વીતેલી વાર્તા વાંચવા ઉપર આપેલા ટેબમાંથી
’નવલકથા’ ટેબ ઉપર ‘ક્લીક’ કરો.
-——————————————
ખાનના કાફલાના પાછા આવ્યા બાદ, ચોથા દીવસે હજુ સુધી ન થયા હોય તેવા દબદબાભર્યા વીજયોત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું. તેની તડામાર તૈયારીઓ શરુ થઈ ગઈ હતી.
જુન્નોનાં કામણ અસફળ રહ્યાની રાત પછીની પહેલી સવારે જુન્નો ખાનના તંબુમાં પહોંચી ગઈ. ખાન અને તેની રાણી જુન્નોની કામીયાબીના સમાચાર જાણવા આતુરતાથી રાહ જોઈ રહ્યાં હતાં ખાને આંખ મીચકારી જુન્નોને પુછ્યું ,” કેમ બરાબર લપેટાઈ ગયો ને?”
લટકેલા મુખે જુન્નોએ પોતાની અસફળતા દર્શાવતાં કહ્યું,” આ માણસ ભયંકર છે. તેને સમજવો કે વશ કરવો એ કોઈના પણ ગજા બહારની વાત છે. “
ખાન ચોંકી ગયો. જુન્નોનાં કામણ આગળ ચીત ન થઈ જાય તેવો કોઈ પુરુષ હોય; તેમ તે માની ન શક્યો. જો કે, જુન્નોએ પોતાના અંતરમાં સંતાડેલી વાત ખાનને ન જ જણાવી. એની જાગી ઉઠેલી માતૃત્વની ઝંખના પ્રગટ કરીને તે પોતાના માટે તકલીફ વહોરી ન લેવા જેટલી સતેજ હતી.તેણે ખાનને ખાતરી આપી કે તે તેનાં બધાં કામણ કામે લગાવી ગોવાને પોતાનો દાસ બનાવી દેશે.
પણ, આ ચાર દીવસના ગાળામાં ગોવા અને જુન્નો વચ્ચે એક વીશીષ્ઠ સંબંધ સ્થપાઈ ગયો– ગુરુ અને શીષ્યાનો સંબંધ. ગોવાની બાળક જેવી સરળતા પર જુન્નો ઓવારી ગઈ હતી. અનેક પુરુષોની સોડ સેવી ચુકેલી જુન્નોએ આવો પુરુષ ક્દી જોયો ન હતો. ગોવા સાથે તેની અદભુત આત્મીયતા સધાઈ ગઈ હતી.
ખાન પોતાનું આ અમોઘ શસ્ત્ર નીષ્ફળ જવાના કારણે ચીંતાતુર બની ગયો. બે શક્તીશાળી શત્રુઓ – ત્રીકાળદર્શી વીહો અને મેધાવી પાંચો એને હાથતાળી આપી સરકી ગયા હતા. એમના શીરમોર સમ, આ દુશ્મન એની નજરકેદમાં હોવા છતાં, ખાન એને સમજી શકતો ન હતો, એની ઉભરી રહેલી નમ્રતા અને અમાનુષી પ્રકાશ ખાનને અકળાવી રહ્યાં. જુન્નો જેવી જન્નતની હુરની માયા ન લાગે તે કલ્પી ન શકાય તેવી વાત હતી. ગોવાનું શું કરવું; તે એના માટે માથાનો દુખાવારુપ અને પેચીદો પ્રશ્ન બની ગયો. બહુ વીચારને અંતે ખાન એક અફર નીર્ણય પર આવ્યો.
***
અભેધ્ય પર્વતની પારના પ્રદેશમાં પહોંચવાના ઘાટની શોધ, ખાને એ પ્રદેશ પર મેળવેલ અભુતપુર્વ વીજય અને સમશીતોષ્ણ હવામાન વાળા અફાટ અંતર સુધી પથરાયેલા એ પ્રદેશનાં વર્ણનો પાછા વળેલા સૈનીકો પાસેથી કર્ણોપકર્ણ વીજવેગે બધે ફેલાઈ ગયા હતા. આને કારણે ખાનની પ્રતીષ્ઠા અને દુર્જેયતામાં અનેક ગણો વધારો થયો હતો. આથી વીજયસભા શરુ થતાં અગાઉ, આજુબાજુના કસ્બાઓમાંથી પ્રજાનાં ધાડેધાડાં ઉમટી આવ્યાં હતાં. કદી આટલી મેદની ભેગી થઈ ન હતી. કોઈ આ અપ્રતીમ અવસર ટાળવા તૈયાર ન હતા.
આટલી બધી માનવમેદનીનો સમાવેશ કરવા, મેદાનની બાજુના તંબુઓ ખસેડી નાંખવામાં આવ્યાં હતાં. ઘણાં બધાં ઝાડ, ઝાડી અને ઝાંખરા ઉચ્છેદીને મેદાન મોટું કરવામાં આવ્યું હતું. કડકડતો શીયાળો બેસી ગયો હોવા છતાં, હકડેઠઠ ભીડ ભેગી થઈ ગઈ હતી. દર વખત કરતાં વધારે પેશગીની જણસો લઈને પ્રતીનીધીઓ આવી પહોંચ્યા હતા. નવા પ્રદેશમાં જનાર બીજા સૈન્યમાં જોડાવા પણ પડાપડી થતી હતી. છેવટે બધાંની આતુરતાનો અંત આવ્યો. ખાનના રસાલાએ વીજયસભામાં દબદબાભર્યો પ્રવેશ કર્યો.
ગોવાએ આટલી બધી મેદની કદી ભાળી ન હતી. લોકોના શરીર પરના શણગાર, મંચ પરના મહાનુભાવોનો આંખો આંજી નાંખે તેવો આડંબર અને ખાન અને તેની રાણીની જાજ્વલ્યમાન પ્રતીભા જોઈ તે વીચારતો થઈ ગયો. તેના પ્રદેશની બધી વસ્તી ભેગી થઈ હોત, તો પણ ખાનના વીજયને ખાળી ન જ શકાત; તેની પ્રતીતી ગોવાને થઈ ગઈ.
ખાનના આવી પહોંચ્યા બાદ વયોવૃધ્ધ શમને(*) અંતરની વાણીથી પ્રાર્થના ગાઈ અને આશીર્વચન ઉચ્ચાર્યાં. ખાનના પ્રદેશમાં ચેતનાની ઉચ્ચ સ્થીતીએ પહોંચેલ શમન સૌથી વધારે પુજ્ય ગણાતા. ખાન જેવા સર્વોચ્ચ રાજ્યકર્તા પણ એમને માન આપતા. શમન પ્રાણી, વનસ્પતી અને પ્રકૃતીનાં તત્વો સાથે વાત કરી શકે છે; તેમ મનાતું. અસાધ્ય દર્દો અને કોયડાઓના ઉકેલ તેમને પરમ તત્વ કહી જાય છે; એમ સૌ માનતા.
ગવૈયાઓએ મધુર કંઠે પ્રશસ્તીગાન ગાયાં. સ્ત્રીઓએ આકર્ષક અંગભંગીમાં નૃત્યો કર્યાં. અને બાઈસન દેવના વધનું પ્રણાલીકાગત નૃત્ય તો ખરું જ. અંગકસરતના હેરતભર્યા પ્રયોગો બાદ મલ્લકુસ્તીનો અત્યંત લોકપ્રીય મુકાબલો શરુ થયો.
દર વખતની જેમ મલ્લોની પ્રચંડ કાયાઓ વચ્ચે ખરાખરીના ખેલ મંડાયા. છેવટે ભુલાએ જેને હરાવ્યો હતો; તે જીતમલ્લ સર્વોપરી બનીને મગરુરીમાં મહાલી રહ્યો.
અને તેણે મોટેથી લલકાર કર્યો. “ ખાન દરબાર મેદાનોના પ્રદેશના રાજાને પકડીને લાવ્યા છે. મારો એને પડકાર છે કે, માઈનો પુત હોય તો મારી સાથે કુસ્તીમાં ઉતરે.”
આખી મેદનીમાં નીરવ શાંતી છવાઈ ગઈ. આવી જ મુઠભેડ બાદ જીતમલ્લને હરાવનાર ભુલો બહુ લોકપ્રીય બની ગયો હતો. લોકોએ ભુલાથી અનેક ગણા ચઢીયાતા, વતનમાંથી તેને ભગાડનાર તેના પ્રતીસ્પર્ધી અને મહાન શક્તીઓ ધરાવનાર ગોવાના ઘણાં વર્ણનો સાંભળ્યાં હતાં. આ જોડીની કુસ્તી કેવી રહે છે અને તેમાં કોણ વીજયી નીવડે છે; તે જાણવા સૌ તલપાપડ બની ગયા.
જુન્નોએ ગભરાટ સાથે આ પડકાર ગોવાને કહી સંભળાવ્યો. ગોવાની ઋજુતા જીતમલ્લ આગળ પોચટ જ પુરવાર થશે; તેની તેને વ્યાજબી આશંકા હતી. તેના વીલાસી જીવનમાં અપરીવર્તનશીલ ફેર લાવનાર આ મહાન પુરુષ જીતમલ્લના હાથે ધુળમાં રગદોળાઈ જાય; તેવો ભય તેના અંગ પ્રત્યંગમાં વ્યાપી રહ્યો. ખાન પણ મુછમાં હસી રહ્યો હતો. ગોવો મુકાબલો કરવા તૈયાર ન થાય તો તેનો નૈતીક પરાજય અને જીતમલ્લ સાથે બાથ ભીડે તો તેનું મૃત્યુ નીશ્ચીત હતાં. ગોવાનો માનભંગ કે પરાભવ થતો જોવા તે પણ તલપાપડ બની ગયો.
પણ ગોવો?
પુર્ણ સ્વસ્થતા સાથે તે ઉભો થયો અને મેદાનમાં પ્રવેશ્યો. હવે શું બને છે; તે જોવા અને જાણવા બધા અધ્ધર શ્વાસે મેદાનમાં ઉભેલા બે વીરો તરફ નીહાળી રહ્યા.
….
શમન –
મોંગોલીયન, એસ્કીમો, પ્રાચીન રશીયન, તુર્ક, હુણ વીગેરે ઉત્તર એશીયાઈ જાતીઓમાં પરમ તત્વને પામેલી પુજ્ય વ્યક્તી. આ પ્રજાઓના રાજાઓ અને સરદારો પણ આવી પવીત્ર વ્યક્તીઓનો આદર કરતા.
આ વીશે વધુ જાણવા અહીં ‘ ક્લીક’ કરો. – 1 – : – 2 –
ગદ્યસુર પર શમન
Like this:
Like Loading...
Related
અમારા આદિવાસીનો વિજયોત્સવ ગલ ઉત્સવ. હોળીના તહેવારના સમયે ઉજવાતા આ તહેવારની શરૂઆત થાય છે માનતા માંગવાથી.જો માનતા પૂરી થઈ જાય તો પોતાના ઈષ્ટદેવ પ્રત્યે આભાર વ્યક્ત કરવા માટે આ લોકો પોતાના શરીરમાં લોખંડના હુક જેને સ્થાનિક ભાષામાં આંકડાં કહેવાય છે, લગાવીને ઉંચા ગલના હીંચકામાં ઝૂલે છે. ગલના ચક્કર લગાવનારા વ્યક્તિને પડિયાર કહે છે. પડિયારનો દાવો છે કે તેમને આ પીડા આપનારા રિવાજને નિભાવવા દરમિયાન કોઈપણ જાતની તકલીફનો અનુભવ થતો નથી. આવા જ એક પડિયાર ભંવર સિંહે અમને જણાવ્યુ કે ગયા વર્ષે તેણે અહીં છોકરો થવાની બાધા રાખી હતી. એક વર્ષમાં તેમની ઘરે બાબો આવી ગયો હવે તેઓ ગલમાં ચક્કર લગાવીને ઈશ્વરનો આભાર માની રહ્યા છે.આ રિવાજ ક્યારે શરૂ થયો તેના વિશે કોઈ નથી જાણતુ પણ આદિવાસી સદિઓ જૂની આ પરંપરાને નિભાવતા આવી રહ્યા છે. આ લોકો રાવણ પુત્ર મેધનાથને પોતાના ઈશ્વર માને છે અને તેના સમ્માનમાં જ આ રિવાજ પાળવામાં આવે છે..
પ્રિય સુરેશ ભાઈ તમારાં લખાણો ફરી ફરીને વાંચવાનું મન થાય એવાં ખૂબી દાર હોય છે .