સૂરસાધના

ગુજરાતી લેખિનીમાં સ્વૈરવિહાર

પરીવર્તન-3 : હીમકણીકા

       હવામાં ભેજનું પ્રમાણ વધતું જતું હતું. એમ જ ઠંડીનું પણ. થર્મોમીટરનો પારો શુન્યથી પણ નીચે જતો રહ્યો હતો. ઝાડના પાંદડાં પરના બાષ્પબીંદુઓ થીજવા માંડ્યા હતા. કાચાં પોચાં પાંદડાં તો ક્યારનાંય ખરી ચુક્યાં હતાં. પણ આ તો ઠંડા પ્રદેશનાં ખમતીધર, જાડી ચામડીનાં પર્ણો હતાં ને!

      અને ધીમે ધીમે વરસાદના છાંટાં પડવા માંડ્યા. હવાની ઠંડી હજુ તેમને થીજાવી શકે તેટલી પર્યાપ્ત ન હતી. જેમ જેમ એ વર્ષાબીંદુઓ ઠંડાગાર પાંદડાં ઉપર પડી એકઠાં થવાં માંડ્યાં; તેમ તેમ તે ઠંડાં અને વધુ ઠંડાં થવા લાગ્યાં. સરકતો એ રેલો ઠંડા બાષ્પબીંદુઓ પરથી પસાર થતો થતો, વધારે ને વધારે ઠંડો થવા લાગ્યો.

    પાંદડા પરથી ટપક..ટપક…ટપ્પ…ટપાક, ટપાક… નીચે ટપકી પડવાનો પોતાનો જાતીસ્વભાવ છોડી; નીચે ધરાશાયી થતાં પહેલાં જ એ તો ઠરી ગયો. સોડ વાળીને પોઢી ગયો. ઓલ્યું બાષ્પબીંદુ, આ રેલાના આશ્લેષમાં પ્રાપ્ત થયેલી નવી સંપદાથી વધુ પુષ્ટ બનવા માંડ્યું. એ સાવ ઝીણા મોતી જેવું હતું; પણ હવે તેની કાયા વીસ્તરવા લાગી. લાખેરાં મુલ્ય વાળું મોતી બનતું ગયું.

    વરસાદ તુટી પડ્યો. રેલે રેલા. પાણીની છાકમ છોળ. થીજેલા મોતી પરની એમની એ સફર એમનેય થીજવાની માયા લગાવતી ગઈ. હવે એ મોતી તો ઝુલતું લટકણીયું બનવા માંડ્યું. એલચીના દાણા જેવડું, ને પછી લવીંગની લાકડી જેવડું, ને પછી પીકનની ફાડ જેવડું.

    અને લ્યો! આ તો ત્રણ ઈંચ લાંબી હીમકણીકા બની ગયું. આવી અનેક સહીપણીઓ ઝાડની ડાળ પર, પવનમાં ઝુલતી ઝુલતી, કોની મીલ્કત મોટી એની હોડ બકવા માંડી! ચારે બાજુ જ્યાં નજર કરો ત્યાં હીમનાં ઝુમ્મરો જ ઝુમ્મરો.

    વરસાદ થંભી ગયો. વાદળ વીખેરાઈ ગયાં. એમની આડશે ઢંકાયેલા સુરજે, બીતાં બીતાં ડોકીયું કર્યું. એ તો ગુસ્સામાં રાતો પીળો અને આકુળ વ્યાકુળ બની ગયો. પોતાના ગરમાગરમ સામ્રાજ્ય પર વ્યાપી ગયેલી કડકડતી ઠંડીની આ વીરાસત પર કડવી, રાતી, તીખી નજર કરતો સુરજરાણો, ક્રોધમાં પ્રદીપ્ત બની, થર્મોમીટરને ઉશ્કેરતો રહ્યો. પારાને ઉંચે ને ઉંચે ચઢાવતો રહ્યો.

   ધીમે ધીમે બધીય હીમકણીકાઓ ટપક ટપક ઓગળવા લાગી અને ફરી પાછું એ ટપક..ટપક…ટપ્પ…ટપાક, ટપાક… ચાલુ. સુક્કા ઘાસની વાસંતી તરસ, વસંતના આગમન પહેલાં સંતોષાવાની થોડી હતી? પણ શીયાળાની મોસમમાં ભીંજાવાનો, અનેરો લ્હાવો કાંઈ જતો કરાય ?

    કાલે દખણાદા વાયરા વાવાનો વાવડ છે. ફરી ભીંજાયેલી ધરતી તપશે. અને ભીંજાયેલું ઘાસ ફરી સુકાશે. એ હીમકણીકાઓ ફરી પાછી ભેજ બનીને પર્યાવરણમાં ઓગળી જશે.

   વરસાવું, રેલાવું, થીજાવું, જામવું, ઝુલવું, ઓગળવું, રેલાવું, સુકાવું, વીસ્તરવું, વીખેરાવું …..

   સતત પરીવર્તન જ પરીવર્તન …

11 responses to “પરીવર્તન-3 : હીમકણીકા

 1. pragnaju જાન્યુઆરી 16, 2009 પર 9:14 એ એમ (am)

  હીમકણીકા
  ખૂબ સુંદર દેખાતી એકેય એક સરખી નથી હોતી
  સદા પરિવર્તનશીલ

  • aataawaani જાન્યુઆરી 8, 2017 પર 12:15 પી એમ(pm)

   પરમેશ્વર એક કલ્પનાતીત છે . તેણે મનુષ્યના શરીરની રેખાઓ દેખાય છે , એક સરખી પણ ખરેખર એક સરખી નથી હોતી . માણસ જન્મે છે ત્યારે એ પોતાની રેખા લઈને જન્મે છે ,અસંખ્ય મનુષ્યો દરરોજ જન્મે છે . તેને પોતાની રેખા હોય છે . આ કુદરતની કમાલજ તમને પરમેશ્વરના અસ્તિત્વનો સ્વીકાર કરાવે છે .આ માણસ કેવો છે . તે ચંદ્રગુપ્તના ચોપડા ઉપર આધાર નથી . રાખતી પરમેશ્વરને પોતાનેજ ખબર છે કે આ માણસ કેવો છે . કેમકે તે સર્વજ્ઞ છે .

 2. nilam doshi જાન્યુઆરી 17, 2009 પર 7:15 એ એમ (am)

  વિસ્તરવું ને વિખેરાવું..કદાચ સૃષ્ટિનો આ જ ક્રમ છે.

  સુન્દર વર્ણન

 3. la'kant માર્ચ 8, 2011 પર 4:58 એ એમ (am)

  “વરસાવું, રેલાવું, થીજાવું, જામવું, ઝુલવું, ઓગળવું, રેલાવું, સુકાવું, વીસ્તરવું, વીખેરાવું સતત પરીવર્તન જ પરીવર્તન …”

 4. la'kant માર્ચ 8, 2011 પર 5:00 એ એમ (am)

  A FACT OF LIFE….. Finally it is HOW you see and take life and react….NICE! -La’Kant. “Kaink”

 5. captnarendra1 માર્ચ 8, 2011 પર 10:09 એ એમ (am)

  નિસર્ગના નૃત્યને શબ્દનું લાલિત્ય મળે એટલે થિરકતા પગમાં પાજેવ બાંધ્યા જેવો આપનો લેખ મનભાવન લાગ્યો! મજા પડી ગૈ!

 6. Vinod R. Patel જાન્યુઆરી 8, 2017 પર 1:11 પી એમ(pm)

  વરસાવું, રેલાવું, થીજાવું, જામવું, ઝુલવું, ઓગળવું, રેલાવું, સુકાવું, વીસ્તરવું, વીખેરાવું …..

  સતત પરીવર્તન જ પરીવર્તન …

  મોસમ ની અનિશ્ચિતતા અને પરિવર્તન નું સુંદર વર્ણન અને શબ્દ ચિત્ર ગમ્યું.

  કાકા સાહેબ કાલેલકર ની યાદ આવી ગઈ.

 7. Pingback: પરિવર્તનનો શહેનશાહ | સૂરસાધના

તમારા વિચારો જણાવશો?

Please log in using one of these methods to post your comment:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s

%d bloggers like this: