સૂરસાધના

ગુજરાતી લેખિનીમાં સ્વૈરવિહાર

સવારનો ઓડકાર – એક અવલોકન

        સવારનું બધું કામ પતી ગયું છે. ચા બની અને પીવાઈ ગઈ છે. બાળકોને નિશાળે લઈ જવાનો નાસ્તો એમનાં દફ્તરમાં પેક થઈને પડ્યો છે. મારો સવારનો દૂધ અને સિરિયલનો નાસ્તો પણ હજમ થઈ ગયો છે. સવારની દવા લેવાઈ ગઈ છે. બધાં વાસણ પણ ઊડકાઈને સૂકાઈ રહ્યાં છે. કુકિન્ગ પ્લેટફોર્મ સાફ અને સૂધરું બની ગયું છે.

       સવારનું એ સઘળું કામ સાવ રૂટિન હતું. કશું નવું નહીં. એ જ ચા , એજ નાસ્તો, એ જ દફ્તર, એ જ દવા, એ જ ઠામ, એ જ પોતું… અને એ જ જૂની પુરાણી રીત. એ જ રગશિયું ગાડું. એ જ રોજની રફ્તાર.

      પણ એ બધું પતાવીને,  આ કોમ્પ્યુટર પર બેઠો છું; ત્યારે સંતોષની એક લાગણી રોજ કેમ તૃપ્તિના ઓડકારની સાક્ષી પૂરે છે?  

      અને ત્યાં જ યાદ આવે છે – ‘ આવું જ કશુંક અવલોકન પહેલાં કર્યું હતું, ને?’ ‘ગદ્યસૂર’ની તવારીખ ચકાસું છું અને આ તરત શોધાઈ જાય છે.

        હા! આમ જ  કુકિન્ગ પ્લેટફોર્મનું અવલોકન કર્યું હતું!

               તો આજે વળી નવી શી વાત છે? વાત તો એ પણ જીવનની હતી; અને આ પણ જીવનની જ કરવાની છે. ફરક એટલો જ છે કે, જીવનના દરેક તબક્કે અને જીવનના અંતે આજની આ સવાર જેવો તૃપ્તિનો મીઠો ઓડકાર કાયમી રહે તો કેવું સારું? કશાના રગશિયાપણાંનો રંજ ન રહે. કોઈ ખાલીપો જ ન વર્તાય. હર ક્ષણ પૂર્ણતાનો ભાવ જ કાયમ બન્યો રહે. નવા/ જૂના બધા અનુભવો પ્રત્યે સમતા જ બનેલી રહે.   

         જીવવાની એવી રીત જો મળી જાય – તો બીજું કશું ન માંગું.

Comments are closed.

%d bloggers like this: