પાર્કમાં દિકરીના બે દિકરાઓને લઈને હું આવ્યો છું. હવે તો બન્ને મોટા થઈ ગયા છે. એમની ઉપર હવે ખાસ ધ્યાન રાખવાની જરૂર નથી. એ બન્ને પાર્કના નાનકડા તળાવને કાંઠે બતક અને ગીઝને ચીઢાવવામાં અને બ્રેડના ટૂકડા ખવડાવવામાં મશગૂલ છે.
સામે એક છોકરાને એનો બાપ બેઝબોલની તાલીમ આપી રહ્યો છે. બાજુમાં સ્ટ્રોલરમાં એક ભૂલકું કિલકારીઓ કરી રહ્યું છે; અને એનાં માબાપ મિત્રો કે સગાંઓ સાથે પાર્ટીમાં મશગૂલ છે.
મારી બરાબર સામે નાનાં બાળકો માટેની એક લપસણી છે. એક દમ્પતી એમની દોઢેક વરસની બેબીને લપસાવવા કોશિશ કરી રહ્યું છે. બાળકી દેખીતી રીતે જ ગભરાતી હોય, એમ લાગે છે. એનો બાપ એનો હાથ ઝાલીને લપસાવે છે; અને મા એને ઝીલી લે છે. બે ત્રણ વાર આમ બને છે. બાળકીનો ભય હવે દૂર થઈ ગયો છે. ચોથી વાર એ એના બાપને ઉપર ચઢાવવા ના પાડે છે; અને જાતે નિસરણી પરથી ચઢી જાય છે; અને થોડાક ગભરાટ સાથે જાતે લપસે છે. એના મોં પર જાતે લપસી શક્યાનો ઉમંગ ખિલખિલાટ હાસ્યમાં પરિવર્તન પામતો જોઈ હું પણ આનંદિત બનું છું. બેચાર લપસણીની મજા માણી, એ લશ્કર બીજે વિદાય લે છે.
થોડીક વાર પછી ૮-૯ વરસના બે છોકરાઓ દોડતા આવે છે, અને સીધા લપસણી પર કૂદકા મારતા ચઢી જાય છે. કદાચ એ ચોર પોલીસની રમત રમી રહ્યા છે. એક જણ બીજાને પકડવા દોડતો હોય, એમ લાગે છે. એમને માટે આ લપસણી એક વિશેષ પરાક્રમ ભૂમિ માત્ર જ છે.
હવે મારી સામે નીરવ શાંતિ પથરાયેલી છે. ત્યાં બીજું એક દમ્પતી પાંચેક વરસની બેબીને લઈને લપસણી આગળ આવી પહોંચે છે. પણ કશુંક બરાબર નથી, એમ એ બેબીના હાવભાવ પરથી તરત ખબર પડી જાય છે. તે કશું બોલતી નથી. થોડી થોડી વારે એ ન સમજાય એવી ચીસો પાડે છે. બહુ સમજાવટથી એનો બાપ એને લપસણી પર ચઢાવે છે. પણ એ તો ત્યાં બેસી જ રહે છે. હવે એનાં મા અને બાપ બન્ને એના બે હાથ ઝાલીને એને લપસાવે છે. બેબી ફરી માત્ર ચીસો જ પાડે છે. એને ગમ્યું કે નહીં , એની કશી ખબર મને પડતી નથી. એનાં માબાપ પાંચ વખત એને લપસવામાં મદદ કરે છે. પણ બેબી કશું શીખી હોય, તેમ લાગતું નથી.
હું વ્યગ્ર બનીને એ દમ્પતીની મનોવેદનામાં માનસિક રીતે સહભાગી બનું છું.
——————————————-
લપસણી અને એની પર ચઢવાની સીડી. કોઈક ઝપાટાભેર એની ઉપર ચઢી જાય; કોઈક ઠેકડા પણ મારે. અને કોઈક પહેલે પગથીયે જ અટકી ગયું હોય.
આપણને નાની નાની કેટલી બધી ક્ષમતાઓ મળી છે; એનો આપણને કશો જ ખ્યાલ હોય છે ખરો?
એના માટે આપણે એ શક્તિઓ આપનાર પરમ તત્વનો કદી આભાર માન્યો છે ખરો?
અને કોઈક આવી ક્ષમતાઓથી વંચિત પણ હોઈ શકે, એવી સંવેદનશીલતા આપણામાં છે ખરી?
—————————————————————-
– પણ……
કઠોર પરિશ્રમ અને પારાવાર ધીરજ માંગી લેતી તાલીમ અપંગની પ્રતિભાને પણ મહેંકાવી શકે છે; નવપલ્લવિત કરી શકે છે.
હેલન કેલરના મનોરાજ્યની મિરાતની એક ઝલક
Like this:
Like Loading...
Related
શીખવા માટે કોઇ થોથાંની જરૂર નથી, દૃષ્ટિ હોય તો ચારે બાજુ શીખ પથરાયેલી જ પડી છે !! સરસ ચિંતન
લતા હિરાણી
આભાર.
અહીં આવાં ઓટિસ્ટિક બાળકોની ગાડી પણ પાટા પર ચઢાવી દેવાય છે.
દુઃખ એ વાતનું છે કે, જે અવળે પાટે જ જવા માંગે છે ( દુર્ભાગ્યે ઘણા) તેમને કોઈ સંતો કે પેગંબરો સુધારી શકતા નથી; અને એવા જ રાજ કરે છે.