સૂરસાધના

ગુજરાતી લેખિનીમાં સ્વૈરવિહાર

ઓકે! આપણે જઈશું – O.K. We’ll go : ભાગ- ૧

“O.K. We’ll go.”

આ શબ્દો સાથે જગતના ઈતિહાસમાં સૌથી મોટા લડાઈના હુમલાની શરૂઆત થઈ ગઈ. આ વાક્ય  ૬-જૂન ૧૯૪૪ની વહેલી સવારે અમેરિકી જનરલ ડ્વાઈટ આઈઝનહોવર બોલ્યા હતા. બીજા વિશ્વ યુદ્ધ વખતે, ઈતિહાસમાં પ્રસિદ્ધ, મિત્ર દેશોના લશ્કરી દળો દ્વારા નાઝી જર્મનીએ કબજે કરેલ ફ્રાન્સમાં આવેલ નોર્મંડી પરના,અપ્રતીમ હુમલાની આ વાત છે.

  આ દિવસ ‘ડી –ડે’ તરીકે બહુ જ જાણીતો છે; અને આવા કોઈ પણ શકવર્તી કાર્યના આરમ્ભ માટે હજુય વપરાય છે. આ દિવસે, અમેરિકા, કેનેડા અને બ્રિટીશ દળો જર્મનીના દુઃસહ્ય તોપમારા સામે ફ્રાન્સના દરિયાકિનારા પર વાવાઝોડાની જેમ ધસી ગયા હતા. આ પ્રારમ્ભિક દળોએ જર્મનીના પશ્ચિમ મોરચાનો વિનાશ કરવા માટે અત્યંત જરૂરી એવા દરિયા કિનારા પરનું આક્રમણ મથક (લોન્ચિંગ પોઈન્ટ) ઊભું કર્યું હતું.

ઉપર જણાવેલ હુકમ ઉચ્ચારવાની સાથે જ જનરલ આઈઝનહોવરે ૨૩,૦૦૦ એર બોર્ન લશ્કરી જવાનોને જર્મનીએ કબજે કરેલ પ્રદેશ પર ધસારો કરવા ઉતારી  દીધા હતા. ખાસ બનાવેલ ગ્લાઈડરો અને પેરેશ્યુટ વડે આ બધા કાળી ડિબાંગ રાતે દુશ્મનના પ્રદેશ પર ત્રાટક્યા હતા. તેમણે પૂલો, રસ્તાઓ પરના વ્યુહાત્મક મથકો કબજે કરી લીધા અને જર્મન દળોમાં અંધાધુંધી ફેલાવી દીધી. આ વ્યૂહરચનાના કારણે, ઈન્ગ્લીશ ચેનલના ફ્રાન્સ તરફના, નોર્મંડીના રેતાળ કિનારા (બીચ) પર મિત્ર દળોના મુખ્ય હુમલાને બહુ જરૂરી ટેકો મળ્યો હતો.

   અને આ મુખ્ય હુમલો કેવો હતો?

મિત્ર દળોના એક લાખ અને ત્રીસ હજાર સૈનિકો! આ જાતના યુદ્ધ માટે  ખાસ તાલીમ મેળવેલ આ સૈનિકોએ બીજા વિશ્વ યુદ્ધ વખતના કદાચ સૌથી વધારે ભયાવહ, જર્મન તોપમારાનો પ્રતિકાર કરવાનો હતો.મિત્ર દેશોના હૂમલાને ખાળવા જર્મનીએ ઊભી કરેલી, ‘એટલેન્ટિક દિવાલ’ તરીકે જાણીતી સજ્જડ શસ્ત્રોથી સજાવેલી, અભેદ્ય, સંરક્ષણાત્મક આડશ પર તેઓ બહાદૂરી પૂર્વક ધસી રહ્યા હતા. અને નોર્મંડી ખાતે જર્મન દળોનો કમાન્ડર કોણ હતો? બીજો કોઈ નહીં પણ, ‘રણના શિયાળ’ ( ડેઝર્ટ ફોક્સ) તરીકે પ્રખ્યાત, અને જેનાં  લડાયક વ્યૂહરચના અને મિજાજનો આદર મિત્ર દેશોના સેનાપતિઓ પણ કરતા હતા તેવો….. અરવિન રોમેલ! તેની લડાયક કાબેલિયતે ઉત્તર આફ્રિકાના મોરચે મિત્ર દેશોના દાંત ખાટા કરી દીધા હતા.   

ડી-ડેના યુદ્ધના કારણે જનરલ આઈઝનહોવર જગપ્રસિદ્ધ બની ગયા. તેઓ મિત્ર દેશોના સર્વોચ્ચ સેનાપતિ હતા અને બીજા વિશ્વ યુદ્ધના આખરી તબક્કામાં, બ્રીટનની તળ ભૂમિમાથી કામ કરતા ત્રીસ લાખ પુરુષો અને સ્ત્રીઓના કાફલાને વ્ય્વસ્થિત રીતે કામ કરતા રાખવાની અંતિમ જવાબદારી તેમની હતી. આધુનિક લશ્કરી ઈતિહાસમાં આઈક તરીકે જાણીતા જનરલ આઈઝનહોવરને શિરે બહુ જ મુશ્કેલ અને જટિલ નિર્ણયો લેવાની જવાબદારી હતી; અને તે સાચા નિર્ણયો લઈ શક્યા હતા. ભયાનક રીતે ગાજી રહેલા દરિયાઈ તોફાનોની પાર્શ્વભૂમિકામાં, ઈતિહાસમાં સૌથી મોટો, જળ તેમ જ સ્થળ પરનો (એમ્ફિબિયન) હુમલો કરવામાં આગળ વધવું કે નહીં; તેનો નિર્ણય તેમણે લેવાનો હતો.

હવામાન સારું અને અનુકૂળ હોય તો પણ આ હુમલો બહુ જ જોખમકારક હતો. આ હુમલામાં એમ્ફિબિયસ ઉતરાણ કરવાનું હતું. આમાં દુશ્મનના સતત અને અસહ્ય તોપમારા અને મશીનગનના ફાયર સામે,  લશ્કરી ટૂકડીઓને  હોડીઓ મારફત ઈન્ગ્લીશ ખાડી (ચેનલ) ઓળંગાવવાની હતી. બીચ પરના ઊતરાણ માટેનાં લક્ષ્યસ્થાનો ( ટાર્ગેટ)ને કોડ નામ આપવામાં આવ્યાં હતાં. અમેરિકન ટૂકડીઓ ઓમાહા અને ઉટા બીચો પર ઊતરવાની હતી. બ્રિટીશ અને કેનેડિયન ટૂકડીઓ સ્વોર્ડ, જુનો અને ગોલ્ડ નામના બીચો પર ઊતરવાની હતી. આમાં અમેરિકન લક્ષ્યો – ખાસ તો ઓમાહા – સૌથી ભારે સુરક્ષિત નીવડ્યા હતા. ત્યાં આખીને આખી દરિયાઈ લશ્કરી સ્ટીમરોને ડુબાડી શકે તેવી ભયાનક તાકાતવાળી, જર્મન તોપો બન્કરોમાં ગોઠવાયેલી હતી. ભુગર્ભ બન્કરો અને બીજા વ્યૂહાત્મક ફાયદાવાળા સ્થાનોએ જર્મન લશ્કરી જવાનો ખડે પગે ગોઠવાયેલા હતા. આ કિનારાઓ આગળના દરિયામાં પાણી નીચેની માઈનો અને ટેન્કોને આગળ વધતી અટકાવવા અવરોધકો રાખેલા હતા. અને ઓમાહા બીચ પર તો નાની નાની ટેકરીઓ અને ખાડાખૈયાવાળી ઘણી જગ્યાઓ હતી.

ટૂકડીઓ બીચ પર પહોંચે, તે પહેલાં તેમણે ઊતરાણ માટે બનાવેલાં ખાસ, એમ્ફિબિયન વાહનોમાં મુસાફરી કરવાની હતી. લડાઈ દરમિયાન જર્મન તોપોએ આવાં ઘણાં વાહનો ઉડાડી મૂક્યાં હતાં; પણ અનેક સંખ્યામાં એ તો આવતાં જ રહ્યાં. જ્યારે આ વાહનો કિનારે પહોંચે ત્યારે તેમણે દુશ્મનના ભારે, મશીનગન ફાયરને વીંધીને, ખુલ્લી જમીન પરથી દોડી જવાનું હતું. આઈક અને તેમના સાથીઓને ભય હતો કે, લશ્કરને ભારે જાન હાનિ ભોગવવી પડશે. હવાઈ દળો વાપરવા સામે પણ શંકા કુશંકાઓ હતી. આઈકના એક સાથીને તો શંકા હતી કે, આ લડાઈમાં ૭૦% જવાનો ખપી જશે અથવા ઘવાશે. એક બ્રિટીશ સેનાપતિએ તો એના રિપોર્ટમાં લખ્યું હતું કે,

“આખા યુદ્ધમાં આ સૌથી ભયાનક તારાજી બની રહેશે.”       

આઈકને આ જવાબદારી અદા કરવામાં મદદ કરવા  માટે અનેક સેનાપતિઓ ( જનરલો) અને બીજા સલાહકારો હોવા છતાં; છેવટના નિર્ણયો તો તેમણે જ લેવાના હતા. તેઓ પોતે પણ આ લડાઈ વિશે અંગત આશંકાઓ ધરાવતા હતા; પણ તેમણે તેમની ટીમને આશાવાદી બનવા અને ઘડાયેલી વ્યૂહરચનામાં વિશ્વાસ રાખવા હૂકમ કર્યો હતો. આમ છતાં, લડાઈમાં પીછેહઠ કરવી પડે તો, હુમલાની આગલી સાંજે, તેમણે પ્રેસને આપવા માટેની એક નોંધ લખી રાખી હતી  

“ આપણાં ઊતરાણો નિષ્ફળ ગયાં છે… આ માટેના પ્રયત્નોમાં કોઈ ખામી રહી ગઈ હોય કે, કોઈને દોષિત ઠરાવવાનું હોય તો, તે માટે એકલો હું જ જવાબદાર છું. ”  

—————–

Translation from 1st chapter of …

“Dwight D.Eisenhower” – D.Clayton Brown

વધુ આવતા અંકે… 

9 responses to “ઓકે! આપણે જઈશું – O.K. We’ll go : ભાગ- ૧

 1. chandravadan મે 17, 2011 પર 6:51 પી એમ(pm)

  Back to the Past.
  Back to the History/
  Back to the World War & the Fight against the Mighty Germany.
  The beginnning for the Attack of the Allied Forces !
  DR. CHANDRAVADAN MISTRY
  http://www.chandrapukar.wordpress.com
  Inviting all to Chandrapukar !

 2. Capt. Narendra મે 17, 2011 પર 7:00 પી એમ(pm)

  સરસ ભાષાંતર. મૂળ અંગ્રેજી લેખ તો મેં વાંચ્યો નથી, પણ ભાષાંતરમાં આપે ફીલ્ડ માર્શલ રોમેલ માટે “… ‘રણના શિયાળ’ ( ડેઝર્ટ ફોક્સ) તરીકે કુખ્યાત,” લખ્યું તે જરા’ક વિચીત્ર લાગ્યું. અંગ્રેજોએ તેમના દાના દુશ્મનોને ખુબ બિરદાવ્યા, અને રોમેલને Desert Fox કહેવા પાછળ તેને બદનામ કરવા નહિ, પણ કુનેહથી શિકારી કુતરાઓનો પીછો છોડાવનાર ચાલાક શિયાળની ઉપમા આપી હતી, Fox and Houndsના chaseની જેમ. દુશ્મનની ચાલને અગાઉથી પરખી, ઓળખી તેની સામે કેવા પગલાં લેવા જોઇએ તેવી વ્યુહ રચના કરનાર રોમેલ માટે અંગ્રેજોને ઘણું માન હતું. અંગ્રેજ જનરલો તેને માનની દૃષ્ટીએ જોતા. જો કે આપે ભાષાંતર કર્યું તેમાં મૂળ લેખકે વાપરેલા શબ્દોને જ ગુજરાતીમાં ઉતાર્યા છે તેથી આપના ભાષાંતર પર આ ટિપ્પણી નથી, કેવળ મૂળ લેખકે ‘કુખ્યાત’ શબ્દ માટે notorious, renegade, unscrupulous જેવા શબ્દો કદાચ વાપર્યા હશે. આ પત્રમાં મારે એટલું જ કહેવું છે કે હૅનીબલ, નેપોલિયન, જ્યુલીયસ સીઝર, આપણા વિક્રમાદિત્ય જેવા જગતના મહાન સેનાપતિઓમાં રોમેલની ગણના થાય છે. યુદ્ધમાં તેણે કદી સૈનિક ધર્મને લાંછનરૂપ ગણાય તેવું કોઇ કાર્ય નહોતું કર્યું, તેથી આ શબ્દ પગમાં કાંકરીની જેમ જરા’ક ખુંચ્યો!
  બાકી આપનો લેખ ઘણો જ ગમ્યો. તેમાં આપની Military Historyમાં રૂચિ તથા અભ્યાસનાં દર્શન જરૂર થયા.

  • સુરેશ જાની મે 17, 2011 પર 8:50 પી એમ(pm)

   લખતી વખતે મને પણ ખૂંચ્યો હતો. મૂળ લેખમાં પણ તમે કહો છો; તેવો માનવાચક શબ્દ જ છે. તમારી સૈનિક આંખે ભૂલ બરાબર પકડી.
   બનતી ત્વરાએ બદલી નાંખીશ.
   ——————-
   પણ આ લેખનું તાત્પર્ય કાંઈક બીજું જ છે – લશ્કરી નહીં ; મારા જેવા બિન સૈનિક માટે તો એમ જ હોય ને?! છેલ્લા ભાગમાં એનું રહસ્યોદ્ઘાટન થશે.

 3. Chirag મે 17, 2011 પર 7:53 પી એમ(pm)

  મારા બાળપણમાં વાંચેલી લશ્કરી કથાઓની યાદ બખૂબી તાજી થઈ ગઈ. સરસ અનુવાદ અને સરસ પ્રસંગ પસંદ કર્યો છે.

 4. pragnaju મે 18, 2011 પર 7:29 એ એમ (am)

  ખૂબ સ રસ વર્ણન.
  આવી વાતોમા આપણે ભારતિયો- તેમા ગુજરાતીઓ એ શું કર્યું ? તેવી ગંમ્મત કરે! તો એક આડ વાત…બીજા વિશ્વયુદ્ધમાં આશરે ૨૫ લાખ ભારતીય સૈનિકોએ ભાગ લીધો. પોતાનો દેશ યુદ્ધમાં સંકળાયેલો ન હોય, છતાં ‘મિત્રરાષ્ટ્રો’ સાથે, તેમની મદદમાં લડતાં હોય એવાં સૈન્યોમાં ભારતીયોનું લશ્કર સૌથી મોટું હતું.કે.એમ.કરીઅપ્પા, કે.એસ.થીમય્યા, બી.એમ.કૌલ તથા ઐયુબખાન પણ ‘કંિગ્ઝ કમિશન્ડ ઇન્ડિયન ઓફિસર’ હતા. ભારતીયોએ ઉદાર હાથે ફાળો આપ્યો. ગુજરાતી હીરાબહેન બેટાઇ જેવાં કેટલાંકે તો જાણે આખી તિજોરી ઠાલવી દીધી. ગુજરાતી પત્રકાર અમૃતલાલ શેઠે રૂબરૂ જઇને ફૌજની ગતિવિધી જોઇ હતી.અમારી પી ટી ઇન્સટ્રકટર કડક હતી તેને અમે રૉમેલ કહેતા. Obeisance

  આગળના હપ્તાની રાહ જોઈએ

 5. Pingback: ઓકે! આપણે જઈશું – O.K. We’ll go – ભાગ -૨ | ગદ્યસુર

 6. atuljaniagantuk મે 19, 2011 પર 6:56 એ એમ (am)

  “ આપણાં ઊતરાણો નિષ્ફળ ગયાં છે… આ માટેના પ્રયત્નોમાં કોઈ ખામી રહી ગઈ હોય કે, કોઈને દોષિત ઠરાવવાનું હોય તો, તે માટે એકલો હું જ જવાબદાર છું. ”

  વાહ – આનું નામ સેનાપતિ.

 7. pravina મે 20, 2011 પર 7:17 એ એમ (am)

  Very nice try done successfully.History was not my favorite subject but now I love it.

તમારા વિચારો જણાવશો?

Please log in using one of these methods to post your comment:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s

%d bloggers like this: