વીતેલી વાર્તા વાંચવા ઉપર આપેલા ટેબમાંથી
’નવલકથા’ ટેબ ઉપર ‘ક્લીક’ કરો.
-——————————————
બપોરનું જમણ પત્યા બાદ, ખાને ગોવાને પોતાના તંબુમાં બોલાવ્યો. ખાનના સૈનીકોએ ગોવાના નેસના વાડામાં, ગોવાના તંબુ કરતાં ઘણો મોટો તંબુ તાબડતોબ ઉભો કરી દીધો હતો.
હવે ગોવાને બાંધેલાં દોરડાં છોડી નાંખવામાં આવ્યા હતા. માત્ર ચાર સશસ્ત્ર સૈનીકો જ તેની આજુબાજુ ચોકી માટે સાથે હતા.
ગોવાનો તંબુ તો ખાનના તંબુ આગળ દરીદ્રની ઝુંપડી જેવો હતો. ગોવાના તંબુમાં પ્રવેશદ્વારના સ્થાને રાખેલ ચામડું આડું કરવામાં આવે તો અંધારું થઈ જતું, અને જમીન પર તો સુકું ઘાસ જ પાથરેલું રહેતું. ખાનના આ કામચલાઉ તંબુને ત્રણ બારીઓ હતી; જેમાંથી તંબુમાં ઉજાસ ફેલાયેલો હતો. જમીન પર પણ હરણમાં ચમકતાં ચામડાં પાથરવામાં આવ્યા હતા. તંબુની દીવાલો પર ખાનના પ્રદેશમાંથી લાવેલ મોતી, ચમકતા પથ્થર અને બાઈસનના મોટાં હાડકાંઓ જેવી મુલ્યવાન ચીજોના શણગાર કરેલા હતા. અરે! આનંદોત્સવ વખતે જોગમાયાની ગુફાનો શણગાર પણ આની આગળ ઝાંખો પડે તેવો હતો.
આવા ઝાકઝમાળ તંબુમાં ખાન, જગ્ગો અને ભુલો વાઘના ચામડાંઓથી મઢેલ લાકડાંઓના ખડકલાથી બનાવેલ મોટા ઓટલા પર બેઠેલા હતા.
ખાને ઈશારો કરી સૈનીકોને તંબુની બહાર જવાનું કહ્યું; અને ગોવાને માનભેર પોતાની સાથે ઓટલા પર બેસવાનું આમંત્રણ આપ્યું.
ગોવો ક્ષોભમાં થોડો ગલવાયો; પણ જોગમાયાને યાદ કરી, ઉન્નત મસ્તકે ઓટલા પર સામે બેઠેલા મહાનુભાવોને નીહાળી રહ્યો. ભુલા સાથે નજર મળતાં તીરસ્કારની એક લહેરખી ગોવાના મુખ પર ફરી વળી. આણે જ આખી જમાતનો દ્રોહ કર્યો હતો. આણે જ આ તબાહીને ખેંચીને આણી હતી. રુપલીએ દયા કરી તેને જવા ન દીધો હોત તો એ આજથી વર્ષો પહેલાં કાળભૈરવના શરણે થઈ ગયો હોય.
પણ ખાન સાથેની હવે પછીની વાતચીતમાં, ભુલાની અનીવાર્યતા સમજીને ગોવો આ કડવો ઘુંટડો, કમને ગળી ગયો.
ખાને કહ્યું ,” ગોવાજી! અમારા સામ્રાજ્યમાં આપનું સપ્રેમ સ્વાગત છે. હવે આપણી વચ્ચે કોઈ દુશ્મનાવટ નથી.”
ગોવો મરડમાં બોલ્યો,” આપ દુશ્મન બનીને આવ્યા છો. અમારે તો ક્યાં કોઈની સાથે એમ હતું?”
ખાન ,” જે થયું તે આપ ભુલી જાઓ. તમારી વીરતા અને નવી વીદ્યાઓ હાંસલ કરવાના તમારા સામર્થ્યને મારી સો સલામ. હવે આપને મારા મીત્ર બનવાનું મારું આમંત્રણ છે.”
ગોવો, “ મીત્ર શાના ? અમે તો તમારા શીકાર છીએ.”
ખાન,” હા! મને અવનવા પ્રદેશો મારી હકુમતમાં આણવાનો શોખ જરુર છે. બોલો તમારી સાથે હું કેવો વ્યવહાર કરું?”
ગોવો,” મને મીત્ર કહ્યો છે, તો મીત્રને છાજે તેવો.”
ખાન ,” મારા વતી તમારા પ્રદેશનું શાસન કરવાનું સ્વીકારશો? “
આ વાક્ય ગોવાને સંભળાવતાં ભુલાના પેટમાં તેલ રેડાયું. ખાન સાથેની તેની મીત્રતાનો અંત આવતો તેને જણાયો. ‘ તેણે કરેલી બધી જફા એળે જશે કે શું? મોંમાં આવેલો કોળીયો ઝુંટવાઈ જશે કે શું?’ ભુલાને ખાનની આ ઉદારતા બીનજરુરી અને પોતાનાં હીતને જોખમાવતી લાગી. પણ તેની પાસે ખાનની ઈચ્છાનો કોઈ વીકલ્પ પણ ક્યાં હતો?
ગોવો,” અમે સ્વતંત્ર હતા, ત્યારે પણ હું કોઈ જોહુકમી કરતો ન હતો. અમે બધાં તો કુટુમ્બીઓની જેમ રહેવા ટેવાયેલા છીએ.”
ખાને કરડાકીથી કહ્યું, ”બદલાયેલા સંજોગોમાં તમારે અમારી રીતે જીવવાનું સ્વીકારવું પડશે.”
ગોવો ,” અમે લોકો તો સ્વતંત્ર પંખીની જેમ રહેનારા છીએ. હું આપનો આશ્રીત બનવા કરતાં મરવાનું વધારે પસંદ કરીશ. ”
ખાન ત્વરીત નીર્ણય લેવા ટેવાયેલો હતો. “ જેવી તમારી ઈચ્છા. મેં તો તમને એક તક આપી. હવે અહીંના મારા સુબા તરીકે બીજી કોઈ વ્યવસ્થા વીચારવી પડશે.”
ભુલાના પેટમાં ટાઢક વળી. ગોવાનો ગર્વ ભુલાને મીઠો મધ જેવો લાગ્યો.
ખાને તરત બીજો વીષય છેડ્યો. “ તમારી સ્ત્રીઓ કેમ દેખાતી નથી? “
ગોવો ,” તમે લોકો સ્ત્રીઓને ખરાબ નજરથી જુઓ છો; એમની સાથે અણછાજતો વ્યવહાર કરો છો : તેવી અમને જાણ થતાં, અમે તેમને અહીંથી દુર, મોકલી દીધી છે.”
ખાન ,” સ્ત્રીઓ તો પુરુષોને આનંદ આપવા માટે બનાવાયેલી છે; એમ અમે માનીએ છીએ. અમારી સ્ત્રીઓ પણ આવા જ વીચારની હોય છે. કોઈ પણ પુરુષ સાથે મુકત સહવાસને એ બધીઓ આનંદથી માણતી હોય છે.”
ગોવો .” એ તમારી રીત હશે. અમારી નજરે તો દરેક સ્ત્રી એક માતા છે – અમારી જોગમાયા જેવી.”
ખાન વ્યંગમાં હસ્યો,” તમે તમારી માતાની સાથે સંહવાસ કરો છો?”
ગોવો સમસમી ગયો. તેને ખાનના પ્રદેશની બાઈસનના શીકાર નૃત્યની ખબર હતી. તેણે કહ્યું ,” તમે તો જેને મહાન તત્વ ગણો છો; તેની ક્રુર રીતે હત્યા કરતા હો છો.“
ખાને કહ્યું,” આ ચર્ચાનો કશો અર્થ નથી. આપણી માન્યતાઓ એકબીજાથી સાવ વીપરીત છે. પણ સ્ત્રીના મા બનવાને તમે માન આપો છો; તે મને ગમ્યું. એ ભાવનાનો આદર કરવાનું અમારે શીખવું પડશે. પણ મીત્રતાનો મેં લંબાવેલો હાથ તમે ઠુકરાવ્યો છે; આથી તમારે માટે મારે બીજી કોઈ વ્યવસ્થા વીચારવી પડશે.ચાલો, કાલ સવારની સભામાં મારા આખરી નીર્ણયો હું જાહેર કરીશ.”
જગ્ગાએ તાળી પાડી સૈનીકોને તંબુની અંદર બોલાવ્યા અને એમની સાથે ગોવાને વીદાય આપી. ગોવાના ગયા બાદ ખાને બીજા સરદારોને મંત્રણા માટે પોતાના તંબુમાં બોલાવ્યા.
Like this:
Like Loading...
Related
‘સ્ત્રીના મા બનવાને તમે માન આપો છો; તે મને ગમ્યું. એ ભાવનાનો આદર કરવાનું અમારે શીખવું પડશે. પણ મીત્રતાનો મેં લંબાવેલો હાથ તમે ઠુકરાવ્યો છે’છે. આ ખરી કસમકશ!
પ્રેમના દરિયામાં કાયમ ભરતી છે. મૈત્રીના વનમાં અનંત વસંત છે. આપણે એવા બનીએ કે આપણે …. વેરમાં વિલાપ છે, જ્યારે સ્નેહમાં મિલાપ છે. વેરમાં વિસર્જન છે, જ્યારે સ્નેહમાં સર્જન
યાદ આવી પંક્તિઓ
પ્રણય પંથે જનારો સિદ્ધિની પરવા નથી કરતો,
ફના થઈ જાય છે કિંતું કદમ પાછા નથી ભરતો.
સમયની બેવફાઈ પર ભરોસો આવશે ક્યાથી,
જીવનમાંથી ગયેલો શ્વાસ જ્યાં પાછો નથી ફરતો.