સૂરસાધના

ગુજરાતી લેખિનીમાં સ્વૈરવિહાર

કલમ – એક અવલોકન

આ લખવાની કલમની વાત નથી. સાચું પૂછો તો, લખવાના સાધનને આપણે  પેન તરીકે વધારે ઓળખીએ  છીએ. કલમ અને કિત્તો તો ભૂતકાળની, સંગ્રહ સ્થાનની ચીજો બની ગયાં છે. હવે તો એ પેન પણ બહુ ઓછી વપરાય છે. એનું સ્થાન કીપેડ અને માઉસ પચાવવા માંડ્યા છે.

વાત જાણે એમ છે કે, એક નવા હોબીનું ભૂત મને વળગ્યું છે – બોન્સાઈનું.  કોઈ મિત્રે ઈમેલમાં સરસ મજાના  બોન્સાઈના ફોટા મોકલ્યા. લો આ બે ત્રણ અહીં શણગારમાં મૂક્યા.

બોન્સાઈ -1

બોન્સાઈ -2

બોન્સાઈ - 3

પણ માળું આ અદકપાંસળી જીવને  જાતે બોન્સાઈ બનાવવાનો ચાળો સૂઝ્યો ! અને આપણે તો  બાપુ!  બોન્સાઈ બનાવવાના કામમાં લાગી ગયા. પાડોશીને ત્યાં સરસ મજાનાં સફેદ રંગનાં, બારમાસી જેવાં ફૂલોથી ભરચક છોડ જોઈ; એનું બોન્સાઈ બનાવવા, એની બે ચાર મજબૂત ડાળીઓ કાપી લાવ્યો. એમાંથી આઠેક ઈંચ લાંબી, પાંચ છ કલમ મળી ગઈ. એમને જમીનમાં ગાડી દીધી.

વીસેક દિવસ થઈ ગયા. અને બેમાંથી સરસ મજાની, નાજૂક ફૂટ નિકળી આવી છે. હવે ગાડી આગળ હાલવાની. પાંચ વરસનો પ્રોજેક્ટ છે.  હયાત હોઈશ અને તાકાત બાકી રહી હશે; તો  એનો ફોટો  હરખથી ‘ ગદ્યસુર’ પર મૂકીશ.

પણ આજે વાત એ કલમની કરવાની છે – બોન્સાઈની નહીં.

આમ તો એ કલમ છોડ પર હતી; ત્યારે એની પરના અંકુરો પરથી નવી ડાળીઓ ફૂટી હોત. એની પર પાંદડાં અને ફૂલ વિલસ્યાં હોત.

પણ એ કલમ માટીમાં ગોડાઈ છે. એના બહારના અંકુર પરથી નાજૂક પાંદડીઓ ફૂટેલી જોઈ શકાય છે. પણ એ પાંદડીઓ વધતી જાય છે; એના પરથી ફલિત થાય છે કે, જમીનમાં રહી ગયેલા અંકુરમાંથી મૂળ ફૂટ્યું હશે. ઉપરના અંકુરમાંથી ડાળીઓ, પાંદડાં અને છેવટે ફૂલો બનશે. અને નીચેના અંકુરમાંથી મૂળની અદૃષ્ય માયાજાળ વિસ્તરતી જશે.

અંકુર તો બન્ને સરખાં જ હતાં.  પણ જેને હવા અને પ્રકાશ મળ્યાં તેમાંથી બહારી વિસ્તાર ફેલાવાનો.

જેને અંધકાર, માટી અને પાણી મળ્યાં; તેમાંથી પાયાનું, મૂળનું કામ થવાનું.

આ બન્ને અંકુર જરૂરી. એમના વગર કલમમાંથી સરસ મજાનું બોન્સાઈ ન બને.

માનવ બાળ આમ તો બધાં સરખાં જ. પણ કોઈકના નસીબમાં  હવા અને પ્રકાશ; તો કોઈકના નસીબમાં  અંધકાર, કાદવ અને ભેજ. એ કદી જીવનનો ઉજાસ ન પામે.

પણ એના થકી જ તો સમાજનો, સંસ્કૃતિનો બધો ભભકો અને વૈભવ. પાયાની ઈંટ હોય તો જ ઝગમગતા મહેલો આકાશને આંબે. નહીં તો બધું કડડભૂસ – નકર્યો કાટમાળ.

ઓલ્યા બોન્સાઈ જેવા ઝળહળતા નજારા આંખોને આંજી દે. પણ ગંદાં, ગોબરાં મૂળ કોઈને ન દેખાય.  એના ફોટા પડી બ્લોગ પર ન ચઢે.

કોઈકે કહ્યું છે તેમ –

સમ્પત્તિ પિરામીડની ટોચ પર નહીં;
એના પાયામાંથી ઊભી થાય છે.

ઝળહળતી કારકિર્દીવાળા સુભટોને ભલે છાપરે ચઢાવીએ; પણ …

પાયાના માણસને, છેવાડાના માણસને, અદના, અજાણ્યા, અટૂલા, દુખિયારા માનવીને ન ભૂલીએ.

ચાલો છેલ્લે છેલ્લે એક મૂળને પણ અહીં સ્થાન આપીએ – એને દિલી વંદન કરીએ.

સ્ટોબેરીનાં મૂળ

Advertisements

3 responses to “કલમ – એક અવલોકન

 1. pragnaju જુલાઇ 3, 2010 પર 3:32 પી એમ(pm)

  “આ લખવાની કલમની વાત નથી”

  બોનનો અર્થ ‘સ્લો કન્ટેઈનર’ અને ‘સાઈ’નો અર્થ છોડ અથવા છોડને નાના કન્ટેઈનરમાં ઉગાડવાની કળા!
  અમારા મારગી પિઅર્શીનું અનુવાદિત કાવ્ય યાદ આવ્યુ…
  એક હતું બોન્સાઈ વૃક્ષ
  કુંડામાં ઉગેલું જો કે એંશી ફૂટ જેટલું ઉંચું થવા
  સરજાયેલું.
  પરંતુ માળીએ કાળજી પૂર્વક કાતરીને
  એને નવ ઈંચનું રાખી મૂક્યું!
  જીવતા માણસોને વધતા અટકાવવા માટે
  જરા વહેલી શરૂઆત કરવી પડે.
  બંધાયેલા પગ,બહેર મારી ગયેલું મગજ,
  વાંકડિયા વાળ ,અને સ્પર્શ કરવાનું મન થાય
  તેવા કોમળ કોમળ હાથ!
  અને વાત કલમની…અમારા રાજુભાઈએ ગુલાબના એક છોડ ઉપર સાત રંગના ફૂલ પેદા કર્યા હતાં. કાંટા વિનાના ગુલાબના છોડનું સર્જન કર્યું હતું. આકડાના છોડ પર બોરડીની કલમ ચડાવી હતી, બીજ વિનાનાં જામફળ, પપૈયાં અને ટામેટાંની જાતો પેદા કરી હતી. અને એ પારિજાતક છે. તેને હરસિંગાર પણ કહેવામાં આવે છે. અંગ્રેજીમાં તેને ‘શેડીંગ ટીયર્સ’ કહે છે. સૂર્ય ઊગે તે પહેલાં પારિજાતકનાં ફૂલ ખરી પડે છે.
  ———————————
  યાદ આવે સર કલમ કરવાની વાત
  અબ વો દુનિયા અજીબ લગતી હૈ
  જિસમેં અમ્નો-અમાન બાકી હૈ
  ઇમ્તિહાઁ સે ગુજર કે ક્યા દેખા
  ઇક નયા ઇમ્તિહાન બાકી હૈ
  સર કલમ હોંગે કલ યહાઁ ઉનકે
  જિનકે મુઁહ મેં જુબાન બાકી હૈ

 2. Ullas Oza જુલાઇ 4, 2010 પર 6:17 એ એમ (am)

  કલમ – બોન્સાઇ ની સુંદર વાત. છેલ્લે મૂળિયાને યાદ કર્યા તે સારુ થયુ.
  આજે પણ આપણે સંબંધ બાંધીયે છીયે ત્યારે કુટુમ્બ / વડીલો વિ. વિષે પૂછીને આગળ વધીઍ છીઍ.
  અરે ! કુતરાઓ પાળવા માટે પણ તેના પૂર્વજોની તપાસ થાય છે !
  આથી કલમ કે મૂળીયુ કોનુ તે અગત્યનુ છે !!

 3. dhavalrajgeera જુલાઇ 7, 2010 પર 7:33 એ એમ (am)

  સમ્પત્તિ પિરામીડની ટોચ પર નહીં;
  એના પાયામાંથી ઊભી થાય છે.

  ” FOUNDATION MUST BE STRONG.”

  Rajendra Trivedi, M. D.
  http://www.bpaindia.org

  p.s.
  વાત જાણે એમ છે કે, એક નવા હોબીનું ભૂત મને વળગ્યું છે – “બોન્સાઈનું.”

  કોઈ મિત્રે( ? ) ઈમેલમાં સરસ મજાના બોન્સાઈના ફોટા મોકલ્યા. લો આ બે ત્રણ અહીં શણગારમાં મૂક્યા.
  You remind me my childhood…Forget me not!!

તમારા વિચારો જણાવશો?

Please log in using one of these methods to post your comment:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

w

Connecting to %s

%d bloggers like this: