સૂરસાધના

ગુજરાતી લેખિનીમાં સ્વૈરવિહાર

મિત્રો મળ્યા – દાઢીવાળો જોગી

બપોરના એક વાગી ગયા છે. મારા પેટમાં બરાબરની લ્હાય લાગી છે. પરદેશથી આવનારને ભાગ્યે જ લાગુ ન પડતી હોય તેવી, પેટની પીડા બે દિવસથી ભોગવતો આવ્યો હતો. અને એના કારણે, જાત પર લાદેલ, સખત  આહાર નિયમન આના માટે જવાબદાર હોય – તેમાં નવાઈ પણ શી? હું શાળાના આચાર્યે ચા પીવા બોલાવ્યો હોવાના કારણે પેટમાં નાનકડી શાંતિ મેળવી; મોટી શાંતિ ક્યારે થશે; એની આતુરતાપૂર્વક રાહ જોઈ રહ્યો છું.

પરંતુ એ દાઢીવાળો જોગી તો એના કામમાં મશગુલ છે. સદભાગ્યે એની સમજુ પત્ની તૃપ્તિબેન મારો ખ્યાલ કરી ત્યાં આવી પહોંચે છે. સાથે લાવેલી કોફી પીવા મને વાનમાં આમંત્રે છે. હું તરત એ આમંત્રણ સ્વીકારી લઉં છું – પણ મારું ધ્યાન તો સાથે લાવેલા, વઘારેલા,  ચટાકેદાર ઢોકળાના ડબ્બા પર જ છે! વાનમાં હું તે ડબો ફટાફટ ગોતી કાઢું છું; અને શિષ્ટાચારને બાજુએ મેલી; તૃપ્તિબેનને કહું છું,” અખિલભાઈની રાહ ન જોઉં તો ચાલશે ને?”

‘માર્ગદર્શન’ની વાન

તૃપ્તિબેન મારી વ્યથા સમજીને હસીને કહે છે,” લો! સાથે આ ચટણી પણ.”

હવે ખ્યાલ આવી ગયો ને, એ દાઢીવાળો જોગી કોણ?

‘માર્ગદર્શન’ની વાનમાં દાઢીવાળો જોગી

અલબત્ત અખિલ સુતરીયા જ હોય ને?

હું અખિલભાઈની સાથે એમના ‘માર્ગદર્શન’ના કામને પ્રત્યક્ષ નિહાળવા, તેમની સાથે વલસાડથી થોડે દૂર આવેલા એક નાનકડા ગામની શાળામાં આવ્યો છું. ચારે બાજુ ખેતરોથી ઘેરાયેલી એ સાવ નાની શાળાના છેવાડેના એક રૂમમાં બાળકોની હકડે ઠઠ ભીડ વચ્ચે એ જોગી, એના વિડીયો-પ્રવચનમાં મશગૂલ છે. બાળકોની સાથે માનસિક તાદાત્મ્યમાં એ તો ધાનસ્થ છે! એને ખાવા પીવાની કશી પડી નથી.

દાઢીવાળો જોગી- એને વ્હાલાં બાળકોની વચ્ચે

હું તૃપ્તિબેનને પૂછું છું ,” અખિલભાઈને પણ ભૂખ તો લાગી જ હશે ને?”

તેઓ હસીને કહે છે,”એમને તો એમનો ખોરાક સવારના નાસ્તામાં મળી ગયો છે! તમતમારે નિરાંતે જમી લો. બે દિ’ના ભૂખ્યા છો.”

અખિલ અને તૃપ્તિ સુતરિયા – એક બેનમૂન જોડી

આ માણસ દાઢીધારી છે; જોગી છે; પાગલ છે. એનું પાગલપન છે – ‘છેવાડાની શાળાઓના બાળકોમાં આત્મવિશ્વાસ અને આત્મગૌરવ જગાડવાનું.’ કમ્પનીઓમાં મેનેજમેન્ટના માનવવિકાસ અંગેના સેમિનારોમાંથી મળતા ફાજલ સમયનો ઉપયોગ; ગામડે ગામડે ફરી, આ આહલેક જગાડવાનો તેમણે ભેખ ધારણ કર્યો છે.

નાનકડા ‘રાબડી’ ગામની હાઈસ્કૂલ

લો એમની વેબ સાઈટ જાતે જ જોઈ લો ને?

થોડીક વારે બાળકોની એ બેચ સાથેનો સત્સંગ પતાવી અખિલભાઈ પણ વાન પાસે આવી પહોંચે છે. પણ એમની પાસે સરસ મજાનાં ઢોકળાં ખાવાનો સમય નથી. થર્મોસમાં રાખેલી કોફી ઝટપટ ગટગટાવી, એ બીજી બેચના બાળકો સાથે ભળી જવા આતૂર છે.

અખિલ સુતરિયા સાથે આનંદના ઓઘ

મારી દોઢ દિવસની અખિલભાઈ સાથેની મૂલાકાતમાં, ગુજરાતના બાળકો અને યુવાનોમાં જાગૃતિ લાવવાની એમની ધગશ સતત વર્તાતી રહે છે. એમની પત્ની તૃપ્તિ એમની સાચા અર્થમાં સહધર્મચારિણી છે. અહીં એ એમની ‘સેમિનાર આસિસ્ટન્ટ’ છે.  એમનો એક દિકરો ઉદય – ઉદયપુરમાં નોકરી કરે છે; બીજો ઉમંગ કચ્છના આદિપુર ગામમાં પોલિટેક્નિકમાં ભણે છે.

આવતાં જ મેં એમને મારાં બનાવેલાં ઓરિગામી મોડલો ભેટ આપ્યાં હતાં. એમને બહુ ગમ્યાં. પણ આ જોગી એટલાથી શેં સંતોષાય? સાંજના થાક ઉતારવાની જગ્યાએ એ તો મારી પાસે બે મોડલો બનાવડાવે છે; અને એની વિડીયો ઉતારી લે છે – એમના સંગ્રહમાં ઉમેરો કરવા. કદિક એનો લાભ પણ બાળકોને મળશે.

બસ આ જ ધૂન – સતત એ જ ધખારો.

ગુજરાતના બાળકો અને યુવાનોમાં ધસમસતું  જીવન અમૃત સિંચતા રહેવાનો. ધનપ્રાપ્તિ, યશપ્રાપ્તિ, પ્રતિષ્ઠા પાછળ કોઈ દોડ નહીં. થોડામાં ઘણું ગણી જીવાતું, સંતોષ અને આનંદથી ભરપૂર અને છતાં સતત પ્રવૃત્તિથી ભરપૂર જીવન. સામ્પ્રત સમયના બહુ જ ઝડપથી વિસરાતા જતા, મૂલ્યોના માહોલમાં તેમણે  ઊપાડેલ કામ એક તો શું – અનેક માણસોની ટીમ માટે પણ આકાશ કુસુમવત છે. પણ એની આ જોગીને કશી ચિતા નથી. પોતાના જીવનના એક અંશની આહૂતિ આ યજ્ઞમાં અર્પવાનો એને હરખ છે.

ગાંઠના ફાજલ સમયનો આવો અપ્રતિમ ઉપયોગ કરનાર ભાઈ શ્રી. અખિલ સુતરિયાને શત શત પ્રણામ.

30 responses to “મિત્રો મળ્યા – દાઢીવાળો જોગી

 1. Arvind Adalja માર્ચ 30, 2011 પર 4:44 એ એમ (am)

  અખિલભાઈની જીવન પધ્ધતિ જાણી ખૂબ જ આનંદ થયો ! ખૂબ ખૂબ ધન્યવાદ અખિલભાઈ તથા તૃપ્તિબહેનને પણ. જીવન સંગિનીના સંપૂંર્ણ સમર્પણ વગર આવી કપરી કામગીરી બજાવવી સંભવ નથી. સુરેશભાઈ આપના થકી આવા મિત્રોનો પરિચય થઈ રહ્યો છે તે પણ ખૂબ જ આનંદની વાત છે.

 2. pragnaju માર્ચ 30, 2011 પર 8:17 એ એમ (am)

  સુંદર ચરિત્ર
  અને
  સ રસ ચિત્રણ
  યાદ આવે
  લખ્યું જે લલાટે તે મિથ્યા ન થાતું, કરનારો કિરતાર…હો…
  કંચન-શી કાયા તો રાખ થવાની… શોભે નહીં શણગાર…
  જંગલનાં જોગી તો જંગલમાં શોભે, શોભે નહીં સંસાર…હો…
  અલખ નિરંજનની ધૂણી ધખાવી થાવા ભવસાગર પાર
  અમારું કોમ્પુટર તેમના ઇ- મૅઈલ સ્કેમમાં મૂકે છે!
  અને અમે ઈનબોક્સમા મૂકીએ
  કોઇ હમે બતાયે હમ ક્યા ઉન્હે બતાયે ?

 3. Dr.Maulik Shah માર્ચ 30, 2011 પર 8:40 એ એમ (am)

  akhilbhai remains to be a MARGDARSHAK… for many …! I wish him all the best for his future ventures.

 4. Murtaza Patel માર્ચ 30, 2011 પર 10:23 એ એમ (am)

  અખિલભાઈનો પરિચય આપવાનો ‘નો હોય દદ્દુ!…આ દાઢી ધારી જોગી એમના મિશનમાં હમેશાં જોગિંગ કરતો…એક્ટીવ રહેતો જોવા મળે છે. અખિલભાઈ….ઇન્ડિયા આવવાનું થાય ત્યારે મને પણ મુલાકાતનો સમય મળશે ને?

 5. Valibhai Musa માર્ચ 30, 2011 પર 2:54 પી એમ(pm)

  સુરદા મારફતિયા થકી અમારા કાપડીઆ (અમારો વારસાગત હાથવણાટ કાપડનો ઉદ્યોગ હોઈ) પરિવારનું સુતરીઆ યુગલ સાથે મિલન શક્ય બન્યું. મહાત્મા ગાંધી લેબર ઈન્સ્ટીટ્યુટ અમદાવાદનાં પગથિયાંથી જ તેમને હાઈજેક કરીને મારા નિવાસસ્થાને લઈ ગયો. બીજા દિવસનો અમારી હોટલ ઉપર બધા મિત્રોનો મળવાનો કાર્યક્રમ ઢચુપચુ હોઈ મેં અમારી Token મુલાકાતની તક ઝડપી લીધી.

  કવિ કલાપીની એક ગઝલની પંક્તિ “અમે જોગી બધા વરવા, સ્મશાનો ઢૂંઢનારાઓ” થી સાવ વિપરિત આ ( જોગી અને જોગણ) યુગલ જીવતાઓ વચ્ચે રહીને જીવતાઓ માટે સારી રીતે જીવવાનું માર્ગદર્શન પૂરું પાડે છે. સુરસિંહજી(!)એ આ મિત્રપરિચય લેખને આપેલા શીર્ષકના બે શબ્દો વચ્ચે ‘સંસારી’ શબ્દ મૂકીને હું નવું જ શીર્ષક “દાઢીવાળો સંસારી જોગી” સૂચવું છું.

  ઋષિકવિ રાજેન્દ્ર શુક્લ અને તેમનાં કવયિત્રી પત્નીની જુગલજોડીની મુલાકાત પછી આ અનોખા સેવાના ભેખધારી યુગલનો પરિચય અને રૂબરૂ મુલાકાત કરાવી આપવાનું શ્રેય શ્રી સુરસિંહજીના ફાળે જાય છે.

  મારી આ કોમેન્ટમાં સુરેશભાઈ માટે ‘સુરસિંહજી’ સંબોધન બે વખત એટલા માટે કર્યું છે (અને આ ત્રીજી વાર પણ થઈ ગયું) કે તેઓશ્રી ઓરિગામી કલામાં કાગળમાંથી સરસ મજાના મોર બનાવી જાણે છે.

  છેલ્લે એક અટકચાળું કરીને અત્રેથી વિરમીશ. ફોટામાં દાઢીવાળા જોગીની પાસે ક્લીન શેવ મુનિનો જબરદસ્ત Contra છે. આજકાલ કલર કોમ્બીનેશનમાં Contra નો મહિમા વધી ગયો છે, એવું જ કંઈક અહીં નથી થયું શું?

  • સુરેશ જાની માર્ચ 30, 2011 પર 5:28 પી એમ(pm)

   ઔચિત્યભંગ કરવાની અમારી હા..દ. – વાળાઓની પરંપરા જાળવી રાખી એક અટકચાળું હું પણ કરી લઉં –
   સાંજે અમે નવરાશે ગપાટા મારતા હતા ત્યારે અ.સુ.એ મને એમના કામ વિશે બિન્ધાસ્ત ટિપ્પણી કરવા મને ઈજન આપ્યું હતું. મેં મારો સ્પષ્ટ અભિપ્રાય આપ્યો હતો કે, એકલપંથી એમની યાત્રા કે યજ્ઞને બહુ મોટા પાયા પર વિસ્તૃત કરવાની તાતી જરૂર છે.
   અને સાથે એમને લુક્સ – દેખાવ પર પણ થોડુ< ધ્યાન કેન્દ્રિત કરવા જણાવ્યું હતુ – અલબત્ત મારી ક્લિન શેવ દાઢીને પસવારતાં અને બિરદાવતાં સ્તો !!

  • મુર્તઝા પટેલ- નેટ પર વેપાર! માર્ચ 31, 2011 પર 8:25 એ એમ (am)

   વલીકાકા…”બે શબ્દો વચ્ચે ‘સંસારી’ શબ્દ મૂકીને હું નવું જ શીર્ષક “દાઢીવાળો સંસારી જોગી” સૂચવું છું.” આ જ સજેશન આપણા તરફથી પણ…

  • સુરેશ જાની માર્ચ 31, 2011 પર 12:56 પી એમ(pm)

   એમની હારે આજે સવારે ફોન પર વાત કરી. મારગદર્શન આપવા ગયા છે.
   કાલે બપોર પછી , આપણી ગુગલી બોલિંગ સામે એમની બેટિંગ જોવા મળશે!
   પણ ખરી મજા ત્યારે આવે કે, તૃપ્તિબેનનો પ્રતિભાવ જાણવા મળે!

 6. MechSoul માર્ચ 31, 2011 પર 2:12 એ એમ (am)

  I have comed across Mr.Akhil Sutaria in Vadodara on seminar on Margdarsan.
  What a Great man he is !
  I have no more words for such a great Project.
  It is very essential for collage student like me.
  Thanks Akhilbhai & Ajaybhai Vyas..
  All the best !

 7. AKHIL sutaria એપ્રિલ 1, 2011 પર 10:02 એ એમ (am)

  મારા સેલફોનને હવે રણકતા રહેવાની ટેવ પડવા લાગી છે …

  નોકીયાવાળા આમેય કહે જ છે ને કે … કનેક્ટીંગ પીપલ !!!

  ત્રણ દિવસથી માર્ગદર્શનના ટૂંકા પ્રવાસ પર હતા. દિવસે કાર્યક્રમ દરમ્યાન મારો સેલફોન સાયલન્ટ પર હોય અને સાંજે મીસકોલનું લીસ્ટ જોતાં ખ્યાલ આવે કે કોણે અને કેમ યાદ કર્યા !! જાણીતા કરતાં વધારે અજાણ્યા નંબરો હવે જોવા મળતા થયા છે. એમાંય પરમ દિવસે તો સાંજે એક ફિલ્મ શો પૂરો થયોને .. જેવો સેલફોન રીંગ પર લીધો કે તરત જ બૂમ પાડી ઉઠયો … સુરેશભાઇ છેક અમ્મેરીકાથી બોલાવે છે !!!

  બસ, ફોન રીસીવ કરીને હેલો બોલું છું તે પહેલા તો ત્રણ સેકન્ડમાં તેમની સાથે ગાળેલા તેંત્રીસ કલાકની ગમ્મત ફ્લેશ થઇ ગઇ … અને મને સીધો સવાલ પૂછાયો .. ક્યાં છો, ઘરે કે બાળકોની વચ્ચે ? .. ઓળખાણ પડી ? આજે તો તમને છાપરે ચડાવ્યા છે !!! ….

  મેં એવી તો મોટેથી બૂમ પાડી …. ઓ….. હો….. સુરેશદાદા …….. મેઇલ બેઇલ કરવાને બદલે સીધો ફોન જ ઠપકારી દીધો ? …. તમારો અવાજ સાંભળીને આનંદ થયો. તૃપ્તિ બહારના રૂમમાંથી દોડી આવી. કોઇ દિવસ નહિને આજે કેમ આટલા ઊંચા કે માટા અવાજે કોની સાથે ? .. મેં હળવેથી કહી દીધું કે સામે કોણ છે.

  પરાણે વહાલા લાગે તેવા બાળકો વચ્ચે જીવન જીવવાની મજા મળતી થઇ છે ત્યારે હવે તો બાળકો જેવી વૃત્તિવાળા વહાલા થઇ પડેલા વડિલોની સંખ્યા પણ વધવા લાગી છે. તેમાના એક વલીભાઇ સાથે .. સુરેશભાઇએ … જોડાણ કરી આપ્યું તો એ બંદાએ તો બરાબરનું અમારું બીડાણ કરી કાણોદર વત્તા પાલનપૂરની શૈક્ષણિક સંસ્થાઓ માટે માર્ગદર્શનના કાર્યક્રમોના આયોજન કરવાની યોજના યે બનાવી લીધી.

  સુરેશભાઇના આવવાના સમાચાર મળતાંની સાથે જ મેં આયોજન કરી રાખ્યું હતું. તેઓ અમારે ત્યાં આવ્યા …. રહ્યા … ફર્યા … અને … ગયા. માણવા જેવો સમય કદાચ હંમેશા ખૂબ ઝડપથી જ પસાર થઇ જતો હોય છે એટલે જ તેને ફરી ફરીને યાદ કરવાનું કે વાગોળવાનું મન થતું હશે.

  હું રહ્યો ફિલ્લમ બનાવનાર કે વાતો કરનારો … સાદો સીધો હવે ભણતરે ભોટ એવો એન્જીનિયર અને ગણતરે ગુજરાતના ગામડે ગામડે ખૂબ વહાલી એવી મારી ઘરવાળી સાથે હરતો ફરતો જીવ …. તમારા સૌ જેવા નીવડેલા બ્લોગરો પાસેથી લેખનની પાપા પગલી કરતાં શીખી રહ્યો છું.

  છેલ્લા કેટલાક વર્ષોથી બ્લોગ જગતમાં જવલ્લે જ મેં કોમેન્ટસ લખી છે … મેં લખેલી આ કોમેન્ટ અત્યાર સુધીની મારી લખેલ તમામ કોમેન્ટની તુલનામાં સૌથી લાંબી હોય એવું મને લાગે છે.

  કદાચ એ જ અપેક્ષાએ કે ….. ભલે ને અમદાવાદીઓ કોઇને કંઇ ના આપતા હોય પણ તમે અમેરીકા હો કે અમદાવાદ, તૃપ્તિ અને મને આમ જ અંતરના ઊંડાણમાંથી સદાય સ્નેહ સભર આશિર્વાદ …. આપતા જ રહેજો.

  બબ્બે વડીલો … મારી દાઢીની દાઢી છોલવાનો ઇરાદો જાહેર કરતાં હોય તો .. એટલું તો જરૂર કહીશ કે, લોકો હવે ‘અખિલ’ભાઇને ‘અખિલ’દાઢી તરીકે વધારે સારી રીતે ઓળખે છે.

  – મુ. અરવિંદભાઇ, તૃપ્તિનો સાથ આપોઆપ મળવા લાગ્યો એટલે જ અમને બન્નેને આવી રીતે અમારું ગમતું કામ કર્યે જવાની મજામાં વધારે તો મોજ પડે છે.

  – મુ. પ્રજ્ઞાજુ, તમારા કોમ્પયુટર સાથે જરા દોસ્તી કરાવી દો જેથી મારી ટપાલ સ્પામમાં મૂકવાને બદલે હવેથી ઇનબોક્સમાં મૂકે.

  – મુ. ડો. મૌલિકભાઇ, માર્ગદર્શકને ય માર્ગદર્શનની જરૂર તો ખરી જ ને ?

  – મુ. મુર્તઝાભાઇ, અમારી પાસે તો બસ સમય જ સમય છે …. જેટલો માંગશો એટલો મળશે …. બસ, એક જ શરત બસો – પાંચસો બાળકોને ય ભેગા રાખજો. (સંખ્યામાં ફેરફાર કરવાની છૂટ છે )

  – મુ. મેકસૌલ MechSoul (જીતેશભાઇ), મીકેનીકલ સૌલ તો હોઇ જ ન શકે … પણ બધા સૌલ મીકેનીકલ ના થઇ જાય એટલે જ અમે અમારી મસ્તીથી તમારા જેવા મિત્રોની શુભેચ્છાઓથી ઉભરાતા રહેવા સતત પ્રયત્ન કરતા રહીએ છીએ.

  – સુરેશભાઇ, તમે ગુગલી બોલિંગની વાત કરો છો ? હજુ ગઇકાલે મોહાલીની મેચ મન ભરીને માણી અને હવે મુંબઇની ફાઇનલ માટે તૈયાર થઇ ગયા છીએ …

  અને મારા આગ્રહ પછી તૃપ્તિએ પણ પોતાનો પ્રતિભાવ આપતાં જણાવ્યું છે કે,
  .
  .
  .
  .
  .
  .
  .
  .
  .
  .
  .
  .

  લ્યો, હવે મારે આમાં શું ઉમેરવાનુ ? બધુ તો લખી નાખ્યું છે !!! …… પણ સૌને સાદર પ્રણામ કહી દેજો.

  અને છેલ્લે …. દાઢીવાળો જોગી હોય કે દાઢીવાળો સંસારી …. દાઢી તો રહેવાની જ….. એ વાત તો તમે જ નક્કી કરી આપીને ? અને હા આ વાતને સમર્થન આપી મારી દાઢી બચાવી આપવા બદલ વલીભાઇને વચન કે ટુંક સમયમાં સરપ્રાઇઝ માટે તૈયાર રહેજો અને મુર્તઝાભાઇને ખાસ ઓફર … વિગત તો જયારે ભારત આવો ત્યારે જ જણાવીશ. … થોડૂ તો સસ્પેન્સ રાખતાં હવે હું યે નેટ વેપારમાંથી શીખ્યો છું.

  અસ્તુ.

  • સુરેશ જાની એપ્રિલ 1, 2011 પર 12:43 પી એમ(pm)

   बरखा ईतनीन बरसो कि वो आ न सके
   और आनेके बाद?….

   ईतनी बरसो कि, वो जा न सके!!!

   ભાગ્યેજ પધારતા અખિલભાઈ આજે બરાબરના વરસ્યા. ભ ઈલા, તમને ન વરસવાની છૂટ છે. બાળકોને તમારા સમયની વધારે જરૂર છે. તમે વરસો કે ન વરસો; દૂર હો કે નજીક; મળો કે ન મળો – ભાવથી તમે અમારી પાસે જ છો અને રહેશો.
   નહીં તો આ કેવળ સ્વાર્થ લક્ષી જગતમાં કોને તમારી અને તૃપ્તિબેનની જેમ સાવ અજાણ્યાં, છેવાડેનાં બાળકો માટે આટલો પ્રેમ હોય ; અને એને માટે ટૂટી પડતા હોય.

   ભગવાન તમને બહુ મોટા પાયા પર ‘ માર્ગદર્શન’ ને વિસ્તારવા શક્તિ, સંજોગો અને તક આપે.
   અસ્તુ !

 8. Valibhai Musa એપ્રિલ 1, 2011 પર 12:49 પી એમ(pm)

  અખિલભાઈ તથા તૃપ્તિબેન

  “સુરેશભાઇ, તમે ગુગલી બોલિંગની વાત કરો છો ? હજુ ગઇકાલે મોહાલીની મેચ મન ભરીને માણી અને હવે મુંબઇની ફાઇનલ માટે તૈયાર થઇ ગયા છીએ …”

  સેમિ ફાઈનલ અને ફાઈનલની વચ્ચે મન ભરીને માણવા માટે મારા પૌત્ર ડો. રમીઝ એ. મુસાના એક હિંદી કાવ્ય માટે લિંક આપીશ, પણ તે પહેલાં તમને બંનેને જણાવી દઉં કે અમદાવાદની મહાત્મા ગાંધી લેબર ઈસ્ટીટ્યુટથી મારા ઘર સુધી એસ્કોર્ટ ગાડી ચલાવનાર અને વળતાં તમારા ડેસ્ટીનેશન સુધીના રસ્તે છોડવા આવનાર એ જ આ ડો. રમીઝ મુસા છે. સુરેશભાઈ રમીઝ ને રમેશ નામના ટેકા સાથે યાદ રાખે છે.

  તો મારા બ્લોગ ઉપરનો લિંક છે : –

  http://musawilliam.wordpress.com/2011/04/01/%E0%A4%B8%E0%A4%AC-%E0%A4%AD%E0%A4%BE%E0%A4%B0%E0%A4%A4%E0%A5%80%E0%A4%AF-%E0%A4%B2%E0%A5%8B%E0%A4%97%E0%A5%8B%E0%A4%82-%E0%A4%95%E0%A5%87-%E0%A4%B2%E0%A4%BF%E0%A4%8F/

  • અખિલ સુતરીઆ એપ્રિલ 1, 2011 પર 6:33 પી એમ(pm)

   અઅફ્ફો …… કમબખ્ત એટલા બધાને મળવાનું થાય છે કે હવે નામ યાદ રાખવાની બહુ જ મુશ્કેલી પડે છે … ડાયરીમાં લખી રાખી – પછી તેમાંથી તે વાંચી વ્યક્તિને યાદ કરવા મન માનતું જ નથી પણ, આપના તબીબ પુત્ર(નામ?)ના પત્ની(નામ?) અને તેમના તબીબ દિકરા રમીઝ અને ભાવી તબીબ દિકરી (નામ ??) જેવા સંતાનોને મળ્યા બાદ લાગે છે કે આપના ઘરમાં ડાક્ટરોની વસ્તી ગણતરી કરવી પડે …. ખુદા કરે, તમારા તબીબ સંતાનો હંમેશા નિરોગી સમાજ બનાવવાના કાર્યમાં પોતાના જ્ઞાનનો ઉપયોગ કરે .. અને હા, જયારે રમીઝ આપણને એસ્કોર્ટ કરી રહ્યો હતો ત્યારે તો આગેપીછે હમારી સરકાર, યહાં તો હમ હૈ રાજકુમાર જેવો જ ઘાટ થયો હતો !!! સેવૈયા માટે .. ખીર માટે …… આભાર માનીને બીજીવાર ખાવાની તક શામાટે જતી કરવી ? ( અને હા, સરપ્રાઇઝ માટે તૈયાર રહેજો ! )

 9. Harnish Jani એપ્રિલ 6, 2011 પર 10:21 એ એમ (am)

  અખિલકુમારને તો ઓળખું છું-તમે કિલ્લા પારડી વિસ્તારની સ્કુલમાં ગયા-તેથી મીઠી અદેખાઇ થૈ-મેં વલસાડ -અતુલ-પારનેરા-વાપી-સુધી સાયકલ પર ઘુમ્યો છું તે યાદ આવ્યુ.અખિલકુમારે એમનો વેબકેમ ગુમાવીને પોતાના ફ્લેટની બહારના વિસ્તારનું દર્શન કરાવ્યું હતું-તેમને તમે મળ્યા એ ગમ્યું-

 10. chandravadan એપ્રિલ 7, 2011 પર 10:48 એ એમ (am)

  Akhilbhai,
  It was nice chatting…then talking on the Phone…& now I wish that one day we will meet too.
  All the Best in your “Yagna” to show the “Light” in the Schools ….May it bring about the “Parivatan” as intended.
  DR. CHANDRAVADAN MISTRY (Chandrapukar)
  http://www.chandrapukar.wordpress.com
  Ahillbhai…When you visit Vesma & be at the Shalao let me know !
  Sureshbhai.. Nice of publishing a Post on Akhil the Social Worker with the passion & one who is on a Mission.

 11. Pingback: હવે નથી | ગદ્યસુર

 12. વિમેશ પંડ્યા "તુલસીને છાંયે વિસામો..." મે 17, 2011 પર 4:59 એ એમ (am)

  જય શ્રી ક્રિષ્ણ સુરેશદાદા,

  એક વખત ગુગલીંગ કરતાં કરતાં એમજ ગુજરાતી ભાષા સર્ચ કરતાં કરતાં મને બે વર્ષ પહેલાં અખીલ અંકલ મળી ગ્યા. ત્યારથી જે સંબધ બંધાયો એ અવિરત પણે પ્રેમ અને પ્રેરણા બંને સાથે વહી રહ્યો છે. અમે પહેલી વખત ફોન પર મળ્યા હતા. ત્યારથી જ્યાં સુધી અમે રૂબરૂ મળીએ ત્યાં સુધીમાં અમારા સંબંધો ખુબજ નજીકના પારિવારીક બની ગ્યા હતા અને અમારા મળતા પહેલાં મારા પપ્પા અને મમ્મીને અવસર મળી ગ્યો એમને મળવાનો. મારા પપ્પા સાથે મળીને એમણે મારા પપ્પાના સેંટરની તમામ શાળાઓમાં અને નજીકની હાઈસ્કુલોમાં એમના પ્રેરણાદાયી પ્રોગ્રામ કર્યા. એ સિવાય પણ એક વખત અચાનક એ એમની મુસાફરી દરમ્યાન એમના હાલ જ સ્વર્ગવાસી થયેલ પુજ્ય પિતાશ્રી અને માતૃશ્રી સાથે અમારા ઘરની મુલાકાતે જઈ ચડ્યા. જોકે એમની બંને વખતની મુલાકાત દરમ્યાન હું ત્યાં હતો જ નહીં. કારણ કે મારે રહેવું સેલવાસ અને પપ્પાની નોકરી ત્યાં ઘરે, પાંડરવાડા એટલે મારે જો એમને મળવું હોય તો કાં તો મારે વલસાડ જવું પડે અથવા એમણે સેલવાસ આવવું પડે.

  બસ, એક વખત મોકો ગોતી લીધો’તો અને એ બાબતે મેં પણ લખ્યું હતું જે તમે અહીં વાંચી શકો છો. એક દિવસનો પ્રવાસ

 13. kantilal1929 જૂન 28, 2011 પર 11:13 પી એમ(pm)

  નમસ્તે શ્રી અખિલભાઈ, મારા ગામ કિલ્લા પારડીની સાઈટ જોવામાં આપની મુલાકાત થઈ. આનંદ થયો આપના સૌ મિત્રોની મુલાકાત થઈ.
  આવજો.
  કાંતિલાલ પરમાર
  હીચીન

 14. સુરેશ ડિસેમ્બર 22, 2011 પર 10:00 એ એમ (am)

  આવતાં જ મેં એમને મારાં બનાવેલાં ઓરિગામી મોડલો ભેટ આપ્યાં હતાં. એમને બહુ ગમ્યાં. પણ આ જોગી એટલાથી શેં સંતોષાય? સાંજના થાક ઉતારવાની જગ્યાએ એ તો મારી પાસે બે મોડલો બનાવડાવે છે; અને એની વિડીયો ઉતારી લે છે – એમના સંગ્રહમાં ઉમેરો કરવા. કદિક એનો લાભ પણ બાળકોને મળશે.
  —————
  આ રહ્યો તે વિડિયો …

  http://hobbygurjari.wordpress.com/2011/12/22/origami_video_akhil/

 15. dhavalrajgeera જાન્યુઆરી 2, 2012 પર 6:35 પી એમ(pm)

  અખિલ સુતરીયા પરિચય ખૂબ આનંદની વાત છે.
  ઔચિત્યભંગ કરવાની અમારી હા..દ. – વાળાઓની પરંપરા જાળવી રાખી એક અટકચાળું – ભાઈ સુરેશ જાની થકી
  આવા મિત્રોનો પરિચય થઈ રહ્યો છે તે પણ આનંદની વાત છે.
  અખિલ we know you and your family.
  Your wisdom and work will inspire many youth of the world.
  Keep up your good work for 2012 and many more years….

  Rajendra Trivedi, M.D.
  http://www.bpaindia.org

 16. Pingback: ટચુકડીની ફિલ્લમ | હાસ્ય દરબાર

 17. aataawaani માર્ચ 15, 2012 પર 2:21 એ એમ (am)

  સુરેશભાઈ તમે ક્યાં કલાકારીગરીમાં જાપાનીથી ઓછા ઉતરો એવા છો ?અને તમારી સમજાવવાની પધ્ધતિ પણ કેટલી સરળ છે.? ધન્યવાદ

 18. Sarla Sutaria એપ્રિલ 20, 2012 પર 1:34 એ એમ (am)

  આજના સ્વાર્થમય ને આપમતલબી જમાનામાં અખિલ ભાઇ અને તૃપ્તિ બેન જેવા સજ્જનો સંસારમાં રહીને ય સાધુતાથી સમાજને જે પરત કરે છે તે કાબિલેતારીફ છે ……..

 19. Pingback: અખિલ સુતરીયા, Akhil Sutaria | ગુજરાતી પ્રતિભા પરિચય

 20. Pingback: ટચુકડીની ફિલ્લમ – રિટેક | હાસ્ય દરબાર

 21. Pingback: દાઢીવાળો જોગી -

તમારા વિચારો જણાવશો?

Please log in using one of these methods to post your comment:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s

%d bloggers like this: