સૂરસાધના

ગુજરાતી લેખિનીમાં સ્વૈરવિહાર

ઈશ્વરનો જન્મ

ગીચ જંગલમાં, ઝાડની એક ડાળી પર, સાંજના ધુંધળા ઉજાસમાં મનુ ફસાયેલો પડ્યો હતો. આખી બપોર તે એક હરણના શીકાર માટે તેની પાછળ દોડતો રહ્યો હતો. આમ તો જો કે તે નીશાન  તરફ પથ્થર ફેંકવામાં પાવરધો હતો; પણ આ હરણ તેનાથી વધારે ચપળ હતું. મનુનાં બધાં નીશાન તેણે ચુકવી દીધાં હતાં અને મનુની કમર પરની ચામડાની કોથળીમાં સંઘરેલા બધા પથ્થર પણ ખલાસ થઈ ગયા હતા. ઘાસ અને ઝાડીથી ભરેલી જંગલની જમીન પરથી તે બીજા પથ્થર વીણી લે એટલી વારમાં તો એ ચાલાક હરણું ગીચ ઝાડીઓની  પાછળ રફુચક્કર થઈ ગયું હતું.

મનુ ગુફાવાસી હતો. તેની બે પત્નીઓ અને પાંચ બાળકો સાથે જંગલના એક કોરાણે આવેલા પર્વતની ગુફામાં એ રહેતો હતો. બીજાં કુટુમ્બો પણ આજુબાજુની ગુફાઓમાં રહેતાં હતાં. શીકાર કરવો અને ઝાડ પરથી ફળો અને સુકા મેવા પાડવા; આ બે પર જ એમનો ગુજારો થતો. આમ તો બધા પુરુષો સાથે જ  શીકાર માટે સવારે નીકળી પડતા. પણ તે દીવસે મનુ તેમનાથી અનાયાસ વીખુટો પડી ગયો હતો. આ કમબખ્ત હરણનો પીછો એકધ્યાનથી કરવામાં આમ બન્યું હતું.

ઝાડીઓમાં તે હરણની ભાળ મેળવતાં મેળવતાં, તેને બે લીલી ચળકતી આંખો દેખાણી. તેની ચાલાક આંખોને સમજતાં વાર ન લાગી કે કોઈક જંગલી અને માંસાહારી જાનવર તેની તરફ ધ્યાનથી તાકી રહ્યું હતું. અને મનુ ભાગવાનો વીચાર કરે તે પહેલાં જ એક જોરાવર વાઘ ઝાડીમાંથી તેની તરફ લપક્યો. અને લો ! શીકારીનો જ શીકાર થઈ જવાની નોબત બજી !

બીજી તરફની ખુલ્લી જમીન પર મનુ એની બધી તાકાત ભેગી કરી, મુઠીઓ વાળીને ભાગ્યો. એ વાઘે તેનો પુર ઝડપે પીછો કર્યો. મનુને ખબર પડી ગઈ કે, તેનાથી એ વાઘ કરતાં વધારે ઝડપથી દોડી શકાય તેમ ન હતું અને થોડીક જ વારમાં વાઘ તેનો કોળીયો કરી જશે.

મનુને તરત જ સુઝ્યું કે, પોતે ઝાડ પર ચઢી જાય, તો જ મોતના આ સાક્ષાત પીછામાંથી બચી શકે. તે નજીકના એક ઝાડ તરફ ગાંડાની માફક દોડ્યો અને ઠીક ઠીક ઉંચે પણ ચઢી ગયો. પણ વાઘે ઉંચા થઈને એક થપાટ તો મારી જ લીધી અને તેના ઘુંટણને ચીરી નાંખ્યો. મનુ અત્યંત પીડામાં ચીસ પાડી ઉઠ્યો. તેના ડાબા પગમાંથી દડ, દડ, દડ લોહી નીતરતું હોવા છતાં; બધી તાકાત ભેગી કરીને વાઘ તેને પકડી ન શકે એટલી ઉંચાઈએ તો તે ચઢી જ ગયો. તેને લાગ્યું કે તે બેભાન થઈ જશે. પણ તેણે ઉંડો શ્વાસ લઈ, દાંત ભીડી, તેના બન્ને હાથે ઝાડની એક ડાળી સાથે બાથ ભીડેલી રાખી.

અને આ જ સ્થીતીમાં તે સખત હાંફતો પડ્યો રહ્યો. વાઘ તેના નીચે પડી જવાની રાહ જોતો, ઝાડની નીચે જ ઉભો રહ્યો. લાગ જોઈને અને થોડીક કળ વળતાં, તે થોડોક વધારે ઉંચે, સલામત જગ્યાએ ચઢી ગયો. વાઘને બદલે દીપડો હોત તો તો તે ક્યારનોય મરણ શરણ થઈ ગયો હોત, તે વીચારે તેને પોતાનું નસીબ કાંઈક સારું લાગ્યું.

આમ ને આમ કલાકેક વીતી ગયો.  સુરજ  ક્ષીતીજની પાર જવા માંડ્યો અને અંધારું ઘેરાવા લાગ્યું. નીચે વાઘ પણ દેખાતો બંધ થઈ ગયો. અને આ જ સમે તેને ક્યાંક બાજુમાંથી એક સીસકારો સંભળાયો. સાવ આછા પ્રકાશમાં તેને બાજુમાંથી કાંઈક સળવળાટ થતો જણાયો. કશુંક લીસ્સું તેને સ્પર્શીને સરકી રહ્યું હતું. કાળોતરો નાગ તો નથી ને ?  ભયનું એક લખલખું તેના શરીરમાં ફરી વળ્યું. તેણે ચુંચી નજર કરીને આજુબાજુ જોઈ લીધું. સદભાગ્યે એક વેલો  તેની સાવ નજીકમાં લબડતો હતો.  તેણે બધું બળ એકઠું કરી તેને પકડી, ગાંડા વાંદરાની જેમ હીંચ્યો. જુની આવડતથી તે ઝાડની બીજી ડાળી પર આવી પહોંચ્યો અને મરજીવાની જેમ, વેલો છોડી તે ડાળી તેણે પકડી લીધી. તે માંડ માંડ નીચે પડવામાંથી બચ્યો. તેના ડાબા પગમાં જબરદસ્ત સણકારો  તો થયો જ , પણ એની તરફ લક્ષ્ય આપવાનું તેને પોસાય તેમ ક્યાં હતું ?

અને આ ડાળી ઉપર જ મનુ અમાસની એ કાજળ કાળી રાતમાં પડેલો રહ્યો. આખા દીવસનાં ભુખ અને સખત પરીશ્રમને કારણે તેના પેટમાં તો વીણાંચુટાં થતાં હતાં. દુર ક્ષીતીજમાં કાળાં ડીબાંગ વાદળો ઘેરાયેલાં હતાં. તે વધારે ને વધારે ઘનઘોર થવાં લાગ્યાં અને છેવટે ઝરમર ઝરમર ટીપાં પડવાની શરુઆત પણ થઈ ગઈ. થોડી વારમાં જ તો હળવી બુંદો અને પછી તો બારે મેઘ મુશળધાર તુટી પડ્યા. તે બરાબર લથપથ થઈ ગયો હતો અને અશક્તીમાં કણસતો હતો. શીયાળાની તે નીષ્ઠુર રાતે ઠંડો, જલ્લાદ જેવો પવન પણ તીણા સુસવાટા મારતો, તેના શરીરને આરપાર વીંધી નાંખતો હતો.  તેની કાયા ઠંડી અને ભયના કારણે થરથર ધ્રુજતી હતી. આટલું અધુરું હોય તેમ, તેને બીજા ભયની કલ્પના થવા લાગી કે આ દુશ્મન વરસાદે ગુફામાં સલામત પાછા ફરવાના જંગલમાં રસ્તે છોડેલાં બધાં જ સગડ ધોઈ નાંખ્યાં હશે.  અને વળી સાંજની આ ભયાવહ ઘટનામાં ગુફા તરફની દીશાનો અંદાજો તો તે ક્યારનોય ગુમાવી ચુક્યો હતો !

મનુને લાગ્યું કે, તેનું મરણ હવે નીશ્ચીત છે. તે શબની જેમ ડાળી પર જેમ તેમ લટકેલી દશામાં પડ્યો રહ્યો. આ અવસ્થામાં તેની આંખો ક્યારે મીંચાઈ ગઈ, તેની તેને ખબર જ ન પડી.  તેની આ દયામણી નીયતીમાં, પોતાના  જીવનના કરુણ અંતના સપનાની ભયાવહ દુનીયામાં તે ખોવાઈ ગયો. મોંમાંથી ભયાનક આગ અને ઝેર ઓકતા, ઉડતા ડ્રેગનોએ તેને ચારે  તરફથી ઘેરી લીધો હતો. ભયની પરાકાષ્ઠાની તીવ્ર લાગણી સીવાય કશું જ તેના હોવાપણામાં બાકી રહ્યું ન હતું.

તેની આવી અવસ્થા કંઈ કેટલાય સમય માટે ચાલુ રહી. એવી જાગ્રત–અજાગ્રત અવસ્થામાં જ ક્યાંકથી વહેલી સવાર સળવળવાટ કરવા  લાગી. ઘેરાં વાદળો તો ક્યારનાંય સમેટાઈ ગયાં હતાં. રહ્યાં સહ્યાં  વાદળોની આડશમાંથી, દુર દુરથી સુર્યનાં પહેલાં કીરણો અંધકારનાં અંચળાને હળુ હળુ સમેટવાં લાગ્યાં.  ઉષાના એ ઝાંખા ઉજાસમાં તેના શબવત શરીરમાંથી તેની પાંપણો, જીવનના રહ્યા સહ્યા અસ્તીત્વને ઝંકૃત કરતી ખુલી. ન કશો  વીચાર, ભય કે મૃત્યુની કોઈ લાગણી પણ હવે બચી હતી. જીવન અને મૃત્યુની વચ્ચેની એ કોઈક અણજાણ અવસ્થા હતી. તેની ખુલ્લી આંખો શુન્યવત્ બનીને આકાશના ઝાંખા ઉજાસને તાકી રહી અને એમાં ધીમે ધીમે વધુ ને વધુ પ્રકાશ પ્રવેશતો રહ્યો.

ઝાડની ડાળીઓની આડશમાંથી તેણે દુર દુર કાળા આકાશમાં વાદળો આકાર લેતાં જોયાં. ધીમે ધીમે તેને તેનો આકાર દેખાવા માંડ્યો. એનો રંગ પણ ધીમે ધીમે બદલાવા માંડ્યો. પહેલાં થોડોક રાખોડી, પછી આછો પીળો, પછી હળવો કેસરી, પછી ઘેરો કેસરી, પછી લાલાશ પડતો અને છેવટે અંગાર જેવા લાલ રંગોમાં   વાદળો રંગાયાં. આ લાલચોળ વાદળોને વીંધીને એમની વચ્ચેથી સુર્યનાં પ્રથમ કીરણો તેની સમક્ષ આવી ઉભાં. કોઈ મહાન અસ્તીત્વની વીશાળ અને લાલચોળ આંખ ઉભરવા માંડી. તેનું સમગ્ર હોવાપણું એક ઉંડી એકલતામાંથી આળસ મરડીને અંગડાવા લાગ્યું. હળુ–હળુ તેના શરીરમાં જીવનનો આછો–પાતળો સંચાર થવા લાગ્યો. કશાય આકાર કે રુપ વીનાનું, અજાણ્યું અને અતીવીશાળ હોવાપણું તેના સમસ્ત હોવાપણાને ઘેરી વળ્યું હોય તેવી અનુભુતી તેને થવા માંડી. એ લાલચોળ આંખમાંથી સુર્યનાં સોનેરી કીરણો રેલાવા માંડ્યાં. તે જાણે કે, એને કાંઈક કહી રહ્યાં હતાં. એનો એ ગુપ્ત સંદેશ તેનું જાગૃત મન ઝીલી શકે તેવા કોઈ જાણીતા શબ્દ કે ઈશારા વીનાનો હતો. એ સંદેશની તો તેનું હોવાપણું માત્ર અનુભુતી જ કરી શકે તેમ હતું – કોઈ સમજણ તો નહીં જ.

આ સાવ નવા નક્કોર અનુભવથી તેના રોમેરોમમાં કોઈક અજાણી ઝણઝણાટી થઈ આવી. અને આ નુતન અનુભુતીના આવીર્ભાવે તેની જીવંતતા પણ ધીમેથી સંચાર કરતી સળવળવા લાગતી હોય તેમ તેને લાગવા માંડ્યું. તે અ–હોવાપણામાંથી હોવાપણામાં ધીમા પગરવ પાડી રહ્યો હતો. તેનાં અંગ–પ્રત્યંગ ધીમે ધીમે જાગૃત થવાં માંડ્યાં અને  નુતન જીવનના પગરણ તે અનુભવી રહ્યો. તેના પગનો દુખાવો અને પીડા આશ્ચર્યજનક રીતે ઓછાં થઈ ગયાં હતાં. મનુ ધીમે ધીમે ડાળ પરથી નીચે ઉતરવા લાગ્યો. છેવટે થડ પરથી સરકીને જમીન પર આવીને ઉભો અને કોઈ ઈચ્છા વગર, દીશાના કોઈ ભાન વગર કે તે શોધવાની કોઈ આકાંક્ષા વગર ચાલવા લાગ્યો.

કોઈક અજાણી તાકાત તેને ચાલવા અને ચાલતા જ રહેવા માટે   લાલાયીત કરી રહી હતી. હવે સુર્ય તો ઉંચો આવી ગયો હતો અને પેલા અજ્ઞાત હોવાપણાની મહાકાય આંખ પણ અદૃશ્ય થઈ ગઈ હતી. બધાં વાદળોને વાયરો વાળી ગયો હતો. પ્રગલ્ભ અને તરોતાજા સવારમાં તે ક્યાં જઈ રહ્યો હતો : તેના કોઈ ભાન વગર, કેવળ આનંદની પરાકાષ્ઠાના અપ્રતીમ ભાવમાં તે બસ ખેંચાઈ રહ્યો હતો. અપાર શાંતી અને સમાધીની અનુભુતીમાં  કોઈ અજાણ બળ વડે તે દોરાઈ રહ્યો હતો. તેની આજુબાજુની સૃષ્ટીનું તેને કશું જ ભાન ન હતું, અથવા એનો એને માટે કોઈ અર્થ ન હતો.

ધીમે ધીમે તેની સમાધી–સ્થીતી ઓસરવા માંડી. તેને આજુબાજુનું પર્યાવરણ પરીચીત લાગવા માંડ્યું. ઝાડ, પાન, ઘાસ, પાષાણ, ધીમે ધીમે તેને જાણીતાં લાગવા માંડ્યાં. તેને હવે સમજાયું કે તે પોતાના જુના અને જાણીતા નીવાસસ્થાનની નજીક સરકી રહ્યો છે. તેની ગુફા દુરથી દેખાઈ રહી હતી. ડાબો પગ સહેજ લંગડાતો હોવા છતાં, આનંદના અતીરેકમાં હવે તે દોડવા લાગ્યો.

થોડા જ વખતમાં મનુ તેના આપ્તજનો વચ્ચે ઘેરાઈ ગયો. તેની વહાલી પત્નીઓ અને તેનાં બાળકો; તેના સાથીઓ અને પાડોશીઓ વીંટળાઈ વળ્યાં. આનંદની કીલકારીઓ, વહાલની બાથો, ખોરાક અને પાણીની વચ્ચે તે પોતાના ગઈ બપોર પછીના અનુભવો વર્ણવવા લાગ્યો. ભાવી સાથેની તેની મુઠભેડ અને તેમાંથી તેના ચમત્કારીક ઉગારાની અજાયબ વાતો તેના મુખેથી ઉતરવા લાગી. પણ મનુના માનસમાં એ પ્રલયકારી પળોની વીશાળ અને લાલચોળ આંખ સતત  ડોકાતી રહી.

તે ઘટના આકારહીન, રુપહીન, અજાણી હોવા છતાં મનુએ તેનો આભાર માન્યો. તે જ દીવ્ય અને સોનેરી આંખે તેને નવજીવન  બક્ષ્યું હતું અને તેને હેમ–ખેમ ઉગારી, સ્વજનો વચ્ચે ગુફા ભેગો કર્યો હતો. મનુએ તેને ‘ઈશ્વર’ કહ્યો.

ત્યારે જ ઈશ્વરનો જન્મ થયો અને ત્યારથી જ માનવમનમાં તે હરહમેશ વસતો રહ્યો છે.

———————–

મારી જ મુળ અંગ્રેજી રચનાનો  ભાવાનુવાદ

37 responses to “ઈશ્વરનો જન્મ

 1. Dhiren Avashia જુલાઇ 9, 2009 પર 9:34 પી એમ(pm)

  Very good ….Congrats…Keep it up…

 2. hemant doshi જુલાઇ 10, 2009 પર 8:59 એ એમ (am)

  it very good.
  thank you.
  hemant doshi

 3. Dhruvi Vyas જુલાઇ 11, 2009 પર 1:33 એ એમ (am)

  Really, It’s good story. Thank you. I also believe in God. He is presence everywhere with us.

 4. pragnaju જુલાઇ 11, 2009 પર 10:56 પી એમ(pm)

  સુંદર

  આપણે ત્યાં ઈશ્વરનો જન્મ ન કહેતા પ્રાગટ્ય કહે છે

 5. Patel Popatbhai ડિસેમ્બર 19, 2009 પર 10:46 પી એમ(pm)

  Sri Jani Saheb

  Sras varta,MOT no bhay Ane JIV-VA no Aanand saririk dukh bhulae,
  Jiv-vu ketlu bhadun agtynu chhe !!!

 6. Friend માર્ચ 11, 2010 પર 10:03 પી એમ(pm)

  Ishwarno Janma Thato Nathi. Teni Anubhuti Thai Shakey. Manune thai Te Pahela Bijaone Pan Thai Hoi. Ek Bijani Jaan Vagar. Temaj Anubhutino Prakar Judo Judo Hoy Shakey.
  Manuna Samayma Patni Na Hoy. Mada/Madao Hoy.

 7. સુરેશ જાની મે 10, 2010 પર 2:52 પી એમ(pm)

  વલીભાઈ મુસાએ તો આખી એક ફાઈલ જ મોકલી આપી હતી – તેની નકલ …
  ———————
  સ્નેહીશ્રી સુરેશભાઈ,

  તમે ‘ઈશ્વરનો જન્મ’ વાર્તાનો English Version નો લિંક આપેલો, પણ સરસ મજાનો તેનો તમારો જ અનુવાદ પ્રાપ્ય હોઈ અહીં ગુજરાતીમાં જ મારો પ્રતિભાવ આપવા લલચાયો છું કે જેથી બહોળો વાંચકવર્ગ તેનો લાભ લઈ શકે.

  સાહિત્યસર્જક પોતાની રચનાનો જન્મ આપીને માતા બનવા ઉપરાંત ભારતીય સંસ્કૃતિ પ્રમાણે તેની ફોઈ બનીને નામાભિધાન પણ પોતે જ કરી લેતો હોય છે. આ એક સાહિત્યકૃતિ હોઈ તેના સર્જક તરીકે તમે આઝાદ હોઈ ‘રાજાને ગમે તે રાણી’ની જેમ તમે મનપસંદ ગમે તે શીર્ષક આપી શકો અને વાંચકોએ તેમાં ચંચુપાત કરવાનો હોય નહિ! આમ છતાંય તટસ્થભાવે હું મારો વિવેચનધર્મ નિભાવતાં કૃતિના શીર્ષક સંદર્ભે શરૂઆતમાં કંઈક કહેવા માગું છું.

  ‘ઈશ્વરનો જન્મ’ શીર્ષકના બદલે ‘ઈશ્વરનો આવિર્ભાવ’ કે ‘ઈશ્વરની અનુભૂતિ’ શીર્ષક ઉચિત રહ્યું હોત અને કોઈપણ ધર્મ કે સંપ્રદાયના વાંચક માટે એ જરાય આપત્તિજનક ન રહ્યું હોત! વાર્તાનાયક મનુ અર્થાત્ મનુજ (આદિ મનુથી જન્મનાર અને ખ્રિસ્તી/મુસ્લીમ મતે આદમના અનુગામી આદમી – અંગ્રેજી શબ્દ Man પણ મનુ શબ્દ સાથે સામ્ય ધરાવે છે)ને ઈશ્વર જેવી કોઈક દિવ્ય શક્તિ હોવાની તેના માનસમાં પ્રથમવાર અનુભૂતિ થાય છે. આમ મનુના માનસમાં ઈશ્વર હોવાનો એક વિચાર જન્મ લે છે, નહિ કે ઈશ્વર પોતે જન્મ લે છે. જો કે વાચ્યાર્થ પાછળનો તમારો ગૂઢાર્થ તો હું આગળ જે કહેવા જઈ રહ્યો છું તે જ છે, પણ ગેરસમજ બાંધનાર વાચ્યાર્થને જ પ્રાધાન્ય આપે તે સ્વાભાવિક છે.

  મુસ્લીમોના ધર્મગ્રંથ પાક કુરઆનમાં એક નાનકડી એક સુરામાંની એક આયત (શ્લોક) માં ઈશ્વરની ઓળખ આપતાં કહેવામાં આવ્યું છે કે “લમ યલિદ વ લમ યુલદ” અર્થાત્ “ન તેને કોઈએ જન્મ આપ્યો, ન તેણે કોઈને જન્મ આપ્યો છે”. કુરઆને શરીફના તફસીરકારો (વિવેચકો) ના મતે ઈસ્લામથી પાંચસોએક વર્ષ પહેલાં પ્રાદુર્ભાવ પામેલા ખ્રિસ્તી ધર્મના અનુયાયીઓની માન્યતા કે “ઈસુ ઈશ્વરના પુત્ર હતા” ના જવાબમાં આ કલામે રબ્બાની- રબના શબ્દો (જેમ વેદો ને દેવવાણી કહેવામાં આવે છે તેમ જ) નાજિલ થએલ એટલે કે અવતરણ પામેલ હતા. હિંદુ ધર્મગ્રંથોમાં પણ ઈશ્વરને સ્વયંભૂ ગણાવવામાં આવ્યો છે. એક જમાનામાં ઈરાકથી ગુજરાતમાં આવેલા પીર ઓલિયાઓ કે સૂફીઓ પૈકી પીર મશાયખ સાહેબે પણ પોતાના એક લિખિત બયાનમાં ઈશ્વર (અલ્લાહ) વિષે કડીઓ આપી છે “માતાપિતા નાં રે બંધવ, નથી એને રે કોઈ”.

  વાર્તાનું વિષયવસ્તુ રોમાંચક, વર્ણનકૌશલ્ય અદભૂત, પશ્ચાદભૂમિકા અનન્ય, પાત્રાલેખન બેમિસાલ વગેરે જેવા પ્રયત્નલાઘવયુક્ત શબ્દો માત્રથી આ વાર્તાને સાચા અર્થમાં બિરદાવવામાં અન્યાય થવાની ભીતિ તો અનુભવું છું, આમ છતાંય હું નિ:સંકોચભાવે એટલું તો જરૂર કહીશ કે વાર્તાની આખરી લીટી વાંચ્યા પછી જ હું હજારો વર્ષ પહેલાંના ભૂતકાળમાંથી બહાર નીકળીને વર્તમાનમાં પ્રવેશી શક્યો. આવો જ અનુભવ મને ગુજરાતી સાહિત્યની અનોખી વાર્તા ‘પૃથ્વી અને સ્વર્ગ’ ના વાંચન વખતે થયો હતો. મારા માનસપટમાં રમતાં એ વાર્તાનાં ‘અરણ્યક’, ‘સુકેશી’ અને ‘સુમેરુ’નાં પાત્રો ભેળું આ વાર્તા વાંચ્યા પછી ‘મનુ’નું પાત્ર પણ ગોઠવાઈ ગયું છે, તે બતાવી આપે છે કે આ વાર્તાએ મારા દિમાગ ઉપર કેવો કાબૂ મેળવી લીધો છે.

  મારા જીવનભરના સાહિત્યના વાંચનના પરિપાક રૂપે કોઈપણ સાહિત્યકૃતિને મૂલવવાની એક જ પારાશીશી મને લાધી છે અને તે એ છે કે કોઈપણ કૃતિનો વાંચક એ કૃતિ સાથે કેટલું તાદાત્મ્ય અનુભવે છે તેના આધારે જ કૃતિની સફળતા, અર્ધસફળતા કે નિષ્ફળતાની મહોર લાગી શક્તી હોય છે.
  આ વાર્તા સબબે કહું તો તેને માત્ર ‘સફળતા’ની મહોર મારવાથી અન્યાય થશે અને તેથી જ તેને ‘પૂર્ણતયા સફળ’ તરીકે બિરદાવવાના મારા ઈરાદાને જાહેર કરવાનો મને ગર્વ અને આનંદ છે.

  જુલાઈ 07, 2009 ના રોજ આ વાર્તા પસિદ્ધ થએલી, જે મારો જન્મદિવસ હતો અને અફસોસ કે તે વખતે, સુરેશભાઈ, તમારો કે તમારા સાહિત્યસર્જનનો મને કોઈ પરિચય ન હતો. હું માત્ર કલ્પના કરું છું કે મારા જન્મદિવસે આ વાર્તા વાંચવા મળી હોત તો એ મારા માટે મોટું નજરાણું હોત! આ માત્ર શબ્દોની શોભા નથી, પણ મારા દિલનો અવાજ છે.
  ધન્યવાદ ‘લક્ષ્યવેધી’ વાર્તા આપવા બદલ, સુરેશભાઈ! ‘લક્ષ્ય’ એટલે ‘ઈશ્વરની અનુભૂતી કરાવવાનું લક્ષ્ય’ જે અહીં સુપેરે પાર પડ્યું છે.

  • સુરેશ જાની મે 10, 2010 પર 4:38 પી એમ(pm)

   આ વાર્તાનું શિર્ષક ‘ ઈશ્વર’નો જન્મ કરી દઉં તો? એ વધુ યોગ્ય રહેશે. કારણ કે, ઈશ્વર, અલ્લા, યહોવાહ આ બધાં નામો જ છે. જે અનુભૂતિ છે ; તે તો શબ્દાતિત છે.
   આથી નામનો જન્મ થયો હતો ..
   અને તે પછી ?
   અ નામ પર વિવાદો, પ્રપંચો, સામ્રાજ્યો, યુધ્ધો , વિનાશ, લોહી , આંસુ , અનાથો, ગુલામો …
   હવે તે આંખ રડતી હશે?

 8. pravina Avinash મે 10, 2010 પર 3:15 પી એમ(pm)

  GOD and PRESENCE very well experienced. Rather to say it is One feeling.
  Good one

 9. pragnaju મે 10, 2010 પર 4:18 પી એમ(pm)

  ભગવાન કે સંત માટે પ્રગટ શબ્દ
  જેમકે ભયે પ્રગટ ગોપાલા
  પ્રાગટય પાટ પધરામણી
  શ્રીનાથજીનું પૂર્ણનામ ગોવર્ધનગિરિ છે. સારસ્વતકલ્પમાં શ્રીનંદ-યશોદાના સુપુત્ર તરીકે શ્રીકૃષ્ણ છે. તે જ શ્રી ગોવર્ધનગિરિ શ્રીનાથજી છે. સંવત ૧૪૭૦માં, એક વ્રજવાસીને શ્રીનાથજીની ઉદયભુજાનાં દેદીપ્યમાન દર્શન થયાં અને સાધુ પાંડેની ગાય પ્રતિદિન ત્યાં દૂધ સેવી આવતી હતી. તે જ દિને ચંપારણ્ય મુકામે શ્રીમદ્દ વલ્લભાચાર્યનું પૃથ્વીપટે પ્રાગટય થયું.
  ———————————-
  પ્રગટો પ્રકાશ, ટળ્યું ઘોર-અંધારું,
  સદભાગ્યે મળ્યું શાસન તારું,
  અહર્નિશ આજ્ઞા પ્રભુ! તારી અવધારું,
  આ અમૂલ જીવન, હવે નહીં હારૂં.’’
  ક્ષમા એ વિશ્વ શાંતિનો રાહ!

  અલ્લા, યા રામલલ્લા
  સબ નૂર એક હૈં
  બધા જ ધર્મોમા ‘દિવ્યપ્રેમ’,’ઈશ્કે હક્ક’,’ડિવાઈન લવ’ એજ ઈશ્વરપ્રાગટ…

 10. dhavalrajgeera મે 10, 2010 પર 5:35 પી એમ(pm)

  તેના નામ અનેક ને કહેવાય અનામી.

  નનામીમા બન્ધાઈને જાય પણ પુછો તો જવાબ ના આપે.

  કોઇ કહે શ્યામ તો કોઈ કહે રામ.

  કોઈ કહે અલ્લા તો કોઈ કહે પરવરદીગાર.

  અનુભુતી જ થાય.

  પ્રાગટ્ય થાય ને જો જોવા તલસે ને જે દેખે તે બોલીના શકે.

  કોઈએ જોયા હોય તો મને જણાવજો.

  જેને અનુભવ કરવો હોય તે પ્રેમથી આશા વગર,

  સ્વાર્થ વગર તેનુ નામ સ્મરણ કરે.

  મન્ત્રજાપ કરે ને વિશ્વાસથી કરે.

  ને પ્રભુ ના પ્રેમ ને અનુભવે!

  રાજેન્દ્ર ત્રિવેદી

 11. Ullas Oza મે 12, 2010 પર 12:02 પી એમ(pm)

  સુંદર વિચારો લેખમા અને વિવિધ પ્રતિભાશાળી પ્રતિભાવો.
  મને યાદ આવી ગઈ, ગઈકાલે (૧૧/૫/૨૦૧૦) મુંબઇ સમાચારમાં આવેલ શ્રી રામલોચન ઠાકુરની ઍક કવિતા જે નીચે મુજબ હતી :

  પૃથ્વી પર,
  આ વિરાટ સુંદર પૃથ્વી પર
  ભગવાન નહોતા.
  માણસ કરતાંય પહેલાં હતાં
  જંગલ, પહાડ, ઝરણા, નદી, પશુ, પક્ષી. . .
  આ બધાને ભગવાનની જરૂર નહોતી.

  ભગવાનની જરૂર પડી માણસને
  અને પ્રગટ થવા લાગ્યા ભગવાન
  ઍક પછી ઍક
  રામ – કૃષ્ણ – ઈશુ – મહમ્મદ – બુદ્ધ, . . . .
  મનુષ્યનુ કલ્યાણ કરવા.

  ઈશ્વર અવિનશ્વર
  આવવા લાગ્યા
  રહેવા લાગ્યા અને
  આલોપ થવા માંડ્યો માણસ
  ઍક પછી ઍક
  મનુષ્ય રહ્યો જ નહીં.

  રહી ગયા કેટલાક
  હિન્દુ, મુસલમાન, શીખ, ખ્રિસ્તી, . . .
  આ પૃથ્વી પર
  આ નાનકડી પૃથ્વી પર.
  – – – –

 12. Pingback: (197) ભાવપ્રતિભાવ – 3 (શ્રી સુરેશ જાની) * ઈશ્વરનો જન્મ | William's Tales

 13. rajeshpadaya જુલાઇ 7, 2010 પર 8:39 એ એમ (am)

  બાઈબલમાં પ્રભુ યીશુના પિતા પરમેશ્વર યહોવા કહે છે “પ્રુથ્વી અને પ્રુથ્વીની અંદરની દરેક વસ્તુ, આકાશ અને આકાશમાના દરેક તારાઓ અને નક્ષત્રો નષ્ટ થઈ જશે પણ મારુ કહેલુ કદી ફોક નથી થવાનુ.”

  “હુ જે કહુ છુ એ થઈ ને જ રહે છે””

  “મનુષ્યની વિસાત જ શી છે? હુ જ તો રાજાને રંક અને રંકને રાજા બનાવુ છુ.”

  “સુકા રણમાં નદીઓ વહાવુ છુ અને સમુદ્રને સુક્કો ભઠ્ઠ બનાવુ છુ”

  “હુ મનુષ્યોના મનને પાણીના ઝરણાઓની જેમ ગમે ત્યાંથી વહાવુ છુ”

  “મનુષ્ય માટી છે હુ કુંભાર છુ, જેવુ ચાહુ એવુ વાસણ (મનુષ્યને) હુ જ બનાવુ”

  “જે મનુષ્યો પર ભરોસો કરે છે, એ તો ઉંડા ખાડામાં જ પડશે, એને કોણ બચાવશે”

  આવા અનેક વચનો બાઈબલનો પરમેશ્વર પોતાના ચાહનારાઓ માટે આપેલા છે. જે વાંચીને મારા જેવો પાપી, ગોલ બ્લેડરના ઓપરેશન વગર આજે પણ જીવતો છુ, કેમ કે ડોકટરે રુપિયા પચ્ચીસ હ્જાર જમા કરવા કહેલુ, ત્યારે તો મારી પાસે ન હતા. ત્યારે એણે મને કહેલુ કે ઓપરેશન નહિ કરાવશો તો મરી જશો. પણ અમારા સુભેચ્છકે અમને ચર્ચમાં પ્રાર્થના કરવા લઈ ગયેલા (ત્યારે હુ પણ નાસ્તિક થઈ જ ગયો હતો) પણ ઈશ્વર છે, છે છે અને છે, જે ન માને, એને એક દિવસ તો માનવુ જ પડશે, કેમ કે એ જ સહુનો બાપ છે, નશ્વર મનુષ્ય નહિ !!

  • સુરેશ જાની જુલાઇ 7, 2010 પર 11:15 એ એમ (am)

   ભાઈશ્રી રાજેશ
   કોઈની પણ ધાર્મિક માન્યતા અત્યંત મહાન ચીજ છે. કારણકે, તેનાથી આત્મબળ વધે છે; અને પડકારોને પહોંચી વળવા તાકાત મળે છે.
   રામ, રહીમ, જિસસ – જે કહો . પરમ તત્વને કોઈ ધર્મ નડતો નથી. છેવટે તો તેની જ બધી અભિવ્યક્તિઓ છે.
   ઈશ્વર વિશેની માન્યતા પ્રાણી જીવનમાંથી ઉઘડું ઉઘડું કરી રહેલી માનવ ચેતનાએ આ વાર્તા જેવા પ્રસંગોથી જ જન્મી હશે. વાઘ , સિંહ કે સસલું કે ઘાસ આવી કોઈ માન્યતા ન ધરાવતા હોય, તો પણ
   એમની અંદર પણ એ જ પરમ તત્વ કામ કરે છે.

   ઈશ્વર વીશે એક લેખ તમને ગમશે .

   https://gadyasoor.wordpress.com/2008/01/09/god/

   આપણે સૌ શિક્ષિતો અને બૌદ્ધિકો આ ભાવને સાથે મળી વધારીએ.

 14. Pingback: મંદિરનો જન્મ « ગદ્યસુર

 15. Pingback: (237) ઈશ્વર વિષે ચિંતન « William’s Tales

 16. atul bhatt એપ્રિલ 14, 2011 પર 6:25 એ એમ (am)

  je janmathi zagada tanta fisad janme e iswarno janma j nathay ane ene badale ishwariy manav samaj no jnma thay..
  atul

 17. Pingback: હવે તે નથી – સ્વ. તુષાર ભટ્ટ « ગદ્યસુર

 18. Pingback: મમતા અંક -૧૦ « ગદ્યસુર

 19. Anila Patel સપ્ટેમ્બર 26, 2012 પર 10:51 એ એમ (am)

  ઇશ્વરનો શબ્દદેહે સાક્ષાત્કાર આ વાર્તા વાચવાથી જરુર થયો.

 20. readsetu સપ્ટેમ્બર 29, 2012 પર 1:16 પી એમ(pm)

  ઇશ્વર અને પરમ તત્વની અનુભુતિ વિશે અહીં ઘણી ચર્ચા થઇ ગઇ છે એટલે હવે એ વિશે હું કંઇ નહીં કહું..હા, હું પોતે પરમ તત્વમાં શ્રદ્ધા ધરાવું છું, એ ચેતનામાં મને વિશ્વાસ છે..
  રહી વાત વાર્તાની તો તમે મજાની કલ્પના કરી છે અને એનું વર્ણન પણ સરસ રીતે કર્યું છે. ભાષા પણ સરસ છે. સારા વાર્તાકાર થઇ જ શકો…મન તમારી આ વાર્તા ગમી…
  લતા

 21. Pingback: બની આઝાદ – ૪ : માનવ વૃત્તિઓ « ગદ્યસુર

 22. pravinshastri માર્ચ 4, 2013 પર 6:05 પી એમ(pm)

  તે ઘટના આકારહીન, રુપહીન, અજાણી હોવા છતાં મનુએ તેનો આભાર માન્યો. તે જ દીવ્ય અને સોનેરી આંખે તેને નવજીવન બક્ષ્યું હતું અને તેને હેમ–ખેમ ઉગારી, સ્વજનો વચ્ચે ગુફા ભેગો કર્યો હતો. મનુએ તેને ‘ઈશ્વર’ કહ્યો.

  ત્યારે જ ઈશ્વરનો જન્મ થયો અને ત્યારથી જ માનવમનમાં તે હરહમેશ વસતો રહ્યો છે.
  આકારહીન રુપહીન અજાણી….
  नते रूपं नचाकारो नायुधानी नचास्पदम तथापी पुरुषाकारो भक्ता नाम त्वम प्रकाशसे.
  જ્યારે જીવનની કોઈ ક્ષણે અદભૂત સહાય મળી જાય , તે ભલે કાગનું બેસવું અને તાડનું પડવું કેમ ન હોય. માનવ મનમાં ઐશ્વરી કે દૈવી શક્તિનો અહેસાસ સ્થાપીત થઈ જાય. ઈશ્વર અંધશ્રધ્ધા ને બદલે ભાવાત્મક શ્ર્ધ્ધા બની જાય.
  સુરેશભાઈ સરસ વાત સર્જી છે.
  પ્રવીણ શાસ્ત્રી
  http://pravinshastri.wordpress.com

 23. Pingback: બની આઝાદ – સત્સંગ | ગદ્યસુર

 24. Pingback: (197) ભાવપ્રતિભાવ – 3 (શ્રી સુરેશ જાની) * ઈશ્વરનો જન્મ | William’s Tales (Bilingual Multi Topic Reads)

 25. Pingback: ખેલ ખરાખરીનો | સૂરસાધના

 26. KishoreCanada મે 26, 2014 પર 4:39 પી એમ(pm)

  ઈશ્વરના જન્મ અને એના અસ્તિત્વ વિષે એક જુદો જ અભિપ્રાય દર્શાવતી રચના
  હું ભગવાન – શબ્દસેતુ

 27. aataawaani ફેબ્રુવારી 18, 2016 પર 11:07 એ એમ (am)

  પ્રિય સુરેશ ભાઈ ઈશ્વરનો જન્મ લાંબુ લખાણ હતું
  લખાણ પૂરું વાંચ્યા વગર મુકવાનું મન થાય એમનથી દિલચશ્પ હતું . .પણ લખાણ પધ્ધતિ ઉત્તમ હોવાથી

 28. aataawaani ફેબ્રુવારી 18, 2016 પર 5:48 પી એમ(pm)

  ભલે વાર્તા હોય પણ સરસ હતી .

 29. Pingback: ઈશ્વર | સૂરસાધના

તમારા વિચારો જણાવશો?

Please log in using one of these methods to post your comment:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google photo

You are commenting using your Google account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s

%d bloggers like this: