સૂરસાધના

ગુજરાતી લેખિનીમાં સ્વૈરવિહાર

અફલાતૂન તબીબ, ભાગ-૧૨ ; પાણીનો શેક

બીલ આવ્યો અને મારી સામે જ મારી જેમ બેસી ગયો – જેકૂઝીમાં પગથિયાં પર એક પગ ઊંચો ટેકવીને- ગરમ પાણીના પ્રવાહનો મારો બરાબર ઢીંચણ પર શેક અને મસાજ કરે તે રીતે.

‘ એ ય બચારાને મારી જેમ ઢીંચણનો સોજો વિતાડતો હશે.’

થોડી વારે મારાથી ન રહેવાયું. હું બોલી જ પડ્યો,” તમારો ઢીંચણ દૂખે છે ને?”

 બીલે લાચારીમાં ડોકું ધુણાવ્યું.

 મેં કહ્યું,” તમને એક રસ્તો સૂચવું. થોડીક રાહત રહેશે. મને તો ફાયદો થાય છે.”

 તેણે કહ્યું,” શું?”

 “આમ ત્રણેક મિનિટ ગરમ પાણી અને પછી ત્રણેક મિનિટ ઠંડા પાણીથી ઢીંચણ ઝારો – પૂલમાં.”

 બીલે આજ્ઞાંકિત બાળકની જેમ મારી સૂચનાનું પાલન કર્યું.

 બીજે દિવસે અમે ફરી જેકુઝીમાં ભેળા થઈ ગયા. તેના મોં પર મને આવકારતું સ્મિત હતું.

મેં કહ્યું,” તમને રાહત થઈ લાગે છે.”

 બીલ,”હા! સારું લાગે છે.”

 મેં કહ્યું,”: આનાથી વધારે સારી રીત બતાવું. ઘેર બાથટબમાં એક ડોલમાં ગરમ પાણી અને બીજામાં ઠંડું ભરી, ટમ્બલરથી થોડી થોડી વારે ગરમ/ઠંડું પાણી સારો. શાંતિથી મનગમતું સંગીત સાંભળવાનું અને આ વારંવાર ઊઠબેસ કરવાની ઝંઝટ પણ નહીં. દસેક વાર આમ કર્યા પછી , પગ કોરા ટુવાલથી લૂછી, ‘બેન્ગે’ (આવા દુખાવા માટેનું મલમ) લગાડી, ઉપર કપડું કે પટો વિંટાળી દેજો.“

અઠવાડીયા પછી ફરી વાર અમે બે જણ જિમમાં ભટકાઈ ગયા. બીલ તો મારી પર ઓવારી જ ગયો. મને કહે,” તમારો ખૂબ ખૂબ આભાર, મારા ઢીંચણનો સોજો બહુ ઓછો થઈ ગયો છે.“

 મેં કહ્યું,” આનાથી તમને દરદ મટી તો નહીં જાય ; પણ તાત્કાલિક રાહત જરૂર થશે.”

 બીલે હકાર અને અનુગ્રહમાં ડોકું ધૂણાવ્યું.

 આ માટે ‘અફલાતૂન તબીબ’ના
ઈલ્કાબને પાત્ર હું નથી.
પણ પરમપૂજ્ય સ્વ. ગિદવાણીજી જ છે.

Advertisements

Comments are closed.

%d bloggers like this: