સૂરસાધના

ગુજરાતી લેખિનીમાં સ્વૈરવિહાર

મોઝેક – એક અવલોકન

      ઘણા બધા મોઝેક બનાવ્યા – ચાર રંગના, પણ એક સરખા આકારના ટૂકડાઓની માયાજાળ. જૂદી જૂદી રીતે ગોઠવો અને જૂદી જૂદી ભાત હાજર. ‘હોબી વિશ્વ’ પર, અત્યાર સુધીમાં બનાવેલી બધી ભાતો જોઇ શકશો. ચાર જ જાતના ટૂકડાઓથી કેટકેટલી વિવિધ સૃષ્ટિ ખડી કરી શકાય છે?

       પણ આજે એક વિશિષ્ઠ મોઝેકની ભાતની વાત કરવાની છે.

      આમ તો આ સાવ સાદી ડિઝાઈન લાગે છે. પણ ‘A’ આગળના ત્રણ બિંદુઓ તરફ ધ્યાન કેન્દ્રિત કરશો; તો ત્રણ ઘન આકૃતિઓ દેખાશે. લીલા, લાલ અને વાદળી બાજૂઓ વાળા, ત્રણ ઘન ટૂકડાઓ.

     અને બીજી રીતે જૂઓ તો ? આ ત્રણ બિંદુઓ બહાર ઉપસેલા નથી; પણ અંદરની તરફ ખૂંપેલા છે – તેમ જોવા પ્રયત્ન કરો અને આખી આકૃતિ એક નવું જ રૂપ ઘારણ કરતી જણાશે.

અને આ શું ?

       આમ નજર બદલવાની સાથે જ પીળા રંગની એક બાજૂ હોય, તેવા નવા ઘન આકાર ઊપસી આવેલા દેખાયા ને? અને લો! હવે આમ જૂદી જૂદી રીતે જોવા માંડશો; તો જાતજાતના ઘન આકારો દેખાવા માંડ્યા ને?

       ખૂબીની વાત તો એ છે કે, મૂળ ચીજ ઘન છે જ નહીં. એ તો સાવ સપાટ, સફેદ પ્લેટ પર ગોઠવેલા ઓલ્યા ચાર જાતના રંગીન ટૂકડાઓનો એક ખેલ જ છે. થોડીક બારીકીથી જોશો તો, એ નાના નાના ટૂકડાઓની વચ્ચેની આછી, આછી લાઈનો દેખાશે.

એક જ ચિત્ર;
પણ દેખવાની નજર બદલાય
અને …
અલગ અલગ નજારા ખડા થઈ જાય.

       વાત એની એ જ હોય; પણ દૃષ્ટિબિંદુ બદલાય અને રૂપ અલગ. ઉપસેલી આકૃતિ દબાયેલી જણાવા માંડે. બધી વાત હકારાત્મક નહીં; પણ નકારાત્મક જણાવા માંડે.

        વાદ અને વિવાદ. મૂળ વાત તો બાજુએ જ રહી જાય1

        ત્રણ જ પાયાના કણો .. ઈલેક્ટ્રોન, પ્રોટોન અને ન્યુટ્રોન … અને અનંત સુધી વિસ્તરેલું, આખું વિશ્વ એનાથી ઊભું  થઈ ગયું. અને એ ત્રણ કણ પણ ક્યાં કોઈએ જોયા જ છે? એ પણ એક કલ્પના જ ને?

મૂળ સત્ય તો ગોપિત રહેવા જ સર્જાયું છે?

Comments are closed.

%d bloggers like this: