વીતેલી વાર્તા વાંચવા ઉપર આપેલા ટેબમાંથી
’નવલકથા’ ટેબ ઉપર ‘ક્લીક’ કરો.
-——————————————
ઘમસાણ યુધ્ધ પછીના ત્રીજા દીવસની સવાર પડી. ખાન, ગોવો, પાંચો અને પચાસ સૈનીકોએ ગોવાના નેસમાંથી પ્રસ્થાન શરુ કર્યું.
ત્રસ્ત મને ગોવો વીચારી રહ્યો હતો.
વીહો અને લોકલાડીલી રુપલી જોજનો દુર હતાં. કાળુ અને લાખો કાળભૈરવના સપાટામાં કામ આવી ગયા હતા. પોતે અને પાંચો સ્વદેશથી હમ્મેશ માટે, બહુ દુર વીદાય થઈ રહ્યા હતા. બીજો કોઈ સ્થાનીક રહેવાસી બાકીની વસ્તીને નેતાગીરી અને દોરવણી આપી શકે તેમ ન હતું. સ્ત્રીઓ સાથે દુર્વ્યવહાર નહીં કરવાની ખાને ખાતરી આપી હતી. જોગમાયાની પુજાને તેણે આદર આપી માન્ય રાખી હતી. હવે વસ્તી પર ખાનના સુબાનો અંકુશ જડબેસલાક અને અફર રીતે સ્થાપી દેવામાં આવ્યો હતો. ખાનની અજીબોગરીબ દુરંદેશીતા અને રાજકીય કુશળતાનો તે કડવા મનથી અહેસાસ કરી રહ્યો.
ગોવો અને પાંચો આ પદયાત્રામાં ખાનની પડખે જ હતા. તેમની પાસે કોઈ શસ્ત્ર ન હતું. ઉપરાંત ચાર સૈનીકો ભાલા અને તીરકામઠાં તૈયાર રાખીને આ ત્રણની આજુબાજુ, ચાંપતી નજર સાથે ચાલી રહ્યા હતા. ગોવો અને પાંચો કોઈ સંજોગોમાં ખાનને ઈજા પમાડી શકે અથવા ભાગી શકે તે અશક્ય હતું.
ગોવાએ ઈશારાથી ખાનને જણાવ્યું કે, તે સ્વદેશ છોડતાં પહેલાં જોગમાયાની ગુફાએ છેલ્લીવાર જવા માંગે છે. ખાને સમ્મતીમાં ડોકું ધુણાવ્યું. નદી ઓળંગીને આખી પલટને પર્વત પર આવેલી જોગમાયાની ગુફા તરફ પ્રયાણ શરુ કર્યું. બપોર સુધીમાં તો બધા ત્યાં પહોંચી ગયા. થોડીક વાર જોમાયાના આદરમાં નમન કરી ખાન ગુફાની બહાર આવી ગયો. હવે ગુફાની અંદર માત્ર ગોવો અને પાંચો જ રહ્યા.
અને ગોવો મનનો બધો ઉભરો કાઢી, માતા આગળ છાતીફાટ રડવા લાગ્યો. તેની જીંદગીનો આ કરુણમાં કરુણ અવસર હતો. એના મનનો સંતાપ ન જીરવી શકાય તે રીતે ઉભરાઈ રહ્યો હતો. તેના આખાય આયખાની ઉપલબ્ધી એળે ગઈ હતી.
આ કાળમુખી ઘડી માટે માતાએ તેને વીશીષ્ઠ શક્તી આપી હતી? આ માટે તેણે નદી ઓળંગી હતી? આ માટે તે તરતાં શીખ્યો હતો? આ માટે તેણે નદીપારની વસાહત સ્થાપી હતી અને વહાલાં કોતરવાસીઓનાં જીવન સુખ અને સમૃધ્ધીથી ભરી દીધાં હતાં? અત્યાર સુધી કેવી સભર અને સક્રીય જીંદગી તેણે સ્વમાન ભેર ગુજારી હતી? આખી જીંદગીની યાદગાર ઘટનાઓ ગોવાના અંતરચક્ષુ આગળ કાફલાની જેમ પસાર થઈ ગઈ.
પાંચા સીવાય કોઈ મીત્ર કે સ્વજન તેની સાથે રહ્યાં ન હતાં. તેને પ્રાણપ્રીય રુપલી અને વ્હાલસોયો કાનો ફરી કદી તેને જોવા મળવાનાં ન હતાં. તે સાવ એકલો અને અટુલો પડી ગયો હતો. તે હવે પોતાની જીવન સફરનો સ્વામી ન હતો. તે ખાનનો દાસ , આશ્રીત બની ગયો હતો. મહાન ગોવો એક પરદેશીનો ગુલામ બની ગયો હતો.
કડવા ઝેર જેવા થુંકને ગોવો ગળી રહ્યો. મન ખાટું થઈ ગયું. માતાની મ્લાન સુરત અને નીસ્તેજ આંખો ગોવાને કશોય સંદેશ આપવા સક્ષમ રહ્યાં ન હતાં. કોઈ પ્રેરણા કે ભવીષ્યના કાર્ય માટેનો સંકેત આપવા આ ગુફા હવે અસમર્થ હતી. અને આના સીવાય બીજું કયું પ્રેરણાસ્થાન ગોવા માટે હતું? ગોવો ન ભરી શકાય તેવા ખાલીપાના ઉંડા કુવાના ગર્તામાં પોતાની જાતને ડુબતી અનુભવી રહ્યો. એ કાળા ડીબાંગ તલાતલમાં તેનો કોઈ સહારો ન હતો – જોગમાયા પણ નહીં.
પાંચાએ ગોવાના ખભા પર હાથ મુક્યો. પણ એ હાથમાં હવે કોઈ કૌવત ન હતું; કોઈ આશાયેશ ન હતી. કોઈ સધીયારો ન હતો. બન્ને જીગરી મીત્રો એકમેકને ભેટીને ચોધાર આસુએ રડવા લાગ્યા – અસહાય, અશક્ત, દરીદ્ર, ઉપેક્ષીત, ગુલામ.
એમની આ શોકમગ્ન અવસ્થા કેટલાય વખત સુધી ચાલતી રહી; તેનો કશો ખયાલ એ બે દુખીયારાંને ન રહ્યો. ખાન ફરીથી ગુફામાં પ્રવેશ્યો. તેની સમજુ નજર આ બેનાં પારાવાર દુખને પારખી ન શકે તેવી જડ ન હતી. પણ તેની રાજનીતીમાં આ બેના દુખનો કોઈ ઈલાજ સંભવીત ન હતો. તેણે સહાનુભુતીમાં ગોવાના ચહેરા પર નજર માંડી અને ગોવાના બરડા પર હાથ ફેરવ્યો. એમાં શાસકનો ઉપહાસ ન હતો : એક નવી મીત્રતાનું ઈજન હતું.
ત્રણે જણ ભારે પગલે ગુફાની બહાર આવ્યા. પર્વત ઉતરીને કાફલો નદીકીનારે નીચેની તરફ આગળ વધ્યો.
નદીકીનારે રાતવાસો કરી, બે દીવસે બધા પર્વતમાળાના ઘાટ આગળ આવી પહોંચ્યા. ખાનની આંખો તેની ઘોડેસ્વાર સેનાને સમેસુતર નદીકીનારે આવી પહોંચેલી જોઈ, નવી ખુશીમાં નાચી ઉઠી. ઘાટનો રસ્તો હવે તૈયાર હતો. અગણીત કાફલાઓની આવન જાવન માટે નવો અને સરળ રસ્તો થનગનાટ કરી રહ્યો હતો. ભવીષ્યમાં મેદાનો પર ત્રાટકનાર અગણીત સેનાઓને નવો માર્ગ આમંત્રણ પાઠવી રહ્યો હતો.
પણ શોક સમાધીમાં નીર્ગત બની, છેક ઉંડે ડુબેલા ગોવા અને પાંચાને હવે કોઈ નવી યાતનાઓ વધારે ઉંડે ડુબાડી શકે તેમ ન હતાં.
Like this:
Like Loading...
Related
શોક સમાધીમાં નીર્ગત બની, છેક ઉંડે ડુબેલા ગોવા અને પાંચાને હવે કોઈ નવી યાતનાઓ વધારે ઉંડે ડુબાડી શકે તેમ ન હતાં
ગમનો પ્રસંગ હો કે
ખુશીનો પ્રસંગ હો ।
કોઈને સમાધી કે
પ્રિયાનો ઉછંગ હો ।।
કર્તવ્યમય જીવને વળી
સ્થળ અને કાળ શું ?।
હસતાં રહે છે ફુલ
ગમે તેવો રંગ હો ।।
આજ જન્મે પ્રિયતમને શાશ્વત ગાઢ આલિંગન કરવું છે તેવો નિશ્ચય કરીને જે સાધનામાં તત્પર થઈ જાય છે તે પ્રતિબંધોના પહાડને સહેલાઈથી ઓળંગી જાય છે.