સૂરસાધના

ગુજરાતી લેખિનીમાં સ્વૈરવિહાર

પ્રકરણ – 38 પહેલો હુમલો

વીતેલી વાર્તા વાંચવા ઉપર આપેલા ટેબમાંથી
’નવલકથા’  ટેબ ઉપર ‘ક્લીક’ કરો.

——————————————

ગોવો નદીકીનારે ઉભો હતો. તેની બાજુમા પાંચો પણ હતો. ગોવાના ચહેરા પર નીરાશા અને શોકની કાલીમા છવાયેલી હતી. ગોવાને નદીમાં પુર આવ્યું હતું. તે ઘટના યાદ આવી ગઈ. તે વખતે નદી બન્ને કીનારે ધસમસતી વહેતી હતી અને કોતરોની બધી વસ્તી એ અભુતપુર્વ ઘટના જોવા ખડી હતી. પણ આજે પુર નદીમાં ન હતું – કીનારા પર હતું. સામે કીનારે કીડીયારાંની જેમ સાવ અજાણ્યા લોકોની ભીડ ઉભરાઈ હતી. કોક કોક કોતરવાસી કબીલાના સભ્યોની સરખામણીમાં તેમની ઉંચી કાયા તરત વર્તાતી હતી. તેમનો ગૌર વર્ણ પણ તરત પરખાઈ આવતો હતો.

ગોવાને મરી જવાનું મન થઈ આવ્યું. તેણે મોકલેલા સંદેશના જવાબમાં માત્ર ત્રણ જણ જ આ આપત્તીનો મુકાબલો કરવા હાજર થયા હતા – ગોવાના જુના અને જાણીતા સાથીઓ – કાળુ, લાખો અને વીહો. બીજા કોઈ નવી છાપરી  બાંધવાના કામમાં વ્યસ્ત હતા; તો કોઈ વાડો મોટો કરવાના કામમાં. કોઈની સ્ત્રીને બાળક આવવાનું હતું. કાંઈ ને કાંઈ બહાના હેઠળ એ બધાએ ગોવાને સાથ આપવાનું ટાળ્યું હતું. ગોવાની સેનામાં ગણીને દસ જણ જ હતા. અને સામે ગણ્યા ગણાય નહીં એટલા. વળી સામેના દુશ્મનને ગોવાની બાજુની બધી માહીતી હતી.

ગોવાનું મન ખાટું થઈ ગયું. આ માટે તેણે નદીના પુરનો મુકાબલો કર્યો હતો? જીવતરની બધી  પુંજી રસાતાળ જવાની હતી.

પાંચો ગોવાના મનના ઉદવેગો સમજતો હતો. તેણે ગોવાના ખભે હાથ મુક્યો અને બોલ્યો,

” ગોવા. તું નાહક ચીંતા કરે છે. આપણાં નવાં શસ્ત્રો તેમના કરતાં વધારે શક્તીશાળી છે. અને આ નદી માતા આપણી સૌથી મોટી રખેવાળ છે. “

આમ કહી તેણે પુરી તાકાતથી એક બાણ છોડ્યું. નદીની મધ્ય સુધી તે પહોંચી ગયું. પછી તેણે ખાનની સેનાના ધનુષ બાણ વાપરી તીર છોડ્યું. તે માંડ અડધે સુધી જ જઈ શક્યું.

પાંચાએ ઉમેર્યું.” એમાંનો એક પણ જણ આ બાજુ આવી શકે, તો હું મારી માના પેટનો જણ્યો નહીં. “ પાછળ ઉભેલા લાખા ને કાળુએ પણ આમાં હોંકારો પુરાવ્યો.

અને ત્યાં જ સામે કશીક મોટી હીલચાલ થતી હોય તેમ જણાયું. ચાર અલમસ્ત અંગરક્ષકોથી ઘેરાયેલો અને આખી સેનાનો ઉપરી જણાતો એક પરદેશી હુકમો આપતો હોય; તેમ લાગ્યું. થોડીક વારમાં ચાર તરાપા નદીમાં તરતા મુકાયા. એ દરેકમાં બે જણ એને હાંકનારા હતા. એક જણ વચ્ચે ઉભો હતો. તે દરેક ટુક્ડીનો નાયક હોય તેમ લાગતું હતું. તેની છાતી અને માથું કાળા ચામડાંના આવરણથી ઢંકાયેલાં હતાં. સાથે બીજા ચાર સૈનીકો ધનુષ તાકીને બેઠેલા હતા.

ગોવો અને તેના સાથીઓ નદી કીનારાના, માથોડા ઉંચા ઘાસમાં સંતાઈ ગયા.

પાંચાએ કહ્યું,” હું કહું ત્યારે તાકીને તીર એ લોકો પર છોડજો. પહેલાં તરાપો હાંકનારને ઢાળી દેવા કોશીષ કરજો. “

તરાપાઓ નદીની મધ્યમાં આવ્યા અને એક સામટા દસ તીર છુટ્યાં. એમાંના પાંચ કારગત નીવડ્યા અને પાંચ તરાપા ચાલકો ઘવાઈને નદીમાં ડુબવા માંડ્યા. બીજું શરસંધાન અને બીજા પાંચ નદી ભેગા. સૈનીકોએ  બેબાકળા બની તરાપાઓને નીયંત્રીત કરવા પ્રયત્ન કર્યા. પણ આ માટેની આવડત તેમનામાં ન હતી. એક તરાપો તો બધા સૈનીકો એક બાજુએ થઈ જતાં ઉંધો વળી ગયો. બાકીના ત્રણમાં પણ બીજા તીરમારાથી બધા સૈનીકો મરણ શરણ થયા. ત્રણે તરાપા નદીના વહેણમાં ખેંચાવા લાગ્યા.

ગોવો તો પાંચાને ભેટી જ પડ્યો. ડુબતો તરાપો નદીની આ તરફ ધીમે ધીમે ખેંચાઈ આવ્યો. એના સરદારે એની કોરાણ પકડી રાખી હતી. બીજા સૈનીકો તો એક બાજુએ હોઈને, નદીમાં ઉથલી પડવાના કારણે તણાઈ ગયા હતા. ગોવો અને તેના સાથીઓ નદીમાં  ઉતર્યા અને તે સરદારને ઘેરી લીધો.

તે ઘણું પાણી પી ગયો હતો અને તેના પહેરવેશને કારણે બેબાકળો બની ગયો હતો. બે જણાએ એના વાઘા નીચે ઉતાર્યા અને તેને ઉંધો કરી ભરાયેલું પાણી  કાઢી નાંખ્યું.

ગોવા અને તેના મીત્રોએ આટલું જાડું ચામડું કદી જોયું ન હતું. ઠંડા પ્રદેશના બાઈસનનું એ ચામડું હતું. કોઈ તીર એને વેધી શકે તેમ ન હતું. દોરડા વડે તેને મુશ્કેટાટ બાંધી; બધા આ પહેલા વીજયના ઉલ્લાસમાં નાચવા અને કુદવા લાગ્યા. આખાયે મુકાબલાનો યશ પાંચાના અફલાતુન ભેજાને કારણે હતો.

પણ પાંચો? એ તો ઉંડા વીચારમાં લીન હતો. તેને બીજા હુમલાની  ચીંતા થવા લાગી હતી.

ગોરા બંદીવાનની ઉપર નજર રાખવાનું કામ વીહાને સોંપાયું. વીહો ભાષાઓની બાબતમાં ઠીક ઠીક જાણકાર હતો. તે પક્ષીઓની બોલી સમજી શકતો હતો.  તેને તારાઓ વાત કહી જતા. આખી બપોર અને સાંજ તેણે ગોરા બંદીવાનની સાથે ગડમથલ કરીને ખાન, ખાનના પ્રદેશ, ઘોડેસ્વાર સેના વી,ને લગતી માહીતી કઢાવી લીધી. તેનું મન ખીન્ન થઈ ગયું. ભલે આજે ગોવાની જીત થઈ હતી’ પણ ખાનની તાકાત છેવટે સર્વોપરી થવાની, એ નીશ્ચીત હતું. મધરાત થઈ પણ વીહાને નીંદર વેરણ થઈ ગઈ હતી. તે ઉઠ્યો અને નદીકીનારે પહોંચી ગયો.

બારશનો ચન્દ્ર પુર્વાકાશમાં ઉગ્યો ન ઉગ્યો અને ઘનઘોર વાદળોથી ઘેરાઈ ગયો. ભવીષ્ય કથન કરતા તારાઓ પણ હાજર ન હતા. દુરના એક ઝાડ પરથી ઘુવડની ચીસ વીહાને સંભળાઈ. એ જ સમયે એક મોટી ઉલ્કા ખરી અને સમસ્ત પ્રદેશને ક્ષણ ભર માટે પ્રકાશીત કરી ગઈ. વીહાને દેખાયું – ગોવાનો નેસડો ભેંકાર લાગતો હતો. આવનાર સર્વનાશ અને તબાહી પોકારી પોકારીને ઘુવડની ચીસમાં રુપાંતરીત થતાં હતાં. બધા અણસાર તેની આ માન્યતાને અનુમોદન આપતા હતા.  પોતાની હતાશા અને ભાવી દર્શન વીહો કોઈને કહી શકે તેમ ન હતું. એ ઓથાર તો તેણે એકલા જ વેંઢારવાનો હતો.

ઉંડો નીસાસો નાંખીને વીહો પાછો વળ્યો. ગોરો બંદીવાન ગાયબ થઈ ગયો હતો. બાજુના દીવા પાસે તેને બાંધેલાં દોરડાં બળેલાં પડ્યાં હતાં.

5 responses to “પ્રકરણ – 38 પહેલો હુમલો

 1. Chirag ઓક્ટોબર 10, 2009 પર 12:56 પી એમ(pm)

  વીહાની મનોવ્યથાનો ચીતાર આપતો ફકરો બહુ જ હ્રદયંગમ લખાયો છે.

 2. pragnaju ઓક્ટોબર 15, 2009 પર 12:14 એ એમ (am)

  જ્યારે પણ કોઈ સાહિત્યના પુરસ્કારને પાત્ર ગણાશો ત્યારે આ પ્રકરનનો ઉલ્લેખ થશે

 3. snehaakshat નવેમ્બર 21, 2009 પર 2:03 એ એમ (am)

  wah..khub j sundar …bahu maja aavi..mane bahu nathi favtu aatlu lambu lambu net par vanchta pan tamari aa badhi posts vanchi..pakdi rakhe tevi hati ne etle.khub j 6anavat purvak lakhyu che.amara jeva nava nava loko ne pan margdarshan male tevu che..thank you very much.
  regards,
  sneha-akshitarak

તમારા વિચારો જણાવશો?

Please log in using one of these methods to post your comment:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google photo

You are commenting using your Google account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s

%d bloggers like this: