સૂરસાધના

ગુજરાતી લેખિનીમાં સ્વૈરવિહાર

પ્રકરણ – 28 લશ્કર

વીતેલી વાર્તા વાંચવા
પહેલી હરોળમાં છેલ્લી ટેબ ‘ નવલકથા‘ પર ક્લીક કરો.

—————————————– —————————

પર્વતની ઓલી પારનો પ્રદેશ ઘોડાઓના ડાબલાથી ગાજી ઉઠ્યો. હજાર સૈનીકોની સેના દખણાદી દીશામાં પ્રયાણ કરી રહી હતી. એમાં ત્રણસો ઘોડેસવાર હતા અને બાકીના ચાલતા સૈનીકો હતા. સૌથી તેજીલા દસ ઘોડેસ્વારોની એક ટુકડી આગળ હતી અને નવા પ્રદેશની બરાબર ભાળ કરી, દીવસના પડાવનું સ્થાન નક્કી કરતી. કોઈ જોખમ હોય તો તેનું પણ તે ધ્યાન રાખતી. ભુલો આ ટોળીના આગેવાનની સાથે સવાર હતો.

જેમ જેમ ભુલો આગળ ધપતો ગયો; તેમ તેમ વસંત ઋતુએ આ ભુખ્ખડ પ્રદેશમાં જે પરીવર્તન આણ્યું હતું; તેની તેને પ્રતીતી થતી ગઈ. બધે રળીયામણી છવાઈ ગઈ હતી. થોડાક જ સમયના મહેમાન હોવા છતાં, ઠેર ઠેર ફુલો ખીલી ઉઠ્યાં હતાં. પીગળેલા બરફના પાણીથી ઠેર ઠેર નાનાં નાનાં ઝરણાં, ઝરા, વહેળા અને નાનકડી, અલ્પકાલીન નદીઓ ઉભરાઈ આવ્યાં હતાં. ઘોડાઓને છબછબીયાં કરી રવાલચાલે એમને પાર કરવાનું ગમતું. પાણીની સાથે જાતજાતની જીવસૃષ્ટી પણ ઉભરી આવી હતી. કદીક એ જંતુઓનો ઉપદ્રવ ખાળવાનું મુશ્કેલ પણ બનતું. ઠેર ઠેર પશુઓનાં ટોળાં ચરતાં નજરે ચઢતાં. અવનવા, રંગબેરંગી પંખીઓ દખ્ખણમાંથી પાછા વળ્યાં હતાં; અને એમની પ્રણયલીલામાં અને નવા માળા બનાવવામાં વ્યસ્ત હતાં.

એક ઝરાને કાંઠે ભુલાને એ કરાળ કાળી રાતની યાદ આવી ગઈ. હાડપીંજરોના એ ડરામણા નૃત્યની યાદે એની કાયામાં ભયનું એક લખલખું ફરી વળ્યું. ગોવા સાથેની એ છેલ્લી મુઠભેડ, રુપલી દ્વારા પરાભવ, કોતરોની વસ્તીએ આપેલો જાકારો, દુર્ગમ પર્વતમાળાને ઓળંગી ઓતરાદી દીશામાં પ્રયાણ, એ ગોઝારું સ્વપ્ન, પ્રતીશોધની એ પ્રતીજ્ઞા, નવા પ્રદેશના અવનવા અનુભવો અને ખાનના દરબારમાં ફરીથી સાંપડેલું સન્માન .. આ બધાં વીતી ગયેલા જીવતરના દૃષ્યો તેના સ્મરણપટમાં ઉપસતા રહ્યા.

‘ સમો કેવો બદલાતો રહે છે? હુંયે કેટલો બધો બદલાઈ ગયો છું? મોતને તાળી આપીને કેટકેટલા અનુભવો થયા? વતનમાં પાછા વળ્યા બાદ શું થશે? ગોવો, રુપલી, કાળુ, લાખો. પાંચો, વીહો બધા શું કરતા હશે? આવી પડનાર આ દુર્ગમ આપત્તીનો એ લોકો શી રીતે પ્રતીકાર કરશે? જોગમાયાનો જાદુ ખાનના આ મહાભીનીષ્ક્રમણને નાકામીયાબ તો નહીં બનાવી દે ને?’- આવા અનેક વીચારોથી તેનું મન ઘેરાયેલું રહેતું.

બાકીના ઘોડેસ્વારો ધીમી ચાલે ચાલતા કારણકે, તેમની સાથે ઘણો બધો સામાન રહેતો – તંબુઓ, હથીયારો, રસોઈનો સામાન, ઓઢવા પાથરવાનો સામાન વીગેરે. રસ્તામાં શીકાર કરવાનું પણ તેમને ફાળે રહેતું. હજાર માણસને પહોંચી વળે તેટલું મારણ મેળવી તેને પડાવની જગ્યા સુધી આ સેના લઈ આવતી. રસોઈ માટે જરુરી લાકડાં પણ તેમણે ભેગાં કરવાનાં રહેતાં હતાં. ખાન, જગ્ગો અને ખાનના બીજા સરદાર સાથીઓ આ ટોળીની સાથે હતા.

બાકીના સાતસો જવાંમર્દોની સેના એક અજીબોગરીબ યુધ્ધતાનથી કુચકદમ કરતી હતી; અને અવારનવાર યુધ્ધનાદના પોકારો કરી દસે દીશાઓ ગજવી ઉઠતી હતી. નવા પ્રદેશની અવનવી વાતો અને વતનમાં માણેલી રંગતોના ના ગપાટા વચ્ચે અદમ્ય ઉત્સાહથી દીવસના પડાવ સ્થળ સુધીનું અંતર ક્યાં કપાઈ જતું, તેની ખબરેય ન પડતી.

બધાની સાથે આગલા દીવસની વધેલી રસોઈ બાંધેલી રહેતી; જે રસ્તામાં સવારના ભોજનની ગરજ સારતી. પાણીની તો કોઈ કમી જ ન હતી આ ઋતુમાં પ્રયાણ કરવાના, ખાનના ડહાપણ ભરેલા નીર્ણયને કારણે આખી યાત્રા નીર્વીઘ્ને અને અદમ્ય ઉત્સાહની સાથે પસાર થઈ રહી હતી.

બપોરે સુરજ બરાબર માથે હોય ત્યારે નવો પડાવ મંડાતો. ઘોડેસ્વારો તો ઘણા વહેલા એ સ્થળે આવી પહોંચતા. કોઈ નદી કે વહેળાના કાંઠે પડાવની જગ્યા નક્કી કરાતી. જીવજંતુઓના રાફડા નજીકમાં ન હોય તેની તકેદારી પણ રખાતી. ફટાફટ અગ્ની પ્રગટાવી, રસોઈની વ્યવસ્થા શરુ થઈ જતી. રાતની ઠંડીને ખાળવા તંબુઓ ખોડાઈ જતા. પડાવની વચ્ચે સૌથી મોટો અને આકર્ષક તંબુ ખાનનો રહેતો. તેની ઉપર સેનાની વીજયપતાકા ફરફરી રહેતી. પગપાળા સૈનીકો આવી રહે, ત્યારે તો બધી વ્યવસ્થા તૈયાર થઈ જતી.

બપોરનું જમણ જમી, કુચનો થાક ઉતારી, સાંજના ટાણે શૌર્યથી સભર રમતગમતો ચાલતી; અને યુધ્ધની તાલીમ અપાતી અને લેવાતી. ઘોડેસ્વારો પણ પોતાના કૌશલ્યને પારખી જોતા. અંધારું ઢળવાની સાથે સૌને ગમતીલો બાઈસનનો નાચ શરુ થતો. એ જ એમના આરાધ્યદેવની પુજા હતીને?

અને હજારની સેનામાં એક બાઈસનના શીકારે થોડું જ મનોરંજન મળે? જુદા જુદા પ્રદેશમાંથી આવેલા સૈનીકો એમની રસમ પ્રમાણે જુદી જુદી જાતના નાચ કરતા. ખાન અને તેના સરદારોની મંડળી રોજ અલગ અલગ ટોળીઓની સાથે આ રંગત અને પુજનમાં ભાગ લેતી અને સૌના ઉત્સાહને પોરસાવતી રહેતી. આખા દીવસની કુચનો થાક આ રંગતમાં ક્યાંય વીસરાઈ જતો.

નાચતાં નાચતાં રાતની ચાદર પડાવની ઉપર છવાઈ રહે ત્યારે આખી સેના સોડ તાણીને, નવા પ્રદેશમાં અવનવા પરાક્રમોના સપનાંઓમાં ગરકાવ થઈ જતી.

2 responses to “પ્રકરણ – 28 લશ્કર

  1. Chirag Patel જૂન 13, 2009 પર 6:43 પી એમ(pm)

    સરસ દાદા. ભુલો ઘણા વખતથી ભુલાઈ ગયો હતો એ હવે તાજો થયો.

  2. pragnaju જૂન 14, 2009 પર 4:49 એ એમ (am)

    ‘…યુધ્ધનાદના પોકારો કરી દસે દીશાઓ ગજવી ઉઠતી હતી’

    ઘણાંખરા વાધો તો યુદ્ધ લડવા માટે જ શોધાયાં હતાં અને પછીથી ગીત, સંગીત અને નૃત્ય સાથે …. શંખ એ સમુદ્રમાં થતાં એક ‘રિયાઈ જીવનું હાડપીંજર છે.

તમારા વિચારો જણાવશો?

Please log in using one of these methods to post your comment:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google photo

You are commenting using your Google account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s

%d bloggers like this: