વીતેલી વાર્તા વાંચવા ઉપર આપેલા ટેબમાંથી
’નવલકથા’ ટેબ ઉપર ‘ક્લીક’ કરો.
-——————————————
ગોવો જ્યારે ઉભો થયો ત્યારે અવનવા ભાવો તેના મનમાં ઉભરાઈ આવ્યા. તેનું સ્વમાન, તેની જાતીનું ગૌરવ, આખા આયખાની પ્રતીષ્ઠા – આ બધું જાણે હોડમાં મુકાતું હોય, તેવી લાગણીમાં તે ગરકાવ થઈ રહ્યો.
મંચ ઉપરથી ઉતરી, જેમ જેમ તે મેદાનમાં આગળ વધતો ગયો, તેમ તેમ તેના જીવનનાં ચીત્રોની હારમાળા તેની નજર સમક્ષ પસાર થઈ ગઈ. બાળ અવસ્થાનાં અલ્લડ તોફાનો, કીશોરવયની નદી પાર કરવાની ઘેલછા, યુવાનીના ઉંબરે પગ મુકતાં નદી પાર કરીને મરણને હાથતાળી દઈ વીજયશ્રી સાથે વતનમાં પુનઃ પ્રવેશ, રુપલી સાથેની પહેલી પ્રીત, જોગમાયાના મંદીરમાં લગ્ન અને સોહાગરાતનો ઉન્માદ, નદીને ઓલે પાર વસાહતની સ્થાપના અને પહેલા ગોવાળીયા બનવાનો અનુપમ આનંદ, અવનવી શોધો, નેસવાસીઓની ઈર્ષ્યા, અણીને વખતે ઉપેક્ષા, ખાન સાથે યુધ્ધ, અંતીમ પરાજય અને છેલ્લા થોડાક દીવસોની આ કોઈ અવનવી અવસ્થા.
આ બધીય અવસ્થાઓમાં સતત પરીવર્તન. પામતો રહેલો કયો ગોવો તે હતો? તે સમયના વહેણંની સાથે કેટલો બધો બદલાઈ ગયો હતો? અને છતાં સહેજ પણ ન બદલાયો હોય તેવો કોઈક જણ તેની અંદર હાજરાહજુર હતો. તે જણ તો એમનું એમ જ હતું. આ કોણ વીચારી રહ્યું છે? આખી જીંદગાનીના અનુભવોમાં આ કોણ સતત તેની અંદર પુરાઈને બેઠેલું રહ્યું છે?
આ બધીય અવસ્થાઓમાં પોતાના અસલી હોવાપણાનું વાસ્તવીક સત્ય તો એમનું એમ જ, અક્ષુણ્ણ, અવીચળ હતું – તેનો ભાસ અને સાક્ષાત્કાર ગોવાને થઈ રહ્યો. .
બધાં ચીત્રો ઓસરી ગયાં. આજુબાજુની હકડેઠઠ ભીડ, આ ઘડીએ એના મનમાં અને મેદાનમાં સર્વત્ર વાપેલી ઉત્તેજના, હોડમાં મુકાયેલાં સ્વમાન અને પ્રતીષ્ઠા … એ બધાં એને અદ્રશ્ય થઈ ગયેલાં લાગ્યાં. માત્ર પોતાના, પાયાના હોવાપણાની સાથે ગોવો એકરુપ બની રહ્યો. એકાએક એને પોતાની જાતની અસલી ઓળખ સમજાઈ ગઈ.
અગાઉ દેશનીકાલ બાદ ઘોડા પર સવારી કરતાં કરતાં, હતાશાના ગર્તાની ઉંડી ખાઈમાં ધકેલાતાં; તેમજ જુન્નો સાથે આલીંગન વખતે જાતીય પરાકાષ્ઠાના પ્રારંભ બાદ – અનુભવેલી નીર્વીચારતા કરતાં આ સાવ જુદી જ અનુભુતી હતી. આ તો કેવળ પોતાની જાતનો, સાવ નવો નક્કોર આવીષ્કાર હતો. તેના શરીરના કોશે કોશમાંથી તેનું હોવાપણું ધસમસતું બહાર આવી રહ્યું હતું. વર્તમાન સાથે એકાકાર થવાના આ ઘોડાપુરમાં ગોવો અવશ બનીને તણાયો; તણાતો જ રહ્યો.
હવે તે જીતમલ્લની સાવ લગોલગ આવી ગયો હતો. બન્નેની નજર મળી. પ્રચલીત પ્રણાલીકા મુજબ બન્નેએ એક બીજાના હાથ પકડ્યા અને એકમેકની સાથે બાખડતાં પહેલાં ભેટવા ગયા.
પણ આ શું?
જીતમલ્લ ગોવાની આંખોની પેલે પાર, અંતરની પાળથી ઘુઘવતા તેજને ખાળી ન શક્યો. ગોવાના હાથનો સ્પર્શ થતાં જ કોઈ અજીબોગરીબ ઝણઝણાટી તેના રગે રગમાં વ્યાપી ગઈ.
જીતમલ્લ સાવ નાનો હતો ત્યારથી માતાને ગુમાવી ચુકેલો હતો. પોતાની માતાનું સાવ ભુલાઈ ગયેલું પ્રેમસભર મુખારવીંદ તેના માનસચક્ષુ સમક્ષ તગતગવા માંડ્યું. તેના મલ્લ બાપની મહત્વાકાંક્ષા તેને અજેય મલ્લ બનાવવાની હતી અને તે મહાન ધ્યેયને નજર સમક્ષ રાખીને બાળપણથી તેનો ઉછેર કરવામાં આવ્યો હતો. વાત્સલ્યની કુણી લાગણીઓ તેની આજુબાજુ ફરકવા પણ ન પામે તે માટે તેના બાપે અભેદ્ય પાષાણ જેવી માનસીક વાડો બાંધી દીધી હતી.
પણ ગોવાની સાથે સંસર્ગ થતાં વેંત, ગોવો તેને પોતાની મા જેવો લાગ્યો. આખા આયખામાં દબાવી રાખેલી બધી કુણી લાગણીઓ પાષાણ બંધને એક જબરદસ્ત હડસેલો મારીને ઉભરાઈ આવી. કોઈક ન સમજાય તેવી અપ્રતીમ લાગણીના પુરમાં જીતમલ્લ તણાયો અને બાળકની જેમ આક્રંદ કરી ઉઠ્યો. તેનામાં ગર્ભીત રહેલો પ્રેમ ઉભરાઈ ઉભરાઈને છલકવા લાગ્યો. ગોવાના પગમાં તે આળોટવા લાગ્યો.
એક માતા પોતાના બાળકને વહાલ કરે તેમ, ગોવાએ જીતમલ્લને ઉભો કર્યો અને છાતી સરસો ચાંપ્યો. સમસ્ત મેદની આ શું થઈ રહ્યું છે, તે સમજે; તે પહેલાં જુન્નો ત્યાં દોડી આવી. પોતાનામાં થયેલા માનસ પરીવર્તનની જાહેર પુનરાવૃત્તી જીતમલ્લમાં થઈ રહી છે; તે તરત તેની સમજમાં આવી ગયું.
અને જુન્નોની પાછળ પાછળ વૃધ્ધ શમન પણ દોડી ગયા.
ગોવા પાસે જઈ શમને મોટેથી પોકાર કર્યો ,”ગોવાજી, આવી કરુણા તો હું પણ ન દાખવી શકું. તમે તો મારા પણ ગુરુ છો. મહા શમન! અમારા દેશમાં હું તમારું સ્વાગત કરું છું. અમારી વચ્ચે શુધ્ધ પ્રેમની નદીઓ વહેવડાવો. સૌથી પહેલો મને એનાથી પવીત્ર કરો.”
ગોવાએ જુન્નોનો હાથ જીતમલ્લના હાથમાં મુક્યો. વૃધ્ધ શમન પાશવીક બળ અને અપ્રતીમ માર્દવથી ભરેલા સૌંદર્યના આ સુભગ સંગમને સસ્મીત અને મુક આશીર્વાદ આપી રહ્યા.
ખાન આ અભુતપુર્વ ઘટનાથી હક્ક બક્કા ખાઈ ગયો. શમન જેના પગમાં પડે, તે કેટલો મહાન આત્મા હશે ; તે સમજતાં તેને ક્ષણની પણ વાર ન લાગી. તેની કાબેલ રાજસીકતા ઓગળી રહી. તે પણ આ બધાંની વચ્ચે પોતાની રાણી સાથે આવી ઉભો અને પ્રચંડ નાદે પોકાર કર્યો
“ મહા શમનનો જય હો! “
આમ કહી ખાન ગોવાના ચરણમાં લેટી ગયો. પોતાના લાડીલા નેતા ખાનના આ અભુતપુર્વ પરીવર્તનને પામી જઈ, આખી મેદની ગગન ભેદી નાદે પોકારી ઉઠી ..
’ મહા શમનનો જય હો! ‘
’ મહા શમનનો જય હો! ‘
’ મહા શમનનો જય હો! ‘
————————-
આ ગોવાનો વીજય ન હતો.
માનવ મનમાં ઉચ્ચતમ ચેતનાના પ્રથમ આવીષ્કારનો અંધકાર અને જડતા પરનો બેનમુન વીજય હતો.
માનવદેહમાં ઈન્દ્રીયાતીત ચેતનાની અનુભુતીના પ્રથમ અવતરણનો જયઘોષ હતો.
માનવચેતનાની નદીમાં ક્ષણીક આવી ગયેલા પરમતત્વની ચેતનાના ઘોડાપુરનો આ ઉન્માદ હતો.
=======================
કોતરવાસીઓની નદીમાં આવેલ પુરથી થયેલી શરુ થયેલી આ નવલકથા પરમ ચેતનાના પુર સાથે સમાપ્ત થાય છે.
…સમ્પુર્ણ…
Like this:
Like Loading...
Related
Starting and ending both are fantastic. The similarity between “River” and ‘Life’ is nice.
Only brave people can control them.
Good Novel Sureshbhai
congretulations
જન્મ થતા જીવને પન્ચ ઈન્દ્રીઓ પણ મળે છે.
જીવ તૅનો સદઉપિયોગ કે દરઉપિયોગ કરતો જીવનકાળ વિતાવે છે.
જીવને એટલે ગોદાસ કહેવામા આવે છે.
ગોવિન્દ તો આ ઈન્દ્રીઓનો કર્તા છે.
જીવતો ભોક્તા છે.ગોદાસ છે!
આ નવલકથા મા ગોવાનુ પાત્ર ગોદાસથી ગોવિન્દ તરફ વળતુ જણાય છે.
ઈન્દ્રીયાતીત ચેતનાની અનુભુતીના માનવદેહમાં પ્રથમ અવતરણનો જયઘોષ……
આ ગોવાનો વીજય ન હતો
રાજેન્દ્ર ત્રિવેદી
http://www.bpaindia.org
superb aant che…ghano gamiyo..superb varta sharuaat thi aant sudhi jakadi rakhiyo che…aavi ritej biji varta pan lakhjo..
વાહ
અદભૂત અંત
માનવચેતનાની નદીમાં ક્ષણીક આવી ગયેલા પરમત્તવની ચેતનાના ઘોડાપુરનો આ ઉન્માદ હતો.