સૂરસાધના

ગુજરાતી લેખિનીમાં સ્વૈરવિહાર

છાંયડો – એક અવલોકન

       પાર્કમાં હું સવારના ઠંડા પહોરે આવ્યો છું. ગાડી એક જગ્યાએ પાર્ક કરી છે; જ્યાં પૂર્વ દિશાનો સૂર્ય એક ઝાડનો છાંયડો કલાકેક સુધી પાથરી આપે છે.

       ગઈકાલે સાંજે આવ્યો, ત્યારે સામેની બાજુએ ગાડી પાર્ક કરી હતી. ત્યાં પશ્ચિમ દિશાનો સૂર્ય બીજા એક ઝાડનો છાંયડો સાંજના પાંચ વાગ્યાથી પાથરી દે છે.

      આવું જ બેસવાના બાંકડાનું છે. સવારના અને સાંજના બેસવાના બાંકડા જુદા જુદા.

     પાર્કમાં કદી બપોરે આવ્યો નથી, બપોરે ક્યાંય છાંયડો હોતો નથી. અને એ કેવા બપોર? ટેક્સાસના બળબળતા બપ્પોર. ઝાડની નીચે બેસવાની તૈયારી હોય, તો ત્યાં એ મળી જાય. પણ લાલ  ચટ્ટક કીડી – અહીંની ‘ફાયર એન્ટ’ – કરડી જવાની પૂરેપૂરી સંભાવના.

      જીવનનુંય આમ જ હોય છે ને? જીવનની શરૂઆતમાં માબાપની શીળી છાંયડી, અને જીવનની સંધ્યાએ નિવૃત્તિકાળની મોકળાશ,  વહાલાં સંતાનોનો શીળો સહારો, અને મનગમતી મજા માણવા આખોય દિવસ હાજરા હજૂર. રાતેય માળી ઊંઘ ઓછી આવે, તે બીજા દિવસે નોકરી જવાની ચિંતા  ન હોય એટલે કોમ્પ્યુટર પર બેસીને સર્ફિંગ કર્યા કરો;અથવા કાલે અધૂરું રહેલું પુસ્તક ખોલીને બેસી જાઓ. અને અમેરિકામાં સેટલ થયા હો તો – આખા ઘરમાં એર કન્ડિશન, સુંવાળી પથારી અને જાતજાતના તકિયા!

        બધીયે વ્યથાઓ મધ્યકાળમાં જ હોય છે – બળબળતા બપ્પોર – કમાવાનો, કુટુમ્બ ઉછેરવાનો, નામ કમાવાનો ધખારો. તલવારની અણી પર સતત ચાલ્યા કરવાનું; અને પડ્યા તો નીચે ઊંડી ખીણ.  કોઈ સહારો નહીં, કોઈ છાંયડો નહીં.

અને આ તો મારા જેવા,
સુખી કુટુમ્બના જણની વાત. 

      કેટલાય એવાં દુર્ભાગી કે, જન્મ લેતાંની સાથે જ બળબળતા બપ્પોર શરૂ થઈ જાય. છેક છેલ્લા શ્વાસ સુધી કોઈ છાંયડો જ નહીં. સળંગ તાપ જ તાપ; ધખારા જ ધખારા. આંસું જ આંસું. લોહી અને પસીનો રેડ્યા જ કરવાનો. કીડીઓનાં ધણનાં ધણ ચટક્યા જ કરે. એક જગ્યાએથી બીજી જગ્યાએ જાય તો પણ.

       અરે! કીડી શું? સહસ્ત્ર ફેણ ફેલાવીને ઝેર ઓક્યા કરતા કાળા નાગ!

ઓલ્યો કહેવાતો ‘દરિદ્રનારાયણ’ પણ
છત્રી લઈ બાજુએ ઊભો ન રહે.
એ તો મોટા મોટા માંધાતાઓના
કોઠાર ભર્યા ભાદર્યા
રાખવામાંથી નવરો પડે તો ને ?

     કો’ક રડ્યા ખડ્યા ગાંધી, રવિશંકર મહારાજ, મધર ટેરેસા કે, મહમ્મદ યુનુસ પાકે તો એમનો કાંક શુક્કરવાર વળે!

    ( આ વાંચતાં દિલમાં કંઈક ખટકે, તો આ ચાર નામો પર ‘ક્લિક’ કરજો. પોતાના ચક્કરમાંથી બહાર આવવા કદાચ સ્ફૂરણા થાય! – જો કે, આ જણ એ ચારેયને બલોગ પર ચઢાવ્યા છતાં, માંલી’પા જ ગરતો જાય છે – નિજાનંદ, સ્વલક્ષી અંતરયાત્રા, મોક્ષના ધખારામાં! એની છત્રીય ગરાજમાં પડી પડી ધૂળ ખાય છે! )

3 responses to “છાંયડો – એક અવલોકન

 1. અક્ષયપાત્ર/Axaypatra ઓગસ્ટ 6, 2011 પર 7:16 પી એમ(pm)

  જગત વિષેનો ભ્રમ તૂટયાનું દુ:ખ તો આ મહાત્માઓએ પણ અનુભવ્યુ જ હશે ને? પણ ફેર એટલો કે નવા ભ્રમના ઝાળા બાંધ્યા વગર વધુ કષ્ટ સહીને અન્યના દુ:ખો ઓછા કરવા તરફ તેઓ વળ્યા હતા. અને આપણે……….???

 2. Pingback: છાંયડો – એક અવલોકન | | GujaratiLinks.comGujaratiLinks.com

 3. પરાર્થે સમર્પણ ઓગસ્ટ 7, 2011 પર 2:35 પી એમ(pm)

  આદરણીય વડીલ શ્રી સુરેશ કાકા,
  આમ તો જીવનમાં કાયમ તડકો આવ્યા જ કરે છે પણ આપના જેવા ઘેઘુર વડલાની
  દ્રષ્ટિ એક અનોખી ભાત પાડે છે. જુઓને સવાર બપોર અને સાંજના તડકાને જીવનના
  ક્રમમાં કેવો સુંદર વણી લીધો છે . બસ આજ કારણે વડીલોની વાણી અને શબ્દો સ્વીકારીએ
  તો ઘણું જાણવાનું માણવાનું મળે.
  આપનો પ્રત્યક્ષ પરિચય થયો નથી પણ આદરણીય રમેશભાઈ (આકાશદીપ) દ્વારા પરોક્ષ
  રીતે ઘણું જાણવા મળ્યું છે. બસ આમ આશીર્વાદ રૂપી શબ્દો વરસાવતા રહેશો એવી પ્રાર્થના.

તમારા વિચારો જણાવશો?

Please log in using one of these methods to post your comment:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s

%d bloggers like this: