સૂરસાધના

ગુજરાતી લેખિનીમાં સ્વૈરવિહાર

અન્ડરવેરને ખિસ્સું – એક અવલોકન

      તે દિવસે કપડાંના એક સ્ટોરમાં હું બેઠો હતો. મારી પત્ની ખરીદીમાં મશગૂલ હતી; અને મારે એની ખરીદી પતે એની રાહ જોવાની હતી. તે દિવસે સાથે વાંચવાની ચોપડી લાવવાનું ભુલી ગયો હતો; એટલે મારે નવરા બેઠા માખીઓ જ મારવાની હતી! અને આ અત્યંત ચોખ્ખાઈવાળા દેશમાં તો માખીઓય ક્યાં રેઢી પડેલી હોય છે? પ્રેક્ષાધ્યાન કરવા કોશિશ કરી; પણ કાંઈ ખાસ જામ્યું નહીં; એટલે હું આમતેમ ડાફોળિયાં મારવાનો પ્રયત્ન કરી રહ્યો હતો.

      ત્યાં મારી નજર એની ઉપર ગઈ.  ‘અન્ડરવેરને ખિસ્સું.’

    સ્પોર્ટ્સવેરના એ વિભાગમાં અન્ડરવેર લટકાવેલાં હતાં અને આકર્ષણ માટેની આ વિશેષતા ઊડીને આંખે વળગે તેવી હતી.

અન્ડરવેરને ખિસ્સું?

      મારા પિતાજી હમ્મેશ દરજી પાસે  ખાસ અન્ડરવેર  સિવડાવતા હતા; તે યાદ આવી ગયું. કોઈ ખિસ્સાકાતરૂ કારીગરી કરી ન જાય; એ માટે સાથેની રોકડ રકમ એ ખિસ્સામાં તેઓ રાખતા હતા.

    પણ અહીં આ ફેશનેબલ દુકાનમાં અને તેય સ્પોર્ટ્સના કપડાંમાં એની શી જરૂર?- આ ક્રેડિટ કાર્ડના જમાનામાં?

    હું ઊભો થયો, અને ધ્યાનથી એ માલનો અભ્યાસ કર્યો. ત્યારે કેવળજ્ઞાન લાધ્યું કે, જિમમાં વર્કઆઉટ કરતી વખતે અથવા જોગિંગ કરતી વખતે મોંઘાદાટ આઈફોન કે આઈપોડ રાખવા આ ખાસ સવલત બનાવનારે આપી હતી.

     અને કોણ જાણે કેમ; તરત એ બાઈ યાદ આવી ગઈ.

      દેશમાં એસ.ટી.ની બસમાં એ મારી બાજુની સીટ પર આવીને બેઠી હતી. કન્ડક્ટરે ટિકીટના પૈસા માંગ્યા; ત્યારે એણે સાલ્લાના છેડે વાળેલી  ગાંઠ છોડીને નોટ કાઢી. ટિકીટ મળ્યા બાદ, વધારાની રકમ તેણે પાછી સાલ્લાના છેડે બાંધી દીધી.

    કાળી મજુરી કરીને કમાયેલી રકમ રાખવા એ બાઈ માટે પર્સ રાખવું એ લક્ઝરી હતી!

    અને ઓલ્યા અન્ડરવેર પહેરીને જિમમાં વર્ક આઉટ કરનાર પાસે કેટલી બધી લક્ઝરી? શી જાહોજલાલી?

     માનવતાના બે સામસા્મા ધ્રુવ પરનાં બે અંતિમ બિંદુઓ. એક પાસે રોજનો રોટલો મળે એની જ પેરવીઓ ; અને બીજા પાસે એટલી સમ્પત્તિ કે, જિમ, જોગિંગ, આઈફોન, આઈપોડ અને એવું બધું.

      કેટલી વિષમતા? બેની તુલના કરતાં આંખે ઝળઝળિયાં આવી ગયાં.

     એનાથી વધારે હું શું કરી શકું તેમ પણ હતો?!

……

    બે  સાવ સામસામે આવેલા ધ્રુવોના આ વર્ણપટ( spectrum)માં આપણે ક્યાંક હોઈએ છીએ. અને સૌને ધખારો ખિસ્સાવાળું અન્ડરવેર ધરાવવાનો હોય છે. સમગ્ર જિંદગીની મુસાફરી – એ ધ્રુવ પર પહોંચવા માટેનો વલોપાત.

     અથવા તો ત્યાં પહોંચી શકાય તેમ નથી; તે સત્ય સમજાતાં મોક્ષ મેળવી આ બધા ધખારાથી મુક્તિ મેળવવાનો ધખારો!

પણ એ બન્ને વૃત્તિઓના વવળાટમાં ક્યાંય ‘જ્યાં છીએ, ત્યાં બરાબર છીએ.’ – એમ માની,  એ ઘડીમાં જીવવાના આનંદનો છાંટો માત્ર નહીં.

     કદાચ એમ બને; અને મોટે ભાગે એમ બનતું પણ હોય છે કે, સાલ્લાના છેડે કાવડિયાં બાંધનાર વ્યક્તિ વર્તમાનમાં વધારે જીવતી હોય છે.

     અને ત્યાં તો શ્રીમતિજી આવી પહોંચ્યા અને અવલોકન આટોપી આ ડ્રાઈવર બીજી વરધીના મારગે વિદાય થયો!

11 responses to “અન્ડરવેરને ખિસ્સું – એક અવલોકન

 1. Arvind Adalja ઓગસ્ટ 12, 2011 પર 3:41 એ એમ (am)

  આ અંડરવેરની અંદર ખિસ્સા બનાવવાના આપણાં દરજીઓએ પેટન્ટ લઈ લીધી હોત આવા આઈપોડ વાળા પાસેથી સારી એવી કિમત મળતી હોત નહિ ?

 2. hiralsHiral ઓગસ્ટ 12, 2011 પર 5:08 એ એમ (am)

  very touchy. I felt this pain many a times especially after coming to UK.
  I liked your way of observation. Thanks for sharing it here.

  I read and liked your many observations from your book (you have shared that with me long time ago.)

 3. સુરેશ ઓગસ્ટ 12, 2011 પર 6:54 એ એમ (am)

  અરવિંદભાઈ,
  અહીં મળતાં મોટાં ભાગનાં કપડાં ત્રીજા વિશ્વના દેશોમાં જ બનતાં હોય છે!
  એક આવું કપડું જોયેલું – મેઈડ ઈન ‘ લેસોથો’ . મને ઉત્સુકતા થઈ – આ કયો દેશ?
  ગુગલ મહારાજે તરત બતાવી દીધો – દક્ષિણ આફ્રિકા ગોરાઓની નાગચૂડમાંથી નીકળ્યું , પછી થયેલા આંતરવિગ્રહમાં આ ટચુકડો દેશ છૂટો પડેલો. અને ‘ લેવી’ બ્રાન્ડ નીચે વેચાતો હતો !

 4. Atul Jani (Agantuk) ઓગસ્ટ 12, 2011 પર 7:19 એ એમ (am)

  એક વ્યક્તિ જેટલી તીવ્રતાથી સુખ અનુભવે છે તેટલી જ તીવ્રતાથી દુ:ખ અનુભવે છે. વધારે સમજણ અને વધારે દુ:ખ. સ્વામી વિવેકાનંદ કહેતા કે હું બ્રહ્માનંદનો અનુભવ લઈ શકું છું તો સાથે સાથે સમગ્ર માનવજાતની પીડાનું દુ:ખ પણ મારે અનુભવવું પડે છે.

  જેના સુખ સિમિત છે તેના દુ:ખ પણ સિમિત છે. ઈન્ટરનેટથી આપણે જગત આખાની માહિતિ મેળવી શકીએ છીએ તો સાથે સાથે જગત આખાની ઉપાધીઓની પણ અનુભુતી કરી શકીએ છીએ.

  અન્ડરવેરનું ખીસ્સુ હોય કે સાલ્લાનો છેડો – પણ જેણે મન જીત્યું તે જીત્યો. એટલે જ શ્રીકૃષ્ણ સ્થિતપ્રજ્ઞતા પર ભાર મુકે છે. બાહ્ય પરિસ્થિતિ ભલેને ગમે તેવી હોય કે ન ગમે તેવી પણ જેની પ્રજ્ઞા સ્થીર છે તે હંમેશા શાંત રહી શકશે – સ્વસ્થ રહી શકશે.

 5. Chirag ઓગસ્ટ 12, 2011 પર 9:36 એ એમ (am)

  દાદા, છેવટે એ અંડરવેરનુ ખીસ્સુ પણ છોડિ દેવુ પડે છે અને એ સાલ્લાના છેડાની ગાંઠ પણ. એ જ એક સત્ય, બાકી બધું ઝાકળઝંઝા. જો કે ઝાકળઝંઝામા પણ નશો તો અજબનો છે જ…

 6. અક્ષયપાત્ર/Axaypatra ઓગસ્ટ 12, 2011 પર 10:27 એ એમ (am)

  આ બંને અંતિમો વચ્ચે આખોય માનવ સમાજ છે. વર્તમાનમાં જીવનારાને ભવિષ્યની સલામતિની ચિંતા ઓછી હોય તેથી પણ ભવિષ્યમાં વધુ અસલામતિ અનુભવે ત્યારે તે વર્તમાન વધુ આકરો બની ચૂક્યો હોય છે. અને ભવિષ્યની ચિંતા કરનારા ભેગું કરવામાં વર્તમાન વેડફી નાખે છે.”જે કાલનો વિચાર કરીને નથી ચાલતો તેની આજ પણ લાજે” એવું સાંભળ્યું છે. પણ કાલનો વિચાર એટલે શું? કાળનો વિચાર? મૃત્યુનો વિચાર કે પછી ભવિષ્યકાળનો વિચાર? આપને અહીં આ દુનિયામાં અસ્થાયી છીએ તે સતત યાદ રહે તો ભેગું કરવાનો લોભ ઓછો થાય અને વર્તમાનમાં જીવી શકાય અને તો પણ મનની ગતિ કઈ દિશામાં છે તેનાથી આપણે અજ્ઞાત હોવાને કારણે તાણમાં ફસાઈ પડીએ છીએ ને? વર્તમાનમાં સંતોષ છે તેવો દેખાવ કરનાર ગરીબ વર્ગમાં પણ અસંતોષની સ્થિતિમાંથી ઉપજતા અવગુણો વધારે જોવા મળે તેમ બનતું હોય છે અને પછી તેઓ પૈસાપાત્ર થાય તો પણ વૃતિઓ બદલી શકતા નથી હોતા. આ વૃતિઓ પણ ક્યાં સ્થાયી હોય છે. પોતાના મનમાં ઝાંકે તો સૌ જાણે છે કે કેટલીક ખરાબ વૃતિઓ જાણ બહાર ઘર કરી ગઈ હોય છે અને કેટલીક સારી પ્રયત્ન છતાં વિકસતી નથી. ખડ જલ્દી ઉગે અને આંબાને અનુકૂળ આબોહવા-ખાતરપાણી જોઈએ તેમ જ.

 7. Vihang ઓગસ્ટ 12, 2011 પર 11:23 એ એમ (am)

  One way of thinking !!!
  What would I do if today is my last day !!!

  Pls. find attached video link

  “almost everything – all external expectations,
  all pride, all fear of embrarassment or failure –
  these things just fall away in the face of death,
  leaving only what is truly important.”
  Steve Jobs

 8. Pingback: અન્ડરવેરને ખિસ્સું – એક અવલોકન | | GujaratiLinks.comGujaratiLinks.com

 9. Ramesh Patel ઓગસ્ટ 13, 2011 પર 11:22 પી એમ(pm)

  શ્રી સુરેશભાઈ
  ચોરખીસ્સું ,મુસાફરીમાં પાકિટ સલામત રહે માટેની વાત સાથે એક સંવેદનાને આપે ઝીલી ,તે અંદરથી
  સ્પર્શી ગઈ.

  રમેશ પટેલ(આકાશદીપ)

 10. Pingback: ખીસ્સું – એક અવલોકન « ગદ્યસુર

 11. Laxmikant Thakkar સપ્ટેમ્બર 1, 2012 પર 1:29 એ એમ (am)

  સંઘરો અને સાચવણી એ આપણી આદમજાતની એક ખાસ ,લોભ-લાલચ ભરી,જન્મજાત આદત…છોડવી મુશ્કેલ!
  ફીલોસોફીભરી આદર્શ વાતોના વડા ઘણાય કરીએ, પણ, કસોટીની કૃસીયલ પળે …હતા ત્યાંના ત્યાંજ ! સ્વ -સલામતીની ચિંતા કોને ન હોય? અ વાસ્તવિકતાને અનુલક્ષીને કરાયેલી વાત છે..મને સ્વ.પ્રવીણ જોશીનું નાટક ” સંતુ રંગીલી” યાદ આવી જય છે.ભલે , એ વિષય-વસ્તુ ‘ ઓરીજનાલીટી ‘ વિષે હતું! શું તમને નાટક જોવાનો શોખ હતો ખરો ક્યારેય? તમારું અનુભવ-તારણ ગમ્યું .અને યથાર્થ પણ!
  પણ, એ બન્ને વૃત્તિઓના વલવલાટમાં ક્યાંય ‘જ્યાં છીએ, ત્યાં બરાબર છીએ.’ – એમ માની, એ ઘડીમાં જીવવાના આનંદનો છાંટો માત્ર નહીં.!-લા’કાન્ત / ૧-૯-૧૨

તમારા વિચારો જણાવશો?

Please log in using one of these methods to post your comment:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s

%d bloggers like this: