મેંય જોયો નથી. પણ એમ કહે છે કે, જેને બીજે છેડે જમીન જ ન હોય તેવી એ ગંજાવર નદી છે. અને એનું પાણી ખારું ઉસ જેવું હોય. પી જ ન શકાય. આ સફેદ ભુકો દેખાય છે ને? એ પણ એ દરીયાનાં પાણીમાંથી બને છે. લે ચાખી જો. “

  ભુલાએ એની જીંદગીમાં પહેલી વાર ફાકડો ભરીને મીઠું મોંમાં મુક્યું. થુ.. થુ..થુ.. કરીને એ થુંકી નાંખવું પડ્યું.

   ભુલાએ કટાણું મોં કરી પુછ્યું, ” આનો શો ઉપયોગ?”

    જગ્ગો ,” આજે જલસો પતે પછી ભોજનમાં મળશે. માંસ ઉપર જરીક જ નાંખવાનું, એ ખાવાનો સ્વાદ તો ચાખી જોજે. પછી સાદું માંસ તને ભાવશે નહીં. ”

    ભુલો તો આ અવનવા દેશની બધી હેરતભરી નવી નવાઈઓ ડોળા ફાડીને જોતો જ રહ્યો. ત્યાં જ એક ઉંટ બેઠું હતું તે એકદમ ઉભું થઈ ગયું. ભુલો તો અડબડીયાં ખાઈ ગયો. એની ઉંચાઈ જોઈને એને ચક્કર આવી ગયાં. આજુબાજુના દસબાર જણ આ જોઈ ખડખડ હસી પડ્યા.

   જગ્ગાની ટોળી હવે આગળ વધી. હાટની પાછળ ભુલાના માણસો જાતજાતના અંગકસરતના ખેલ કરતા હતા. એમના કદાવર શરીર ઉપર ચમકતું અને ચીકણું કશુંક પ્રવાહી ચોપડેલું હતું. એમની કુસ્તીના દાવપેચ જોઈ ભુલાને એમ થયું કે, એકાદ જણ આમાં જરુર ખતમ થઈ જશે.

   એક જગ્યાએ થોડા જુવાનીયા અને સ્ત્રીઓ કો’ક ઢોલના તાલે નાચી રહ્યાં હતાં. એક જણ સાથે લાંબી વાંસની નળીમાંથી તીણો અને સુરીલો અવાજ કાઢી રહ્યો હતો. પણ આ નાચ ભુલાની વસ્તી કરતાં સાવ જુદી જ જાતનો હતો. ગોળ ગોળ ચકરી લેતાં લેતાં થોડી થોડી વારે એ લોકો જબ્બર તાકાતથી ઉંચે ઉછળતા હતા. એમની તાકાત જોઈને ભુલો તો અચંબો જ પામી ગયો.

    આગળ જતાં મેદાન બહુ મોટું થતું જતું હતું. જગ્ગાની ટોળી છેવટે જલસાની એ જગ્યાએ પહોંચી ગઈ.

– ક્રમશઃ

One response to “પ્રકરણ – 23 ખાનના ગામમાં

 1. Nimit નવેમ્બર 24, 2008 પર 12:21 એ એમ (am)

  had been a silent reader so far,

  pl correct the 3rd para fr last, 2nd line..

  it should be “haat ni paachhal KHAN na manso jaat jaat na…” not bhula na manso…

  Keep going, you’re creating a nice excitement in cyber-world,

  …say re-defining the entertainment & novel-reading! cheers…

તમારા વિચારો જણાવશો?

Please log in using one of these methods to post your comment:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google photo

You are commenting using your Google account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s

%d bloggers like this: