સૂરસાધના

ગુજરાતી લેખિનીમાં સ્વૈરવિહાર

પ્રકરણ – 36 પહેલો જાસુસ

વીતેલી વાર્તા વાંવા ઉપર આપેલા ટેબમાંથી
બીજી લાઈનના ’નવલકથા’  ટેબ ઉપર ‘ક્લીક’ કરો.

——————————————

નદી ઓળંગીને પાંચો ઓલી પાર પહોંચ્યો, ત્યારે હજુ ઉષારાણી પધાર્યાં ન હતાં. પાંચાએ ઝડપથી એના કદમ બાનો રહેતો હતો તે કોતરો તરફ ભરવા માંડ્યા. અજવાળું થાય અને નીત્ય ક્રીયાઓ માટે કોતરવાસીઓ નદીકીનારે આવી પહોંચે, તે પહેલાં એણે છુપાવાની વ્યુહાત્મક જગ્યા શોધી કાઢવાની હતી.

બાનાના કોતરોની સામે નદીકીનારે નાનકડું મેદાન હતું. કોતરવાસીઓની બધી સામાજીક પ્રવૃત્તી ત્યાં થતી હતી. એ મેદાનની નજીક આવેલા એક મોટા ઝાડની ઉપર પાંચો ચઢી ગયો. એણે એવી ડાળ પસંદ કરી, જેના ઉપરથી તે મેદાનમાં થતી હીલચાલ પર નજર નાંખી શકે. તેને આ જગ્યાએ આખો દીવસ પસાર કરવાનો હતો. રાતે અગમચેતી વાપરીને તેણે શીકાર અને પીવાનું પાણી પોતાની પાસે રાખ્યાં હતાં,

સુરજ ઉંચો આવતાં સુધી અનેક લોકો નદીએ જઈ , નીત્યકર્મ પતાવી પાછા કોતર ભેગાં થતાં હતાં. પણ શીકારે જવાની કશી પ્રવૃત્તી જણાતી ન હતી. પાંચાને આશ્ચર્ય થયું. ‘જરુર કાંઈક સામાજીક કાર્ય થવાનું લાગે છે.’

અને પાંચાની માન્યતા સાચી પડી. સુરજ ઠીક ઠીક ઉંચે આવતાં મેદાનમાં  કોતરવાસીઓ ભેગા થવા માંડ્યા. સ્ત્રીઓ, પુરુષો, બાળકો – બધાં. સૌ આતુરતાથી કોઈના આવવાની રાહ જોઈ રહ્યાં હતાં.

અને ત્યાં એ લોકો આવી પહોંચ્યા. ઉંચા, પહોળા અને ગૌરવર્ણના એ લોકો હતા. માત્ર એક ભુલો જ એમનાથી અલગ તરી આવતો હતો. પાંચાએ તરત એને ઓળખી નાંખ્યો. ધીક્કારનું એક લખલખું પાંચાના દેહને હચમચાવી ગયું.

‘આ દેશદ્રોહી, આ કરમચંડાળ, આ નપાવટ જણ આખી જાતીને માટે એક્ મોટો પડકાર લઈ આવ્યો હતો. ગોવાએ નદી ઓળંગી, તે પછી થયેલી બધી પ્રગતી રસાતાળ જવાને આરે આવીને ઉભી હતી.’

પણ પાંચાએ પ્રયત્નપુર્વક પોતાનો ક્રોધ અંદર ને અંદર સમાવી લીધો. એને વાચા આપવાનું તેને પોસાય તેમ ન હતું.

હવે નવી ટોળીનો નાયક કશુંક અગડં બગડં બોલવા લાગ્યો. થોડી વારે ભુલાએ બોલવા માંડ્યું. પાંચો એ સાંભળી શકાય એટલો નજીક ન હતો. પણ બધી વસ્તીએ ભુલાની વાતને તાળીઓથી વધાવી લીધી.,

પછી નવા આગંતુક માણસોમાંથી એક આગળ આવ્યો. તેના હાથમાં બધાની જેમ એક વાંકી અને દોરી બાંધેલી સોટી હતી. તેના ખભા પર સીધી સોટીઓનો ભારો હતો. તેણે એક સીધી સોટી લઈ, દોરી સાથે પકડી અને પછી વાંકી સોટીને જોરથી ખેંચીને છોડી દીધી. એ સીધી સોટી સડસડાટ, એક ઝાડ  તરફ   ફંગોળાઈ અને  ઝાડના થડમાં ખુંપી ગઈ, આમ ત્રણ વખત તેણે તીર છોડ્યાં. બધા હેરતભરી નજરે આ નવતર શસ્ત્રને નીહાળી રહ્યાં. પાંચાને એની ઉપયોગીતા અને વેધકતા તરત સમજાઈ ગયાં. પથ્થર અને ભાલા કરતાં આ બેશક વધારે અસરકારક શસ્ત્ર હતું.

પછી તો નવા આગંતુકો બધા કોતરવાસીઓને આ કળા શીખવવા લાગી ગયા. એક જણે સ્ત્રીઓને કામે લગાડી દીધી. આગલા દીવસે લાવેલા  સોટીઓ અને પથ્થરોના ઢગલા આગળ ધનુષ અને બાણ બનાવવાની કામગીરી શરુ થઈ ગઈ. સોટીઓના છેડે  અણીદાર અને પાતળા પથ્થરો ઝાડના ગુંદર વડે ચીપકાવાતા હતા. થોડીક સોટીઓના બે છેડે ચામડાની દોરી કસકસાવીને બંધાઈ રહી હતી.

પાંચો ધ્યાનથી આ નવી કળાનો અભ્યાસ કરતો રહ્યો. તેને મનમાં થયું ! ‘બસ ! એક નમુનો મળી જાય; તો કામ પુરું થઈ જાય.”

સુરજ માથે આવ્યો. બધાં ભોજનની ધમાલમાં પડ્યા. ફરી આરામ બાદ આની આ જ પ્રવૃત્તી શરુ. પાંચાએ મનમાં ગાંઠ વાળી દીધી.

અને છેવટે રાત પડી. ધનુષ અને બાણનો ઢગલો એમનો એમ રાખી સૌ કોતરો ભેળા થવા માંડ્યા. અને અંધારું થતામાં તો મેદાન ફરીથી નીર્જન બની ગયું. નવા આગંતુકો એમના આશ્રયસ્થાન તરફ વીદાય થયા.

હવે કોઈ ચકલું પણ નહીં ફરકે તેની ખાતરી થતાં પાંચો ઝાડ પરથી નીચે ઉતર્યો અને એક ધનુષ અને થોડાં બાણ લઈ અંધકારમાં ગરી ગયો.

સવારમાં ગોવાની ઝુંપડીની બહાર બન્ને મીત્રો આ નવી સંપદાની ચકાસણી  અને વાપરવાની કળા આત્મસાત કરવામાં મશગુલ બન્યા; ત્યારે માનવ જગતસ્નો પહેલો જાસુસ પોતાનું કામ સફળતાથી પાર પાડવાનો અસીમ સંતોષ માણી રહ્યો હતો.

***

બીજા ચાર જ દીવસ … અને પાંચાએ નદીકીનારે ઉગતા વાંસની સોટીઓમાંથી વધારે સારી ગુણવત્તાનું, વજનમાં સાવ હલકું અને મુળ બાણ કરતાં અનેક ગણું દુર જઈ શકે તેવું શસ્ત્ર વીકસાવી દીધું હતું.

ગોવો પાંચાને ભેટી પડ્યો. ગોવાના નેસમાં તરત જ આ નવા સાધન બનાવવાની કામગીરી ચાલુ થઈ ગઈ.

3 responses to “પ્રકરણ – 36 પહેલો જાસુસ

  1. Chirag સપ્ટેમ્બર 28, 2009 પર 11:37 એ એમ (am)

    દાદા, વાર્તા મજેદાર બની રહી છે. નાનપણમાં વાંચતો હતો એવી સાહસકથા જ લાગે છે.

  2. Maitri સપ્ટેમ્બર 30, 2009 પર 5:39 એ એમ (am)

    વાંચવાની મજા હવે છે અને દરેક પળે ઇંતેજારી વધે છે કે હવે શું થશે. આગળના પ્રકરણની આતુરતાપૂર્વક રાહ અમે જોઈ રહ્યા છીએ

  3. pragnaju ઓક્ટોબર 3, 2009 પર 4:47 પી એમ(pm)

    બ્રિટનની વિખ્યાત જાસૂસી સંસ્થા ‘એમ ૧૬’ માટે જાસૂસો કેમ્બ્રિજ અને ઓક્સફોર્ડમાંથી આવતા હતા. હવે એ જાસૂસી સંસ્થાને ‘ફેસબુક’ જેવી વેબસાઈટ પર જાહેરાતો આપવી પડે છે, ‘કોઈ પણ ઉંમરના ગ્રેજ્યુએટ જો વિશ્વકક્ષાની જાસૂસી સંસ્થા માટે ફીલ્ડમાં જઈ ગુપ્ત માહિતી એકઠી કરવા અને તેનું પૃથક્કરણ કરવાના કામમાં પોતાની કારકિર્દી બનાવવા માગતા હોય તો તેમનું સ્વાગત છે.’

તમારા વિચારો જણાવશો?

Please log in using one of these methods to post your comment:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google photo

You are commenting using your Google account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s

%d bloggers like this: