સૂરસાધના

ગુજરાતી લેખિનીમાં સ્વૈરવિહાર

હાઈવે ઉપર સફર

    રાતનું અંધારું શરુ થઈ ગયું હોય તેવી, શીયાળાની મોડી સાંજે, તમે મુસાફરીએ આવેલા સ્થળથી તમારા ઘેર પહોંચવા નીકળ્યા છો. નજીકના નાના અને જાણીતા રસ્તા છોડી, તમે સ્ટેટ હાઈવે પર આવી ગયા છો. આજુબાજુ, ચોગમ, કાળો ડીબાંગ અને ઝાડી ઝાંખરાથી ભરપુર વગડો માત્ર જ છે. મધુરું બાળપણ છોડીને જવાબદારી અને માથાકુટથી ભરેલા વીદ્યાર્થી કાળના જેવો જ તો.

     કાળા ઘોર વગડાની વચ્ચે એક પ્રકાશનો પુંજ કલાકના સાઠ માઈલની ઝડપે સરકી રહ્યો છે. આગળનો રસ્તો બરાબર દેખાય તે માટેની ઝળાંહળાં થતી હેડ લાઈટ અને પાછળ આવનાર વાહનને તમે પણ રસ્તા પર છો; તેની જાણ કરવા માટેની લાલ ચટ્ટાક ટેઈલલાઈટ : આ બે પ્રકાશના સ્રોત થકી આ પુંજ બનેલો છે. જીવન સંગ્રામમાં ઝઝુમવા માટે જરુરી, પ્રજ્ઞા, શાણપણ અને સુરક્ષાની પાયાની વૃત્તી જેવા,  તમારાં આ એક માત્ર સાધનો છે. અલબત્ત શરીરનાં મહત્વના અંગો અને ઉપાંગો જેવું એન્જીન તો એની મેળે ચાલતું જ રહ્યું છે – પ્રાણતત્વ જેવું ઈંધણ ભરેલું છે ત્યાં સુધી.

     તમે જે દીશામાં જઈ રહ્યા છો , તે જ દીશામાં રડ્યાં ખડ્યાં વાહનો તમારી આગળ અને પાછળ મુસાફરી કરી રહ્યાં છે. પણ એ તમારા કશા ખપનાં નથી. કોઈક તેજ ચાલનારાં તમારી કારને ઓવરટેક કરીને આગળ નીકળી જાય છે; તો કો’ક મંદગતીવાળાને તમારી કાર ઓવરટેક કરી દે છે.

     પણ જો આવા કોઈ વાહનની વધુ નજીક તમે આવી ગયા તો? અને તેય કોઈ માતેલા સાંઢ જેવો કે, કોઈ બળીયા પ્રતીસ્પર્ધી જેવો ખટારો હોય તો? શું વલે થાય? બરાબર જીવન સંગ્રામની જેમ જ તો!

     સામેની દીશામાંથી પણ તમારી કાર જેવા કોઈક પ્રકાશના પુંજ ધસમસતા જઈ રહ્યા છે. સદભાગ્યે, એમની અને તમારી વચ્ચે ભેદી ન શકાય તેવી આડશ છે. પણ જો એમની સાથે મુઠભેડ થઈ ગઈ તો? બન્નેનો ખુડદો જ બોલી જાય ને – હાથોહાથની અથડામણની જેમ? તમારી જીવનદ્રષ્ટીથી સાવ વીપરીત દ્રષ્ટી ધરાવતા લોકોથી આમ સાવ છેટા રહો તો જ ગનીમત! 

    ક્યાંક ક્યાંક એ કાળા ડીબાંગ ફલકમાં દુર કોઈક તગમગતા તારલા જેવા ગામ કે એકલદોકલ ફાર્મ હાઉસના અણસાર પણ દ્રષ્ટીગોચર થઈ જતા હોય છે. પણ આ કાળઝાળ રાત્રીમાં તમે એકલા નથી એટલો સધીયારો પુરવા સીવાય એમની કશી ઉપયોગીતા નથી. તમારે તો ગાતાં જ રહેવાનું છે –

એકલા જ આવ્યા મનવા, એકલા જવાના
સાથી વીના, સંગી વીના, એકલા જવાના.‘

– બેફામ

     પણ છેક એમ તો નથી. તમારી સાથે ગાડીમા જીવનભર સાથ આપનાર તમારી જીવનસંગીની તો છે જ; પણ આગલી સીટમાં તમારા બન્નેનો અંશ તમારો પુત્ર સારથી બનીને તમારી જીવનસફરમાં – ભુલ્યો, તમારી આ મુસાફરીમાં – તમને દોરી રહ્યો છે. એની બાજુમાં એની જીવનસંગીની છે. જીવનના અંતીમ તબક્કામાં તમારા કુટુમ્બની આ એકવાક્યતાથી તમે જીવન – સાફલ્યના પરીતોષના ભાવમાં રમમાણ છો.

    અંધારીયાની એ રાતના આકાશમાં ટમટમતા તારલા ચમકી રહ્યા છે. એમનો નજારો આકર્ષક છે; પણ એ કશા ઉપયોગનો નથી; સીવાય કે, બ્રહ્માંડની વીશાળતાની સાક્ષી પુરતા એ તમારી ક્ષુદ્રતાની વારંવાર યાદ આપતા રહે છે.

     પુરાણા કાળમાં સાચી દીશાની એંધાણી આપવાનું એમનું મહત્વ કારના ડેશબોર્ડની ઉપર ટીંગાડેલા જી.પી.એસ. સાધને લઈ લીધું છે. એમને માનવ પ્રજ્ઞાની સીમા જેવા ત્રણ ત્રણ સેટેલાઈટો એક એક માઈલની માહીતી આપી રહ્યા છે. હવે એ જી.પી.એસ. જ તમારો ધ્રુવતારક છે.

    તમારો વક્રદ્રષ્ટી સ્વભાવ આ સાધનોને તુચ્છાકારી રહ્યો છે. ‘તમારા યુવાની કાળની સફરની, બધી સનસનાટી અને આવેગો તમારો પુત્ર એના થકી ખોઈ બેઠો છે.’ એવો મીથ્યા વીચાર તમારા અહંકાર અને નવી પેઢી પ્રત્યેની તમારી ઈર્ષ્યા અને અણગમાને પોષી રહ્યો છે!

     અને લો ! દુરથી પ્રકાશીત દીવાઓનો સમુહ તમારી નજીક આવી રહ્યો છે. થોડીક જ વારમાં તમે ઝળહળતા કોઈક નાના નગરના સીમાડે પહોંચી ગયા છો. તમારી સફરનો એક માઈલ સ્ટોન તમે સર કર્યો છે. પણ શહેરની લાલ લીલી લાઈટો તમારી સફરને અટકાવી દે છે – જેમ સમૃધ્ધી મળતાં જીવન સફરનો વેગ ધીમો બની જાય તેમ. આ સીધ્ધીનો લાભ લઈ, પગ છુટો કરવા થોડા રોકાઓ છો. પણ ક્ષણીક રાહત સીવાય, આ મુકામ તમારા કશા કામનો નથી. તમે અહીં અટકી નથી શકતા. આગળ અને આગળ અંતીમ મુકામ સુધી તમારે સફર જારી રાખતા જ રહેવાનું છે.

    આવાં અનેક નગરો આવે છે; અને પાછળ વીદાય લે છે. એમાંનો કોઈ ઝળહળાટ તમારી સફરના ધ્યેય સાથે સુસંગત નથી. એને તમારે અલવીદા કહેવી જ પડે છે.

     અને એક મોટું જન્ક્શન આવી ગયું. હવે તમારી જીવનકાર સ્ટેટ હાઈવે પરથી રાષ્ટ્રીય ધોરી માર્ગ પર આવી ગઈ છે. તમારી જીવનભુમીકાનો હાઈવે તમને લબ્ધ થઈ ચુક્યો છે.

    તમારી કારની ઝડપ હવે વધી ગઈ છે. હવે રસ્તે આવતા નગરોની કોઈ લાલલીલી બત્તી તમારી સફરને રોકી શકે તેમ નથી. તમારી પ્રગતી હવે તેની ચરમસીમાએ પહોંચી ગઈ છે. હવે રસ્તો બહુ ઝડપથી કપાવા માંડે છે. સંવાદીતાથી ચાલતી કારના બધા નાદ અને આઈપોડમાંથી રેલાતું સુરીલું સંગીત તમને નીદ્રાધીન/ સમાધીસ્થ કરી દે છે.

    અને આ શું?

    તમારી કાર રસ્તાની બાજુના શોલ્ડર ઉપર, ખોટકાઈને ખડી થઈ ગઈ છે. તમે ચારે જણ હાંફળા ફાંફળા બનીને મદદ માટે હાથ લાંબા કરી સનસનાઈને પસાર થઈ જતાં વાહનોને રોકવાનો મીથ્યા પ્રયત્ન કરો છો. પણ જીવનની જેમ, કોઈ કોઈના માટે રોકાતું નથી. તમે નીરાશ વદને, આ ઘનઘોર રાત્રીમાં, આ કાળા ડીબાંગ, અવાવરુ અને ભયજનક વગડામાં બેબસ, બેસહારા, નીરાધાર બની ગયાની હતાશામાં માથે હાથ દઈ બેસી પડો છો. આકાશમાંથી બે ચાર છાંટા પડ્યાનો તમને અહેસાસ થાય છે. દુકાળમાં અધીક માસ જેવી આવી પડેલી આ આપત્તીને સ્વીકાર્યા સીવાય બીજો કોઈ વીકલ્પ તમારી પાસે નથી. તમે ચારે જણ કારનું શરણું લેવા પારોઠનાં પગલાં ભરો છો.

    અને ત્યાં કોઈ હાથ તમારી ગરદન ઉપર ફરતો તમે અનુભવો છો. તમારા સમગ્ર શરીરમાં ભયનું એક લખલખું ફરી વળે છે. શીયાળાની આ કડકડતી ઠંડીમાંય તમે પસીને રેબઝેબ થઈ જાઓ છો.

    અને ત્યાં જ તમારી પત્નીનો સ્નેહાળ અને રણકતી ઘંટડી જેવો અવાજ તમને સંભળાય છે.

   “ હું કહું છું; તમને કંઈ થાય છે? શરીરે ઠીક તો છે ને?”

    અને તમે પાછા સ્વપ્નજગતની એ ભયાનક અનુભુતીમાંથી પાછા, કારની સવલત ભરેલી દુનીયામાં પુનરાગમન કરો છો. તમારી જીવનસંગીની જ તમારી એક માત્ર સાચી મીત્ર છે; એની સ્વાનુભવી પ્રતીતી તમને થઈ જાય છે.

   જીવનમાં આવતી કસોટીઓની જેમ આ દુઃસ્વપ્ન પણ પસાર થઈ જાય છે.

   તમને હવે ખબર પડે છે કે, એક લાલ લીલી સીગ્નલ લાઈટ આગળ કાર થંભેલી છે. તમારી નજર રસ્તાની બાજુએ આવેલા તમારાં જાણીતાં ગેસ સ્ટેશન, હોટલ અને બેન્કના મકાન તરફ જાય છે.

    તમે ધન્યતા અનુભવો છો કે, છેવટનો મુકામ આવી ગયો છે. તમારું કાયમનું ઘર હવે ઢુંકડું છે. ત્યાં જઈ તમે આરામની ઉંઘમાં ગરકાવ થઈ જવાના છો. એમાંથી જ્યારે ઉઠાય ત્યારે ખરું. એ તમારી આ સફરની ચીંતા, વ્યથા, થાક, હતાશા, અસલામતી – બધાંનો છેવટનો ઉકેલ છે. તમારી ગાડી અહીં ગતી કરતી અટકી જવાની છે. પણ તમને એનું કોઈ દુખ નથી.

    તમારી મુસાફરી થોડી ઘણી અગવડ અને પેલા દુઃસ્વપ્ન સીવાય નીર્વીઘ્ને પુરી થયાનો સંતોષ માણી તમે ‘સ્વધામ’માં થાકેલા તને, પણ પ્રફુલ્લ મને પ્રવેશ કરો છો.

18 responses to “હાઈવે ઉપર સફર

  1. Maheshchndra Naik જાન્યુઆરી 3, 2009 પર 9:03 એ એમ (am)

    I understand, Shri Sureshbhai has rightly touch our similar feelings, at the same age of 60 plus and described the same experience of everyone’s life at North America of this age group, I enjoyed, GREAT!!!!!!!!!

  2. Girish જાન્યુઆરી 3, 2009 પર 9:13 એ એમ (am)

    It seems true with our feelings according to one!s circumstances n personal experiences…keep it up

  3. Chiman Patel "CHAMAN" જાન્યુઆરી 3, 2009 પર 10:17 એ એમ (am)

    Very nicely described the event. Kept me reading till the end. Nice, nice. Keep it up.

  4. pragnaju જાન્યુઆરી 3, 2009 પર 10:50 એ એમ (am)

    સુહાના સફર મુબારક
    અમને પણ આવી ઘણી મુસાફરીની વાત
    યાદ આવે છે
    લખશુ
    પ્રજ્ઞાથી શરુ કરી પ્રફુલ્લમા પૂરી કરેલી મુસાફરી ગમી!

  5. Chirag Patel જાન્યુઆરી 3, 2009 પર 1:05 પી એમ(pm)

    દાદા, તમારી કલમ હવે દક્ષતા હાંસલ કરવા માંડી છે. એક સીધ્ધહસ્ત લેખક જીવડો વરતાય છે.

  6. Dilip Gajjar જાન્યુઆરી 3, 2009 પર 3:19 પી એમ(pm)

    સુરેશભાઈ મઝા આવી ગઈ મુસાફરીની અને ઈન્ડીયા ગયા ત્યારે હાઈવે પરા આવો જ અનુભવ થયો હતો. આપનું લખાણ ખુબ સરસ છે. લખતા રહેશો. દિલીપ ગજ્જર

  7. Dr. Dinkerray J. Joshi જાન્યુઆરી 3, 2009 પર 3:24 પી એમ(pm)

    dear SURESHBHAI,
    I AM ALSO NOW GOING TO COMPLETE 65 ON 14TH jUNE 2009,
    and i confese above 60 WEW feel some time like that,
    but sure when we say good bye to all, WE take with us somany good things, and will say good bye ,

    other people will say HE was real a NICE person, IF WE remain nice.

    ASTHAMA is the matter, gives us memory of GOD and GOD comes in our mind at that time .

    AM i RIGHT >?

  8. Bina જાન્યુઆરી 3, 2009 પર 10:08 પી એમ(pm)

    તમારી જીવનદ્રષ્ટીથી સાવ વીપરીત દ્રષ્ટી ધરાવતા લોકોથી આમ સાવ છેટા રહો તો જ ગનીમત! So true! Khub sunder swanubhav! Bina

  9. અખિલ સુતરીઆ જાન્યુઆરી 4, 2009 પર 3:51 એ એમ (am)

    પ્રવાસ મારી ગમતી પ્રવૃત્તિ. સાથી વીના … ભૂપિન્દરે ગાયેલા ગીતનું મુખડું .. મજા આવી.

  10. HEMANG NANAVATY જાન્યુઆરી 4, 2009 પર 12:03 પી એમ(pm)

    SURESHBHAI TAMARU JIVAN PRAVASNU VARNAN ETLU ADBHT CHHE KE TENA THAKI THAEL ANAND NA VARANA MATE MARI PAA SE KHARE KHAR EK PAN SHABDA NATHI.KHUB KHUB ABHAR

  11. કાસીમ અબ્બાસ જાન્યુઆરી 4, 2009 પર 2:41 પી એમ(pm)

    “જીવનમાં આવતી કસોટીઓની જેમ આ દુઃસ્વપ્ન પણ પસાર થઈ જાય છે.“

    આ સફરનામું વાંચીને એક ભારતી ફીલ્મના ગીતની એક કડી યાદ આવી ગઈ:

    “રાત જીતની હી સંગીન હોગી, સુબ્હા ઈત્ની હી રંગીન હોગી.

    સફરમાં અગવડ, સંતોષ અને પ્રફુલ્લતા પણ હોય છે.

  12. Ramakant Desai જાન્યુઆરી 4, 2009 પર 11:41 પી એમ(pm)

    This life it self is a journey. We have to prepare for the ultimate destination with hope and belief in the divine.

  13. ગોવીંદ મારૂ જાન્યુઆરી 5, 2009 પર 11:15 પી એમ(pm)

    વ્હાલા વડીલ,
    આપની સફરનો સ્વાનુભવ ગમ્યો. આપના સ્વાનુભવો આમારા માટે પ્રેરણાદાયી હોય પીરસતા રહો એવી હાર્દીક ઈચ્છા છે.
    ગોવીન્દ મારુ
    http://govindmaru.wordpress.com/

  14. hemant doshi જાન્યુઆરી 9, 2009 પર 9:19 એ એમ (am)

    it very true and many have same anubhav in his life if he driveing.
    thank you
    hemant doshi at mumbai

  15. dipak જાન્યુઆરી 10, 2009 પર 8:41 એ એમ (am)

    DADA…very nice article about expereince of life after sixty plus.Keep continue to writting.Thanx.