સૂરસાધના

ગુજરાતી લેખિનીમાં સ્વૈરવિહાર

ત્યજાયેલો માળો – એક અવલોકન

      હમણાંનો બોન્સાઈ બનાવવાના ચાળે ચઢ્યો છું. બોન્સાઈ તો જ્યારે બનશે ત્યારે ખરા. પણ, ‘જાતજાતના ઝાડની ડાળીઓની કલમ રોપવાથી અંકુર ફૂટે છે; અને નવો છોડ તૈયાર કરી શકાય છે.’ – એ જ્ઞાન આવવાના કારણે આવી ઘણી બધી કલમો રોપી છે, અને મોટા ભાગની કલમોએ આશાસ્પદ પરિણામ આપ્યાં છે.

     આમ જ મને બહુ ગમતા પાઈનના ઝાડની કલમ બનાવવા એક ઝાડ પરથી જાડી ડાળી તોડી લાવ્યો. ઘેર લાવી એમાંથી સોટીઓ અલગ કરવા કાતર ચલાવી ત્યાં બે નાની ડાળીઓની વચ્ચે એક જૂનો, ત્યજાયેલો માળો  મળી આવ્યો. વસંત ઋતુ તો ક્યારનીય વિદાય લઈ ચૂકી છે; એટલે આ માળાનાં માલિક દેખીતી રીતે એને છોડીને ચાલ્યાં ગયાં હશે.

     વસંતની શરૂઆતમાં દક્ષિણ દીશામાંથી સ્થળાંતર કરીને આવેલા પક્ષી- યુગલે આ માળો બનાવ્યો હશે. એમાં ઈંડાં મૂક્યાં હશે. એમને સેવ્યાં હશે. નાનકડાં બચ્ચાંની સરભરા કરી હશે. એમને ઊડતાં શિખવ્યું હશે. કદીક રોજની ચહચહાટથી આ માળો ગૂંજતો હશે.

      અને છેવટે બધાં ઊડીને, આ માળો છોડીને દૂર જતાં રહ્યાં છે. હવે આ માળાની તેમને કશી ઉપયોગિતા રહી નથી. હવે એ સાવ સૂનો છે. એમાં ખાલી ઘર જેવી શૂન્યતા છે. એમાં કશો પ્રાણ ધબકતો નથી. એ ભેંકાર માળો ખાવા ધાય છે. એમાંથી ઉપજતી શોકની કાલિમા મનને ખિન્ન  કરી દે છે.

————-

કે પછી, આ માનવ મનનો પ્રતિભાવ છે?
ચીલાચાલુ દર્શન છે?
ત્યજાયેલા માળાને આપણે આમ જ
મૂલવવા ટેવાયેલા હોઈએ છીએ ને ?

     પક્ષીને મન તો માળો બનાવવો અને ત્યજી દેવો; એ સ્વાભાવિક પ્રક્રિયા જ હોય છે ને? દર વર્ષે, બધાં પંખીઓનાં જીવતરની આ જ રસમ હોય છે ને?  નવી વસંત, નવી જગ્યા, નવો માળો. નવો સંસાર.

      આપણને જ આપણા માળાની મમતા અને મોહ હોય છે. બહુ ઊંડી માયા હોય છે. અને માળા પણ કેટકેટલા? આપણી લગાવટો ઠેર ઠેર પથરાયેલી હોય છે. કશેક, ક્યારેક, કો’ક કારણે, કો’ક માળો વિખેરાયો અને આપણું મન ક્ષુબ્ધ બની જાય છે. શોકથી અભિભૂત બની જાય છે. એને છોડતાં આપણો જીવ નથી ચાલતો.

        કારણકે, આપણે વાનર જેવા મનના સ્વામી – માનવી છીએ. આમ જ માળાઓ સાથે માયા બાંધવાની અને તેમને ત્યજવા પડવાની વ્યથાઓ – એ આપણી નિયતિ હોય છે. આપણો અહંકાર આપણને આ બધી પળોજણમાં ફસાવે છે. આપણે આદરેલાને છોડવા માટે  આપણી જાતને અશકત માનતા રહીએ છીએ.

       પણ જો ગૌરવ અને ગરિમાપૂર્વક એમને છોડી શકીએ તો?

આપણે પણ
ઓલ્યા પંખીની જેમ
મૂક્ત ગગનમાં
સ્વૈરવિહાર કરવા
સક્ષમ છીએ જ. 

Comments are closed.

%d bloggers like this: