વીતેલી વાર્તા વાંચવા ઉપર આપેલા ટેબમાંથી
’નવલકથા’ ટેબ ઉપર ‘ક્લીક’ કરો.
-——————————————
આ નુતન સ્થીતીને આમ ગમાડવા સીવાય બીજો કોઈ વીકલ્પ નથી, તે વાસ્તવીકતાનો ખયાલ પણ હવે ગોવાના ચીત્તને કોરતો ન હતો. કેવળ વર્તમાનની હાજરી જ ગોવો અનુભવી રહ્યો. ગયેલું અને આવનારું કશું આ નીસ્તબ્ધ શાંતીને ખલેલ પહોંચાડી શકે તેમ ન રહ્યું. તેના રોમે રોમમાં કોઈક અજાણ્યા, અણદીઠા ધારાપ્રવાહની લહેરીઓ મસ્તકની ટોચથી પગના અંગુઠાની ટોચ સુધી અને જમણા હાથની આંગળીઓના અગ્ર ટેરવાંથી ડાબા હાથની આંગળીઓના ટેરવાં સુધી ફરી વળતી તે અનુભવી રહ્યો. આગળ પાછળ, ઉપર નીચે, ગોવાના સમસ્ત શરીરમાં કોઈક અજાણી ચેતનાના ધોધના ધોધ ફુટવા માંડ્યા.
પરમ ચેતનાની આ પ્રથમ ઝલકના તેજ પુંજમાં ગોવો નહાતો રહ્યો, ભીંજાતો રહ્યો. તેની સમગ્ર ચીત્તવૃત્તીઓ, સંસ્કારો, પ્રતીક્રીયાઓ, ગમા, અણગમા, પુર્વગ્રહો, સુખ અને દુખ ગૌણ લાગવા માંડ્યા. આમ અને આમ એક નવી જ અનુભુતીમાં મુસાફરીના પહેલા દીવસની સાંજ પડી ગઈ. ઉતારો કરવાનો સમય થઈ ગયો. કાફલો એક વહેળાના કીનારે રાતવાસો કરવા રોકાયો. જમવા માટે કોઈ શીકાર કરવાનો ન હતો. પુરતી સામગ્રીનો પુરવઠો નદી કીનારેથી સાથે જ લાવવામાં આવ્યો હતો. કામ ચલાઉ તંબુઓ ખોડાઈ ગયા. સવારથી ગોવાએ કશું ખાધુ ન હતું. છતાં નવી અનુભુતીમાંથી પ્રગટેલી એક અજાયબ સ્ફુર્તી ગોવો અનુભવી રહ્યો હતો. તેને જમણમાં જોડાવાનો ઈશારો કરવામાં આવ્યો. પણ ગોવાએ ડોકું ધુણાવી ના પાડી.
પાંચો ગોવા પાસે ગયો અને ભોજન કરવા વીનંતી કરી. પણ ગોવો તો ટસનો મસ જ ન થાય. પાંચાએ કહ્યુ,” ગોવા ! આમ તો તું મરી જઈશ. ચાલ હઠ ન કર અને ખાઈ લે.”
ગોવાએ માત્ર ઈશારાથી નન્નો ભણવો ચાલુ રાખ્યો. પાંચાને ડર લાગ્યો- ‘ક્યાંક આનું ફટકી ગયું તો નથી ને?’ પણ ગોવાના મોં પર વીલસતી કોઈક નુતન આભા નીહાળી પાંચો ચોંકી ગયો. આ તો તેનો જુનો અને જાણીતો ગોવો જ ન હતો. આ ગોવાના ખોળીયામાં કોઈક બીજું જ જણ હતું. પાંચાને થયું કે કોઈક ભુત કે પ્રેતે ગોવાના મનનો કબજો લઈ લીધો છે.
પાંચાએ પણ કશું ન ખાધું અને બન્ને જણ તેમના તંબુમાં આડા પડ્યા.
પાંચો ,” ગોવા! તને શું થાય છે. તે તો મને કહે? તું નહીં બોલે તો જીંદગીમાં પહેલી વાર તારા મનમાં પેસી ગયેલા ભુતને કાઢવા મારે તને લાકડીનો માર મારવો પડશે.”
ગોવાના મુખ પર બાળક જેવું સ્મીત વીલસી રહ્યુ* તે બોલ્યો ,”પાંચા! એમ ચીંતા ન કર. એક દીવસ મારી પોતાની સાથે રહેવા દે. મને જોગમાયા કોઈક નવો જ અનુભવ કરાવી રહ્યાં છે.“
કમને પાંચાએ ગોવાના મનનો તાગ કાઢવાના પ્રયત્નો છોડી દીધા અને થોડીક જ વારમાં નીદ્રાદેવીને શરણે થયો.
પણ ગોવાની આંખ મીંચાતી જ ન હતી. સુતેલા શરીરમાં પણ સંવેદનાઓનો પ્રચંડ જળરાશી મુક્તપણે વહી રહ્યો હતો. બધી આશાઓ, નીરાશાઓ, વ્યથાઓ, ચીતાઓ, વીચારો, તર્ક વીતર્ક, મુલ્યાંકનો, અપેક્ષાઓ બાજુએ મેલીને ગોવો આ પુરમાં તણાતો જ રહ્યો. અજાણ્યા પરમ સુખની અનુભુતી કરતો રહ્યો. જેમ જેમ રાત જામતી ગઈ, તેમ તેમ આ પ્રવાહ રાતની નીરવતામાં શાંત પડવા માંડ્યો. હવે એક નવી જ પરમ શાંતીએ ગોવાના મસ્તીષ્કને ઘેરી લીધું.
અને એ અભુતપુર્વ શાંતીમાંથી પહેલો સાવ નવો જ વીચાર ઉપસી આવ્યો. ગોવો આશ્ચર્ય ચકીત બની ગયો. એ વીચાર તેની પોતાની જાણીતી ઓળખમાંથી ઉપજ્યો ન હોય તેમ ગોવાને લાગ્યું. કોઈક જુદું જ હોવાપણું ગોવાની અંદર રહીને વીચારી રહ્યું હતું. એ ખચીત ગોવો ન હતો. તેની કોઈક નવી જ ઓળખે જન્મ લીધો હતો.
ગોવાને પોતાના જીવનના આખાયે પ્રવાહનું એક નવું જ દર્શન થવા માંડ્યું – કોઈ મુલ્યાંકન, ગમા કે અણગમા, રાગ કે દ્વેશ વીનાનુ દર્શન. પોતાના આખા જીવનને તે એક પ્રવાહ રુપે નીહાળી રહ્યો. ઘટી ગયેલી બધી ઘટનાઓ આ પ્રવાહના તરંગો જેવી તેને લાગવા માંડી. બધા આપ્તજનો, મીત્રો, સ્નેહીઓ, અરે! દુશ્મનો અને દ્વેષીઓ નવી ઓળખ સાથે તેના ચીત્તમાં નવું સ્થાન લેવા માંડ્યા. જીવનની ઘટનાઓ સુખદ કે દુખદ જણાવાના બદલે સહજ જણાવા લાગી.
જોગમાયા માટેનો આદર, કાળભૈરવનો ભય, કે ખાનની જાતીની વધ્ય બાઈસન દેવની વીચીત્ર લાગતી માન્યતા પ્રત્યેનો કડવો તીરસ્કાર – આ બધાં પણ ઓગળી ગયાં હોય; તેમ ગોવાને લાગવા માંડ્યું. આ બધી માન્યતાઓ કોઈ આધાર વીનાની છે; તેમ તેને સ્પષ્ટ રીતે જણાઈ ગયું. મનની નબળાઈઓમાંથી પ્રગટેલ આ બધી, અવાસ્તવીક ભ્રમણાઓ ઘડીના છઠ્ઠા ભાગમાં ગાયબ થઈ ગઈ. સતત અને સર્વત્ર પ્રવર્તમાન પરમ ચેતના અને સત્યને ગોવો પોતાના શરીર અને મનમાં વીલસતાં અનુભવી રહ્યો.
એક નવા ગોવાનો જન્મ થયો હતો. તે હવે વીમુક્ત બન્યો હતો, વીતરાગ અને સ્થીતપ્રજ્ઞ બન્યો હતો.
Like this:
Like Loading...
Related
મારી નમ્ર વિનંતિ છે કે મારા બ્લોગને આપ યાદીમાં શામીલ કરશો.
બ્લોગનિ લિન્ક- http://gujratisms.wordpress.com
રાગ-દ્વેશ અંતઃકરણના આગંતુક વિકાર છે,
ધર્મ નહીં.
ધર્મ સ્થાયી રહે છે
અને
વિકાર અસ્થાયી અર્થાત આવવા-જવાવાળા હોય છે.
રાગ-દ્વેષ અંતઃકરણમાં આવવા-જવાવાળા છે.
તેથી તેને મટાડી શકાય છે