વીતેલી વાર્તા વાંચવા ઉપર આપેલા ટેબમાંથી
’નવલકથા’ ટેબ ઉપર ‘ક્લીક’ કરો.
-——————————————
ખાનનો કાફલો ઘોડાઓ પર પુરપાટ સ્વદેશ પાછો વળી રહ્યો હતો. આક્રમણ પહેલાંની ધીમી ચાલ હવે જરુરી ન હતી. પગપાળા સૈનીકો, તેમના પડાવ, અને યુધ્ધ : આ બધાં માટેની સામગ્રી હવે પાછી લાવવાની ન હતી. આથી જે અંતર કાપતાં એક મહીનો લાગ્યો હતો; તે ત્રણેક દીવસમાં જ કપાઈ જવાનું હતું. વળી એક વીશાળ પ્રદેશ પર કબજો જમાવ્યાના વીજયનો અને ઘાટનો નવો રસ્તો બનાવ્યાનો કેફ પણ હતો.
ખાન પોતાની દુરંદેશી પર મનોમન પોતાની પીઠ થાબડી રહ્યો હતો. તેણે એક સાવ અજાણ્યા મુલક પર પોતાનું સાર્વભૌમત્વ સ્થાપીત કર્યું હતું, એટલું જ નહીં; પણ શેષ જનતાને નેતાવીહોણી કરી દીધી હતી. નવી પ્રજાનાં બે અમુલ્ય રત્નો – ગોવો અને પાંચો – તેના પાષાણ સકંજામાં કેદ હતા. ગોવાના બે ખાસ સાથીઓ કાળુ અને લાખો ઘમસાણ યુધ્ધમાં મૃત્યુ પામ્યા હતા. ગુઢ જ્ઞાન અને ડહાપણના ભંડાર જેવો ગોવાનો સાથી વીહો ભાગી ગયો હતો.
અંતરના છેક ઉંડાણમાં ખાનને એક માત્ર આશંકા જાગી ઉઠી. ‘ગોવાની પત્ની અને તેનો બાળ વારસ તેના કબજામાંથી સફળતા પુર્વક છટકી ગયા હતા. તેની કેળવણી માટે વીહા જેવો કાબેલ વડીલ રુપલીની તહેનાતમાં હતો. પણ તે કદાચ નવો પડકાર ઉભો કરે, અને નવા ભયમાં પરીવર્તન પામે; ત્યાં સુધીમાં તો મારો રાજ્યકાળ ખતમ થઈ જવાનો. એ દરમીયાન જગ્ગો નવા પ્રદેશમાં પોતાનું શાસન જડબેસલાક સ્થાપીત કરી શકે તેટલો કાબેલ હતો જ. મેં મારા બાપની આબરુ, આણ અને સામ્રાજ્યને અનેક ગણાં વધાર્યાં છે. મારો દીકરો જરુર મારાથી સવાયો થશે, થશે ને થશે જ.‘
ખાને પરમ સંતોષનો શ્વાસ લીધો.
આની વીરુધ્ધ ગોવો પરમ હતાશાના ગર્તામાં ઉંડે ને ઉંડે સરકતો જતો હતો. તેની સાથે બીજા ઘોડા પર સવાર પાંચાના હાલ પણ ક્યાં સારા હતા? પાંચાની કશી કુનેહ આ કાળઝાળ આપત્તીનો ઉકેલ શોધવા કામ લાગે તેમ ન હતું. બન્ને મીત્રો અસહાયપણે, નદીના પુરમાં ઝાડનું થડ ઢસડાતું રહે; તેમ નીર્ગત ભાવે પ્રચંડ વેગથી પોતાની દુર્દશાની કોઈક અજ્ઞાત અને ભયાવહ ખાઈ તરફ ધસી રહ્યા હતા.
ઘોડાના તીવ્ર વેગની સાથે ગોવાને પોતે કરેલો પહેલો શીકાર યાદ આવી ગયો. તે કીશોરાવસ્થામાં માંડ પહોંચ્યો હતો, અને મોટેરાંનું અનુકરણ કરીને એક હરણને પથ્થર મારીને ભોંય ભેગું કરી દેવા પ્રયત્ન કરી રહ્યો હતો. હરણ તીવ્ર વેગે તેનાથી દુર ભાગી રહ્યું હતું. ગોવાની દોડની ઝડપે કોઈ સંજોગોમાં તે હરણને પકડી શકે તેમ ન હતું. ત્યાં કોઈક મોટો કાંટો હરણના પગમાં ભોંકાતાં, તે લંગડાતું થઈ ગયું હતું. અને યોગ્ય અંતરે ગોવાએ તાકીને પથ્થર હરણના માથા પર ઝીંક્યો હતો. મરતી વખતે હરણે જે દૃષ્ટીથી ગોવા સામે જોયું હતું; તે ગોવાને આજે યાદ આવી ગયું. હવે તે શીકારીમાંથી ખુદ શીકાર બની ગયો હતો; અને પારધી તેને બંદીવાન કરીને હરણથી પણ વધારે ઝડપે દુર અને દુર લઈ જતો હતો.
ગોવાના વીષાદની ચરમ સીમા આવી પહોંચી. હવે વધારે ગ્લાની અને ચીંતા શક્ય જ ન હતા. તેને ભાસ થયો કે તે જમીન તરફ સીધો આગળ ધપી રહ્યો ન હતો; પણ એક અંધારી ઉંડી, કોઈ તળીયા વગરની ખીણમાં સતત નીચે ને વધુ નીચે ફંગોળાઈ રહ્યો હતો. હવે વીચાર પણ વીનીપાતની આ ઝડપને અતીક્રમવા સક્ષમ ન હતા.
એક જ ક્ષણ અને ગોવો સાવ વીચારશુન્ય બની ગયો. ભવ્ય ભુતકાળની મીઠી યાદો, છેલ્લું અધઃપતન અને કાળું ડીબાંગ ભવીષ્ય – આ બધાંના વીચારો એકાએક ઓસરી ગયા. કોઈક અજીબોગરીબ નીરવતા ગોવાના મનોરાજ્યને ઘેરી વળી, સવારના સુર્યના કીરણોમાં રાતની કાલીમા ગાયબ થઈ જાય તેમ, બધો વીષાદ અને ગ્લાની પલાયન થઈ ગયા. કોઈક પરમ શાંતી ચારે તરફ છવાઈ ગઈ.
ઘોડાના પગની દડબડાટી, તીવ્ર વેગમા હડસેલા અને જોશથી ફુંકાઈ રહેલા પવનની લહરીઓ જાતજાતની સંવેદનાઓ ગોવાના અંગ પ્રત્યંગમાં જન્માવી રહ્યાં. આ બધાં પહેલાં પણ હાજર હતા જ; પણ વીચારોના ઘોડાપુરમાં ગોવો તે અનુભવી શકતો ન હતો. હવે આ બધી સંવેદનાઓ મુક્ત રીતે મહાલવા લાગી અને કોઈ અજાયબ પ્રકારની અનુભુતી ગોવાના ચીત્તમાં પેદા કરવા માંડી. ગોવાએ જીવનમાં કદી આવી સંવેદનાઓ અનુભવી ન હતી. કોઈ અસામાન્ય ઘટના ન હોવા છતાં તેમાં કશુંક નવીન હતું.
ગોવાને આ સ્થીતી ગમવા માંડી.
Like this:
Like Loading...
Related
યાદ આવ્યું
મુક્તીનું મુર્તરુપ, પ્રકૃતીનો નીયંતા એટલે જેને આપણે ‘ઈશ્વર’ કહીએ છીએ તે, તમે એ ઈશ્વરનો ઈંકાર કરી શકો નહી – હરગીજ નહી, કારણ કે મુક્તીના ભાવ વગર તમે કશું કાર્ય કરી શકો નહી, જીવી શકો નહી.