સૂરસાધના

ગુજરાતી લેખિનીમાં સ્વૈરવિહાર

સાત ચોપડી પાસ

‘ હું તો સાત ચોપડી પાસ છું.’ – મેજર બોલ્યા.

અમે એમને મેજર તરીકે જ ઓળખતા હતા. એમનું નામ તો ***** પટેલ હતું. પણ એ વખતે પણ અમને એ નામ ખબર ન હતી. ઘણે મોડે એમનું અસલી નામ જાણવા મળ્યું હતું; પણ અત્યારે એ સ્વાભાવિક રીતે યાદ નથી.

મેજર અને સાત જ ચોપડી પાસ?

હા! પણ કેવી ચોપડી?

વાત જાણે એમ છે કે, સાબરમતી ખાતે આવેલા, મ્યુનિ. પૂલના  સ્વિમિંગ કોચે મારું વાર્ષિક સભ્યપદ રિન્યુ કરવા, મારી તરણ પરીક્ષા લીધી હતી; અને એમાં હું નાપાસ થયો હતો. દર સાલ તો બધા કોચ મારી ઓછી શક્તિ જાણીને મને પૂલની એક જ લંબાઈ તરાવી પાસ કરી દેતા હતા. પણ નવા આવેલા આ કોચ, મેજરે તો બધાની પરીક્ષા લેતા હતા તેમ, મને પણ પૂલની લંબાઈ પાર કરી, વચ્ચે અટક્યા વિના પાછા આવવા કહ્યું હતું. આ મારી તાકાત બહારની વાત હતી. એટલે પાછા વળતાં પા ભાગની લંબાઈ જ પાર કર્યા બાદ, મેં પૂલની કિનાર પકડી લીધી હતી.

અને મેજરે મને ત્રણ દિવસ પ્રેક્ટિસ કરી, ચોથા દિવસે ફરીથી પરીક્ષા આપવા કહ્યું હતું.

મને કાંઈ તરતાં નહોતું આવડતું એમ નહીં. સાત વર્ષથી હું એ પૂલમાં સભ્ય હતો. પણ આ નવી નવાઈના કોચ – મેજર સાહેબને મારી આ નબળાઈ સ્વીકાર્ય ન હતી. મારી ઉમ્મર એ વખતે બાવન વર્ષની હતી; અને આ તાકાત મારામાં હોવી જોઈએ, એવી એમની અપેક્ષા પણ અસ્થાને ન હતી.

પણ કાંઈ ચાર જ દિવસમાં મારાં પાતળાં સોટી જેવાં બાવડાં અને દમિયલ ફેફસાં ઓલિમ્પિકના ખેલાડી જેવાં થોડાં જ બની જવાનાં હતાં? ચોથે દિવસે પણ મારા હાલ હવાલ તો એવા ને એવા જ રહ્યા. હું ફરી નપાસ થયો. પણ ઓણી મેર એ મને પૂલના છીછરા ભાગમાં લઈ ગયા; અને મારી તરવાની રીતનું બારિકીથી નિરીક્ષણ કર્યું.

પછી મેજર જિંદગીભર યાદ રહી ગયેલું, એ અમર વાક્ય વદ્યા ,

” જુઓ સુરેશ ભાઈ! હું તમારી જેમ બહુ ભણ્યો નથી. માત્ર સાત જ ચોપડી ભણેલો છું. પણ તરવાની બાબત આ ત્રણ વસ્તુ યાદ રાખી લો.

 1. ત્રાજવું –     એક પલ્લું નમે એટલે બીજું ઉપર જાય. હાથ અને પગ બન્ને સરખા ચાલે તો શરીર સીધું રહે અને તરવામાં ઝડપ આવે.
 2. લાકડી–      શરીરને વચ્ચેથી સીધું, લાકડી જેવું રાખો તો વચ્ચે ઝોળો ન થઈ જાય અને પાણીનો સૌથી ઓછો અવરોધ નડે.
 3. ધમણ –     તમારાં ફેફસાંની ધમણ લુહાર ચલાવે છે; એમ ચલાવો – જરૂર હોય તેટલીજ. વધારે ચલાવશો તો આગ ભભૂકશે – બધી શક્તિ એક સાથે ખરચાવા માંડશે.

સુરેશભાઈ! તમારા તરવામાં આ ત્રણે ચોપડી તમે ભણ્યા જ નથી. પછી મારી પરીક્ષા દસ વખત આપશો તો પણ નાપાસ જ થશો. તમને આત્મવિશ્વાસ આવે; ત્યારે મને કહેજો. પણ પાસ થવા તમારે સામે કાંઠે જઈ, રોકાયા વગર પાછું આવવું તો પડશે જ. ”

પાણીમાં આજુબાજુ પંદરેક જણ હતા. બધાની વચ્ચે મને આ શિખામણ આપી; તે મને બહુ કડવી તો લાગી; પણ વાત સાવ સાચી હતી. કોઈએ હજુ સુધી મને આ શિખવ્યું જ ન હતું. હું તો બાપુ! એ જ ઘડીથી મચી પડ્યો. આ ત્રણે વાતનું બરાબર ધ્યાન રાખી તરવા મંડ્યો.

અને આ શું? કદી બન્યું ન હતું એવું , પહેલે જ ધડાકે બન્યું. હું સામે કાંઠે તરીને, અટક્યા વિના પાછો આવી ગયો. અને મારો શ્વાસ પણ ચઢેલો ન હતો અને બાવડાં પણ સાતતાળી રમતા ન હતા.

મેજર બાજુમાં ઊભા ઊભા મારો ખેલ નિહાળી રહ્યા હતા. હું પાછો આવી ગયો, એટલે એમણે તાળીઓ પાડી અને કહ્યું,” ચાલો! ત્રણ ચોપડી પાસ. બહાર જઈ, નહાઈ, કપડાં પહેરી તમારી અરજી લઈને આવો.“

મેજરની સહી થઈ ગઈ; અને મારું સભ્યપદ એક વર્ષ માટે રિન્યુ થઈ ગયું.

પણ ખરી વાત તો હવે આવે છે !

આ ઘટના બન્યા બાદ, મેજર મારા દોસ્ત બની ગયા. રોજ પાણીમાં અવનવી કળાઓ તેઓ અમને શિખવતા. સંબંધ અંગત વાતો કરવા સુધી વિકસ્યો. આથી મારા મનમાં રહેલી શંકાનું સમાધાન કરવા , મેં પૂછી જ નાંખ્યું,” મેજર! તમે આ બધું અમને શિખવાડો છો; એ માટે તમારો આભાર માનીએ એટલો ઓછો. પણ. તમે સાત ચોપડી ભણ્યા છો, છતાં તમને કોચની આ નોકરી મળી શી રીતે?”

મેજરે હસીને કહ્યું,” એમ તો હું બી.કોમ. પાસ છું. પણ કારકૂનીની નોકરીઓ મને ના ફાવી એટલે, ગામડાંના તળાવમાં શિખેલા આ તરવાને વરી ગયો.”

અમારા બીજા સાથીએ મારી વાતમાં હવે ટાપશી પૂરી ,” પણ સાત ચોપડીનો ભેદ?”

મેજર જાતે પટેલ – એટલે આખાબોલા – પણ સાવ સરળ જીવ. એમણે તરત સમજાવ્યું ,

” સાતેય ચોપડીઓ મારી આ નોકરી માટે કામની છે. ત્રણ ચોપડી તો આ સુરેશ ભાઈને શિખવી તે.

ચોથી –      ગમે તેટલો જોરાવર તરવૈયો ન હોય; પાણીમાં એ ત્રણ મિનીટથી વધારે સમય ન રહી શકે. એ પહેલાં શ્વાસ ભરવા સપાટી પર આવી જ જવાનું. આપણી મર્યાદા કદી ન ઓળંગવી. ઓવર કોં ન્ફિડન્સમાં ભલભલા તારા ડૂબી જાય છે.

પાંચમી –     તમે હાથ કે પગ એકલા ચલાવતા રહીને પણ તરી શકો. ( એમણે માત્ર હાથ કે પગ ચલાવીને જ જૂદી જૂદી રીતે તરી બતાવ્યું.) શરત માત્ર એટલી જ કે પાયાની ત્રણ ચોપડી પર માસ્ટરી હોવી જોઈએ ; અને મનને નવી નવી રીતો  શિખવા તૈયાર રાખવું જોઈએ.

છઠ્ઠી –       ડૂબતાને બચાવવા જતાં જાતે ડૂબી ન જવાય; એનું ખાસ ધ્યાન રાખવું. બને તો લાકડું કે એવી કોઈ વસ્તુ હાથમાં રાખીને જ પાણીમાં પડવું. ધરમ કરતાં ધાડ પડતી હોય છે.

સાતમી – સાહેબની સામે કદી તરવાની હોંશિયારી ન બતાવવી. એમના ઈગોને આંચ ન આવવી જોઈએ! “

અમે બધા આ સાત ચોપડી ભણેલા મેજર પર ઓવારી ગયા. મેજર એટલે મેજર – એમનો કોઈ જવાબ નહીં!

Advertisements

11 responses to “સાત ચોપડી પાસ

 1. Valibhai Musa જુલાઇ 31, 2010 પર 4:07 એ એમ (am)

  અલ્યા ભાઈ, તમારા વ્યક્તિત્વ અને શક્તિત્વ(!) નાં પડ ઉપર પડ ખુલ્યે જ જાય છે અને હું તો હેરાન થઈ જાઉં છું, તમારી (ભેગી મારી ય) વધતી જતી ઉંમરના કારણે કે હજું આપણે ઘણું ય શીખવાનું તો હવે શરૂ કરવાનું છે. અફસોસ કે તમારા માટે ઝાડ પાંગરી રહ્યાં છે અને મારા માટે તો ઈશ્વરે આદમને સર્જ્યા ત્યારથી જ માટી તૈયાર જ રાખી છે.

  તમારી જળચરમાં પરિવર્તિત થવાની કળાને જાણતાં મને મારા જીવનની ચાર મર્યાદાઓની યાદ આવે છે, પાંચમી એક છે જે છેલ્લે જણાવીશ. (1) તરવું (2) અરબી/ઉર્દુ/પર્શિયન બારાખડી (3) હીરો (Diamond) ને Eye Glassથી નીરખવો (4) ગાંધીનગરના રસ્તા જાણવા (બધે સેક્ટર અને બ્લોક બધું એક જેવું જ!)
  પાંચમી વાત શીખવાની નહિ, પણ શીખેલું ભૂલવાની છે. મારી ડોશી (ઘરવાળી) મારા જીવનમાં પ્રવેશી તેના ય બે વર્ષ પહેલાંની મારી એ ડોશી (તમાકુ ચાવવાની બુરી આદત) ને હું છોડી શકતો નથી. પરમ દિવસે સોમવારે એન્જિઓગ્રાફી માટે જાઉં છું અને ડાગટરીઆઓ બેએક દિવસ માટે વેરી બનવાના એટલે એડવાન્સમાં બે દિવસનો ક્વોટા પૂરો કરું છું. હાલ હું ટાઈપ કરી રહ્યો છું, ત્યારે મોંઢામાં બુચ મારેલો જ છે. આ વ્યસને મને એક જ ફાયદો કરાવી આપ્યો છે કે હું નિર્વ્યસની લોકોને માનની નજરે જોતો થયો છું.

  અંગત પુરાણ પૂરું કરતાં લેખ ઉપર આવું તો લેખમાં એવું તો લોહચુંબક છે કે મને અંગત વાતોમાં માત્ર તરવાના મુદ્દે ખેંચી ગયું. તમારા ‘અવલોકન’ શ્રેણીના લેખો જીવનઘડતર માટે દીવાદાંડી સમાન છે. કંઈક શીખવા માટે આલફોન્સો સાહેબ અને મેજર સાહેબ જેવા ગુરૂઓ દરેકને મળતા હોય છે, પણ કંઈક શીખવાની તાલાવેલીવાળા જ તેવાઓનો લાભ ઊઠાવતા હોય છે. આપણે પણ કમગુરૂઓ તો નથી જ, પણ આપણા પછીની પેઢી આપણે આ ઉંમરે પણ તેમની પાસેથી જે કંઈ શીખીએ છીએ, તેના દસમા ભાગનું પણ શીખવાનો કે જાણવાનો પ્રયત્ન કરે તો તેમના માટે લાભદાયી છે, કેમ કે હજુ તેમણે જીવનની લાંબી મજલ કાપવાની છે. એ લોકોએ કે કોઈએ પણ એ વાત તો સ્વીકારવી જ રહી કે આંબો પોતાની કેરીઓને ઘેરઘેર આપવા ન જાય!

  દિલી ધન્યવાદ, અવલોકનસમ્રાટને….

  સ્નેહાધીન,

  વલદા

  (‘વલીદા’ કરતાં ‘વલદા’ તરીકે ઓળખાવું એટલા માટે ગમે છે કે તેમાં આખો મધપુડો નીતરે છે!)

  • સુરેશ જાની જુલાઇ 31, 2010 પર 7:01 એ એમ (am)

   વલદા લખું અને વલંદા યાદ આવી જાય છે. વલીદામાં વાળીડાનો મધઝરતો ભાવ છે.
   તમારી અંગત વાતો ગમી. વધારે ને વધારે શેર કરતા રહેજો.
   ————–
   વચ્ચે એવો ઊછાળો આવ્યો હતો કે, મારી ડોશી જેને નિરર્થક પ્રવૃત્તિ – લખાપટ્ટી કહે છે – તે છોડી દઉં. પણ હવે એવો ચાળો સૂઝે છે કે, જીવનની વીતી ગયેલી આ ક્ષણો વાગોળતાં આનંદ મળે છે. ભલે રોજના 100-200 જણ વાંચે છે; એમાંથી એકને પણ આમાંથી કશોક પ્રકાશ કે ચિનગારી મળે ; તો આ બધો વ્યાપાર ગનીમત છે.

   આવા તો કેટકેટલા મેજરોનું ઋણ આપણી ઉપર હોય છે? એમને આ ભાવભરી યાદની દિલી અંજલી.

 2. dhavalrajgeera જુલાઇ 31, 2010 પર 8:22 એ એમ (am)

  જીવનની વીતી ગયેલી આ ક્ષણો વાગોળતાં આનંદ મળે છે.
  How true…
  When we put age in the life and think like a child!

  Rajendra Trivedi.M.D.
  http://www.yogaeast.net

 3. Chirag જુલાઇ 31, 2010 પર 9:07 એ એમ (am)

  વાહ દાદા, આવા નાના પ્રસંગો જીવનને બધુ બહુ આપી જતા હોય છે, જો આંખ-નાક-કાન-મોઢું ખુલ્લા હોય તો…

 4. Capt. Narendra જુલાઇ 31, 2010 પર 2:38 પી એમ(pm)

  જીવનના પચીસ-ત્રીસ વરસ રાઇફલ પકડી લેફ્ટ-રાઇટ કરનારાઓને મગજ નથી હોતા એવી માન્યતા પ્રવર્તતી હોય, પણ તેમનો અનુભવ સો ટચનો હોય છે એ તમે ઘણું સરસ રીતે બતાવ્યું છે. આવી પોરસ ચઢાવતી વાતો વાંચી અમારા જેવા લેફ્ટ-રાઇટવાળાઓને જરૂર ખુશી ઉપજે એ તો કહિવું પડશે!

  • સુરેશ જાની જુલાઇ 31, 2010 પર 4:13 પી એમ(pm)

   અમારા મેજર મિલીટરીવાળા ન હતા’ પણ એમનો મિજાજ એવો જ હતો. શિસ્ત અને ચુસ્તી અને પર્ફેક્શનના આગ્રહી. એટલે જ બધા એમને મેજર કહેતા હતા.
   ==========
   કોણે કહ્યું કે. મિલીટરીવાળાને મગજ નથી હોતું? હમણાં જ ‘લોરેન્સ ઓફ અરેબીયા’ જોયું – અને તમે યાદ આવી ગયા હતા. યુદ્ધ જીતવું એ માત્ર બળવાળાનું કામ નથી- બત્રીસ લક્ષણ જોઈએ. અને યુદ્ધ જીતનારા જ પહેલાંના જમાનામાં રાજા થતા હતા.

 5. pragnaju જુલાઇ 31, 2010 પર 4:59 પી એમ(pm)

  ધન્યવાદ

  અમે બધા આ સાત ચોપડી ભણેલા મેજર પર ઓવારી ગયા. મેજર એટલે મેજર – એમનો કોઈ જવાબ નહીં!
  યાદ આવી
  અરીસા વેચતા ગામે નયન દેસાઈ એસ.એસ.સી.
  અને ભીંતો ઊભી સામે નયન દેસાઈ એસ.એસ.સી.

  મળ્યો એક રોકડો ડૂમો ને પરચૂરણ કૈં ડૂસકાં,
  અહીં બીજું તો શું પામે નયન દેસાઈ એસ.એસ.સી.?

  પગોમાં પગરવો પહેર્યા ને આંખો પર નજર ઓઢી,
  ફરે માણસ તીરથધામે નયન દેસાઈ એસ.એસ.સી.

  વહે વિસ્તીર્ણ પટ જળથી તે ઝળઝળિયાં સુધી એનો,
  નદીસરસો જીવે આમે નયન દેસાઈ એસ.એસ.સી.

  રહે છે આમ તો તાપી તટી, સૂરતમાં એ કિન્તુ,
  મળે શબ્દોના સરનામે નયન દેસાઈ એસ.એસ.સી.

 6. Ullas Oza ઓગસ્ટ 2, 2010 પર 6:01 એ એમ (am)

  અનુભવોનુ અમૃત અવિરત પિરસતા રહો છો તે માટે આભાર.
  મેજર સાહેબની શીખવવાની રીતની પણ પ્રશન્ષા કરવી રહી.
  આવી રીતે શીખવેલુ જીવનભર યાદ રહી જાય છે.

 7. Vinod Desai ઓગસ્ટ 2, 2010 પર 7:16 એ એમ (am)

  Thanks Sureshbhaifor bringing back nostalgic memories.
  Yes I do remember Major of S’mati Sw Pool.
  He was a very sincere & dedicated teacher in his own way.
  I had taken learning membership for Jigu-my son -(he was very young at that time) in Lal Darvaji sw pool.But on very first day he was punished for no fault of his by a stupid chief coach. So he refused to go there again.
  Later when SBI pool was commissioned,I enrolled him there.Major ,in charge there, not only coachedhim 2 swim,but taught him different styles like free style,back stroke,frog style & how to float on back thru controlled breathing.
  I remember him as one of the best coaches I hv come across in different swimming swimming pools.
  All of us used 2 lovingly call him major but never bothered 2 ask his name.
  My salute to this fine man. VDD

 8. atul a. vyas ઓગસ્ટ 2, 2010 પર 8:51 એ એમ (am)

  સુરેશભાઈ
  અભિનંદન. તરવાનું થોડું જાણતા હોવા છતાં વ્યવસ્થિત રીતે તે શીખવાનો તમારો અનુભવ રસપ્રદ અને પ્રેરણારૂપ છે. મેજર ની વાતો બહુ સ્પષ્ટ અને સરળ લાગી.
  આભાર
  અતુલ અ. વ્યાસ

તમારા વિચારો જણાવશો?

Please log in using one of these methods to post your comment:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

w

Connecting to %s

%d bloggers like this: