વીતેલી વાર્તા વાંચવા ઉપર આપેલા ટેબમાંથી
બીજી લાઈનના ’નવલકથા’ ટેબ ઉપર ‘ક્લીક’ કરો.
–——————————————
સ્વપ્ન અને જાગૃત અવસ્થાની વચ્ચે ઝોલાં ખાતા ગોવાને એની ઝુંપડીની બહાર કોઈ દર્દથી કણસતું હોય તેવો ભાસ થયો. ભળભાંખળું થવામાં હતું. એનો ઉઠવાનો સમય પણ થઈ ચુક્યો હતો. ગોવો આંખો ચોળતો બહાર આવ્યો.
આછા ઉજાસમાં તેને જમીન પર કોઈ પડેલું હોય તેમ લાગ્યું. તે ત્તેની નજીક ગયો અને તે માનવ આકૃતીને ઢંઢોળી. ભીનાં ભદ ચામડાંથી લદબદ કોઈ સ્ત્રી કણસી રહી હતી. તેને હાથ અડાડતાં તે ઠંડોગાર લાગ્યો. ગોવો ઝુંપડીમાં ગયો અને રુપલીને ઉઠાડી. બન્નેએ ઉંચકીને તે સ્ત્રીને અંદર આણી. રુપલીએ અગ્ની પેટાવ્યો. આગના આછા ઉજાસમાં બન્નેએ તેને ઓળખી કાઢી. એ તો નદીપારનાં કોતરોમાં રહેતી, પણ રુપલીના પીયરના કબીલાની મન્નો હતી. તે બાનાની પત્ની હતી.
રુપલીએ મન્નોને નીર્વસ્ત્ર કરી, તાપણાંની નજીક ખસેડી. થોડીક વારે આગની ગરમીથી મન્નોના દેહમાં ગરમાવો પથરાવા લાગ્યો. તેનું કણસવાનું બંધ થયું. અને તે ઉંઘમાં પડી ગઈ. તેને ચામડું ઓઢાડી રુપલી નીત્યકર્મમાં પલોટાઈ. સુરજ માથે થવામાં આવ્યો ત્યારે મન્નોએ આંખ ખોલી. ઝુંપડીના આંગણમાં કાનો એના મીત્રો સાથે રમતો હતો. મન્નોએ એને બુમ પાડી બોલાવ્યો, અને કહ્યું,” કાના! જા તારી મા કે બાપાને બોલાવી લાવ.”
કાનાએ ગમાણમાં જઈ રુપલીને આ સમાચાર આપ્યા. રુપલી બધું કામ પડતું મુકી દોડતી આવી પુગી. મન્નોને ગરમાગરમ શેઢકડું દુધ પીવડાવ્યું. હવે તેને શરીરે બરાબર ઠીક છે, એની ખાતરી થતાં રુપલી બોલી,” કેમ મન્નો! આટલી રાતે નદી તરીને કેમ આવી? ત્યાં બધું બરાબર તો છે ને? કેમ તારે બાના હારે કાંઈ બોલચાલ થઈ છે
ભયભીત અને રડમસ ચહેરે મન્નોએ કહ્યું,” રુપલીબેન, ગોવાભાઈને બોલાવી લાવો. મારે તમારી બન્નેની સાથે બહુ અગત્યની વાત કરવાની છે.”
રુપલીએ કાનાને હાકોટો મારી, ગોવાને અબઘડી બોલાવી લાવવા કહ્યું.
થોડીક વારે ગોવો હડી કાઢીને આવી પહોંચ્યો. તેને પણ મન્નોના આમ આકસ્મીક આવવાનું રહસ્ય જાણવાની બહુ ઉત્કંઠા હતી.
ગોવો આવી જતાં મન્નો હીબકાં ભરતાં બોલી,” ગોવા ભાઈ અને રુપલીબેન! એ લોકો બહુ ભયંકર માણસો છે. એમની પાસે ચામડાની દોરી બાંધેલી, વાંકી, પાતળી સોટી છે અને તેનાથી બીજી સોટી દુર સુધી શીકાર તરફ ફેંકે છે. અને એક જ ઘાએ હરણ ભોંય ભેગું. બહુ ઉંચા અને કદાવર એ લોકો છે. એ તમને બધાંને મારી નાખવાના છે.”
ગોવાને આ ઉટપટાંગ વાતમાં કશી ગતાગમ ન પડી. તેણે કહ્યું,” બરાબર સમજણ પડે તેવી વાત કર. તું કોની વાત કરે છે? કોણ છે એ લોકો? ક્યાં છે? ”
મન્નો રડતાં રડતાં બોલી,” સાવ અજાણ્યા એ લોકો છે. કશી સમજણ ન પડે તેવી ભાષા બોલે છે. પર્વતની પેલે પારથી દુરના પ્રદેશમાંથી એ લોકો આવેલા છે. મારા બાનાને ઢોર માર મારી, દોરડા વડે બાંધીને એ લોકો લઈ ગયા હતા. એમની સાથે આપણા મલકમાંથી ગાયબ થઈ ગયેલો ભુલો પણ છે. પણ ભુલાએ એને છોડાવ્યો. ભુલો તો એ બધાનો સરદાર બની ગયો છે. બધા એનું કહ્યું માને છે. ભુલાને એમની ભાષા પણ આવડે છે.
અમારા બધા વડીલો અને એ લોકો સાથે જગદંબાના મંદીરમાં વાતો પણ થઈ છે. અમારા વડીલો તો બહુ જ હરખમાં આવી ગયા છે; અને એવી વાતો કરે છે કે,
‘હવે ગોવાનું ગુમાન ઓછું થશે. આ બધા એની સાન ઠેકાણે લાવશે.’
મને તો આ ઠીક ન લાગ્યું. આમ સાવ અજાણ્યા લોકોનો શેં ભરોસો કરાય? આખી રાત મને આ વાત જાણી ઉઘ જ ન આવી. આથી મારા વરને ઉંઘતો મેલી હું મધરાત પછી નદીમાં ખાબકી અને બેળે બેળે તમને આ ખબર આપવા આવી છું. હેં ગોવા ભાઈ! આપણી જાતનું હવે શું થશે? ”
આટલું બોલતામાં તો મન્નો ધ્રુસકે ને ધ્રુસકે રડવા માંડી.
હવે ગોવાના મનમાં ગેડ બેઠી. તેણે પર્વતની ટોચની પેલે પારના દલદલમાં ભેગી થયેલી છાવણી યાદ આવી ગઈ. એ લોકો અભેદ્ય પર્વત પાર કરવામાં સફળ થયા લાગતા હતા. હવે એ અજ્ઞાત ભય સાવ નજીક આવીને ઉભો થઈ ગયો હતો. એ અજાણ્યા લોકો ગોવાની જાતી કરતાં વધારે સશક્ત હોય તેમ જણાતું હતું; અને તેમની પાસે વધારે હીંસક, વધારે શક્તીશાળી શસ્ત્રો પણ હોવાની પુરી શક્યતા હતી. કદાચ એમની સંખ્યા પણ ઘણી વધારે હશે.
ગોવાએ મન્નોને પુછ્યું,” એ લોકો કેટલા છે?”
મન્નોએ પાંચ આંગળીઓ ચાર વખત બતાવી.
ગોવો કહે.” લે, તું નકામી ગભરાય છે. હું એક જ હાકોટો કરું અને આપણી બધી વસ્તી ભેગી કરું તો આખો નદી કીનારો ઉભરાઈ જાય એટલી આપણી વસ્તી છે.”
( એ જમાનામાં ક્યાં અક્ષરજ્ઞાન કે અંકજ્ઞાન વીકસેલું હતું?)
મન્નો કહે,” ના , ગોવા ભાઈ , એમ નથી. એમનો કોઈ ખાન કરીને મોટો માણસ છે. અને એને ભુલો અને તેનો જગ્ગા નામનો બીજો સાથી આગેવાન બહુ માનથી યાદ કરે છે. એ બન્નેએ અમારા વડીલોને એમ કહ્યું છે કે, ખાન તો આપણી જગદંબા કરતાંય વધારે તાકાતવાળો છે. અમારો કબીલો ખાનને મદદ કરે તો, ખાન અમને બહુ મોટું ઈનામ આપશે એમ ભુલાએ કહ્યું છે. કાલે રાતે સુતાં સુતાં બાનાએ આ બધી વાત મને કહી, અને મારી ઉંઘ હરામ થઈ ગઈ.”
ગોવાએ મન્નોને સાંત્વના આપી. અંધારી રાતે નદી પાર કરીને, અને પોતાના જાનને જોખમમાં નાખીને આ અગત્યની માહીતી પુરી પાડવા માટે ગોવાએ મન્નોનો પાડ માન્યો. ગોવા અને રુપલીએ મન્નોને હવે પેલે પાર ન જવાની સલાહ આપી અને પોતાની સાથે રોકાઈ જવા કહ્યું.
હવે મન્નોને જીવે ટાઢક થઈ. એણે જગદંબાને માથે રાખીને પોતાની જાતી માટે કાંઈક સારું કર્યું છે, તેવી તેને ખાતરી થઈ ગઈ. તે હવે નીશ્ચીંત બનીને રુપલીને કામમાં મદદ કરવા લાગી.
ગોવાએ તેની સાથે રહેતા સાથીઓને તાત્કાલીક બોલાવ્યા. કલાકેક મંત્રણાઓ ચાલી. સાંજ પડે તે પહેલાં તો દસ સંદેશવાહકો બધા કબીલાઓને આ મોંકાણના સમાચાર પહોંચાડવા બધી દીશામાં નીકળી પડ્યા.
એ બધાના ગયા પછી ગોવાએ પાંચાને પુછ્યું ,” પાંચા , તું આ બાબતમાં શું સલાહ આપે છે ? “
પાંચો બોલ્યો ,” ગોવા, એમની પાસે આપણા કરતાં વધારે શક્તીશાળી સાધનો હોય તેમ લાગે છે. જો ખરેખર તેમ હશે, તો આપણી બધી વસ્તી ભેગી થાય, તો પણ આપણે તેમનો મુકાબલો ન કરી શકીએ.”
ગોવો,” તો શું કરવું?”
પાંચો , ” મને લાગે છે કે, હું એકદમ ચોરીછુપીથી સામે પાર પહોંચી જાઉં, અને એ સાધનો કેવાં છે, તે જાણી લાવું. પછી આપણે પણ એવાં સાધનો બનાવવાની કળા શીખી લઈએ.”
ગોવો,” તારી વાત તો સાવ સાચી છે. પણ તારે બહુ મોટું જોખમ વેઠવું પડે. અને તને ગુમાવવો પડે , તે આપણી જાતને કદી ન પોસાય.”
પાંચો ,” ગોવા, તું મારી ફીકર ન કર. મને મારી જાતને સંભાળતાં આવડે છે. પણ આ કામ કર્યા વગર આપણો આરો નથી.”
કમને ગોવાએ પાંચાને આ અભીયાન માટે પરવાનગી આપી અને તેને સફળતા મળે, તે માટે જગદંબાને અરજ કરી.”
અને તે જ રાતે અંધારપીછોડાનો લાભ લઈ પાંચો નદીપાર કરી ગયો.
પણ…
હવે બહુ જ મોટી આપત્તીનાં વાદળ ઘેરાવા માંડ્યા હતાં. બધા સાથે મળે અને પાંચો સફળતાથી નવાં શસ્ત્રો બનાવવાની કળા જલદી શીખી લે, તો જ એ આપત્તીનો મુકાબલો શક્ય બને એમ ગોવાને પ્રતીતી થઈ ગઈ.
એ રાતે રુપલીએ ગોવાને રોજ કરતાં વધુ વ્હાલ કર્યું. એને એ સમજાઈ ગયું કે, હવે આખી જાતના અસ્તીત્વનો આધાર ગોવા ઉપર છે.
Like this:
Like Loading...
Related
‘થોડીક વારે આગની ગરમીથી મન્નોના દેહમાં ગરમાવો પથરાવા લાગ્યો. તેનું કણસવાનું બંધ થયું. અને તે ઉંઘમાં પડી ગઈ. તેને ચામડું ઓઢાડી રુપલી નીત્યકર્મમાં પલોટાઈ…’
એક નવી અને અણકથી બીરાદરીનું,
એક નવા સાહચર્યનું,
એક નવા જીવનનું પ્રતીક હતું. કોઈ વાચા વીનાનો અન્યોન્ય પ્રત્યે પ્રેમનો એકરાર હતો.
વચ્ચેના ઘણાં હપ્તાઓ વાંચવાના રહી ગયા છે. પરંતુ આજે આ હપ્તો વાંચ્યો… અનુકૂળતાએ જરૂર વાંચીશ. આખી નવલ એકી સાથે વાંચવાનો આનંદ આવશે.
દાદા, હમણાં સમુદગારમાં તમારું સ્કૂલ છૂટયા વખતનું અવલોકન વાંચ્યું. સરસ રીતે લખાયેલ છે. ગુલાબભાઇ જાની ને આપ જાણો છો ?