સૂરસાધના

ગુજરાતી લેખિનીમાં સ્વૈરવિહાર

તારા ઉદય – એક અવલોકન

સાંજે મને ભાગ્યેજ નવરાશ મળે. મારો નવરાશનો સમય રાતના અને સવારે. થોડોક બપોરે, વામકુક્ષી બાદ.પણ ગઈકાલે સાંજે ન જાણે કેમ, બેકયાર્ડમાં ખુરશીમાં બેસી ગયો.

સૂરજ ઢળી ગયો હતો.  સુદ દશમનો બેડોળ ચન્દ્ર પ્રકાશિત થઈ ચૂક્યો હતો. એનાથી થોડેક નીચે શુક્રનો ગ્રહ ઝગારા મારતો દેખાવા માંડ્યો હતો. એકાએક ધ્યાન ગયું કે, આ બે સિવાય આકાશ સાવ ખાલી હતું. સાંજમાંથી રાતનું આગમન ધીરે ધીરે થઈ રહ્યું હતું. એક પણ તારો દેખાતો ન હતો.

મનોમન નક્કી કર્યું કે, તારા આગમન કરે પછી જ ઘરમાં જવું છે. આંખો ફાડી ફાડીને જોયું પણ એક પણ તારો ‘ May I Come in , Sir!’ કહેતો ન હતો! ધીમે ધીમે કંટાળો પણ આવવા માંડ્યો, ‘શીદ આ નાહકની જળોજથા માથે લીધી છે? એમની રીતે અને એમના સમયે એ ઊગવાના જ છે. હાલ ને, ‘રશ અવર’ની બે ચાર પઝલ રમી લઉં.’

પણ આ અદકપાંસળી જીવને મનમાં ધારેલું કરવું જ એવી જીદ. હું તો આંખો ફાડીને બેઠેલો જ રહ્યો. ‘બસ!  પહેલો તારો પ્રગટ થાય, પછી જ ઘરની   અંદર જઉં.’

આમતેમ વ્યર્થ નજર નાંખતો હતો; ત્યાં ચન્દ્ર તરફ નજર ગઈ.

અને લો! એક તારાબેન ચોરી છુપીથી ચન્દ્ર સાથે સંવનન કરી રહ્યાં હતાં! ખાસ્સાં ચમકતાં પણ હતાં.

‘જરૂર ‘વ્યાધ’ હશે.’  – આકાશ દર્શનના મારા અતિ સીમિત જ્ઞાન થકી અંદાજ માંડ્યો.

અને ત્યાં તો બીજો અને ત્રીજો અને ચોથો .. અને પાંચમો.. એમ એક પછી એક તારા બહેન પ્રવેશવા લાગી. કોઈ ઝળહળતી તો કોઈક સાવ ઝાંખી. હવે કોઈની પ્રતીક્ષા કરવાની ન હતી. થોડીક જ વારમાં આખું આકાશ એમની રાસલીલાથી આખી રાત ગાજતું રહેવાનું હતું.

મન પ્રસન્ન થઈ ગયું. સૂર્યોદય, સૂર્યાસ્ત, ચન્દ્રોદય, ચન્દ્રાસ્તની ઘણી ઘટનાઓ સામાન્ય અને ખાસ જ્ગ્યાઓએ અનેક વાર નિહાળી હતી. માઉન્ટ આબુ, કન્યાકુમારી વિ. જગ્યાઓના સંધ્યા અને ઉષાનાં અપ્રતિમ દર્શનો યાદ આવી ગયાં.

પણ તે દિવસનો તારા ઉદય દર્શનનો અનુભવ અનેરો હતો. તોફાની બાળકોની ટોળકી એકમેકની પાછળ, ચોરી છુપીથી, કશુંક અડપલું કરવા પધારી રહી હોય તેવો ભાવ મનમાં થયો.

અને હવે અવલોકન/ મૂલ્યાંકનનો સમય!

મન સાવ મૂઢ, સ્થિર, સ્તબ્ધ હોય. કશું જ ન વિચારવાનો સંકલ્પ કરેલો હોય; અથવા હવે  શું વિચાર આવે છે – એનું પ્રેક્ષાધ્યાન કરતાં બેઠાં હોઈએ. અને ત્યાં સાવ અભાન પણે યાદોનું/ મૂલ્યાંકનોનું ઝુંડ કોઈક ખૂણેથી ચિત્તમાં પગપેસારો કરી લે. બધી શાંતિ ખોરવાઈ જાય. અને સંકલ્પ-વિકલ્પ, સુવિચાર-કુવિચાર,  શંકા- કુશંકાનો વણનોંતર્યો મુશાયરો રોજની જેમ જામી પડે.

તારા ઉદય સૂર્યોદય કે સૂર્યાસ્તની જેમ ઝળહળતો કદી ન હોય. જીવનના ઉદય અને અંત કાળ  જેવી  સુકુમારતા કે શોકમયતા એમાં કદાપિ ન મળે. એને તો રોજ પજવતા વિચારવાયુના ધણના ધણની ઉપમા જ આપી શકાય.

——————-

આ વિષયમાં થોડીક વૈજ્ઞાનિક જાણકારી પણ મેળવી લો .

Advertisements

One response to “તારા ઉદય – એક અવલોકન

  1. અક્ષયપાત્ર/Axaypatra જુલાઇ 22, 2010 પર 5:01 એ એમ (am)

    કેટલીકવાર તો આશ મૂક્યા પછી ય વિચારોના ઝૂંડ ખસતા નથી. સરસ અવલોકન

તમારા વિચારો જણાવશો?

Please log in using one of these methods to post your comment:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

w

Connecting to %s

%d bloggers like this: