વીતેલી વાર્તા વાંચવા ઉપર આપેલા ટેબમાંથી
બીજી લાઈનના ’નવલકથા’ ટેબ ઉપર ‘ક્લીક’ કરો.
–——————————————
જગ્ગાએ ઉંચાણ તરફ જતો રસ્તો પસંદ કર્યો હતો. જગ્ગાનું એમ માનવું હતું કે પર્વતની ટોચ પાસેથી સામે પાર ઉતરવાનો કોઈ રસ્તો મળી આવશે. ભુલો એનાથી વીરુધ્ધ દીશામાં નીકળ્યો હતો. એને એમ લાગતું હતું કે એમ જતાં નદીકીનારાની લગોલગ કદાચ પહોંચી જવાય.
જેમ જેમ જગ્ગાની ટોળી આગળ વધતી ગઈ, તેમ તેમ પર્વતમાળા તો વધારે ને વધારે ઉંચી થતી ગઈ. ત્રણ દીવસ આમ નીષ્ફળ પ્રયત્ન કરી, હતાશ થઈ જગ્ગો પડાવ તરફ પાછો વળ્યો.
આની સરખામણીમાં ભુલાનું નસીબ વધારે જોર કરી ગયું. પડાવેથી નીકળ્યાના બીજા જ દીવસે પર્વતમાળા થોડીક નીચે ઉતરતી જણાઈ. અને થોડે દુરથી બીજો પર્વત શરુ થતો જણાયો. ભુલાને આશા બંધાઈ કે, એ બેની વચ્ચે કોઈ રસ્તો હોવો જોઈએ. જેમ જેમ તેની ટુકડી આગળ વધતી ગઈ તેમ તેમ આ ઢોળાવ નીચે આવતો ગયો.
હવે ભુલાએ પોતાના સાથીઓને પર્વત તરફ દોર્યા. ખાસ ચઢાણ ન હતું; પણ ગીચ જંગલ શરુ થઈ ગયું. ઝાડી ઝાંખરાં અને ઝાડ કાપતાં કાપતાં એ લોકો આગળ વધ્યા. હવે બન્ને બાજુએ પહાડ દેખાતા હતા અને વચ્ચે ગીચ જંગલમાંથી આગળ વધવાનું હતું. ઘોડાઓ સાથે આગળ વધવું મુશ્કેલ હતું. આથી એક સાથીને ઘોડાઓના રક્ષણ માટે મુકી બાકીના પગપાળા આગળ વધ્યા. હવે ઝાડ કાપવાના ન રહ્યા; અને આગળ વધવાની ઝડપ વધતી ગઈ. રાત પડતાં તાપણું કરી ત્રણે જણે પડાવ નાંખ્યો. બધા આખા દીવસનો થાક ઉતારતા આડા પડ્યા.
ત્યાં જ ભુલાના એક સાથીને કાંઈક શંકા પડી. તેને દુર કાંઈક ચળકતું દેખાયું. હજુ તો તે ભુલા અને બીજા સાથીઓને સાવધ કરવા જતો હતો; એટલામાં જ એક વાઘ અને બે વાઘણ તેમની ઉપર તુટી પડ્યા. સદભાગ્યે બધા જાગતા જ પડ્યા હતા.
ભુલાએ બુમ પાડી , “અરે! આગવાળું એકેક લાકડું ઝાલી લો.” ઝપાટાભેર સૌએ આ સુચનાનો અમલ કર્યો. ભયની ભયાનક ચીંઘાડ સાથે વાઘસેના પાછી પડી, ભાગી ગઈ. ભય તાત્કાલીક તો દુર થયો; પણ બધાંની ઉંઘ વેરણ બની ગઈ હતી. આ જંગલમાં વાઘોની વચ્ચે આખી રાત શેં પસાર થશે?
એક સાથીએ રસ્તો સુચવ્યો ,” આપણે ચાર બાજુએ તાપણાં કરી દઈએ. અને એક એક જણ વારાફરતી ચોકી કરતો રહે.” આમ ભયના ઓથાર વચ્ચે બેળે બેળે રાત તો નીકળી ગઈ.
મળસ્કું થવાની તૈયારી હતી, અને ભુલાની આંખ ખુલી ગઈ. તેને જુની એક યાદ તાજી થઈ ગઈ. એના કોતરમાંથી બે ચાર મીત્રો સાથે એ નદીથી દુર જંગલ તરફ શીકારની શોધમાં ગયો હતો. પણ થોડે આગળ જતાં આમ જ વાઘ સાથે મુઠભેડ થઈ હતી. એક સાથીને ઉપાડીને વાઘ જંગલમાં ભાગી ગયો હતો. ત્યારથી એના કોતરના લોકો એ દીશામાં શીકારે જવાનું ટાળતા હતા.
ભુલાને મનમાં વીચાર આવ્યો. “ જો નસીબ જોર કરતું હોય તો આમને આમ આગળ વધતા રહીએ તો, કદાચ નદી કીનારો આવી જાય.”
સવાર પડ્યું. બીજા એક સાથીએ કહ્યું ,” હું તો પાછો જતો રહું છું. આગળ તો વધારે વાઘ સામા આવશે. આમ આવા ઘનઘોર જંગલ્કમાં આગળ વધવાનું ખોટું સાહસ આપણે ન કરવું જોઈએ. ” બીજાએ પણ એમાં ટાપશી પુરાવી.
બન્નેએ પાછા ફરવા જીદ પકડી. તેમને ડર હતો કે આગળ જતાં વધારે સંખ્યામાં વાઘોનો મુકાબલો કરવો પડે તો? ભુલાએ તેમની વીરતાને પડકારી અને ખાલી હાથે પાછા જવામાં ખાનના રોષનો ભોગ થવાની ચેતવણી પણ આપી. બેળે બેળે ભુલો તેમને બે દીવસ ધીરજ ધરવા અને પોતાની સાથે રહેવા સમજાવી શક્યો.
છેવટે ત્રણે જણે આગળ યાત્રા શરુ કરી. ચઢવાનો ઢોળાવ તો ખાસ ન હતો, પણ જંગલ વધારે ને વધારે ગાઢ થતું જતું હતું. બન્ને બાજુ અત્યંત ઉંચે સુધી પર્વતની દીવાલ તેમને ઘેરીને ઉભી હતી. ભુલાએ બહુ મુશ્કેલીથી સાથીઓને સમજાવ્યું કે, બધી સેના ભેગી મળીને આ જંગલનો જરુરી ભાગ કાપી કોતરી નાંખે તો, બે પર્વત વચ્ચેનો રસ્તો બની જાય. પણ હાલ તો બધાએ ગીચ ઝાડી વચ્ચેથી ટાંચા સાધનો વડે જ માર્ગ કરવાનો હતો. ઝાડી અને ઝાંખરાને કાપતાં કાપતાં ટુકડી દક્ષીણ તરફ આગળ વધી.
જોકે, આ માર્ગ સાવ સીધો ન હતો. રસ્તો ક્યાંક થોડોક ઉપર અને ક્યાંક થોડોક નીચે અને વાંકો ચુંકો જતો હતો. ચારેક વળાંક પસાર કરીને પાંચમા દીવસે, આગળ ચાલતાં, એક જણને દુર નીચે, કાંઈક લાંબું અને ચળકતું નજરે ચઢ્યું. તેણે એની તરફ ભુલાનું ધ્યાન દોર્યું. ભુલાની અનુભવી આંખ જેના કીનારે પોતાનાં કોતર આવેલાં હતાં, તે નદીને તરત પારખી ગઈ. તેના મોંમાંથી હરખની રાડ નીકળી ગઈ.
“ આ તો અમારી જ નદી ! “
જોકે હજુ નદી તો સાવ પાતળી લીટી જેવી જ દેખાતી હતી. પણ આ નવી શોધથી નવા પ્રગટેલા ઉત્સાહમાં બધા નાચી ઉઠ્યા . હવે પાછું ફરવાનું કોઈ નામ લે તેમ ન હતું. બીજા બે દીવસ અને રસ્તો દેખીતી રીતે નીચે તરફ ફંટાવા લાગ્યો. ત્રીજા દીવસે તો ત્રણે જણ નદીના કીનારે આવીને ઉભા રહી ગયા.
બે પર્વત વચ્ચેનો ઘાટ એમને મળી ગયો હતો. બધા ઝાડી, ઝાંખરાં અને નડતાં ઝાડ કાપવામાં આવે તો ઘોડા પર આખો ઘાટ બે જ દીવસમાં વટાવી દેવાય; એવો અંદાજ નીકળ્યો. નદીમાં મન મુકીને બધા ન્હાયા અને સફરનો થાક ઉતારી હળવા ફુલ જેવા બની ગયા.
હવે વળતી મુસાફરી શરુ થઈ. રસ્તામાં ઠેર ઠેર તરત મળી જાય તેવા સગડ મુકતાં મુકતાં, સૌ આવ્યા હતા એ જ રસ્તે પાછા વળ્યા. જ્યાં ઘોડા બાંધ્યા હતા, ત્યાંથી ચોથા સાથીને લઈને બધા લશ્કરની છાવણી તરફ પાછા વળ્યા.
પડાવે પહોંચીને ભુલાએ ખાનને આ શુભ સમાચાર આપ્યા. ખાન તો ભુલાને ભેટી જ પડ્યો.
મલ્લકુસ્તી પછી ભુલાનો આ બીજો અગત્યનો વીજય હતો. આ શોધ આવનાર વર્ષોમાં એક ક્રાંતીકારી અન્વેષણ પુરવાર થવાની હતી. ભાવીના ગર્ભમાં લપાઈને પડેલા, બે સાવ વીપરીત સંસ્કૃતીઓનાં મુઠભેડ, સંઘર્ષ અને એકીકરણની પ્રક્રીયાનો પ્રસવ હવે હાથ વહેંતમાં હતો.
Like this:
Like Loading...
Related
નામ ભુલો પણ પૃથ્વી ગોળ તેથી તે ભુલો ન પડ્યો અને માર્ગ મળી ગયો.
અમે તો વનવાસી તેથી વાઘની બીક ન લાગે.અમારા જંગલીઓનો એક પ્રયોગ કરી જો જો…જરા પણ ગભરાયા વગર તમારે રસ્તે ચાલ્યા કરશો તો એ કુત્તરખડીઆ તમને કાંઈ ન કરે…હા વાઘનું પણ એમ જ કહેવુ છે.
SURESHBHAI AGAL NO BHAG KYARE MUKO CHO?