પાછી પાનખર આવી ગઈ છે. વસંતમાં મ્હાલેલું અને ઉનાળાની ગરમીમાં તપેલું એ ઝાડ હવે સાવ બોડું બની ગયું છે. તેની સુક્કી ડાળીઓ પર હવે એક પણ પાન કે અંકુર નથી. તેની ચેતના સુષુપ્ત બનીને, ઠીંગરાઈને, ટુંટીયું વાળીને સુતી છે.
સુસવાટા મારતા પવનમાં સુસવાતી; ઠંડીની તીખી તલવારના જલ્લાદી ઘા જીરવતી; ઠંડાગાર વરસાદની ઝાપટોમાં ઝપટાતી; કદીક સ્નો, બરફ અને હીમકણોમાં થથરાતી; અને આ ઘડી મોત આવશે કે, આની પછીની ઘડીમાં – તે ક્ષણો ગણતી; તેની ચેતના બધી જ આશા બાજુએ મુકીને, એક જ અભીપ્સા દીલમાં સમાવીને બેસી છે. સુર્યના પહેલા કીરણથી ઢંઢોળાઈ, આળસ મરડીને ઉઠવા માટેની.
વસંતની ઉષ્માનું પહેલું કીરણ એની ઢબુરાઈ ગયેલી ચેતનાને ઢંઢોળીને જગાડશે. એના કણકણ ધીમે ધીમે જાગતા જશે. એક અને બીજો અને ત્રીજો અને પછી અનેક અંકુરો ફટાફટ ફુટવા માંડશે. વસંતનો હુંફાળો વાયરો અને સુર્યકીરણોની વ્હાલભરી આળપંપાળ એ ઝાડને ફરી નવપલ્લવીત કરી દેશે. નવાં પર્ણો ફુટશે; નવાં પુષ્પાંકુર ફુટશે; કુસુમો ખીલશે, ફળો નવા જીવનનાં બી ધારણ કરી નવી શક્યતાઓ સર્જવા તલપાપડ બનીને અધુકડાં બેસી જશે.
બસ એ જ અભીપ્સા એના જીવતરને, એના સમગ્ર હોવાપણાને જીવીત રાખી રહી છે.
આપણા મનની નહીં પણ આપણા હોવાપણાની અભીપ્સા શું હશે?
Like this:
Like Loading...
Related
દાદા, બ્રહ્માંડના કણેકણમાં જીવવાની ચાહ ભારોભાર રહેલી છે. બહુ સરસ લખ્યું છે.
SURESHBHAI
VERY WELL DESCRIBED THE PRESENCE OF GOD THE SARJANHAR OF SHRUSHTI,THROUGH YOUR DHRASHTI.
પાન એકાદું ખરે, તો પાનખર કહેવાય ના
એકલી દિવાલને કંઈ ઘર ગણી રહેવાય ના
વૃક્ષની લીલી કૂંપળના સમ મને દેતો નહીં
લાગણીથી છમ્મ છું, લીલું હવે જીરવાય ના
Dr. jagdip Nanavati
Pingback: વસંત – રિયર વ્યૂ મિરરમાં « ગદ્યસુર