સૂરસાધના

ગુજરાતી લેખિનીમાં સ્વૈરવિહાર

જીવનની રમત

       આ કોઈ ફિલસૂફીની વાત નથી. ખરેખર રમતની વાત છે. એને મારા પ્રિય ‘હોબી વિશ્વ’   બ્લોગ પર તો મૂકવાનો જ છું; પણ પહેલાં અહીં.

     કારણ સાવ સરળ છે – આ ‘ગદ્યસૂર’ માટેનો પણ પ્રિય વિષય છે – કદાચ વધારે પ્રિય. ( આદતવશ, અંતે એક ફકરો ઉમેરવાની અંચાઈ કરું પણ ખરો હોં! આપણે તો ભાઈ રમતારામ!)

     વાત જાણે એમ છે કે, આધુનિક વૈજ્ઞાનિકોનાં જીવનનો ટૂંક પરિચય આપતી એક ચોપડી હાથમાં આવી ગઈ. એમાં નરસૈંયાની યાદ અપાવી દેનાર ‘બેનોઈટ મેન્ડરબ્રોટ’ મળી ગયો; એ જ રીતે જીવનની રમતનો સર્જક ‘જોહ્ન કોન્વે’ પણ મળી ગયો.

   ઓલ્યો તો બહુ જટીલ ‘કેઓસ થિયરી’ આપી ગયો – અને સરસ મજાનાં ભૌમિતિક પેટર્ન.  પણ આ જનાબ તો સાવ રમતિયાળ નીકળ્યા – જીવનની રમતના શોધક. અને સાચ્ચું કહું છું – અનેક વિડિયો ગેમો એની શોધ પરથી બની છે. અને આ જનાબ છે

 • શુધ્ધ ગણિતના ઉપાસક/ સંશોધક – ચાર વરસની ઉમ્મરથી ગણિતના ખાંટુ!
 • બીજું વિશ્વ યુદ્ધ શરૂ થયું તે ગાળામાં-૧૯૩૭માં જન્મેલ
 • કેમ્બ્રિજ યુનિ.માં પ્રાધ્યાપક હતા ત્યારે આ ‘ મહાન’ શોધ કરનાર
 • રોયલ સોસાયટીનો ફેલો ( એ કોઈ હાલી મવાલીને નો બની શકે!)
 • અત્યારે ન્યુ જર્સીની પ્રિન્સટન યુનિ. માં ગણિતના પ્રોફેસર! – જ્યાં આઈન્સ્ટાઈન જેવા મહાન સંશોધકો પાંગર્યા/ વિલસ્યા છે.

અને હવે આ પ્રતિભા પરિચય બાજૂએ મેલીને જીવનની રમતની વાત કરું – જેના એ સર્જક છે.

આ રમત સાવ સરળ છે. બહુ જ ઓછા નિયમોવાળી.

 • દૂર સુધી વિસ્તરેલા, અનેક ચોરસ ખાનાંઓ વાળો ગ્રાફ પેપર – એનું ફલક
 • એમાં અમૂક ખાનાંને જિવંત જાહેર કરો. એ કાં તો જીવતાં રહે અથવા મરી જાય. જીવતું હોય તો કાળો રંગ અને મરી જાય તો સફેદ. સ્વાભાવિક રીતે, આવા દરેક ખાનાની આજુબાજુ આઠ જ ખાનાં હોઈ શકે.
 • જો આ આઠ ખાનાંમાં કોઈક ખાનું જિવંત હોય કે, રમત દરમિયાન બને તો, તેના નિયમો આ રહ્યા-
  • જો બરાબર બે પાડોશી ખાનાં જિવંત હોય તો, બન્ને પોતપોપોતાની સ્થિતી જાળવી રાખે. જીવતા હોય તો જીવતા  રહે; અને મરેલા હોય તો મરેલા રહે.
  • જો ત્રણ પાડોશી ખાનાંમાં ‘ જીવ’  હોય, કે જીવ ભેળા થાય તો ત્રણે જિવંત બની જાય.
  • જો આ સિવાયની કોઈ પણ બીજી શક્યતા ઊભી થાય તો તે બધા ખાનાં મૃત બની જાય.

      હવે આપણે આ બધી ગડમથલમાં પડ્યા વગર આ કામ કોમ્પ્યુટરને સોંપી દઈએ; અને જુદી જુદી શરૂઆતની સ્થિતિ કેવો વિકાસ પામે છે – તે જોઈએ.

એક સાવ નાનકડી શક્યતા –

એક્સ્પ્લોડર - શરૂઆત

એક્સ્પ્લોડર - અધવચ્ચે

એક્સ્પ્લોડર - અંતમાં

અને થોડાક આવા જીવો (!) સાથે હોય તો, શું બને તેનો તબક્કાવાર ઘટનાક્રમ!

ગોસ્પર દુનિયા - શરૂઆત

ગોસ્પર દુનિયા - ૧

ગોસ્પર દુનિયા - ૨

ગોસ્પર દુનિયા - ૩

અને હવે તો બધાની  વિડિયો હોય , તો આની કેમ નહીં? જોઈ લો…

અને  ૩- ડીમાં પણ

આ રમત જાતે રમવી છે? અહીંથી ડાઉનલોડ કરો. (મેં તો ભાઈ! કરી, અને રમવાની જે મજા આવી છે! )

અને આ વિશે અઢઃળક જાણકારી આપવા ‘ગુગલ મહારાજ’ તૈયાર જ છે. ૨૪/૭/૫૨ !! માત્ર ‘ Game of Life’ એટલું જ ટાઈપ કરવાનું!

અને નોંધી લો – જેવો આને લગતો સંશોધન નિબંધ ‘સાયન્ટિફિક અમેરિકન’ માસિકમાં પ્રસિદ્ધ થયો, કે તરત આખી દુનિયાના ભેજાંગેપ મગજો આની ઉપર મચી જ પડ્યા. આ નિયમો અથવા બીજા નિયમો બનાવીને અવનવી સર્જન પ્રક્રિયાઓ શરૂ થઈ ગઈ. અને એવાં એવાં તો અવનવાં રૂપ, જીવ જીવ વચ્ચેની પ્રતિક્રિયાઓ સાથે સર્જાવા માંડ્યા.

અનેક શક્યતાઓ વાળાં બે પરિમાણ વાળાં અને અનેક પરિમાણ વાળાં વિશ્વો – અલબત્ત બધાં ગણિતીય જ.

અને હવે અવલોકન કાળ

આ તો વાત થઈ બહુ સિમિત ફલક પર અલ્પ જાતનાં અને અલ્પ નિયમો પાળતાં જીવન.

અને રિયલ વિશ્વમાં? કોણ એનો સર્જક? શા એ નિયમો? એ જે હોય તે.. દાદા ભગવાન યાદ આવી ગયા.

       ‘આખું જગત એક વ્યવસ્થિત રચના છે – અને એનો કોઈ બાપોય બનાવનાર નથી. બધી જ ઘટનાઓ એ વ્યવસ્થિત શક્તિના અનેક નિયમોને આધારે જ ઘટે છે.’

   આપણે એ સર્જક કોણ છે, એના નિયમો શા છે – એ તરખડમાં પડ્યા વિના, આપણે ફાળે આવી પડેલ રમત રમવાની મઝા માણીએ તો?

    આપણા જીવનમાં આપણે આપણા આગવા થોડાક જ, હકારાત્મક નિયમો બનાવીએ તો?

આપણી રમત ચોક્કસ પરિમાણ લેવા લાગશે.

Comments are closed.

%d bloggers like this: