સૂરસાધના

ગુજરાતી લેખિનીમાં સ્વૈરવિહાર

ભગવાનનો માણસ – શિરીષ દવે

   મગનભાઇ ઠીક ઠીક ભણ્યા, અને એક પ્રાઈવેટ કંપનીમાં મેનેજરની નોકરી પણ મળી ગઈ.  પહેલે દિવસે બધાની સાથે ઓળખાણ અને ચા પાણી થયાં. બીજે દિવસે કામની શરુઆત કરવાનું  નક્કી કર્યું.

    સેક્સન ક્લાર્ક રમેશને બોલાવ્યો અને પાવર કંપનીની ફાઈલ માંગી. લાવતાં ઘણી વાર લાગી. પણ મગનભાઇએ તેને કંઈ કહ્યું નહીં. પહેલો ગુનો તો ભગવાન પણ માફ કરે છે.  પણ તેઓએ તેમની સ્ટેનોને કહી નાખ્યું, ” હવે આ રમેશ જો બીજીવાર આવી વાર લગાડશે, તો તેની ખેર નથી.” 

    સ્ટેનો સ્વર્ણલતાએ કહ્યું “સાહેબ તેની વાત ન કરશો. રમેશ તો જનરલ મેનેજરનો માણસ છે.” 

   બીજે દીવસે લોકલ પરચેઝ સેક્સન ક્લાર્ક સુરેશને ક્વોટેશનની ફાઇલ લઈને આવવા કહ્યું. તેણે બે કલાક કર્યા. મગનભાઇએ તેને પણ કંઇ કહ્યું નહીં . પહેલો ગુનો હતો ને એટલે.    પણ તેઓએ તેમની સ્ટેનોને તો કહી જ નાખ્યું, ” હવે આ સુરેશ જો બીજી વાર આવી વાર લગાડશે, તો તેની ખેર નથી.” 

   સ્ટેનો સ્વર્ણલતાએ કહ્યું , “સાહેબ જો જો, એને કંઇ કરી બેસતા. સુરેશ તો ડીરેક્ટરનો માણસ છે.” 

   ત્રીજે દીવસે મગનભાઇએ એકાઉન્ટ ઓફીસર મીસ્ટર સુકેતુને બોલાવ્યા.સસ્પેન્સ એકાઉન્ટમાં પચાસ લાખ રુપીયા ઉધાર પડ્યા હતા. આ તો ગંભીર બેદરકારી કહેવાય.  વળી કોઈ કારણોની નોંધ પણ ન હતી. મીસ્ટર સુકેતુ ચોપડા મુકીને લંચ કરવા ગયા.

    મગનભાઇથી ન રહેવાયુ. મગનભાઈ માથું નીચું રાખીને શોકમાં ડુબી ગયા. સ્વર્ણલતાએ પુછ્યું, “શું થયું છે સાહેબ?”

    મગનભાઇએ બધી વાત કરી. અને ઉમેર્યું, ” હી શુડ બી સેક્ડ આઉટ. “

    સ્વર્ણલતાએ કહ્યું, ” જો જો સાહેબ, કશું લખતા! મીસ્ટર સુકેતુ તો શેઠનો માણસ છે.” 

    સાંજે સાઈટ એન્જીનીયર મીસ્ટર દેસાઈ આવ્યા. અને રુ. ૫૦,૦૦૦/- કેશ એડવાન્સ માંગ્યા. જુના એક લાખ એડવાન્સના વાઉચર આપ્યા ન હતા. અઠવાડીયું થઈ ગયું હતું, અને યાદ પણ કરતા ન હતા. ગડબડીયા અક્ષરમાં સમરી આપી. ‘નીટ અને ક્લીન હેબીટ ન હોવાનો’ અને ‘પંક્ચ્યુઅલ નહી હોવાનો’ ગુનો બનતો  હતો.

     આ તો કેમ ચાલે? એન્જીનીઅરોની ક્યાં ખોટ છે? મગનભાઈએ સ્વર્ણલતાને બોલાવી. “લખો, એક મેમો લખો. કે.જી.દેસાઈને એક મેમો આપવાનો છે.” 

     સ્વર્ણલતાએ કહ્યું, “સાહેબ જો જો , કંઈ એવું કરી બેસતા. દેસાઈ સાહેબ તો મીનીસ્ટરના માણસ છે.” 

      હવે મગનભાઈ અકળાયા. અને બોલી ઉઠ્યા, ” આ બધું શું છે? અને શું ચાલી રહ્યું છે? રમેશ તો જનરલ મેનેજરનો માણસ છે; સુરેશ તો ડીરેક્ટરનો માણસ છે; મીસ્ટર સુકેતુ તો શેઠનો માણસ છે; દેસાઈ મીનીસ્ટરનો માણસ છે.” 

      સ્વર્ણલતા મગનભાઇની અકળામણ પામી ગઈ. તેણે ચપરાસી પોપટને બોલાવ્યો, અને ઠંડું પાણી લાવવા કહ્યું. પોપટભાઇ ટ્રેમાં બે ગ્લાસ ઠંડા પાણીના લાવ્યા.

      પણ ટ્રે ખાસ ચોક્ખી ન હતી. મગનભાઈનો પીત્તો જવાની તૈયારીમાં હતો. પણ એ ગમ ખાઈ ગયા. કદાચ આ પણ કોઈ મંત્રી કે કદાચ મુખ્ય મંત્રીનો માણસ હોય તો?!

    સ્વર્ણલતા મગનભાઈની વાત પામી ગઈ અને બોલી, “સાહેબ! પોપટને તો તમે વઢી શકો છો. એ તો ભગવાનનો માણસ છે! “

શિરીષ દવે

—————————————-

  શિરીષભાઈનો ખુબ ખુબ આભાર .. આ લઘુકથા અહીં પ્રકાશીત કરવા પ્રેમપુર્વક મોકલવા માટે. 

8 responses to “ભગવાનનો માણસ – શિરીષ દવે

 1. Chirag Patel મે 13, 2009 પર 4:15 પી એમ(pm)

  બહુ જ સરળ રીતે ભારતમાં ચાલતી અમલદારશાહી અને વ્ય્વવસ્થા પર ઘા કર્યો છે.

 2. સુરેશ જાની મે 13, 2009 પર 4:32 પી એમ(pm)

  બહુ જ સરસ અંત ..

 3. ગાંડાભાઈ વલ્લભ મે 13, 2009 પર 5:19 પી એમ(pm)

  મામા-માસી, સગાાંવાદ, લાગવગશાહી વગેરે પર કેટલી સરસ રીતે ઘા કરવામાં આવ્યો છે. ધન્યવાદ શિરીષભાઈ અને હાર્દીક આભાર સુરેશભાઈ.

 4. shirish મે 13, 2009 પર 7:51 પી એમ(pm)

  પ્રાઈવેટ કંપનીઓમાં તો લગભગ આવું જ એટલે કે જે વાર્તા લખી છે તેવું જ હોય છે. બહાર બહુ બેકારી હોય એટલે પ્રેસર તો આવે જ્.

  વાસ્તવમાં વાત કંઈ આવી છે. નામ ઠામ બદલ્યાં છે. એક ઓફીસમાં એક કામમાં થોડી વાર લાગી ગઈ. હવે કોણ વાંકમાં આવશે?

  શર્મા એ કહ્યું મને વાંકમાં નહી લે કારણકે મારે અને સીનીયર મેનેજર મહેતા સાહેબને સારા સંબંધ છે. અને મહેતા મને કંઇ કરે જ નહીં,

  દુબેએ કહ્યું મને વાંકમાં નહી લે. કારણકે મને ડાઇરેક્ટર ગર્ગ સાહેબનો માનીતો ગણવામાં આવે છે.

  સોલંકી તો ડાઇરેક્ટર જનરલનો માણસ જ છે તે બધા જાણે જ છે.

  પરમાર ને તો સીધી મીનીસ્ટર સાથે લીંક છે.

  વાડીલાલે કહ્ય્ં: એટલે તમે બધા સીનીયર મેનેજર અને ડાઇરેક્ટર, ડાઇરેક્ટર જનરલ અને મીનીસ્ટરના માણસો છો. તો હું ભગવાનનો માણસ છું. તમારા આ બધાના કરતાં પણ મોટા અને સૌથી મોટા એવા ભગવાનનો માણસ છું. બોલો?

  એટલે શંકરરામને કહ્યું કે તો તો તમને જ બલીનો બકરો બનાવવામાં આવશે. ભગવાન ભલે સૌથી મોટા કહેવાય, પણ એમના માણસથી કોઈ ડરે નહી.

 5. pragnaju મે 14, 2009 પર 2:35 એ એમ (am)

  ખલીલ જિબ્રાને એક કથા લખી છે. તેનું શીર્ષક આપ્યું છે : ‘GOD’s FOOL’ – ઈશ્વરે સર્જેલો મૂરખ માણસ. સંક્ષેપમાં આ કથા કંઈક આવી છે : રણપ્રદેશમાંથી એક સપનાં જોનારો માણસ જાહોજલાલીવાળા મોટા રંગ-રંગીલા શહેરમાં આવી ચડ્યો. પહેરેલાં કપડાં અને એના ડંગોરા સિવાય એની પાસે બીજું કશું નથી. શહેરના મિનારા, મંદિર અને મહેલો જોઈ સ્વપ્નસેવી દંગ રહી ગયો. શહેર અદ્દભુત-સુંદર હતું. આસપાસ પસાર થતા માણસો સાથે વાતો કરવા એણે પ્રયત્ન કર્યો, પણ એનું બોલેલું શહેરીઓ સમજી શકતા નહોતા અને નગરજનોનું બોલેલું એ સમજતો નહોતો. બંનેની ભાષા તદ્દન અલગ હતી.
  બપોરના સમયે તે અજાણ્યો પરદેશી ઝળહળાટથી ચમકતા એક મોટા મકાન સામે આવી ઊભો. માણસો તે મકાનમાં દાખલ થતા હતા અને બહાર નીકળતા હતા. પેલા પરદેશીને લાગ્યું કે એ કોઈ મોટું મંદિર છે. તે અંદર દાખલ થયો. અંદર તેણે જોયું કે ચારે તરફ ખુરશીઓ અને ખાણાનાં ટેબલ ગોઠવાયાં હતાં. લોકો ખાણી-પીણીની મોજ માણી રહ્યા હતા. તેને લાગ્યું કે રાજકુંવરે કોઈ મોટા પ્રસંગ નિમિત્તે જ્યાફત ગોઠવી છે. એટલામાં સુંદર વસ્ત્રો પહેરેલો એક માણસ આવ્યો અને એણે પેલા પરદેશીને એક ખુરશી પર બેસાડ્યો અને મિષ્ટ પકવાનોથી જમાડ્યો. પરદેશી પેટ ભરીને જમ્યો.
  સંતુષ્ટ થઈ પરદેશી બહાર નીકળવા જતો હતો ત્યાં ઝગમગાટ મારતાં વસ્ત્રો પહેરેલા એક તગડા માણસે તેને અટકાવ્યો. તેને લાગ્યું કે આ જ રાજકુંવર લાગે છે. તેણે રાજકુંવરનું અભિવાદન કર્યું ને આભાર માન્યો. પેલા માણસે પરદેશીને કહ્યું, ‘સાહેબ, તમે બિલ ચૂકવ્યું નથી.’ પરદેશી કંઈ સમજ્યો નહીં. બારણે ઊભેલા તગડા માણસને સમજાયું કે આ તો કોઈ મુફલિસ મફતિયો છે. તેણે પોલીસને બોલાવ્યા. પોલીસો સ્વપ્નસેવી પરદેશીની આસપાસ ગોઠવાઈ ગયા અને તેને ન્યાયકચેરીએ લઈ ગયા. ત્યાં દલીલો થઈ. પરદેશીને લાગ્યું કે તેના સંબંધે સંભાષણ થાય છે. ફરફરતી સફેદ દાઢીવાળા ન્યાયાધીશ એ ખુદ રાજા છે એમ પરદેશી સમજ્યો. એ લળી લળીને ઝૂક્યો. ગધેડા પર અવળે મોઢે બેસાડી તેને શહેરમાં ફેરવવાનો ન્યાયાધીશે હુકમ કર્યો. પરદેશીને એ રીતે ફેરવ્યો ત્યારે એને લાગ્યું કે તેનું બહુમાન કરવામાં આવે છે.
  ખલીલ જિબ્રાન એટલે ઓગણીસમી-વીસમી સદીના મહાન ચિંતક. એ કંઈ ગાંડી-ઘેલી વાર્તા ન લખે. તેમની કથામાં મર્મ છે. ભોળા-ભલા ભગવાનના માણસમાં બધી બાબતોના સ્વીકારનો ભાવ છે. એ બધું જ આનંદથી અપનાવે છે. એનું અજ્ઞાન દુ:ખદાયક નથી. અજ્ઞાન આનંદ સર્જે છે. Ignorance is bliss. ભલા-ભોળા ભગવાનના માણસનાં સુખ અને આનંદ કોઈક અલગારી ઓલિયાના ભાગ્યમાં જ હોય છે.

 6. neetakotecha મે 14, 2009 પર 4:57 એ એમ (am)

  bahu j sachchi vat kahi che..pan goverment na manaso ne chadaaviya aapde j che…aa to badhana manaso hata..pan aapde jyare death cert..pan kadhavanu hoy che ane var lage che to aapde ene 100 rs aapiye chiye ke bhai jaldi kari aap ne…karan aapdne copy vadhare ane jaldi joiti hoy che….bagadiye aapde j chiye badhu vatavaran…

 7. Mehul મે 14, 2009 પર 1:18 પી એમ(pm)

  Very nice! Also enjoyed Khalil Jibran’s story too!!

 8. pragnaju મે 14, 2009 પર 10:01 પી એમ(pm)

  શ્રી મહેશભાઈ દવે દ્વારા સંકલિત ‘પાંદડે પાંદડે કિરણ’માંથી આ જીવનપ્રેરક લેખ સાભાર મૂક્યો છે

તમારા વિચારો જણાવશો?

Please log in using one of these methods to post your comment:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s

%d bloggers like this: