સૂરસાધના

ગુજરાતી લેખિનીમાં સ્વૈરવિહાર

પ્રકરણ – 30 પર્વતની તળેટીમાં

વીતેલી વાર્તા વાંચવા
પહેલી હરોળમાં છેલ્લી ટેબ ‘નવલકથા‘ પર ક્લીક કરો.

—————————————– —————————

જેમ જેમ લશ્કર આગળ વધતું ગયું; તેમ તેમ, દુરથી દેખાતી ગીરીમાળા નજીક આવતી ગઈ અને મોટી અને મોટી  થવા માંડી. આખાયે ક્ષીતીજને તેણે ઘેરી લીધું; અને આકાશને પણ તે પડકારવા લાગી. વળી આજુબાજુનો પ્રદેશ  પણ સાવ વેરાન થવા માંડ્યો. શીકાર મળવો હવે બહુ જ મુશ્કેલ હતો. ઘોડેસવારો સાથે હોવાને કારણે ઘાસવાળા પ્રદેશમાંથી એ લોકો શીકાર મેળવી લાવતા. પણ આને કારણે લશ્કરની આગેકુચ બહુ જ ધીમી થઈ હતી. પાણી મળવું પણ મુશ્કેલ હતું. પર્વત ઉપર જમા થયેલા બરફના પીગળવાથી થોડા ઘણા નાના ઝરા અને સાવ નાની અને સુકાવાની તૈયારીમાં હોય તેવી નદીઓ જ પાણીનો સ્રોત હતાં. હજાર માણસો માટે એ પાણી અને એ શીકાર માંડ પુરા પડતાં. ગરોળી અને સાપ જેવા સરીસૃપ પ્રાણીઓથી ધીમે ધીમે સૈનીકો અને સરદારો ટેવાવા માંડ્યા. હવે છાવણીની સાંજની રંગતોનું સ્થાન પ્રાર્થના અને પરમ તત્વને દયાની યાચનાએ લેવા માંડ્યું. કેમ કરીને આ મુસીબત દુર થાય અને પર્વતની નજીક પહોંચી જવાય; તે જ ચીંતા ખાનને કોરી ખાવા લાગી.

આ એ જ પ્રદેશ હતો; જ્યાં ભુલાએ ગરોળીઓ આરોગીને પોતાનો માર્ગ પસાર કર્યો હતો.  મહીનાઓના રઝળપાટથી ભરેલી પોતાની એ દુર્ગતી  ભુલાને બરાબર યાદ આવવા માંડી. ભુતાવળના ભયાનક નૃત્યનું એ દુઃસ્વપ્ન  પણ તેના માનસને આક્રોશતું રહ્યું. ફરીથી પ્રતીશોધની દબાઈ ગયેલી લાગણી બળવત્તર બનવા માંડી. પણ ખાનના રાજ્યમાં અને ખાનની દોસ્તીએ એમાં પરીવર્તન આવ્યું હતું.

“ખાનના દેશની ઘણી રીત રસમો મારા સાથીઓએ અપનાવવા જેવી છે. તીરકામઠાં અને ઘોડેસવારીના પ્રતાપે આ સેના દુર્જેય છે. કોઈ પ્રજા આ સાધનોનો મુકાબલો ન કરી શકે. ગોવાનો પરાજય નીશ્ચીત જ છે. પણ એ બધું પતી ગયા પછી, આ બે જાતીઓનો મનમેળ થાય અને મારા વતનીઓ વીકાસના નવા પંથે વળે તો કેવું સારું?”

આવા વીચારોમાં બદલાયેલા ભુલાનું મન પરોવાયેલું રહેતું.

ખાન વારંવાર ભુલાને પુછતો ,” હજુ પર્વતો કેટલા દુર છે? કેટલા દીવસ ત્યાં પહોંચતા લાગશે?”

પણ ભુલા પાસે તેનો કોઈ ઉત્તર ક્યાં હતો? તેણે જે માનસીક સ્થીતીમાં રસ્તો પસાર કર્યો હતો; તેમાં તેને સમયનું ભાન જ ક્યાં હતું?

ભુલાએ કહ્યું,” મને તો આ દલ દલ પસાર કરતાં ખાસ્સો સમય લાગ્યો હતો. આખો શીયાળો મેં અહીં વીતાવ્યો હતો. જગ્ગાના થાનકે પહોંચ્યા બાદ તરત જ સુરજની ગરમી વધવા માંડી હતી અને ઘાસ અને ફુલો ઉગવા માંડ્યા હતા. પણ એ વખતે તો હું એકલો હતો , અને મારી ચાલવાની ઝડપ ઘણી ધીમી હતી. આપણે તો એનાથી ઘણા વધારે ઝડપથી આગળ વધીએ છીએ. ”

પણ ખાનના માથે બહુ મોટી જવાબદારી હતી. આખી સેનાની સુખાકારી માટે તે જવાબદાર હતો. તેણે ઘોડેસવારોની એક ટુકડીને છેક પર્વતની લગોલગ જઈ અંદાજ લગાવવા મોકલ્યા. દસ જ દીવસમાં એ ટુકડી સારા સમાચાર લઈ પાછી આવી ગઈ. એમના અંદાજ પ્રમાણે – ‘;બીજા વીસ દીવસ બાદ સેના ત્યાં પહોંચી શકશે. ત્યાં પર્વત પર બકરીઓ અને બીજાં જનાવરો પણ છે અને પાણી પણ સારા પ્રમાણમાં છે.’

આ શુભ સમાચાર જાણી સેનામાં હરખની લાગણી પુનઃ સ્થાપીત થઈ. બધાને હવે એ નવા પ્રદેશમાં પહોંચી જવાની તાલાવેલી થવા માંડી.

અને છેવટે લશ્કર પર્વતની સાવ લગોલગ આવી પહોંચ્યું. હવે થોડેક જ આગળ ચઢાણ શરુ થતું હતું. લશ્કરના તંબુઓ ખોડાઈ ગયા. દલદલમાંનો આ છેલ્લો પડાવ હતો. જે રસ્તો પસાર કરતાં ભુલાને પાંચ મહીના લાગ્યા હતા તે માત્ર દોઢેક મહીનામાં જ સેનાએ કાપી નાંખ્યો હતો. ઘોડા અને  તીરકામઠાં આ સીધ્ધી માટે  ખરા કામમાં આવ્યાં હતાં.

ભુલા અને બીજા સાથીઓ સાથે ખાન જાતે આગળની યાત્રાની જાતતપાસ કરવા નીકળી પડ્યો. પણ બે જ કલાકમાં પર્વત પરનો ઢોળાવ અત્યંત કપરો બની ગયો. સીધું ચઢાણ અને સાવ નાની ચઢવાની જગ્યા. ઘોડા આગળ ચઢી શકે તેમ ન હતું. એકલદોકલ જણને માટે પણ આ કામ દુશ્કર હતું. ભુલો આવ્યો ત્યારે તો તે માંડ માંડ નીચે ઉતર્યો હતો. પણ હવે તો ભયાનક ઉંચાઈ વાળા પર્વતની ટોચ પાર કરી તેનીયે પાર જવાનું હતું. અને તે પણ ઘોડાઓ અને બધા સરંજામ સાથે. જે રસ્તે ભુલો નીચે તળેટીમાં આવી પહોંચ્યો હતો તે રસ્તે તો આ કામ અશક્ય જ હતું.

ખાન વીચારમાં   પડી ગયો. ‘શું આખું અભીયાન મોકુફ રાખવું પડશે? પર્વતની લગોલગ પહોંચીને છેવટે કુદરત આગળ હાર સ્વીકારવી પડશે?’

ખાને બધા સરદારોને મસલત માટે ભેગા કર્યા અને પોતાની મનોવ્યથા તેમની આગળ ઠાલવી. સૌ આ નવી અને મુશ્કેલ પરીસ્થીતીમાં શું કરવું તેના મનોમંથનમાં ગરકાવ થઈ ગયા. ત્યાં જ જગ્ગાના મગજમાં ઝબકારો થયો

જગ્ગો ,” ખાન બહાદુર! મને એક રસ્તો સુઝે છે. આપણે છાવણીનો પડાવ અહીં રાખીએ તો કશો વાંધો નથી. કોઈ તકલીફ વગર ખાવા પીવાની સગવડ થઈ જશે. પણ ત્રણ ચાર ઘોડેસવારની બે ટુકડીઓ પર્વતની સમાંતરે, બે વીરુધ્ધ દીશામાં  તપાસ કરવા જાય. આપણે ક્યાંક આ પર્વતોની અભેદ્ય દીવાલ તુટતી હોય તો તેની તપાસ  કરીએ. આપણું નસીબ હશે તો ક્યાંક ઘોડાઓ પસાર થઈ શકે તેવો રસ્તો મળી પણ આવે.”

ખાનને આ વાતમાં તથ્ય જણાયું . બધા સરદારો પણ આ નવી આશાથી ઉત્સાહમાં આવી ગયા. અને બીજા દીવસે એક ટુકડી જગ્ગાની અને બીજી ટુકડી ભુલાની સરદારી નીચે રવાના થાય એમ નક્કી થયું. લાંબા સમયના આ નીષ્ક્રીય પડાવ માટે મને કમને સૌ તૈયાર થઈ ગયા.

બીજા દીવસની સવાર પડી અને ચાર ચાર ઘોડેસવારોની બે ટુકડીઓ સામસામી દીશામાં જવા રવાના થઈ. ખાન અને બીજા સરદારોએ તેમને સફળ થવા માટે શુભેચ્છા આપી. આખી સેનાએ જયજયકારના નાદથી આ નવા અભીયાનને વધાવી લીધું. ઢોલીઓએ જોર જોરથી સૌના ઉત્સાહને દ્વીગુણીત કર્યો.

અને આ જ ક્ષણે, દુર દુર, પર્વતની ટોચ ઉપરથી છ આંખો આ બધો તાયફો નીહાળી રહી હતી.

2 responses to “પ્રકરણ – 30 પર્વતની તળેટીમાં

 1. pragnaju જૂન 27, 2009 પર 12:03 પી એમ(pm)

  ભુલાએ ગરોળીઓ આરોગીને પોતાનો માર્ગ પસાર કર્યો હતો—
  એક ન્યુઝ વાંચીને મન ઉંડા વિચારે ચડી ગયું. મન કિમકર્તવ્ય મૂઢ બની ગયું.ન્યુઝ હતાં “બીજીંગમાં ગધેડાથી માંડીને ગરોળી સુધીની વાનગીઓ પીરસા : ચીનમાં રમતોની સાથે સાથે ખાણી પીણીની ઓલમ્પિક, ૪૦,૦૦૦ થી વધુ રેસ્ટોરાં બતકના લિવરો, સી-હોર્સ, ડીપફ્રાય સ્કોરપીન, સાપના સુપો, ગધેડાના …” છી.. છી.. મારી સાથે કામ કરતા એક મિત્ર ,જે માંસાહારી છે છતા આ વાનગીઓના નામ સાંભળીને કાન પકડીને બોલી ઉઠ્યો ” છી..છી.. આ લોકો કેવી રિતે આરોગી લેછે, આવા વિચિત્ર પ્રાણિઓને !”મે આ મિત્રને કહ્યું “આશ્ચર્ય ! તને કઇ બાબતનું આશ્ચર્ય થાય છે ? જે માણસ માંસાહારી છે તેને આશ્ચર્ય કેવું ? જાનવરો નાના હોય કે મોટા, ઘરમાં પાળેલા હોય કે જંગલમાં શિકાર કરેલા , આત્મા તો બધા જ પ્રાણીઓમાં હોય છે. મેં ગીતાનો એક શ્લોક ટાંક્યો. अहमात्मा गुडाकेश सर्वभूताशयस्थित: । अहमादिश्च मध्यं च भूतानामन्त एव च ॥

 2. સુરેશ જાની જૂન 27, 2009 પર 3:10 પી એમ(pm)

  આપણને માંસાહાર ન ગમે તે પણ યોગ્ય છે.
  અને બીજા કરતા હોય તે પણ યોગ્ય છે.
  કદાચ સૈકાઓ પહેલાં આપણા વડ્વાઓ પણ કરતા હશે.

તમારા વિચારો જણાવશો?

Please log in using one of these methods to post your comment:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s

%d bloggers like this: