આ કોઈ ફિલ્મી હીરોની વાત નથી. આ સત્ય નામના હીરાની વાત છે.
સત્ય અનેક પાસાં વાળો હીરો છે. સત્યશોધક જે રસ્તે આગળ ધપે છે; તે હીરાનું એક પાસું હોય છે. સત્ય તો એ રસ્તાના છેડે પણ નથી હોતું. રસ્તાના છેડે સત્યની સાવ નજીક તો પહોંચાય; પણ તેની સાથે આત્મસાત ન થવાય; સત્યની અનુભૂતિ ન થાય. હજુ તેના એ પાસાં સાથે મમતા રહે; જેના થકી સત્યની નજીક પહોંચાયું હોય. તે તો હીરાના ભૌતિક રૂપનું એક પાસું જ હોય છે. સત્ય તો એ બધાંએ પાસાંની પાછળ રહેલું હીરાનું હીરાપણું હોય છે; જે તેને તેના ભૌતિક રૂપથી અલગ હોવાપણું આપે છે. ખરેખર તો તે હોવાપણું જ હીરાને અનેક પાસાં આપે છે.
સત્યને પામ્યા કે વધારે સારી રીતે કહીએ તો, સત્યને અનુભવ્યા બાદ; સત્યશોધકની અથવા સામાન્ય રીતે બનતું હોય છે તેમ, તેના અનુયાયીઓની મૂળભૂત ભૂલ એ થતી રહી છે કે, તેઓ એ માર્ગને, હીરાના એ પાસાને હીરો જ માની લે છે . અને પછી …
नान्यः पन्थाःsत्र विद्यते
– જેવા ઝનૂની પ્રચારમાં મચી પડે છે.
કોઈ ભક્તિમાર્ગી એમ કહે કે, વર્તમાનમાં જીવવું એ નકરી ભૌતિકતા છે; તે પ્રેક્ષાધ્યાનના સિદ્ધાંત અને રીતને સમજ્યા વિના જ આમ માની બેસે છે. એ જ રીતે ધ્યાનમાં મગ્ન સાધક પ્રેમલક્ષણા ભક્તિના રસને વેવલાવેડા કે છીછરાપણું માને છે. અહિંસાના પ્રખર ઉપાસકને અરેરાટી પહોંચે તેવું ભૌતિક જગતનું કડવું ઝેર જેવું સત્ય છે જ કે, પૃથ્વી પરનું જીવન હિંસા વિના શક્ય નથી – શાકાહારી પ્રાણીઓ સમેત. આમ જ ઘણાં સત્યો, માન્યતાઓ વિશે કહી શકાય. તે એમનાં પરિપ્રેક્ષ્યમાં જ સાચાં હોય છે. બીજાં એમનાથી સાવ વિરૂદ્ધ દિશામાં હોય; એમ બને.
આમ કશા એકને જ સનાતન કે એક્માત્ર સત્ય અથવા કેવળજ્ઞાન માની લેવું એ, અજ્ઞાન છે. હીરાના હીરાપણાને જેણે અનુભવ્યું છે; તેને માટે આ બધાં પાસાં હીરાના એક ભાગ જેવા જ બની રહે છે. દરેકે દરેક પાસું – કડવા કે કઠોર સમેત- હીરાનો એક અંશ જ છે. જેણે હીરાના હીરાપણા સાથે તાદાત્મ્ય અનુભવ્યું હોય , તે આ પાસાં પણાંથી પર બની જાય છે – ઉન્નત આકાશમાં ઊડતો, યાયાવર જોનાથન સીગલ.
સામાન્ય માણસ આવો સત્યશોધક બનવા મન ન કરે; તે પણ સાવ કુદરતી છે. ભૌતિકતામાં સ્થિત રહેવું એ તેનો ધર્મ છે; અને સત્યશોધનના કોઈ માર્ગ પર ચાલવાનું શરૂ કરવું, એ માણસ તરીકે તેનું જીવન ધ્યેય છે.
માત્ર તેણે એ સમજવું રહ્યું કે, માર્ગ એ માર્ગ છે; હીરો નથી. એને હીરો માની લેવાની ભૂલને કારણે સામાન્યોએ માનવ સમાજને ઘણી મોટી હાનિ કરી છે; સદીઓથી કરતા રહ્યા છે; અને હજુ કરતા જ રહે છે. મુઠ્ઠી ઊંચેરો માનવી તો ભરપૂર પ્રેમથી છલકાતો હોય છે. સામાન્ય માણસે આ સ્થિતિ પ્રાપ્ત ન કરી હોય તો પણ પ્રેમ અને આનંદ જીવનનો પાયો છે; એ ન ભૂલવું જોઈએ.
ઉત્ક્રાન્તિની આગેકૂચમાં જો માનવજાતિએ મહામાનવ બનવાની હોડ બકવી હોય; તો માનવ ઈતિહાસને પીડી રહેલી આ પાયાની નબળાઈને ત્યાગવી જ રહી.
સત્યના માર્ગોના વિવાદોથી દૂર રહી; જે માર્ગ અપનાવ્યો હોય તેમાં સતત પ્રગતિ કરતા રહીએ. બીજા માર્ગો પર આવો પ્રવાસ કરનારા સત્યશોધકોનો દ્વેષ ન કરીએ. એમના પ્રકાશે આપણે ઉજળા થતા રહીએ – સત્યના હીરાની જેમ ચમકતા અને દમકતા બનીએ- સહુ નકારાત્મકતાઓથી દૂર સુદૂર……
——————–
આ વિષયમાં રસ ધરાવનાર વાચકના વિશેષ વાંચન માટે….
Like this:
Like Loading...
Related
દદ્દુ! આમ જોવા જોઈએ તો દરેક વ્યક્તિ એક ‘રફ’ હીરો જ છે. બસ એને જરૂર છે એક સાચા જોહરી(ઝવેરી)ની જે તેને બરોબર તરાશી ચમક આપી શકે.
આ આર્ટિકલ પણ વાંચવા જેવો ખરો: http://www.divyabhaskar.co.in/article/DGUJ-SUR-seminar-by-arindam-chaudhary-at-surat-1753928.html
દિકરા,
આપણે જ આપણા જોહરી બનવાનું હોય છે. કોઈ રસ્તો દેખાડે એટલું જ. ચાલવું તો જાતે જ પડે.
નહીં તો …
કોઇ સરકે છે. કોઇ ટહેલે છે.
કોઇ ધસમસ શ્વાસે દોડે છે.
કોઇ હાંફે છે. કોઇ નીતરે છે.
કોઇ લયમાં શિરને ડોલે છે.
કોઇ મરકે છે. કોઇ બબડે છે.
કોઇ રડમસ ચહેરે લટકે છે.
કોઇ ભારે ભારને ઊંચકે છે.
કોઇ હળવા દડાથી ખેલે છે.
ધરતી સરકે છે પગ નીચે,
પણ ચિંતા વિણ હું ઊભો છું.
બળે કેલરી ક્ષણે ક્ષણે,
પણ હું તો સાવ જ શીતળ છું.
કેટકેટલાં અંતર કાપું,
છતાં નથી હું સહેજ ખસ્યો.
આ વાત જીવનની છે કે પછી,
ટ્રેડમીલથી એક દર્શન છે?.
દિવ્યભાસ્કરનો લેખ બહુ જ સરસ છે.
ટાંચણ …
‘જેમ કોલસાની ખાણમાં હીરો છુપાયેલો હોય છે તે રીતે દરેક માણસમાં પણ હીરો છુપાયેલો હોય છે. તેને શોધવો પડે છે. વારંવાર પ્રયત્નો કરવા પડે છે. શોધ પછી કામ પૂરું થઈ જતું નથી. તેને ચમકાવવો પડે છે. આ બધું કઈ રીતે કરાય તે માટે માણસને યોગ્ય રસ્તો બતાવવો પડે છે અને તે માટે જ હું અહીં આવ્યો છું,’ તેમ ‘ડિસ્કવર ડાયમંડ ઇન યુ’ના લેખક અરિંદમે કહ્યું હતું.
તમારું અવલોકન-બહુ આધ્યાત્મિક-અને ઊંડાણવાળું છે- જે મારા જેવાના મગજમાં ન ઉતરે–પણ મનન બહુ સરસ છે.
સામાન્ય માણસ આવો સત્યશોધક બનવા મન ન કરે; તે પણ સાવ કુદરતી છે. ભૌતિકતામાં સ્થિત રહેવું એ તેનો ધર્મ છે.
દરેકનું પોતાનુ સત્ય હોય છે (સાપેક્ષ) અને એ જ સહુથી અગત્યનું સત્ય છે. નિરપેક્ષ સત્ય વીશે હજી કોઈ સમજણ નથી…
સત્યના માર્ગોના વિવાદોથી દૂર રહી; જે માર્ગ અપનાવ્યો હોય તેમાં સતત પ્રગતિ કરતા રહીએ. બીજા માર્ગો પર આવો પ્રવાસ કરનારા સત્યશોધકોનો દ્વેષ ન કરીએ. એમના પ્રકાશે આપણે ઉજળા થતા રહીએ – સત્યના હીરાની જેમ ચમકતા અને દમકતા બનીએ- સહુ નકારાત્મકતાઓથી દૂર સુદૂર……
બ હુ સ ર સ
હીરાનો વક્રીભવન અચળાંક ખૂબ ઉંચો તેથી કિમતી પત્થર તરીકે મનાય છે.વિચારમાં, વાણીમાં ને આચારમાં સત્ય એ જ સત્ય. આ સત્ય સંપૂર્ણપણે સમજનારને જગતમાં બીજું કંઈ જાણવાપણું નથી રહેતું. કેમ કે જ્ઞાન માત્ર તેમાં સમાયેલું છે. એમ આપણે ઉપર જોયું. તેમાં જે ન સમાય તે સત્ય નથી, જ્ઞાન નથી; પછી તેમાં ખરો આનંદ તો હોય જ ક્યાંથી ? આ કસોટી વાપરતાં શીખી જઈએ તો આપણને તરત ખબર પડે કે કઈ પ્રવૃત્તિ કરવા યોગ્ય છે, કઈ ત્યાજ્ય છે; શું જોવા યોગ્ય છે, શું નથી; શું વાંચવા યોગ્ય છે, શું નથી…
Hiro..yane Diamond !
The JivanKahani of both same.
A paththar in the beginning….by cutting..polishing etc eventually called as the DIAMOND.
Similarly. Manavi is like a PATHTHAR….and as he refines his LIFE STYLE..and filled with Manavta, he shines as a REAL HUMAN.
DR. CHANDRAVADAN MISTRY (Chandrapukar)
http://www.chandrapukar.wordpress.com
સત્ય = હીરો
સત્ય નો માર્ગ = હીરા નો એક પાસો
એક પાસો કદી સંપૂર્ણ હીરો નથી, મતલબ કે સત્ય રૂપી હીરા ને કદી કોઈ પામી શક્યું નથી અને પામી શકવાનું પણ નથી ??????????????????
સત્યને પામ્યા કે અનુભવ્યા નો કોઈ માપ દંડ ખરો ?
મારી સમજ મુજબ કેવળ જ્ઞાન પામેલી વ્યક્તિ એક બહુ બધા પાસેદાર હીરા જેવી હોય છે. જેમકે તેને કોઈ એષણા નથી, માન – અપમાન નથી, હું પણું કે અહં નથી, વાદ -વિવાદ નથી, કોઈ પ્રત્યે રાગ કે દ્વેષ નથી, દેહ ભાવ થી
પર સચિદાનંદ આત્મા રૂપ વર્તે છે, જે અજર-અમર છે, કદી જન્મતો નથી અને મ્રત્યુ પામતો નથી. એટલુજ નહિ તેના સ્વયમ પ્રકાશ થી તેની નજીક જે કાઈ મુકો તે પણ ચમકવા લાગે. સત્ય ને રસ્તે ચાલનાર જયારે આવી વ્યક્તિ નજીક પહોંચી જાય
ત્યારે તેને મંઝીલે પહોંચ્યા નો અથવા તો સત્ય રૂપી હીરો પ્રાપ્ત થયાનો અનુભવ થાય છે. પણ પામર મનુષ્ય ની અહં-બુદ્ધિ-મન તેને કદી આવી વ્યક્તિ સુધી પહોંચવા દેતી નથી, અને બીજાને આવી પ્રાપ્તિ થયાની વાત પણ સ્વીકારવાનો તેની બુદ્ધિ ઇનકાર કરે છે, અને રાત દિવસ તર્ક-વિતર્ક કરતો રહે છે