સૂરસાધના

ગુજરાતી લેખિનીમાં સ્વૈરવિહાર

ઝાટકો

    તે સ્કૂટર ચલાવવામાં મશગૂલ હતો. કદાચ તે જેટ વિમાનીના સ્વાંગમાં હતો. દુશ્મનને જેર કરવાની મહત્વની કામગીરી અદા કરવામાં, તેને કશું સૂઝે તેમ જ ક્યાં હતું? મોટા ભાગના ચારેક વર્ષના છોકરા હોય, તેવો તે તોફાની લાગતો હતો.

    અને ત્યાં જ એનું સ્કૂટર જોરથી ભટકાયું – એની મોટી બહેન રસ્તાની પાળી પાસે મોં ચઢાવીને બેઠેલી હતી; તેના પગ સાથે. બહેન ચિત્કાર કરીને કરાંઝી ઊઠી. બન્નેની મા રસ્તાની બાજુના બાંકડા પર બેસી હતી; તે આ અકસ્માતના કારણે દોડી આવી. છોકરાને વઢી; અને છોકરીને શાંત કરવામાં પરોવાઈ.

    સ્વાભાવિક રીતે જ, થોડે દૂરના બાંકડા પર બેઠેલા મારી નજર આ દૃષ્ય પર પડી. છોકરીને કેટલું બધું વાગ્યું હશે, તેની કલ્પના કરી, મનને દુઃખ પહોંચ્યું. મદદ કરવા માટે હું તે બાઈ અને છોકરી પાસે પહોંચી ગયો અને કહ્યું,” મારી કારમાં બેન્ડ એઈડ છે; તે લાવી દઉં?” પણ છોકરીને ઘા થયો ન હતો અને લોહી નીકળતું ન હતું.  બાઈએ મિતાક્ષરી ના પાડી.

      હું પાછો આવીને મારા બાંકડા પર બેઠો. મારી બાજુમાં એક મેક્સિકન જેવો લાગતો માણસ બેઠેલો હતો. તેની પાસે તેનાં બાળકોને નાસ્તા પાણી કરાવવા માટે એક પાઉચ દેખાયું. મને થયું ,” જો તેની પાસે પાણીની બોટલ હોય તો તે  છોકરીને પહોંચાડું; જેથી એને કળ વળે.” મેં તેની પાસે એની પૃચ્છા કરી. સદભાગ્યે પાણીની અકબંધ બોટલ તેની પાસે હતી. તેણે સસ્મિત એ મને આપી. મેં તેનો આભાર માન્યો અને ફરીથી એ બાઈ પાસે પહોંચી એને છોકરીને કળ વળે તે માટે પાણી પીવડાવવા ધરી.

     અને ઝાટકો લાગે તેવો જવાબ મળ્યો,

” મહેરબાની કરીને અમને અમારી રીતે જીવવા છોડી દો. ”  

     થોડીક વાર તો આ ઝાટકો ન જીરવાય એવો લાગ્યો. પણ પછી મન મનાવ્યું,

    ’ એ બાઈએ જીવનમાં કેટકેટલા આઘાતો જીરવ્યા હશે; જીરવતી હશે – જે થકી આટલી બધી કડવાશ?’

સેવા કરવા જઈએ, ત્યારે આમ પણ બને! 

Advertisements

Comments are closed.