સૂરસાધના

ગુજરાતી લેખિનીમાં સ્વૈરવિહાર

પ્રકરણ – 25 મલ્લકુસ્તી

વીતેલી વાર્તા વાંચવા ઉપર આપેલા ટેબમાંથી
બીજી લાઈનના ‘નવલકથા’ ટેબ ઉપર ‘ક્લીક’ કરો.
——————————————-

       ઘોડેસ્વારીના દાવ પત્યા પછી અંગકસરતના દાવ આવ્યા.શરીરને કેળવીને કેટલું કસી શકાય છે; તેનું આ અભુતપુર્વ પ્રદર્શન હતું. આમેય બળવાન અને કદાવર કાયાની આ પ્રજા શરીર સૌષ્ઠવ અને શરીરની કેળવણી માટે કેટલી જહેમત ઉઠાવતી હતી, તેનો ખ્યાલ ભુલાને આવી ગયો. એક બાજુએ જાતીય સંબંધોના તેમના નીરંકુશ અનાચાર હતા ; તો બીજી બાજુએ આ પાબંદી પણ હતી.

     અને છેલ્લે આવી – શરીરની તાકાતની કસોટીની ચરમસીમારુપ મલ્લકુસ્તી. આઠ અલમસ્ત સાંઢ જેવા મલ્લો મેદાનમાં આવી ગયા. બબ્બે મલ્લો વચ્ચે કુસ્તીના દાવપેચ ખેલાવા માંડ્યા. હોંકારા પડકારા અને મેદનીની ઉશ્કેરણી વચ્ચે એક પછી એક મલ્લ ચીત થતા ગયા. આખી મેદનીમાં શરીરબળમાં આ મલ્લોનો મુકાબલો કરી શકે તેવું, કોઈ જ ન હતું. છેલ્લે બે મલ્લો વચ્ચેનો મુકાબલો આવી ઉભો. પહાડ જેવા આ બે મલ્લો માત્ર દેખાવમાં જ ભયજનક નહીં પણ બળમાંય સર્વશ્રેષ્ઠ હતા. એમની વચ્ચેની મુઠભેડ બહુ લાંબી ચાલી. એકબીજાને પકડમાં લઈ જમીનદોસ્ત કરવા માટે બરાબરનો ગજગ્રાહ ચાલ્યો. બેમાંથી એક પણ નમતું જોખે તેમ ન હતો. મુઠ્ઠીઓના બેફામ મારની તેમના પોલાદી સ્નાયુઓ પર કોઈ જ અસર થતી ન હતી.

      છેવટે જીતમલ્લે બીજાને કેડેથી પકડી ઉંચો કર્યો અને જમીન પર પછાડ્યો. અસહ્ય દર્દથી પેલો કરાંઝી ઉઠ્યો. જીતમલ્લ તેની ઉપર ચઢી જઈ પોતાનો વીજય પુરવાર કર્યો.

      તે મોટેથી બરાડ્યો. “ છે કોઈ માઈનો પુત તૈયાર, મારી સાથે મુકાબલો કરવા?“

      ભુલો આ મલ્લકુસ્તી ધ્યાનથી નીહાળી રહ્યો હતો. તેને લાગ્યું કે, આ અવસર ગુમાવવા જેવો નથી. તે મેદનીની બહાર મેદાનમાં આવી ગયો. તેણે જીતમલ્લને પડકાર્યો. જીતમલ્લ તેને જોઈએ તુચ્છકારમાં હસ્યો.

      “ અલ્યા મગતરા! તારે ઘેર જઈ માનું દુધ ધાવીને પાછો આવ.”

       આખી મેદનીએ આ તુચ્છકાર અને મશ્કરી ખડખડાટ હાસ્યથી ઝીલી લીધાં. વાત પણ વાજબી જ હતી. જીતમલ્લની સરખામણીમાં ભુલો સાવ બાળક જેવો જ લાગતો હતો. ક્યાં જીતમલ્લની સાડા છ ફુટ ઉંચી, પહાડ જેવી કદાવર કાયા અને ક્યાં સવા પાંચ ફુટ ઉંચો અને નમણા બાંધાનો ભુલો?

      પણ ભુલો મક્કમ પગે આગળ વધ્યો. તેનું મગજ અત્યારે એક જ ધ્યેયથી અભીભુત હતું. તેણે સમગ્ર મલ્લકુસ્તી બરાબર ધ્યાનથી નીહાળી હતી અને પોતાની વ્યુહરચના અંગે બરાબર ગાંઠ વાળી હતી.

     તે જેવો જીતમલ્લની નજીક સરક્યો તેવી તરત જ જીતમલ્લે દોટ મુકી. ભુલાની નજર બરાબર જીતમલ્લની હીલચાલ ઉપર હતી. જીતમલ્લ તેને પકડી શકે તેની એકાદ ક્ષણ પહેલાં જ તે ચાલાકીથી બાજુમાં સરકી ગયો અને દુર દોડી ગયો. ક્રોધમાં ધુવાં પુવાં થયેલો જીતમલ્લ વળીને તેની તરફ ધસમસતો દોડ્યો. ફરીથી ભુલાએ તેનો દાવ ચુકાવ્યો. આમ ત્રણ ચાર વખત થયું. જીતમલ્લ હવે થાકી ગયો હતો. બધા મલ્લો સાથેની મુઠભેડમાં તે આમેય થાકેલો તો હતો જ. હવે તેના ક્રોધે માઝા મેલી દીધી. એક પ્રચંડ ત્રાડ પાડી તે ભુલાને ચપટીમાં ચોળી નાંખવા છેલ્લા શ્વાસ પર આવી ગયો હતો. આ મગતરું તેની કલ્પના બહાર ચપળ હતું.

      આ વખતે ભુલો લગારેય ચસક્યો નહીં. જીતમલ્લે તેને બન્ને હાથ વડે ઉપાડી ફંગોળ્યો. ભુલો આ માટે તૈયાર જ હતો. તેણે હવામાં જ પોતાનું સમતોલન જાળવી લીધું અને જમીન પર પડી , બેધાય્ન બની ગયાનો ડોળ કરતો પડ્યો રહ્યો. જીતમલ્લ તેને કચડી નાંખવા કુદ્યો. ભુલો બાજુમાં ગલોટીયું ખાઈ, ચપળતાથી ઉભો થઈ ગયો. હવે જીતમલ્લ જમીન પર પડેલો હતો. તેની ભારે કાયા, ભેગા થયેલા થાક અને ક્રોધથી વીચલીત થયેલા મગજને કારણે તે તરત ઉભો થઈ શકે તેમ ન હતો. એક ક્ષણના પણ વીલંબ વીના ભુલાએ પોતાની બધી તાકાત ભેગી કરી, જીતમલ્લના ગુહ્ય ભાગ પર કચીને લાત મારી દીધી.

     ગેંડા જેવો જીતમલ્લ તરફડવા માંદ્યો. ભુલાએ બીજી ત્રણ લાતો એ જ જગ્યાએ તાકીને ઝીંકી દીધી. જીતમલ્લ હવે સમ્પુર્ણ રીતે ભાન ગુમાવી ચુક્યો હતો. ભુલો તેની છાતી પર ચઢી ગયો.

     દુર્ઘર્ષ જીતમલ્લ જીતાઈ ગયો હતો. ન બનવાનું બની ગયું હતું. એક મગતરાંએ અલમસ્ત ગેંડાંની ઉપર વીજય મેળવ્યો હતો. સમગ્ર મેદનીએ ગગનભેદી નાદોથી ભુલાના વીજયને આવકાર્યો. કેટલીય સ્ત્રીઓ આ વીદેશી વીજેતાને પોતાનો કરવા દોડી અને તેને ચુંબનો અને આલીંગનોથી ઓતપ્રોત કરી દીધો. જગ્ગો દોડીને ભુલાની નજીક પહોંચી ગયો. તેણે એ બધીઓયને ભુલાથી દુર હડસેલી.

     હવે બન્નેએ આ બધાંથી છુટકારો મેળવી ખાન તરફ નજર કરી. ખાન તેમને પોતાની પાસે બોલાવી રહ્યો હતો. બન્ને ખાન પાસે પહોંચી ગયા. ખાને ભુલાને અભીનંદન આપ્યા.

      ખાને પુછ્યુ,” કોણ છે આ ચાલાક વીર?”

      જગ્ગો ,” ઉંચી પર્વતમાળાની પેલે પારની પ્રદેશમાંથી આવેલો મારો મહેમાન ભુલો.”

      ખાન ,” આજથી એ મારો થઈ ગયો. “

     ભુલાને આ જ તો જોઈતું હતું, આ માટે તો તેણે આ સાહસ બહુ જ વીચારપુર્વક અને અગમચેતીભરી વ્યુહરચનાથી હાથ ધર્યું હતું.

     ખાને આ જલસો બરખાસ્ત કરતાં જાહેર કર્યું ,” આજની મલ્લકુસ્તીનો વીજેતા ભુલો, આજથી મારો મંત્રી બને છે. દરેક પ્રદેશમાંથી આવેલ સુબાને એક ઘોડો અને ચાર ઘોડીઓ આપવામાં આવશે. જગ્ગાને બે ઘોડા અને આઠ ઘોડીઓ મળશે. આનાથી સામ્રાજ્યનું રક્ષણ વધારે સારું થઈ શકશે. જે જુવાન છોકરાઓ અહીં તાલીમ લેવા આવ્યા છે, તે સૌ પાંચ વરસ પછી બધી યુધ્ધ કળામાં હોંશીયાર બની પોતાબા ગામ પાછા ફરશે અને આપણા સામ્રાજ્યના અડીખમ થાંભલા બની રહેશે.“

      મેદનીએ એકી અવાજે ખાનની આ જાહેરાતને વધાવી લીધી.

2 responses to “પ્રકરણ – 25 મલ્લકુસ્તી

  1. Chirag Patel ડિસેમ્બર 22, 2008 પર 12:58 પી એમ(pm)

    વાર્તા સરસ જામી રહી છે. મઝાના ચઢાવ-ઉતાર આવી રહ્યાં છે.

  2. Pingback: પ્રકરણ – 32 ઘાટની શોધ « ગદ્યસુર

તમારા વિચારો જણાવશો?

Please log in using one of these methods to post your comment:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google photo

You are commenting using your Google account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s

%d bloggers like this: