ગુજરાતી સાહિત્યમાં કદાચ આ પહેલો જ પ્રયોગ હશે – હાઈકુમાં ખંડકાવ્ય. બીજી રીતે કહીએ તો હાઈકુમાં વાર્તા.
મારો હરખ એ છે કે, તે મારા ભાઈ સમાન મિત્ર શ્રી. વલીભાઈ મુસા દ્વારા કરવામાં આવેલ છે.
——————————————————-
શ્યામ નિશીથ
ધસતી પળપળે
નિશાંત ભણી. (1)
ભક્ષણ કાજ.
ઊડાઊડ કરતાં
નિશાચર સૌ. (2)
સકળ જીવ
તલસે, ક્યારે ફૂટે,
રમ્ય પ્રભાત? (૩)
પણ, હાય એ
આધેડ નારી રડે
ભરી હીબકાં. (૪)
ખેતર તણા
ઘુવા મહીં લપાઈ,
ન ઝંખે ઉષા! (5)
અડધી રાતે
મરજાદ લોપાઈ
વૈધવ્ય તણી! (6)
જારકર્મી ન
બીજો કોઈ, લંપટ
નિજ આત્મજ! (7)
મદિરાદૈત્યે
બન્યો અંધ, વિફલ
સૌ કાકલૂદી! (8)
લાચાર, હાય!
રાડારાડ શેં કરે?
સ્વ દુગ્ધ ભણી! (9)
પ્રતિકાર સૌ
વ્યર્થ, લચી જ પડી,
કામી સમીપે! (10)
કુકર્મ કેડે,
અબળા કર ગ્રહે,
અવળા મુખે! (11)
હીબકે વદે :
”સિકલ તવ વર્જ્ય
મરણ લગ! (12)
ચાલ્યો જા શીઘ્ર
મુલક તજી યા તો
થાઉં અંધ હું!” (13)
“માફી દે માડી,
કૂવોહવાડો કરું
હા, પ્રાયશ્ચિતે.” (14)
‘માડી’ ન બોલ
શબ્દ ન શોભે, તુજ
ગંધાતા મુખે! (15)
‘વચન દે તું,
જીવે મરણ લગ,
એ તવ સજા!’ (16)
* * *
પેલો લાપતા,
આધેડા ન્યાં પ્રસારે
વાત જ એવી- (17)
આત્મકલ્યાણે
નિજ આધ્યાત્મ ભાવે
સાધુ ભયો એ! (18)
વીનવ્યો છતાં
કોક જતિ સંગાથે
ચાલ્યો ગયો એ! (19)
શીઘ્ર તેડાવી
સાસરિયેથી બેટી
જે એક માત્ર. (20)
સઘળી પુંજી,
કરી તેને હવાલે
થૈ હળવી એ! (21)
ને નિજ ઈચ્છા
જતાવી સાધ્વી થવા
આત્મજ માર્ગે! (22)
સઘળું સોંપ્યું
દરદાગીના રાખ્યા
ધરમ કાજે! (23)
અખંડ ધૂન
યોજી ભજનો તણી
પૂર્ણ મહિનો. (24)
જમણવાર
હોમહવન થકી
વ્યાપી શુચિતા! (25)
આવ્યો દિ એ,
ગામપાદરે મેળો,
વિદાય ટાણે! (26)
અશ્રુ સૌ ખાળે
વિવિધભાવયુક્ત
વળામણાંએ. (27)
* * *
મનેકમને
થયું જે પાપ, પાપ
એ તો પાપ છે. (28)
મહાપાપ તો
પ્રગટ્યા વિણ કાંઈ
રહે ખરું કે? (29)
કો યાત્રાધામે,
ગર્ભાધાન એંધાણેં,
વ્યથિત દીના! (30)
રાગ ને ત્યાગ
દ્વંદ્વે, રાગ પ્રાબલ્યે
જાયી તનયા! (31)
માનસન્માન,
સ્વજનશી લાગણી
પામ્યાં આશ્રમે. (32)
આશ્રમમાતા,
લાડલી ગુરુપુત્રી,
એ સંબોધને! (33)
ગુરુજન સૌ
ગૃહસ્થાશ્રમે જીવે
આશ્રમ મહીં! (34)
મહાગુરુને
સોંપી મુગ્ધાને, થઈ
વૃદ્ધા નચિંત! (35)
ઉછરેભણે
ગુરુકુળે, યૌવત
જાગે મસ્તિષ્કે! (36)
એકદા પૂછે
યૌવના: ‘કોણ, ક્યાંથી
અહીં આપણે!’ (37)
પ્રૌઢા વિમાસે,
કૈં બોલવું કે પછી
ધરવું મૌન? (38)
અંતરવાણી
પ્રગટી, અર્ધ સત્યે
ગેબી કારણે! (39)
‘ધરતીકંપે
સઘળું નષ્ટ, કર્યું
નિર્વાસન હ્યાં!’ (40)
‘દસકા થયે
ફલાં ગામે ને ઠામે
વસતાં હતાં!’ (41)
વહે દિવસો
એમ, પણ એકદા
હાય, હાય રે! (42)
આશ્રમમાતા
સર્પદંશે તત્ક્ષણે
પામી મરણ!. (43)
* * *
કુંભમેળેથી,
મહાગુરુ પધાર્યા,
સાધુ સાથ લૈ! (44)
યુવાન સાધુ,
મહાગુરુઆજ્ઞાએ
નમી પડ્યો ત્યાં! (45)
અગનસાખે
મુગ્ધા અને સાધુ ત્યાં
ગયાં પરણી. (46)
કન્યા વિદાયે
સૌ રડે ને સ્મરે
આશ્રમમાતા. (47)
અંતરિયાળે
મઠાધિપતિ પેલો
યુવાન સાધુ. (48)
મધુરજની
કુટિરે, યુવાન સાધુ
પૂછી ત્યાં બેઠો.(49)
ચમકી ગયો
ગામ ઠામ સાંભળી
યુવાન સાધુ! (50)
દુલ્હા સાધુએ
ફૂલહાર હઠાવી
દાગીના જોયા! (51)
કંઠહાર ને
મુદ્રિકા જોઈ પૂછ્યું,
’આ કોણે આપ્યાં?’ (52)
‘થાપણ હતી
ગુરુપિતા પાસ ત્યાં
મુજ માતની.’ (53)
‘અરરર હે,
પ્રભુ, આ શું જોઉં હું?
અગ્નિપરીક્ષા! (54)
‘ત્રિવિધ રૂપે,
એક જ સ્ત્રી ઊભી છે,
સામે અરેરે!’ (55)
‘કુકર્મે સુતા,
સમાન કૂખે બેના,
પરણ્યે ભાર્યા!’ (56)
* * *
મહાગુરુએ
સુણી બયાન, કહ્યું
’છૂટાં પડો રે!’ (57)
પરમેશ્વર
કરૂણાસાગર, બક્ષે
ઘોર પાપોને. (58)
પસ્તાવો કરે,
ના પુનરાવર્તન,
શરત એ જ! (59)
‘આપણે ત્રણ
જાણીએ આ ભેદને
ગુપ્ત જ રાખો’ (60)
મહાગુરુ તો,
શુભ આશયે, એક
અસત્ય દાખે : (61)
‘કો’ એક મરે,
મહાકાળ યોગે, હા
નહિ ઉપાય!’ (62)
’અન્ય સુ-વરે
કન્યાદાન દેશે આ
વત્સ હરખે!’ (63)
– વલીભાઈ મુસા
નિશીથ = મધ્ય રાત્રિ; નિશાંત = પ્રભાત; આત્મજ = પુત્ર; દુગ્ધ = દૂધ; તનયા = પુત્રી; સુતા = પુત્રી; ભાર્યા = પત્ની; દીના = ગરીબડી
—————————-
મારું ગુજરાતી સાહિત્યનું જ્ઞાન સાવ મર્યાદિત છે; આથી આનું વિશેષ વિવેચન કરવાની મારી ક્ષમતા નથી.
વધારે વિગતે વિવેચન અને અત્યંત અભ્યાસી વાચક પ્રતિભાવો તો એના મૂળ સ્થાનકે જ મળે ને?
લો ત્યાં પહોંચાડી દઉં….
Like this:
Like Loading...
Related
સુરેશભાઈ તમેતો ગજબના માણસ છો .
કવિતા બનાવી જાણોછો ,કાગળની તોપું ,કાગળની ટેન્કો ,કાગળના પશુ પંખી .
બનાવી જાણો છો ,મારા જેવા અભણ ,અનાડીને ,ભણાવી જાણો છો . ઘણું બધું કરી શકો છો .
તમારી ધીરે ધીરે ખબર પડતી જાય છે .સાબરમતી પાવર હાઉસના પાણી ટપકવાની જીણી દૃષ્ટિને
લીધે કેટલો ચમત્કાર સર્જી દીધો .લાખો નહિ કરોડો રૂપિયાનો બચાવ કરાવ્યો .આવા બુદ્ધિશાળી
માણસ, મારાજેવા અબુધ્માં દિલચશ્પી ધરાવે છે .કેટલી મહાનતા કેવાય , આવા માણસમાં પ્રગતિ દોડતી આવેકે નહિ ?