હા! ખરેખર પ્રભુશ્રીના આશિષ જ કે, મિત્રો મળ્યા.
પણ આજે જે મિત્ર અંગે વાત કરવાની છે; તે અચૂક પ્રભુશ્રીના આશિષ પાઠવીને જ ઈમેલ પૂરો કરે છે !
આ મિત્રને મળવા જતાં મને એમને સરપ્રાઈઝ આપવાનું મન થયું. સવારમાં વહેલો, સીધો એમની ઓફિસે પહોંચી ગયો. અમદાવાદ મ્યુનિ. ના નવરંગપુરા સ્ટેડિયમના સમૃદ્ધ વિસ્તારમાં એમની અર્ધ સરકારી સંસ્થાની ઓફિસ આવેલી છે. પટાવાળો પણ હમણાં જ આવ્યો હતો અને સાફસૂફીમાં વ્યસ્ત હતો. તેણે એમની ઓફિસ સાફ કરી મને બેસાડ્યો. મારી ધીરજ ખૂટી જવાની તૈયારીમાં જ હતી; અને ત્યાં એ આશિષદાતા આવી પહોંચ્યા.
કોણ? ખબર ન પડી ને? પણ જે લોકો એમની સાથે ઈમેલ સમ્પર્કમાં છે; એ બધા તો શિર્ષક વાંચીને તરત એમને ઓળખી ગયા હશે.
લો .. એમની છબી જ જોઈ લો.

શરદ શાહ – પ્રભુશ્રીના આશિષે મળ્યા.

આ છે શરદ શાહ. આમ તો કોમર્સ ગ્રેજ્યુએટ છે; પણ ગુજરાતના ઘણા બધા પ્રોજેક્ટોને એમનાં સલાહ સૂચનો મળેલાં છે. અને મારી અંતરયાત્રાના પ્રોજેક્ટના પણ એ ગાઈડ છે.
પણ એ મૂલાકાત દરમિયાન ઘણું મોડું થઈ ગયું હતું. મારે બીજા એક અગત્યના કામે જવાનું હતુ. મને એમની સાથે સત્સંગ કરવાનો જે લ્હાવો હતો; અને જ્યાં જવાનું બહુ જ મન હતું તે, માધવપુરના ઓશો આશ્રમની એમની પાસેથી અલપ ઝલપ ઝાંખી મેળવી, મેં વિદાય લીધી. તે આશ્રમની મૂલાકાત લેવાનો સંકલ્પ તો કર્યો; પણ વિધિનું કરવું તે, અઢી મહિનાની દેશયાત્રા પતી ગઈ તો પણ ત્યાં ન જ જવાયું.
પણ એમની સાથે બેસી સત્સંગ કરવાની તડપન તો રહી જ. એ ક્યાં સંતોષાઈ હતી? ફરી એમનો સમય લઈ, રજાના દિવસે એમને ઘેર જ પહોંચી ગયો; અને એ યાત્રા પણ કેવી યાદગાર? મને એમનું ઘર નહીં જડે , એમ જાણીને મને લેવા એ સામા કારમાં આવ્યા. પણ ભવના ભવરણમાં ભટકવું પડે છે; તેમ આ સ્કૂટરચાલક એમને અનુસરી ન શક્યો. પણ બે ચાર વાર સેલફોન સમ્પર્કે પાછો લાઈન પર આવી ગયો!
અને એમના દિવાનખંડમાં અમારો સત્સંગ શરૂ થયો. એ સત્સંગની વાતો કરવા આ મિત્ર પરિચયની જગ્યા થોડી જ વપરાય? પણ અહીં આવ્યા બાદ પણ, એમની સાથે નેટ સત્સંગ ચાલુ છે. અને એ સત્સંગનો મર્મ પચાવ્યા વિના એના વિશે લખવું પણ ઠીક નહીં.
પણ.. એમના આશિષ અને સદભાવના જોરે આ નૌકા જરૂર લક્ષ્યસ્થાને પહોંચી જશે; એવી શ્રદ્ધા આ અશ્રદ્ધાળુ જણના ચિત્તમાં જરૂર સ્થાપિત થઈ છે.

સ્વામી શ્રી. બ્રહ્મવેદાન્ત – ઓશો આશ્રમ, માધવપુર
એમના ગુરુશ્રી કે જેમણે ઓશો રજનીશ અને ગુર્જિયેફના સિદ્ધાંતોને પચાવ્યા છે; અને કામ કરતાં કરતાં જ આત્મજ્ઞાન મેળવવાનું જે શીખવે છે તે, શ્રી. બ્રહ્મવેદાન્ત સ્વામી વિશે જાણવા અહીં ‘ક્લિક’ કરો.
આ લખાણની સમાપ્તિ પોંડિચેરી આશ્રમના માતાજીના, મને બહુ જ ગમતા આ સંદેશ સાથે કરવા મન થાય છે-
Let us work as we pray;
for work indeed is
body’s best prayer
to the Divine.
– Mataji
Like this:
Like Loading...
Related
શ્રી શરદભાઈ સાથે બ્લોગ ઉપર સત્સંગ થતો રહે છે તેમના વિચારો ક્યારે ક મારાં કરતા વિપરીત હોવા છતાં જાણી આનંદ પણ આવે છે કારણ કે તેનાથી જે તે વિષય ઉપર બીજા એંગલથી વિચારવા પ્રેરે છે. અલબત્ત તેઓને મારી વાત કે વિચારો ગમે છે કે કેમ તે જાણી શકાયું નથી.
પ્રિય અરવીદભાઈ;
પ્રેમ;
બે મિત્રોમાં મતભેદ કે વિચારભેદ હોય તે તો આવકાર્ય છે મનભેદ ન હોવો જોઈએ. હું જે કહું તેમાં તમે હા એ હા જ કર્યે રાખો કે તમે જે કહો તેમાં હું હા એ હા જ કર્યે રાખું તો તેવી મિત્રતા તો બે કોડીની છે. મારી સમજ મુજબ સારા મિત્રો તેને જ કહેવાય કે જે કોઈપણ પ્રકારના ભય કે સંકોચ વગર પોતાનો મત એકબીજા સમક્ષ રજુ કરી શકતા હોય અને ખુલ્લા દિલે જે તે વિષયે ચર્ચા કરી શકતા હોય. ચર્ચા પાછળનો આશય એક બીજાને ને હરાવવાનો કે નીચો બતાવવાનો ન હોવો જોઈએ પણ એક બીજાને મદદરુપ થવાનો હોવો જોઈએ તો મિત્રો વચ્ચે થતી આવી ચર્ચા એકબીજાને માર્ગદર્શક બની રહે છે અને એકબીજા પાસે થી કાંઈક નવું જાણવાની કે નવા દૃષ્ટિકોણથી જે તે વિષયને જોવાની એક એક તક સાંપડે છે. બાકી તો આપણે જે ને મારા વિચારો કહેતાં હોઈએ છીએ તે અસલમા ઉધાર વિચારો જ હોય છે. ક્યાંક વાંચેલા,સાંભળેલા, ક્યાંક સંસ્કારોમાં પડેલા કે ક્યાંક શાળામાં ભણેલા કે અન્ય. અને આવા ઉધાર વિચારોનુ કોઈ ખંડન કરે તો અહંકાર પર ચોટ પડે છે અને કોઈ સમર્થન કરે તો અહંકાર ફુલાવા લાગે છે.આવો બધો છે આપણા મનનો અને અહંકારનો ખેલ. ખેલને ખેલની રીતે ખેલશો તો આનંદ આવશે, પણ પ્રતિસ્પર્ધાની રીતે જોશો તો પીડા થશે.
શેષ શુભ.
પ્રભુશ્રિના આશિષ;
શરદ
શરદભાઈ શાહ…..
આજે પોસ્ટ એમના વિષે છે.
શરદભાઈ ઘણા લાંબા સમય પહેલા, મારા બ્લોગ “ચંદ્રપૂકાર” પર પધાર્યા હતા.
ત્યારબાદ, “૬૦+ગ્રુપ”માં એમના વિચારો ઈમેઈલઓ દ્વારા વાંચ્યા.
આજે આ પોસ્ટ દ્વારા એમને પહેલીવાર ફોટામાં નિહાળ્યા.
અને…સાથે એમના ગુરૂજી શ્રી બ્રહ્મવેદાંતજીના ફોટારૂપી દર્શન થયા.
શરદભાઈનું જીવનમાં એમના ગુરૂજીના માર્ગદર્શન થકી “પરિવર્તન” આવ્યું.
ગુરૂજ્ઞાનરૂપી યજ્ઞમાં સ્નાન કરી, શરદભાઈ “પ્રભુતત્વ”ને સમજવા પ્રયત્નો કરે છે,
આ એક હકિકત છે.
પણ….જ્યારે સંસારી જીવનમાં “સેવા-ભાવ” જગૃત થાય ત્યારે “ભક્તિ તત્વ” ખીલે છે,
અને “જ્ઞાન તત્વ”નું મહત્વ ઓછુ થાય છે.
આવી હાલતે જ પરમ તત્વ માટે “શ્રધ્ધા”પાકા પાયે હોય છે..અહી “અંધશ્ર્ધ્ધા”કદી પ્રવેશ ના કરી શકે.
શરદભાઈનું જીવન આવા શિખરે હોય એવી પ્રાર્થના !
>>>ચંદ્રવદન
DR. CHANDRAVADAN MISTRY
http://www.chandrapukar.wordpress.com
Sharadbhai Namaste to you !
Dear Chandravadanabhai;
Love.
Separate email is sent to you.
His Blessings;
Sharad
પ્રભુશ્રીના આશિષ
આદરણીય શરદભાઈને આ પોષ્ટમાં તેમના ફોટા સાથે જોઈ ખૂબ જ આનંદ થયો.
તેમના શબ્દ ગહન અનુભવ અને સંસ્કારિતા સાથે સૌને જોડતા અનુભવ્યા.સમય મળે
પ્રતિભાવ આપે એવી આકાંક્ષા..કરણકે મનનીય હોય છે.
રમેશ પટેલ(આકાશદીપ)
પ્રિય રમેશભાઈ;
પ્રેમ;
તમારી રચનાઓ અવશ્ય વાંચું છું અને ખુબ ગમે પણ છે. સાચું કહું તો ક્યારેક ઇર્ષા પણ આવે છે. પરંતુ કવિ હૃદયની આજ તો ખુબી છે. તે ક્યારેક એટલાં બધા પ્રેમથી ભરાઈ જાય કે પરમાત્માને કલમ ચલાવ્યા વગર છુટકો ન રહે. હાથ તો કવિનો હોય પણ કલમ પરમાત્મા ચલાવતો હોય. અને ત્યારે તે સર્જનનો સ્વાદ જ કાંઇ જુદો હોય છે. તમે કદાચ અનુભવ પણ કર્યો હશે કે લખવા બેસો ત્યારે કાંઇ ન લખી શકાય પણ અચાનક કાંઈક ઉતરવા માંડે અને એ શબ્દો પણ જાણે આપણા નથી એમ લાગે. બાકી શબ્દોના ધની અને કાવ્ય રચનાઓના નિષ્ણાતો તો ઘણા હોય છે પરંતુ તેઓ સારું કાવ્ય સર્જન નથી કરી શકતા. એથી ઉલટું ઢંગધડા વગરના શબ્દોથી રચના કરવામા આવી હોય પણ કલમ જ્યારે પરમાત્માએ ચલાવી હોય તો તેનો સ્વાદ જ જુદો હોય છે. ઉદાહરણ તરીકે કબીર નો દોહો કહું. ” કબીરા ખડા બજારમેં લીયે લુકાટી હાથ, જો ઘર બારે આપના ચલે હમારે સાથ.” આમાં એકેય અલંકારીક શબ્દો નથી પણ શબ્દો સીધા હૃદય સોંસરવા ઉતરી જાય. બસ તમારી કલમ પણ ઇશ્વર જ ચલાવે અને તમે કેવળ માધ્યમ બનો કે ગીત તો ગોવિંદ ગાય અને તમે વાંસની પોલી ભુંગળી બનો તેવી પ્રાર્થના.
શેષ શુભ;
પ્રભુશ્રિના આશિષ;
શરદ
Pingback: મિત્રો મળ્યા – ‘કંઈક’ કર્તા « ગદ્યસુર
Pingback: યોગ સાદડી – એક અવલોકન « ગદ્યસુર
Pingback: બની આઝાદ – ઈ બુક, પ્રસ્તાવના – શરદ શાહ | ગદ્યસુર
શ્રી શરદભાઈ અંગેનો આ પરિચય લેખ ઘણો જ ગમ્યો. જે હું રિબ્લોગ કરું છું.
Reblogged this on પ્રવીણ શાસ્ત્રીની વાર્તાઓ અને મિત્રોની પ્રકીર્ણ પ્રસાદી.