સૂરસાધના

ગુજરાતી લેખિનીમાં સ્વૈરવિહાર

કચરાપેટી – એક અવલોકન

       એક આધુનિક વસ્ત્રોની દુકાનના પ્રાંગણમાં બાંકડા પર હું બેઠો છું. સામે એક રૂપકડી કચરાપેટી (ડસ્ટ બીન) છે. અરે! કશું નહીં ને કચરાપેટીનું અવલોકન? હા! આજે કચરાપેટીનું અવલોકન. જે સમે, જે સૂઝે, તેનું અવલોકન, આજે દેખાવમાં રૂપકડી આ કચરાપેટીનું અવલોકન.  

       ભલે ને એ રૂપકડી હોય; છે તો કચરાપેટી જ ને? એની અંદર આંખો મીંચીને બધા કચરો નાંખી દે છે. કોઈ એની અંદર જોવાની હરકત કરતું નથી. અને કદાચ નજર પડી જાય તો પણ, મોં મચકોડી લે છે. એને ખાલી કરનારો એની પરનું ઢાંકણું ખોલતો હોવાને કારણે એનું વધારે નિરીક્ષણ કરી શકતો હશે- પણ એય મોં મચકોડીને જ તો!

     એના ઢાંકણ ઉપર સિગરેટની  રાખ અને બાકી બચેલા ઠુંઠાનો નિકાલ કરવા માટે છીછરું પાત્ર છે. એ તરત  હાથવગું થાય તેમ રાખેલું છે ; જેથી ધુમ્રપાન કરનારા , નીચે કચરાપેટીમાં સળગતી સિગરેટ ન નાંખે; આગ ન પ્રગટે.

      અને હમ્મેશ બનતું આવ્યું છે; તેમ માંકડા જેવું આ મન વિચારે ચઢી જાય છે. 

       આપણે કચરાપેટીઓને કે એવી તુચ્છ ચીજોને આવી જ રીતે જોવા ટેવાયેલા હોઈએ છીએ.
       સૂગ, અણગમો, ગંદા/ ગોબરાનું લેબલ.

     પણ એ કચરાપેટી છે તો આજુબાજુ હરિયાળી અને ઊડીને આંખે વળગે તેવી ચોખ્ખાઈ છે. દસ મહિના પહેલાં અમદાવાદ / જામનગર/ ભાવનગર/ વલસાડ/ પાલનપુર/ કાણોદરનાં વરવાં દૃષ્યો યાદ આવી ગયાં. જ્યાં નજર પડે ત્યાં કચરાના ઢગલે  ઢગલા. અરે! લીલાછમ્મ બગીચામાં પણ કાગળના ડૂચા અને છાંડી દીધેલી ખાદ્ય સામગ્રી, અને એની ઉપર કીડીઓની વણઝાર.

     કચરાપેટીઓનો અભાવ. સ્વચ્છતાની સૂઝનો અભાવ. અને ત્યાં તો એય કોઠે પડી ગયેલું છે. એ ગંદકી કોઈને ખટકતી નથી.

      પરિણામ? ૨૦૦૦ પહેલાંના ત્યાંના જીવનમાં દર વર્ષે બે ત્રણ વાર માંદગી, જીરણ તાવ, શરદી અચૂક મૂલાકાત લઈ લેતાં હતાં. ડોક્ટરને ત્યાં અવારનવાર હાજરી પૂરાતી હતી! અને હવે કોક વાર એમ થઈ આવે કે, એ નાનકડી માંદગી અહીં માણવા મળતી હોય તો? !

Advertisements

Comments are closed.

%d bloggers like this: